________________
આમાં ચરણકરણાનુયોગ મોક્ષમાર્ગમાં સાક્ષાત્ ઉપયોગી છે. તે તો સ્પષ્ટ છે. તેથી તે પ્રધાન છે. બાકીના અનુયોગ તેની રક્ષક વાડ સમાન કહેવાયા છે.
ચરણકરણાનુયોગમાં કહેલા પદાર્થોને સરળતાથી સમજવા, યાદ રાખવા, દઢ કરવા ધર્મકથાનુયોગ ઉપયોગી છે. આપણે અનુભવીએ છીએ કે દૃષ્ટાંત દ્વારા પદાર્થ જલદી અને સારી રીતે સમજાય છે. જેમ સુપાત્રદાનનું ફળ કોઇએ કહ્યું હોય તે ભૂલી જવાય છે, પણ શાલિભદ્રને સુપાત્રદાનના પ્રભાવે ૯૯ દેવતાઇ પેટી રોજ ઉતરતી હતી, તે વાત ભૂલાતી નથી.
દ્રવ્યાનુયોગ પણ અનેક રીતે ઉપયોગી છે.
અ. ચરણકરણાનુયોગને સમજવા માટે દ્રવ્યાનુયોગનું જ્ઞાન જરૂરી છે. દા.ત. જીવહિંસા ત્યાજ્ય છે. તે ચરણકરણાનુયોગમાં આવશે. પણ જીવ ક્યાં છે, ક્યાં નથી ? શેનાથી હિંસા થાય ? વિ. વાતો દ્રવ્યાનુયોગમાં આવશે. તેના વિના એ ઉપદેશનું પાલન શક્ય નથી.
બ. દ્રવ્યાનુયોગમાં ઊંડાણ ઘણું હોય છે. તેના ચિંતનમાં મન અત્યંત એકાગ્ર બની જાય છે. તેથી સંકલ્પ-વિકલ્પોનો નાશ થાય છે અને પ્રચુર કર્મનિર્જરા થાય છે. ઉત્કૃષ્ટ ગણાતા શુક્લધ્યાનમાં દ્રવ્યાનુયોગના આધારે જ ચિંતન થતું હોય છે.'
આ અપેક્ષાએ દ્રવ્યાનુયોગને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.
ક. દ્રવ્યાનુયોગમાં બતાવેલા સૂક્ષ્મ પદાર્થોથી પ્રભુની સર્વજ્ઞતા પર દઢ શ્રદ્ધા થાય છે. સમ્યગ્દર્શન નિર્મળ થાય છે.
તેમ સ્યાદ્વાદના અભ્યાસથી પણ સમ્યગ્દર્શન નિર્મળ થાય છે.
ગણિતાનુયોગનો ઉપયોગ શુભકાર્યો માટે શુભ મુહૂર્ત જોવા આદિ માટે થાય છે.
અંતિમ ૧૦ પૂર્વધર વજસ્વામી થયા. તેમના પછી આર્યરક્ષિતસૂરિ મ. ૯ો પૂર્વે જ ભણી શક્યા. તેમણે જોયું કે તેમની પછીના સાધુઓ તેટલું પણ યાદ રાખી શકતા ન હતા. તે કાળે ચારે અનુયોગ દરેક સૂત્રમાં હતા, પણ મંદબુદ્ધિના કારણે તે સમજવા અઘરા પડતા હોવાથી આર્યરક્ષિતસૂરિ મહારાજે ચારે અનુયોગ જુદા કરી નાખ્યા અને તેના સૂત્રો નિશ્ચિત કરી દીધા.
જીવનનું અમૃત
૨૫