Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249449/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ જગતમાં જન્મની જેટલી સમસ્યાઓ હોય છે તેના કરતાં મૃત્યુની સમસ્યાઓ ઘણી વધારે રહેવાની. સંસારમાં જન્મ-મરણનું ચક્ર પ્રતિક્ષણ ચાલ્યા કરે છે. મૃત્યુ કાળક્રમે નૈસર્ગિક રીતે આવ્યા વિના રહેવાનું નથી. એના આવવાની સમયાવધિ પહેલાં અકસ્માત, ખૂન, રોગચાળો, યુદ્ધ, દુકાળ, પૂર વગેરે દ્વારા અકાળે, અનિચ્છાએ એ આવે છે. સ્વેચ્છાએ પોતાના જીવનનો અચાનક અંત આણવાના પ્રયાસો આત્મહત્યા દ્વારા થાય છે. દુનિયાના કેટલાક દેશોમાં આત્મહત્યા કાયદેસર ગણાય છે અને કેટલાક દેશોમાં કાયદાની દૃષ્ટિએ એ ગુનો લેખાય છે. વૃદ્ધ, બીમાર, વિકલાંગ, ભયંકર વિરૂપ, લાચાર કે અશક્ત માણસનું વેદનાને કારણ જીવન જ્યારે અસહ્ય, બોજારૂપ કે નાલેશીભર્યું બની જાય છે અને મૃત્યુ વહાલું કે છુટકારારૂપ લાગે છે અને તેની વેદના નજરે જોવી એ બીજાઓને દુઃખમય લાગે છે ત્યારે દયાના ભાવથી પ્રેરાઈને એના જીવનનો અંત આણવો કે કેમ એ પ્રશ્નની ચર્ચા અઢી હજાર કરતાં વધુ વર્ષથી થતી આવી છે. આ પ્રકારની ઘટના માટે યૂથનેશિયા (યુથેનેઝિયા euthanasia), mercy killing, દયાપ્રેરિત હત્યા, દયાપ્રેરિત મૃત્યુ વગેરે શબ્દપ્રયોગો થયા છે; જોકે તે દરેકમાં થોડો થોડો અર્થફેર રહ્યો છે, તો પણ તેનો મુખ્ય ધ્વનિ તો એનો એ જ રહ્યો છે. euthanasia મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો સાદો અર્થ થાય છે સરળ અને શાંત મૃત્યુ. ઑક્સફર્ડ ડિક્શનરીમાં એનો અર્થ આપ્યો છે 'euthanasia-gentle and easy death; bringig about of this especially in case of incurable and painful disease.” સમય જતાં યુથનેશિયા શબ્દ થોડા વિશાળ અર્થમાં વપરાવા લાગ્યો. જે માણસની શારીરિક પીડા અસહ્ય હોય અને જેના જીવલેણ દર્દનો કોઈ જ ઉપાય ન રહ્યો હોય અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય એવા દર્દીના જીવનનો, માનવતાની દૃષ્ટિએ, દયાભાવથી પ્રેરાઈને Page #2 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વષ્ટિ ઝેરી દવા આપીને કે અન્ય રીતે, વહેલો અંત આણવો એનું નામ યૂથેનેશિયા. અઢી હજાર વર્ષ પૂર્વે પ્રાચીન ગ્રીસમાં પ્લેટો, ઍરિસ્ટૉટલ, સૉક્રેટીસ વગેરેએ આ પ્રશ્નની છણાવટ કરી હતી. સેનેકાએ કહ્યું હતું કે “Just as I choose a ship to sail in or a house to live in, so I choose a death for my passage from life." - યૂથેનેશિયાનો આ પ્રશ્ન ઘણો નાજુક છે. એમાં એક બાજુ લાગણી અને ભાવના રહેલાં છે, તો બીજી બાજુ બુદ્ધિ અને તર્ક રહેલાં છે. એટલે જ એની ચર્ચા આજદિવસ સુધી ચાલ્યા કરી છે. કેટલાકે એનું સમર્થન કર્યું છે તો કેટલાકે એનો વિરોધ પણ કર્યો છે. દાક્તરો, ન્યાયાધીશો, રાજ્યકર્તાઓ, સમાજસેવકો, અર્થશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, ધર્માચાર્યો વગેરે ક્યારેય આ વિષયમાં સર્વસંમત થયા નથી, કારણ કે એમાં ધર્મ, નીતિ, સદાચાર, તબીબી નીતિમત્તા અને આચારસંહિતા, કાયદો અને ન્યાય, સામાજિક પ્રત્યાઘાતો, આર્થિક સંજોગો, ગેરરીતિનાં ભયસ્થાનો, માનસશાસ્ત્રીય પ્રશ્નો ઇત્યાદિ ઘણી બાબતો સંકળાયેલી છે. ૩૦૯ યૂથેનેશિયા માટે ઈ. સ. ૧૯૩૧-૩૨માં ઇંગ્લૅન્ડમાં ડૉ. કિલિક મિલાર્ડે ઝુંબેશ ઉપાડી હતી અને તે માટે એક સોસાયટીની સ્થાપના કરી હતી. તેવી જ રીતે ઈ. સ. ૧૯૩૮માં અમેરિકામાં યૂથેનેશિયા સોસાયટીની સ્થાપના થઈ હતી, પરંતુ ઇંગ્લૅન્ડે કે અમેરિકાએ તેને કાયદેસરની માન્યતા આપી નહોતી. અપવાદરૂપ એકાદ-બે દેશો સિવાય દુનિયાના તમામ દેશોમાં યૂથેનેશિયા કાયદેસર ગુનો લેખાય છે અને તે માટે સજા થાય છે. કોઈક કિસ્સાઓમાં સમગ્ર પરિસ્થિતિને લક્ષમાં લઈ ન્યાયાધીશે ગુનેગારને માફી આપી હોય તે જુદી વાત છે. યૂથેનેશિયા જેવા ગ્રીક શબ્દ માટે વખત જતાં અંગ્રેજીમાં mercy killing જેવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે. પરંતુ એ શબ્દપ્રયોગ માટે બધા સંમત નથી, કારણ કે mercy અને killing એ બંને શબ્દો પરસ્પર વિરુદ્ધ અર્થવાળા છે અને killing શબ્દ બહુ ભારે અને આક્રમક સ્વરૂપનો લાગે છે, એટલા માટે કેટલાક mercy cnding જેવો શબ્દપ્રયોગ સૂચવે છે, પણ તે પ્રચલિત થયો નથી. ગુજરાતીમાં ‘દયાપ્રેરિત હત્યા’ જેવો શબ્દપ્રયોગ થાય છે. પણ તેમાં ‘હત્યા’ શબ્દ ભારે લાગે છે. ‘દયાપ્રેરિત જીવન-અંત’ જેવો શબ્દપ્રયોગ પણ સ્પષ્ટ અર્થસૂચક જણાતો નથી, કારણ કે બીમાર વ્યક્તિએ પોતે નહિ, પણ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જિનતત્ત્વ બીજાએ આ કૃત્ય કરવાનું હોય છે. euthanasial અને mercy killing વચ્ચે થોડો અર્થફેર હશે, તો પણ એકબીજાના પર્યાય તરીકે તે વપરાય છે. માનવીને જેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર હોવો જોઈએ તેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવનનો અંત લાવવાનો-મરવાનો અધિકાર પણ હોવો જોઈએ, એ તર્ક સાચો હોય તોપણ દયાપ્રેરિત હત્યાની બાબતમાં એ તર્ક કેટલો સાચો છે અને કેટલો ભ્રામક છે એ વિચારણીય છે. મનુષ્ય પોતાના જીવનનો માલિક છે. એ અર્થમાં પોતાના જીવનનો અંત આણતાં એટલે કે આત્મહત્યા કરતાં એને રોકવાનું સહેલું નથી. આત્મહત્યાના સ્વરૂપનો અને એનાં વિવિધ પાસાંઓનો વિચાર અહીં કરવા જતાં લેખ ધણો મોટો થઈ જશે, એટલે તેની વિચારણા ન કરતાં, કોઈક વ્યક્તિ દયાના ભાવથી પ્રેરાઈને અન્ય વ્યક્તિની હત્યા કરે તો તે કેટલે અંશે યોગ્ય છે - ફક્ત તેનો વિચાર માત્ર કેટલીક અપેક્ષાએ અહીં કરીશું. હવે તો મોત આવે તો સારું, કે જેથી જલદી છૂટાય'-એવો ભાવ કે વિચાર જ્યારથી માનવજાતમાં જન્મ્યો હશે ત્યારથી એટલે કે હજારો વર્ષથી અથવા આદિકાળથી એક અથવા અન્ય પ્રકારે આ પ્રકારની વિચારણા થતી આવી છે. દયાપ્રેરિત હત્યા એ શબ્દો જ કેટલાકની દૃષ્ટિએ પરસ્પરવિરુદ્ધ છે. જ્યાં હત્યા છે ત્યાં દયા હોઈ શકે નહિ અને જ્યાં સાચી દયા છે ત્યાં વ્યક્તિની હત્યાનો ભાવ જન્મી શકે નહિ. એટલે આ વિષયને દયાપ્રેરિત હત્યાને બદલે ‘નિર્દયતા-પ્રેરિત હત્યા” તરીકે જ દર્શાવવો જોઈએ એમ કેટલાકને લાગે છે. હત્યા શબ્દમાં ક્રૂરતાનો ભાવ હોવાને કારણે કેટલાક લોકો ‘દયાપ્રેરિત મૃત્યુ એવો શબ્દપ્રયોગ કરે છે, પરંતુ એ શબ્દપ્રયોગ ભ્રામક નીવડવાનો સંભવ છે, કારણ કે ત્યાં સ્વાભાવિક મૃત્યુની વાત નથી, પરંતુ બીજા કોઈક દ્વારા અચાનક જીવનનો અંત આણવાની વાત છે. એટલે એ માટે “મૃત્યુ” કરતાં હત્યા' શબ્દ વધુ યોગ્ય મનાય છે. દયાપ્રેરિત હત્યાના કિસ્સાઓમાં પણ જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી શકે છે, જેમ કે (૧) અસહ્ય પીડા ભોગવતી બીમાર વ્યક્તિના જીવનનો અંત આણવાનો નિર્ણય એવી વ્યક્તિની આજીજીપૂર્વકની વિનંતીથી, એની પૂરેપૂરી સંમતિથી કરવામાં આવે. (૨) બીમાર વ્યક્તિ મંદ બુદ્ધિની હોય, એના Page #4 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જેન તદષ્ટિ ૩૮૧ મગજને નુકસાન થયું હોય, એની વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ જ ન રહી હોય, એની પાસે વાચા ન હોય અથવા વાચા ચાલી ગઈ હોય, એના અસ્તિત્વની ભૌતિક દૃષ્ટિએ કશી જ ઉપયોગિતા ન રહી હોય, બલકે એથી ઘણાંને ત્રાસ થતો હોય તેવે વખતે વ્યક્તિના હિતનો વિચાર કરી સ્વજનો અને દાક્તરો સાથે મળીને એ નિર્ણય કરે. (૨) વ્યક્તિની શારીરિક અને માનસિક યાતના ઘણીબધી હોય ત્યારે એની ઇચ્છા જાણ્યા વગર કે એને જણાવ્યા વગર સ્વજનો અને દાક્તરો એના જીવનનો અંત આણવાનો નિર્ણય કરે. અલબત્ત, આ પ્રકાર ઘણો ગંભીર છે અને મનુષ્યવધના ગુના તરીકે તે લખી શકાય છે. દયાપ્રેરિત હત્યાના વિષયની વિચારણા, ભૌતિકવાદીઓ એક રીતે કરવાના, ધર્મનેતાઓ બીજી રીતે કરવાના. વળી સમાજશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને તબીબો જુદી જુદી રીતે એનો વિચાર કરવાના. દરેકને પોતપોતાનો જુદો દૃષ્ટિકોણ હોય એ સ્વાભાવિક છે. દુનિયાની વધતી જતી વસ્તી અને વધતી જતી સંખ્યાઓના પરિપ્રેક્ષ્યમાં લોકો ભિન્ન ભિન્ન રીતે એનો વિચાર કરે એ સ્વાભાવિક છે. આપઘાત અને ગર્ભપાતના જેવો જ આ વિવાદાસ્પદ વિષય રહેવાનો. જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું જાય છે, જીવનને લંબાવવાની અને પીડાને