________________
કેવળી પ્રભુનો સાથ
થીસીસના લખાણ વખતના અભ્યાસને કારણે કૃપાળુદેવનાં કેટલાંય વચનો સ્મૃતિબધ્ધ થઈ ગયા હતા, કાળ પાકતાં તે વચનોનાં રહસ્યો અને ઊંડાણ સમજાવા લાગ્યાં. કેટલીયે વાર વાસ્તવિક અનુભવથી સમજણ આવવા લાગી, અને તેમાં મને મારાં જીવનની સાર્થકતા અનુભવાવા લાગી. તેની સાથોસાથ આત્માની શુદ્ધિ વધારવાની મારી તાલાવેલી વધવા લાગી. આ તાલાવેલી તથા પ્રાર્થનાના કારણે મોક્ષમાર્ગમાં આગળ વધવા શું જરૂરી છે અને અગત્યનું છે તે સમજાવા લાગ્યું. ઇ.સ. ૧૯૬૮ના પર્યુષણથી અનેક આત્મિક અનુભવો થવાથી માર્ગનાં ભેદરહસ્યોની જાણકારી આવવા લાગી. મનમાં પ્રશ્ન ઊઠે અને થોડા કાળમાં શ્રી રાજપ્રભુ તરફથી મને તેનું યથાર્થ સમાધાન મળી જાય એવું બનવા લાગ્યું.
મહા મુનિઓ જંગલમાં ટાઢ, તાપ, વર્ષા આદિના પરિષહો વચ્ચે પોતાનો સમભાવ કેવી રીતે જાળવી શકે તે મને યથાર્થ સમજાતું ન હતું. પ્રભુની આજ્ઞામાં રહેવાથી આ બધું થાય છે તેની સામાન્ય જાણકારી હતી, પણ તેનો સાક્ષાત્ અનુભવ ન હતો. તેથી તેની યથાર્થ પ્રક્રિયાની કોઈ સ્પષ્ટતા આવતી ન હતી. એટલે એ વિશે સમજાવવા હું રાજપ્રભુને વારંવાર વિનંતિ કરતી. તે વખતે અમુક અનુભવો કરાવી તેનાં ભેદરહસ્યો પ્રભુએ મારી પાસે ખૂલ્લાં કર્યાં હતાં. અમુક ઉદાહરણથી સમજાવવા રજા લઉં છું.
એ વર્ષોમાં હું વકીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી.માં કામ કરતી હતી. બપોરે ભર તડકે ઘેર જમવા જાઉં, ત્યારે એવા બળબળતા તાપમાં શરીર એવું ઠંડુ થઈ જાય કે તાપ કેટલો છે તેની ખબર જ ન પડે. આવો અનુભવ કરાવી પ્રભુ મને સમજાવતા કે પ્રભુની આજ્ઞામાં રહીએ તો શરીરને તાપ ન નડે, પ્રભુ જ આપણું રક્ષણ કરે. ઠંડીના પ્રસંગમાં શરીરમાંથી ગરમી નીકળી આજુબાજુનું વાતાવરણ હુંફાળું કરી નાખે, તેથી ઠંડીની અસર જણાય જ નહિ. આવો અનુભવ કરાવી પ્રભુ સમજાવતા કે પ્રભુની આજ્ઞામાં રહેવાથી શરીરને ઠંડી પીડા પહોંચાડી શકતી નથી. આ રીતે મુનિઓ પ્રભુની આજ્ઞામાં અને કૃપામાં વર્તી બધા પરિષહોને જીતી શકે છે. મને યથાર્થ સમાધાન મળી ગયું હતું.
xiv