Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જેન તદષ્ટિ ૩૮૧ મગજને નુકસાન થયું હોય, એની વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ જ ન રહી હોય, એની પાસે વાચા ન હોય અથવા વાચા ચાલી ગઈ હોય, એના અસ્તિત્વની ભૌતિક દૃષ્ટિએ કશી જ ઉપયોગિતા ન રહી હોય, બલકે એથી ઘણાંને ત્રાસ થતો હોય તેવે વખતે વ્યક્તિના હિતનો વિચાર કરી સ્વજનો અને દાક્તરો સાથે મળીને એ નિર્ણય કરે. (૨) વ્યક્તિની શારીરિક અને માનસિક યાતના ઘણીબધી હોય ત્યારે એની ઇચ્છા જાણ્યા વગર કે એને જણાવ્યા વગર સ્વજનો અને દાક્તરો એના જીવનનો અંત આણવાનો નિર્ણય કરે. અલબત્ત, આ પ્રકાર ઘણો ગંભીર છે અને મનુષ્યવધના ગુના તરીકે તે લખી શકાય છે. દયાપ્રેરિત હત્યાના વિષયની વિચારણા, ભૌતિકવાદીઓ એક રીતે કરવાના, ધર્મનેતાઓ બીજી રીતે કરવાના. વળી સમાજશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને તબીબો જુદી જુદી રીતે એનો વિચાર કરવાના. દરેકને પોતપોતાનો જુદો દૃષ્ટિકોણ હોય એ સ્વાભાવિક છે. દુનિયાની વધતી જતી વસ્તી અને વધતી જતી સંખ્યાઓના પરિપ્રેક્ષ્યમાં લોકો ભિન્ન ભિન્ન રીતે એનો વિચાર કરે એ સ્વાભાવિક છે. આપઘાત અને ગર્ભપાતના જેવો જ આ વિવાદાસ્પદ વિષય રહેવાનો. જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું જાય છે, જીવનને લંબાવવાની અને પીડાને ઓછી કરવાની નવી નવી શોધો થતી જાય છે, સામાજિક પરિસ્થિતિ અને રહેણીકરણી બદલાતી જાય છે, આર્થિક સમસ્યાઓ ઊભી થતી જાય છે, સરકારની જવાબદારીઓ વધતી જાય છે, તબીબી સારવાર અતિ ખર્ચાળ અને બોજારૂપ બનતી જાય છે, તેમ તેમ દયાપ્રેરિત હત્યાનો વિષય નવા નવા સંદર્ભમાં જોવાય છે. મોટાં કુટુંબો કરતાં બેત્રણ સભ્યોનાં નાનાં કુટુંબોમાં આ પ્રશ્ન વધુ ગંભીર બની રહે છે. દુનિયામાં જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે કેટલાક ધર્મો જન્માન્તરમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. બીજી બાજુ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતા નથી, એટલે દયાપ્રેરિત હત્યાના વિષયની ચર્ચા પુનર્જન્મમાં માનતા ધર્મની દૃષ્ટિએ એક પ્રકારની રહેવાની અને પુનર્જન્મમાં ન માનનારા ધર્મની દૃષ્ટિએ જુદા પ્રકારની રહેવાની. વળી જેઓ ધર્મમાં કે આત્મામાં બિલકુલ જ માનતા નથી એવા ભૌતિકવાદીઓની દૃષ્ટિ પણ આ બાબતમાં જુદી રહેવાની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14