ઓછી કરવાની નવી નવી શોધો થતી જાય છે, સામાજિક પરિસ્થિતિ અને રહેણીકરણી બદલાતી જાય છે, આર્થિક સમસ્યાઓ ઊભી થતી જાય છે, સરકારની જવાબદારીઓ વધતી જાય છે, તબીબી સારવાર અતિ ખર્ચાળ અને બોજારૂપ બનતી જાય છે, તેમ તેમ દયાપ્રેરિત હત્યાનો વિષય નવા નવા સંદર્ભમાં જોવાય છે. મોટાં કુટુંબો કરતાં બેત્રણ સભ્યોનાં નાનાં કુટુંબોમાં આ પ્રશ્ન વધુ ગંભીર બની રહે છે. દુનિયામાં જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે કેટલાક ધર્મો જન્માન્તરમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. બીજી બાજુ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતા નથી, એટલે દયાપ્રેરિત હત્યાના વિષયની ચર્ચા પુનર્જન્મમાં માનતા ધર્મની દૃષ્ટિએ એક પ્રકારની રહેવાની અને પુનર્જન્મમાં ન માનનારા ધર્મની દૃષ્ટિએ જુદા પ્રકારની રહેવાની. વળી જેઓ ધર્મમાં કે આત્મામાં બિલકુલ જ માનતા નથી એવા ભૌતિકવાદીઓની દૃષ્ટિ પણ આ બાબતમાં જુદી રહેવાની. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જિનતત્ત્વ પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં વસતા અને પુનર્જન્મમાં ન માનનારા, સ્વકેન્દ્રી ભૌતિકવાદી વિચારણા ધરાવનારા, પોતાના વર્તમાન અંગત જીવનને સુખસગવડમય બનાવવાની ઇચ્છા રાખનારા લોકોમાં યૂથનેશિયાનો પ્રચાર વિશેષ જોવા મળશે. જે કેટલાક દેશોમાં તમામ તબીબી સારવાર સરકાર તરફથી અપાય છે એવા દેશોમાં ભારે સરકારી ખર્ચે આવા દર્દીઓની નિરર્થક જિંદગી લંબાવાય તે સામે સરકારી કરવેરા ભરનારાઓ તરફથી ઊહાપોહ પણ થાય છે. એ દેશોમાં ગુપ્ત રીતે, પકડાયા વિના યૂથનેશિયાનો અમલ થતો હોય એવા અનેક કિસ્સાઓ પ્રતિવર્ષ બને છે. પકડાય અને સજા થાય એવા કિસ્સાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. કોઈએ કંટાળી જઈને પોતાના સ્વજનની પ્રાણવાયુની કે ખોરાક માટેની નળી ખેંચી કાઢીને તેનું વહેલું મૃત્યુ નિપજાવ્યાના કિસ્સાઓ પકડાયા છે અને તે માટે સજા પણ થઈ છે. દયાપ્રેરિત હત્યાના વિષયમાં યુવાન વ્યક્તિની હત્યા અને વૃદ્ધ વ્યક્તિની હત્યાનો વિચાર પણ જુદી જુદી રીતે થવો જોઈએ. શારીરિક પીડાથી બહુ જ રિબાતી યુવાન વ્યક્તિ પોતે ક્યારેક એમ કહેતી હોય છે કે હવે તો મોત જલદી આવે તો છૂટું ' એ જ વ્યક્તિ પોતાનું દર્દ શમી જતાં અને રોગ મટી જતાં ફરી પાછી સ્વસ્થ બની જાય છે અને એને એમ લાગે છે કે તે વખતે મૃત્યુ ન આવ્યું તે સારું થયું; મૃત્યુની સમીપ જઈ આવવાના કારણે પછીથી તેની જીવનદૃષ્ટિ પણ બદલાઈ જાય છે. એવી રીતે બચી ગયેલી કેટલીક વ્યક્તિઓ શેષ જીવન વધુ સાર્થક રીતે જીવી શકે છે. કેટલીક વાર વ્યક્તિ પોતે દર્દથી બહુ રિબાતી હોય, આગ કે અકસ્માતથી ચહેરો વિકરાળ બની ગયો હોય, શરીર ચીતરી ચડે એવું દુગંધમય બની ગયું હોય તો પણ એને પોતાને મરવું ગમતું નથી. બીજી બાજુ સગાંસંબંધીઓને એમ થાય કે હવે એ વ્યક્તિ દુ:ખમાંથી છૂટે તો સારું. આવી જ્યાં વિસંગત પરિસ્થિતિ હોય તેવે વખતે પણ દયાપ્રેરિત હત્યાની છૂટવાળા કાયદાનો ગેરલાભ લેવાય અથવા બિનજરૂરી ઉતાવળ થઈ જાય એવી શક્યતા રહે છે. વળી, બીમાર વ્યક્તિના થાકેલા કે મંદ પડેલા ચિત્તની અસ્વસ્થતાને કારણે નિર્ણયની અસ્થિરતા પણ રહેવાનો સંભવ હોય છે. અસ્વસ્થ હોય ત્યારે પોતે મૃત્યુ વાંછે અને સ્વસ્થતા આવે ત્યારે પોતાને જીવવું ગમે એવી વારંવાર બદલાતી પરિસ્થિતિમાં હત્યાનો નિર્ણય લેવાનું કેટલે અંશે ડહાપણભર્યું છે તે પ્રશ્ન પણ રહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૩૮૩ કોઈક વ્યક્તિને જ્યારે અસહ્ય શારીરિક પીડા થતી હોય ત્યારે મોતની ઇચ્છા કરે પણ ખાવાનું આપવામાં આવે ત્યારે એને ગમે, એને ભાવે, એમાં એટલો જ રસ પડે, તો તે વ્યક્તિની મૃત્યુની ઇચ્છા ક્ષણિક અને સંયોગવશાત્ છે એમ સમજાય. વસ્તુત: એને જીવવું ગમે છે એવો જ અર્થ થાય. આવી વિસંગત પરિસ્થિતિમાં એની મૃત્યુની ઇચ્છાને કેટલી ગંભીર ગણવી એ વિચારણીય પ્રશ્ન છે. એક તરફ પોતાના જીવનનો અંત આણવો છે અને બીજી બાજુ પોતાના જીવનનું પોષણ પણ કરવું છે એવી બેય ઇચ્છાઓ એક સાથે અથવા વારાફરતી ન થાય એવું નથી. જીવન