________________
મોક્ષમાર્ગમાં શ્રુતજ્ઞાનની ઉપયોગિતા - મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. તેથી જ્ઞાન મોક્ષમાર્ગમાં અનિવાર્ય છે.
જ્ઞાનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનના કા૨ણ રૂપે અધિગમ-ગુરૂનો ઉપદેશ બતાવાયો છે, જે શ્રુતજ્ઞાન રૂપ છે.
તેમ જ્ઞાનથી સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે, તે પૂર્વે જણાવ્યું છે. ચારિત્રના પાલન માટે પણ જ્ઞાન આવશ્યક છે. શાસ્ત્રકારે કહ્યું જ છે - ‘પહેલું જ્ઞાન અને પછી દયા.' જેને આચારનું જ્ઞાન નથી તે આચાર પાળે શી રીતે ? જેને જીવો ક્યાં છે તે ખબર નથી, તે જીવોને બચાવે શી રીતે ? જ્ઞાન વિના ચારિત્રનું પાલન શક્ય નથી.
એટલે જ શાસ્ત્રકારોએ ઠેર-ઠેર જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે.
સાધુ ભગવંતોને દિવસ-રાતમાં થઇને પાંચ પ્રહર (૧૫ કલાક) સ્વાધ્યાય જ કરવાનો છે.
જ્ઞાન ભણવા માટે જરૂર પડે તો લાંબા વિહારો કરીને (તેમાં અનિવાર્યપણે દોષો સેવવા પડે તો સેવીને પણ) દૂર સુધી જવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે.
સ્થૂલભદ્ર સ્વામી વિગેરે ભણવા માટે નેપાળ ગયા હતા. હીરસૂરિજી મહારાજ દક્ષિણમાં દેવગિરિ, યશોવિજયજી ઉપાધ્યાય કાશી ગયા હતા.
પોતાના ગુરુ ભણાવી શકે તેમ ન હોય તો તેમની રજા લઇને બીજાની પાસે ભણવા જવાની પણ છૂટ આપવામાં આવી છે.
પર્યાપ્ત પ્રમાણમાં અભ્યાસ કરી ચૂકેલા સાધુને ‘ગીતાર્થ’ કહેવામાં આવે છે. જે સાધુ ‘ગીતાર્થ’ નથી તેને સ્વતંત્ર વિચરવાની મનાઇ કરવામાં આવી છે. ગીતાર્થની આજ્ઞામાં રહેવું અને બધું જ તેમને પૂછીને, તેમણે કહ્યા મુજબ ક૨વું ફરજિયાત છે.
સાધુને તપ પણ એ રીતે જ કરવાનો છે, જેથી જ્ઞાનની-સ્વાધ્યાયની હાનિ ન થાય.
વિહાર અને સ્થિરતા માટેની ક્ષેત્રોની પસંદગી કરવામાં પણ જ્ઞાનની હાનિ ન થાય, તે જોવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે.
ઘણાં સાધુઓ સાથે વિચરે તેમાં ઘણાં દોષોની સંભાવના હોય છે.
જ્ઞાનનું સ્વરૂપ
૨૬