અને મૃત્યુની સમસ્યા આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. મનુષ્યના ચિત્તના વ્યાપારો કેટલા બધા ચંચલ અને સંકુલ હોય છે એની પ્રતીતિ આવે વખતે થાય છે. અસહ્ય પીડા ભોગવતી જે વ્યક્તિ ખરેખર મૃત્યુની ઇચ્છા જાગ્રતપણે ધરાવતી હોય તે વ્યક્તિ પોતાના જીવનનો અંત બીજાઓ દ્વારા આણવામાં આવે એવી ઇચ્છા કરવાને બદલે પોતે સ્વેચ્છાએ આહાર-પાણી લેવાનું સદંત૨ બંધ કરે તો તેના જીવનનો જલદી અંત આવી શકે છે. તેમાં કાયદાનો કોઈ પ્રશ્ન આવતો નથી. જે માણસો અતિશય વેદના ભોગવતી વખતે એમ બોલતા હોય છે કે ‘હે ભગવાન ! હવે તો મોત આવે તો સારું', એવા કેટલાક યુવાનો કે વૃદ્ધો જ્યારે ખરેખર મૃત્યુ આવીને ઊભું રહે છે ત્યારે તેનાથી દૂર ભાગવાનો વિચાર કરતા હોય છે. જે કેટલાક લોકો અંતિમ અવસ્થાનું દર્દ, આખરી માંદગી કે terminal diseaseના તબક્કામાં હોય છે, અને મૃત્યુ હવે બેચાર દિવસમાં પોતાનો કોળિયો કરી જશે એવો ભાસ થાય છે ત્યારે અત્યંત અસ્વસ્થ થઈ જાય છે. અલબત્ત કેટલાક એવા પણ હોય છે કે જેઓ તે સમયે જાગ્રત અવસ્થામાં સમાધિપૂર્વકની શાંતિ અનુભવતા હોય છે. પરંતુ તેમની ટકાવારી ઘણી ઓછી હોવાની. કોઈક વાર એવા બનાવ પણ જોયા કે સાંભળ્યા છે કે જ્યારે કોઈ એક વૃદ્ધ વ્યક્તિ બીમાર હોય, બેભાન અવસ્થામાં હોય અને ડૉક્ટરોની ટીમે બધા રિપૉર્ટને આધારે એવો અભિપ્રાય આપ્યો હોય કે આ વ્યક્તિ હવે ગણતરીના કલાકોમાં જ પોતાનો દેહ છોડશે, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એવી ઘટના બને છે કે એ બેભાન વ્યક્તિ ભાનમાં આવે છે, આંખ ખોલે છે, ઉપચારો થતાં Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જિનતત્ત્વ એના શરીરમાં ફરી પાછું ચેતન આવે છે અને સ્વસ્થ થઈ એ ઘરે જાય છે. એનું આરોગ્ય પાછું સારું થાય છે અને ઘણાં વર્ષ સુખેથી તે પસાર કરે છે. વૃદ્ધ હોવા છતાં પણ નવજીવનરૂપે મળેલાં એ વર્ષો જીવનને વધુ કૃતાર્થ કરે છે. કોઈક વાર એવી ઘટના પણ બનતી સાંભળવા મળે છે કે પોતાના કુટુંબની એક વૃદ્ધ વડીલ વ્યક્તિ માંદી પડે છે. તેને હૉસ્પિટલમાં રાખવામાં આવે છે. તેનું જીવન બચાવી લેવા માટે ઉપચારો કરવામાં આવે છે, પરંતુ એ ઉપચાર બહુ મોંઘા હોય છે, છતાં નછૂટકે મન વગર એ કરવા પડે છે. અથવા ક૨વાની સગાંસંબંધીઓ તરફથી ફરજ પાડવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પાંચ-પંદર દિવસ તબીબી ઉપચારોથી વધુ જીવે છે, પરંતુ એથી એનું કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. ક્યારેક તે કુટુંબ મોટા દેવામાં ઊતરી પડે છે. એવે વખતે ઘરનાં સ્વજનોને જનાર વ્યક્તિ માટે એટલો બધો ઉત્કટ સ્નેહરાગ નથી હોતો અને આર્થિક તકલીફને કારણે પોતાના કુટુંબની વ્યક્તિ માટે ‘મરતા ગયા અને અમને મારતા ગયા' એવો ભાવ તેઓ અનુભવે છે. કુટુંબનીજનો પોતાના ભાવ લોકભયને કારણે વ્યકત નથી કરતાં, પરંતુ મનમાં તો એમ ઇચ્છે કે જનાર વ્યક્તિ હવે જલદી છૂટે તો સારું. વૃદ્ધ, બીમાર અને રિબાતી વ્યક્તિના જીવનનો એની ઇચ્છાનુસાર જલદી અંત આણવાના નીતિ-સિદ્ધાંતનો દુરુપયોગ થવાનો પણ સંભવ રહે છે. બીમાર વ્યક્તિને કારણે પોતાને માથે ચાકરી કરવાની આવી પડેલી તક્લીફમાંથી છૂટવાનો આશય તો હોય જ છે, પરંતુ તે ઉપરાંત એ વ્યક્તિનાં માલમિલકતનો વારસો મેળવવાની ઉતાવળ પણ હોય છે. ક્યારેક વારસાનો હક ધરાવનાર એક કરતાં વધારે વ્યક્તિ હોય અને તેઓમાં માંહોમાહે વારસા માટે ઝઘડા ચાલતા હોય ત્યારે દયાપ્રેરિત હત્યા જો કાયદેસર હોય તો તેનો કોઈ ગેરલાભ ઉઠાવી જાય એવી શક્યતા રહે છે. અલબત્ત, આવા દુરુપયોગને અટકાવવાના ઉપાયો ન થઈ શકે એમ નથી. પશ્ચિમની સુશિક્ષિત પ્રજામાં પણ કેવી કેવી ગેરરીતિ સગાંસંબંધીઓએ અને દાક્તરોએ અપનાવી છે એના પ્રસંગો વાંચવાસાંભળવામાં આવે છે. પશ્ચિમમાં એક દાક્તરે તો એવી રીતે કેટલાંને કેવી રીતે મારી નાખ્યાં તે અંગે પોતે કરેલા એકરાર વિશે ગ્રંથ લખ્યો છે. કેટલીક વાર પીડાનાશક દવાઓનો ડોઝ ઇરાદાપૂર્વક વધારી દઈને દર્દીનું વહેલું મૃત્યુ દાક્તરોએ નિપજાવ્યું હોય છે અને છતાં તે વાત ગુપ્ત રાખી હોય છે. લોકોની Page #8 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ ૩૮૫ દૃષ્ટિએ તો દાક્તરોએ બરાબર ઉપચાર કર્યા છે એવો દેખાવ થાય છે, પણ હકીકતમાં તો તે ખૂન જ હોય છે. કેટલીક વાર કોઈ અકસ્માતને કારણે મગજને થયેલા નુકસાનને લીધે માણસ બેભાન થઈ જાય છે. દાક્તરો મગજના રિપોર્ટના આધારે કહે છે કે, કંઈ ચમત્કાર થાય તો જુદી વાત છે; નહિ તો મગજના રિપોર્ટ પ્રમાણે એ વ્યક્તિ હવે ક્યારેય પાછી ભાનમાં આવવાની નથી. એવી વ્યક્તિ જ્યાં સુધી એનું હૃદય ચાલે છે ત્યાં સુધી જીવે છે. એને માટે બીજા તબીબી ઉપચારો પણ બહુ કરવાના રહેતા નથી. એવી કેટલીક બેભાન વ્યક્તિઓ બે દિવસ, પાંચ દિવસ કે પચીસ દિવસથી માંડીને છ-આઠ મહિના કે બે, પાંચ કે સાત વર્ષથી વધુ સમય સુધી બેભાન અવસ્થામાં જીવતી રહી હોય અને એ રીતે દેહ છોડ્યો હોય એવા પ્રસંગો બને છે. અમેરિકામાં કારના અકસ્માતમાં બચી ગયેલી, પણ મગજને થયેલી ઈજાને કારણે બોલ્યા ચાલ્યા વગર ઘરમાં પડી રહેલી પોતાની દીકરી નાન્સીને સાત વર્ષ સુધી સાચવ્યા પછી થાકેલાં માતાપિતાએ એના જીવનનો અંત આણવા માટે ન્યાયાલયની પરવાનગી માગી હતી એ કિસ્સાએ ત્યાં ઘણી ચકચાર જગાવી હતી. આવી વ્યક્તિની બીજી કશી ઉપયોગિતા ન હોવા છતાં એનું અસ્તિત્વ કોઈક કુટુંબને આશ્વાસનરૂપ રહ્યા કરે છે. કોઈક કુટુંબને તે બોજારૂપ લાગે છે, તો કોઈક કુટુંબને તે ભયંકર માનસિક યાતનારૂપ લાગે છે. જેમ દવા આપીને દર્દથી રિબાતા માણસના જીવનનો અંત લાવવાનું વિચારાય છે, તેમ દવા આપીને માણસના જીવનને લંબાવવાનો પ્રશ્ન પણ વિચારાય છે. તબીબી નીતિશાસ્ત્ર પ્રમાણે દાક્તરે દર્દીને જિવાડવાના બધા જ પ્રયાસ પ્રામાણિકપણે કરવા જોઈએ. કેન્સર કે એવાં બીજાં જીવલેણ દર્દને કારણે અથવા એવા કોઈ અકસ્માતને કારણે દર્દી મરણપથારીએ હોય, મોઢેથી તે ખોરાક લઈ શકે તેમ ન હોય, શ્વાસ વડે પ્રાણવાયુની નળીની જરૂર હોય, શૌચાદિ માટે પણ નળીની જરૂર હોય, અસહ્ય પીડા ભોગવતો હોય, મૃત્યુની ઘડીઓ ગણાતી હોય, એવા દર્દીની નસ વાટે ઇજેક્શન દ્વારા પોષક પ્રવાહી આપવામાં આવે તો તેનું આયુષ્ય લંબાવાનો સંભવ છે. અલબત્ત, તે થોડા કલાક કે થોડા દિવસ વધુ જીવે તો તેથી તેના અર્ધજાગ્રત જીવનમાં કશો જ ફરક પડવાનો નથી. તો તેવા દર્દીને દાક્તરે નસ વાટે કે નળી દ્વારા પોષક Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ જિનતત્ત્વ પ્રવાહી આપવું કે ન આપવું ? તબીબી નીતિશાસ્ત્ર કહે છે કે દાક્તરની ફરજ દર્દીને વધુમાં વધુ જિવાડવાની છે. જો એવો પોષક ખોરાક ન આપે તો દાક્તર પોતાના કર્તવ્યમાં ચૂકે છે. કેટલાક દેશોમાં તો તે કાયદેસર ગુનો ગણાય છે. આવા દર્દીઓની બાબતમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિ હોઈ શકે છે : (૧) પોષક ખોરાક અને અન્ય ઔષધોપચાર દ્વારા દર્દીને વધુમાં વધુ સમય સુધી જીવતો રાખવો, (૨) પોષક ખોરાક અને ઔષધોપચાર વિના દર્દીને પોતાની મેળે જીવે ત્યાં સુધી જીવવા દેવો અને (૩) ઝેરી દવાના કે એવા કંઈ ઉપાય દ્વારા દર્દીને પીડાનો, અસહ્યયતાનો અને સાથે સાથે એના જીવનનો અંત આણવો. આ ત્રણે પરિસ્થિતિ વચ્ચે પાતળી ભેદરેખા છે, પરંતુ દાક્તરનું કર્તવ્ય તો દર્દીને વધુ જીવવામાં મદદરૂપ થવાનું છે. આવા પ્રયાસો અને પ્રયોગો ભાવિ સંશોધન માટે પણ ઉપકારક બને છે. કેટલીક વાર કેટલાક વૃદ્ધ માણસોનો અંતકાળ નજીક આવી રહ્યો હોય છે ને દાક્તરોના અભિપ્રાય પ્રમાણે બેભાન અવસ્થામાં રહેલી એ વૃદ્ધ વ્યક્તિ કેટલો વધુ સમય ખેંચી શકશે એ અનિશ્ચિત હોય છે. તેવે વખતે પણ એ વ્યક્તિનાં સ્વજનો એમ ઇચ્છતાં હોય છે કે એવી બેભાન અવસ્થામાં પણ પોતાના સ્વજનનું જીવન જેટલું લાંબું ટકી શકે તેટલું સારું. એ વખતે તેઓ જો પોતાની આર્થિક શક્તિ સારી હોય તો એ માટે મોંઘામાં મોંધી દવાઓ અને મોંઘામાં મોંઘા અન્ય ઉપચારો પણ કરાવે છે. બેભાન અવસ્થામાં રહેલી એ વ્યક્તિ સાથે વાતચીતનો કોઈ વ્યવહાર થવાની શક્યતા નથી. બીમાર વ્યક્તિ પોતાનાં સ્વજનોને નજરે જોઈ શકે કે ઓળખી શકે એવી શક્યતા પણ રહી નથી હોતી. એટલે કે બીમાર વ્યક્તિનું જીવન પરાધીન, વ્યવહારુ ઉપયોગિતા વિનાનું, નિષ્ક્રિય અને ખર્ચાળ હોવા છતાં તે વધુમાં વધુ સમય જીવે એવો ભાવ એનાં સ્વજનોને થાય છે, કારણ કે પોતાના વહાલા સ્વજનનો વિયોગ એ ઘણી વસમી ઘટના છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી એ પ્રાણ રહ્યા કરે એવા કુદરતી ભાવ તેમને થાય છે. આ બતાવે છે કે જીવંત સ્વજન સાથેનો સંબંધ કેટલો બધો મૂલ્યવાન છે. એક વખત પ્રાણ જાય, આત્મા ચાલ્યો જાય પછી ખાલી પડેલા નશ્વર દેહની કશી જ કિંમત નથી. એ દેહનું વિસર્જન થાય છે. ચેતન તત્ત્વ એ ઘણી મૂલ્યવાન વસ્તુ છે. દર્દી ભલે બેભાન અવસ્થામાં હોય, એના વધુ જીવવાથી એને કે એનાં સગાંઓને કશો જ લાભ ન થવાનો હોય, બલકે એના વધુ જીવવાથી ઘણાંને તકલીફ પડવાની હોય તો પણ જીવને Page #10 -------------------------------------------------------------------------- ________________ દારિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૩૮૭ મારવાની ક્રિયા, ચેતનતત્ત્વને હરી લેવાની ઘટના ભયંકર અનિષ્ટ મનાય છે. દયાપ્રેરિત હત્યાના વધુપડતા ઉપયોગથી મનુષ્યજીવનમાં, સમાજજીવનમાં જડતા, ભાવવિહીનતા, નિષ્ફરતા વધવા લાગશે. શબની અંદર પ્રાણ પૂરવાની શક્તિ જો માણસ પાસે ન હોય તો જીવતા શરીરમાંથી પ્રાણતત્ત્વ લઈ લેવાનો અધિકાર પણ માણસને મળતો નથી. જેવી રીતે આવી કોઈક વ્યક્તિની બાબતમાં એનાં સ્વજનોને એ વધુ સમય જીવે એવો ભાવ થાય છે તેવી રીતે પોતાના પ્રાણપ્યારા ધર્મનેતા, સમાજનેતા કે રાષ્ટ્રનેતા વગેરેના જીવનના અંતકાળે એના ભક્તો, અનુયાયીઓ, ચાહકો વગેરેમાં પણ એવો ભાવ થાય છે. તે વખતે એ વૃદ્ધ, બીમાર અને બિનઉપયોગી પરંતુ પ્રાણપ્રિય વ્યક્તિના જીવનનો અંત જલદી આવે તો સારું એવો ભાવ એકંદરે એના ચાહકવર્ગમાં ઉદભવતો નથી હોતો, એ બતાવે છે કે જીવંત વ્યક્તિની કિંમત કેટલી બધી છે ! કેટલાક વખત પહેલાં એવી એક ચર્ચા ચાલી હતી કે વૃદ્ધો સમાજને માટે આર્થિક રીતે બોજારૂપ છે. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દેશોમાં કશું ન કમાતા અને આરામથી ખાતાપીતાં એવાં વૃદ્ધ માતાપિતા સંતાનોને માથે આર્થિક દૃષ્ટિએ બોજારૂપ બની જાય છે. રહેઠાણ વગેરેના પ્રશ્નો પણ તેમને સતાવતા હોય છે. એવે વખતે વૃદ્ધોએ સ્વેચ્છાએ જીવન પૂરું કરી નાખવું જોઈએ. અર્થાત્ સરળ ઉપાયથી આત્મહત્યા કરી નાખવી જોઈએ અથવા સરળ ઉપચાર વડે બીજાઓએ તેમના જીવનનો અંત આણવો જોઈએ કે જેથી તેઓ સમાજને બોજારૂપ ન રહે; પરંતુ આવા પ્રશ્નમાં પણ ઘણાં પાસાં રહેલાં છે. જે વૃદ્ધોએ અથાગ પરિશ્રમ કરીને પોતાની આજીવિકા ચલાવવા ઉપરાંત વિશેષ સંપત્તિ એકત્ર કરી હોય તે વૃદ્ધોને નિવૃત્તિના સમયમાં પોતાની સંપત્તિનો ઉપયોગ કરીને જીવવાનો હક ખરો કે નહિ ? વારસાની લાલચથી સંતાનો એમ ઇચ્છતાં હોય કે વૃદ્ધ માતા-પિતા સંસારમાંથી જલદી વિદાય લે તો પોતાને મળનારી સંપત્તિ જલદી પોતાના હાથમાં આવી જાય. એ રીતે વિચારનારાં સંતાનોને વૃદ્ધ માતાપિતા કે અન્ય વૃદ્ધ વડીલો બોજારૂપ જ લાગવાનાં, પરંતુ તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક કે નૈસર્ગિક ન્યાયષ્ટિ રહેલી નથી. યુવાનો પોતે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેમને આ દૃષ્ટિ વધુ સારી રીતે સમજાય છે. કેટલાકે એવો મત વ્યક્ત કર્યો છે કે જે વૃદ્ધો ઉપયોગી જીવન જીવતાં હોય તે વૃદ્ધોએ પોતાના જીવનનો વહેલો અંત આણવાની જરૂર નથી. પરંતુ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જિનતત્ત્વ આ ઉપયોગિતા એટલે શું ? કેટલાંક વૃદ્ધો સમાજોપયોગી કાર્યો કરતાં હોય છે, કેટલાંક વૃદ્ધો કુટુંબમાં રહીને પણ ઉપયોગી થતાં હોય છે, તો કેટલાંક વૃદ્ધો સક્રિય કશું કાર્ય ન કરતાં હોવા છતાં માત્ર પોતાની હાજરીથી જ કુટુંબનાં અનેક સભ્યોને હૂંફ અને જરૂર પડ્યે માર્ગદર્શન આપે છે. ક્યારેક એમની હયાતીના કારણે જ કેટલાંક ખોટાં કામો થતાં અટકી જાય છે. કેટલાક માણસોને માટે વડીલવૃદ્ધ વ્યક્તિઓ ઓથરૂપ હોય છે અને એમની હયાતી દરમિયાન અન્ય કેટલાક સભ્યો નિર્ભયતા અનુભવે છે. એટલે ‘ઉપયોગી વૃદ્ધો'ની વ્યાખ્યા બાંધવાનું સહેલું નથી. ઘણી જુદી જુદી દૃષ્ટિએ, જુદા જુદા પ્રકારની ઉપયોગિતા સિદ્ધ કરી શકાય છે. એટલે બિનઉપયોગી વૃદ્ધોએ સમાજના અને કુટુંબના હિતમાં આત્મવિલોપન કરવું જોઈએ અથવા બીજાંઓએ તેમને કરાવવું જોઈએ તેવો વિચાર એટલી સરળતાથી સ્વીકાર્ય બને એવું લાગતું નથી. અંતે તો એનો નિર્ણય વૃદ્ધ ને એના સ્વજને જ કરવાનો રહે છે. એટલે એ વિષયમાં સર્વમાન્ય ધારો ઘડી શકાય એવી સંભવિતતા રહેતી નથી. કેટલાક લોકો આમરણ ઉપવાસ ઉપર ઊતરતા હોય છે. કોઈ ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય કે એવા કોઈક ગંભીર પ્રશ્નોની બાબતમાં પોતાની ઇચ્છાનુસાર કાર્ય ન થતાં કેટલાંક તેના વિરોધમાં મારણાન્તિક અનશન કરવાનું જાહેર કરે છે. આવા પ્રસંગોમાં ઘણીખરી વાર બેચાર ઉપવાસ પછી સમાધાનનો કોઈ રસ્તો શોધાય છે. બેય પક્ષને સમાધાનની ગરજ રહે છે. અનશનની જાહેરાત કરવી એ સહેલી વાત છે, પરંતુ પ્રામાણિકપણે અનશનને વળગી રહેવું એ એટલી સહેલી વાત નથી. ઉપવાસના બીજે-ત્રીજે દિવસે જ અનશન કરનાર વ્યક્તિ સમાધાનરૂપે આવેલી વચગાળાની કોઈ પણ દરખાસ્ત તરત સ્વીકારી લે છે અથવા પોતાના તરફથી તરત સ્વીકાર્ય બને એવી દરખાસ્ત વહેતી મૂકવામાં આવે છે અને સમાધાનનો માર્ગ શોધાય છે. ઉપવાસ ૫૨ ઊતરવું અને કોઈક પ્રશ્નની બાબતમાં પોતાના જીવનનો અંત આણવો એ ધમકી ઘણી મોટી છે; પરંતુ એ બાબત દેખાય છે એટલી સહેલી નથી. જે કોઈ વ્યક્તિએ આનો થોડો પણ અનુભવ કર્યો હશે તે આ બાબતમાં જુદો જ અભિપ્રાય આપશે. કેટલીક વાર ઉપવાસ પર ઊતરનાર વ્યક્તિ સાચી ભાવનાથી કે વટને ખાતર ખરેખર મૃત્યુ પામે છે, પરંતુ ત્યારે એનું મૃત્યુ અનેક પ્રશ્નો જગાડે છે. જે પક્ષે ન્યાય હોય છે તે પક્ષને પણ અન્યાયી અને દોષિત Page #12 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૩૮૯ ઠરાવવાની કોશિશ થાય છે, કારણ કે વ્યક્તિનું જીવન એ ઘણી મહત્ત્વની બાબત છે. વળી જે વ્યક્તિ આમરણ ઉપવાસ ઉપર ઊતરે છે તે વ્યક્તિના ચિત્તમાં ઉપવાસ દરમિયાન ઉદ્ભવતા શુભાશુભ ભાવો કે વિચારો પણ મહત્ત્વના બની રહે છે. દ્વેષ અને ધિક્કારથી ધમકિરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અને આત્મશુદ્ધિ માટે ઉપવાસ પર ઊતરીને જીવનનો અંત આણવો એ બે વચ્ચે ઘણો ફરક છે. આવી રીતે પોતાના જીવનનો અંત વ્યક્તિ પોતે આણે છે. બાહ્ય સંજોગોનું દબાણ હોય છે તો પણ વ્યક્તિ જો નિર્ધાર કરે તો પોતાને મૃત્યુમાંથી બચાવી શકે છે. જૈન ધર્મમાં જીવનલીલા સંકેલી લેવા માટે સંલેખનાસંથારો-અનશનની ક્રિયાવિધિ છે, પરંતુ તે આત્મહત્યા નથી, કારણ કે તેમાં કોઈ રાગદ્વેષ, નિરાશા, નિષ્ફળતાની કે અશુભ અધ્યવસાયોની વાત નથી, તે શુભ ધર્મબુદ્ધિથી, ગુરુ કે સંઘની આજ્ઞા લઈ, અનેક લોકની હાજરીમાં, દેહનું પોષણ અટકાવીને, પાંચ પ્રકારના અતિચારથી રહિત, દેહ અને આત્માની ભિન્નતા તથા દેહની નશ્વરતા અને આત્માની અમરતાને લક્ષમાં રાખી સ્વેચ્છાએ ઉલ્લાસપૂર્વક કરાતી શુદ્ધ ધર્મક્રિયા છે. એ વખતે સંથારો લેનારાને સંથારાની વિધિમાં સહાય કરનારા, એમને આત્મભાવમાં સ્થિર રાખવા માટે શાસ્ત્રશ્રવણ ઇત્યાદિ કરાવનારા, નિર્ધામણા” (નિઝામણાં) કરાવનારા દયાપ્રેરિત હત્યા કરે છે એમ નહિ કહી શકાય. આ દૃષ્ટિબિંદુને બરાબર સમજવા માટે “સંથારાની ધર્મવિધિનો સવિગત અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે. દયાપ્રેરિત હત્યાના વિષયમાં જેન તત્ત્વસિદ્ધાંત કંઈક જુદ્ધ જ રીતે વિચારે છે. જૈન ધર્મ જન્મ-જન્માંતરના સિદ્ધાંતમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. જૈન ધર્મની દૃષ્ટિએ કોઈકના પણ પ્રાણનું હરણ થાય અર્થાત્ બીજા માણસના જીવનનો હેતુપૂર્વક અંત આણવામાં આવે તો તે હિંસા છે. પ્રકૃતિ પ્રવ્યવરપvi હિંસા એવી હિંસાની વ્યાખ્યા આપવામાં આવે છે. એટલે દયાપ્રેરિત હત્યા કે ગમે તે પ્રકારની હત્યા હોય તો તેને જૈન ધર્મ સ્કૂલ પ્રાણાતિપાત તરીકે જ ઓળખાવે છે ને તેને ઘેષરૂપ, પાપરૂપ, વ્રતભંગરૂપ ગણાવે છે. જૈન ધર્મ તો એટલી હદ સુધી કહે છે કે આવી બીમાર અને રિબાતી વૃદ્ધ વ્યક્તિની દયાના ભાવથી હત્યા કરવી તેમાં વસ્તુત: સાચી દયા જ નથી. એટલું જ નહિ, પણ એવી વ્યક્તિને માટે મનમાં એમ વિચારવું કે હવે તેનું જલદી મોત આવે તો સારું – એવો વિચાર પણ ભાવહિંસારૂપ ગણાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જિનતત્ત્વ યથાકાળે જે થવાનું હશે તે થશે એવી સમત્વબુદ્ધિ જ વિચારશીલ વ્યક્તિએ એવે પ્રસંગે ધરાવવી ઘટે. વળી જૈન ધર્મ એમ માને છે કે દરેક જીવને પોતપોતાનાં શુભાશુભ કર્મ ભોગવવાનાં રહે છે. તેમાં પણ નિકાચિત કર્મ અવશ્યપણે ભોગવવાં પડે છે. એક જન્મનાં શેષ અશુભ કર્મનો ઉદય ફરીથી કયા જન્મમાં આવશે તે નિશ્ચિતપણે કેવળજ્ઞાનીઓ સિવાય કોઈ કહી શકે નહિ. એટલે જે કોઈ અશાતા વેદનીય પ્રકારનાં અશુભ કર્મનો ઉદય આવ્યો હોય તે કર્મ ભોગવી લેવાય તેટલું જ સારું. અન્યથા એ કર્મ અન્ય ભવમાં તો ભોગવવાનો રહે જ છે. ક્યારેક વિપાકે એ વધુ ભયંકર રીતે ભોગવવાનાં પણ આવી શકે છે. વૃદ્ધાવસ્થામાં, અંતિમ અવસ્થામાં ન ભોગવેલાં એ અશાતા વેદનીય કર્મ અન્ય ભવમાં યુવાનીમાં જો એ ઉદયમાં આવ્યાં તો તે એથી પણ વધુ ભયંકર નીવડવાનો સંભવ રહે છે. અલબત્ત, બધું ભવિતવ્યતા અનુસાર જ થાય છે, તો પણ એક વ્યક્તિને રિબાતા જોઈને તેના જીવનનો અંત આણવાથી તે વ્યક્તિના વર્તમાન જીવનના દર્દને કદાચ અટકાવી શકાય, પરંતુ એ આત્માના અન્ય ભવોમાં ઉદયમાં આવનારા શેષ અશાતા વેદનીય કર્મને અટકાવી શકાતું નથી, એટલે દયાપ્રેરિત હત્યા કરવા જતાં તે વ્યક્તિનું આ જન્મ પૂરતું કાચ હિત થાય તો પણ તેના “આત્માનું તો અહિત જ થવાનો સંભવ છે. વળી તેવું કરનાર વ્યક્તિ પોતાના આત્માનું પણ અહિત કરે છે. વળી જૈન ધર્મના અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંત અનુસાર રાગ-દ્વેષની જે પરિણતિ થાય છે તે જ જો હિંસારૂપ ગણાય તો દયાપ્રેરિત હત્યા એ પણ એક પ્રકારનો રાગ જ છે. એટલા માટે તે હિંસારૂપ કે દોષરૂપ જ ગણાય છે. કેટલાક લોકો મનુષ્ય પ્રત્યે દયાની વાત કરે છે, પરંતુ તેઓને પ્રાણીઓ પ્રત્યેની દયાનો પ્રશ્ન એટલો ગંભીર લાગતો નથી. હડકાયા કૂતરાને કે લંગડા ઘોડાને કે બીમાર અને પીડાતા પ્રાણીને મારી નાખીને એના જીવનનો અંત આણવામાં કાયઘની દષ્ટિએ કોઈ વાંધો આવતો નથી. પછી ત્યાં દયાનો ભાવ હોય કે ન હોય. ઘણી વાર તો ત્યાં વ્યવસ્થાની અને એ બાબતનો ઝટ નિકાલ લાવવાની જ વાત હોય છે. કેટલાક લોકો પ્રાણીઓને મારી નાખવામાં નિર્દયતા ન આચરવી જોઈએ એવો મત ધરાવતા હોય છે. નિર્દય રીતે પ્રાણીઓને મારીને તૈયાર કરવામાં આવતાં પ્રસાધનો કે મોજશોખની ચીજવસ્તુઓ ન વાપરવાની તેઓ ભલામણ કરે છે. તેટલે અંશે તે સારું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ 391 પાશ્ચાત્ય જગતમાં કેટલાક લોકો પશુઓને નિર્દયતાથી રિબાવીને મારી નાખવાનો વિરોધ કરે છે, પરંતુ કતલખાનામાં સ્વયંસંચાલિત યંત્રો દ્વારા મારેલાં પશુઓનું માંસ ખાવામાં કે પ્રયોગશાળામાં પશુઓને મારી નાખવામાં એમને કંઈ વાંધો જણાતો હોતો નથી. અહીં દયાની વાત બહુ જ સપાટી ઉપરની અને બહુ સીમિત પ્રમાણમાં રહેલી હોય છે. એમાં તાત્ત્વિક સિદ્ધાંતની બહ ગહન વાત નથી. વળી એવી નિર્દયતાનો વિરોધ કરનારાઓની પ્રવૃત્તિ મુખ્યત્વે પંચેન્દ્રિય પ્રાણીઓ પૂરતી જ સીમિત હોય છે. વાંદા, મચ્છ૨, માખી, ગરોળી, સાપ, વીછી, કીડી, મંકોડી વગેરેને મારી નાખવામાં રહેલી નિર્દયતાની કોઈ વાત એમને જણાતી કે સ્પર્શતી નથી. પ્રાણીઓને આત્મા હોતો નથી એટલી હદ સુધીની માન્યતા પણ આવા કેટલાક લોકો ધરાવે છે. જૈન ધર્મ મનુષ્યની દયાપ્રેરિત હત્યાનો અસ્વીકાર કરવા ઉપરાંત પ્રાણીઓની પણ દયાપ્રેરિત હત્યાનો અસ્વીકાર કરે છે. બીજાના પ્રાણને, દેહથી છૂટા પાડવાની ઇરાદાપૂર્વક કરેલી ક્રિયા જ જૈન ધર્મને અસ્વીકાર્ય છે. એટલું જ નહિ, જેનો દેહ નજરે દેખાતો નથી એવા સૂક્ષ્મ જીવોની હત્યા કે વનસ્પતિમાં પાંદડું, ફળ, ફૂલ કે ડાળ વગેરેમાં રહેલા એકેન્દ્રિય જીવની દયાપ્રેરિત હત્યા પણ જૈન ધર્મને અસ્વીકાર્ય છે. જો સૂક્ષ્મ જીવોની બાબતમાં જૈન ધર્મની આ માન્યતા હોય તો મનુષ્યની દયાપ્રેરિત હત્યાનો જૈન ધર્મ કેમ સ્વીકાર કરી શકે ? પોતાને માટે કે અન્ય કોઈ માટે “સુખ આવ્યું જીવિત ન વાંછવું ને દુઃખ આવ્યે મૃત્યુ ન વાંછવું' એવી સમષ્ટિની ભલામણ જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની આ આધ્યાત્મિક તત્ત્વદૃષ્ટિ છે.