________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૬ પાંસઠમું પર્વ
પદ્મપુરાણ હનુમાન તેને વિદાય આપીને પોતાની સેનામાં આવ્યા અને દ્રોણમેઘની પુત્રી વિશલ્યા અત્યંત લજ્જાથી રામના ચરણારવિંદને નમસ્કાર કરી હાથ જોડી ઊભી રહી. વિધાધરો પ્રશંસા કરવા લાગ્યા, નમસ્કાર કરવા લાગ્યા, આશીર્વાદ આપવા લાગ્યા, જેમ ઇન્દ્ર પાસે શચિ જાય તેમ તે વિશલ્યા સુલક્ષણા, મહાભાગ્યવતી સખીઓના કહેવાથી લક્ષ્મણની પાસે ઊભી રહી. તે નવયુવાન જેના નેત્ર મૃગલી જેવા હતા, જેનું મુખ પૂર્ણમાસીના ચંદ્રમાં સમાન, અનુરાગથી ભરેલી, ઉદાર મનવાળી, ધરતી પર સુખપૂર્વક સૂતેલા લક્ષ્મણને એકાંતમાં સ્પર્શ કરી પોતાના સુકુમાર કરકમળથી પતિના પગ દાબવા લાગી, મલયાગિરિના ચંદનથી પતિનાં સર્વ અંગો પર લેપ કર્યો. તેની સાથે જે હજાર કન્યા આવી હતી તેમણે એના હાથમાંથી ચંદન લઈ વિદ્યાધરોના શરીર પર છાંટયું એટલે એ બધા ઘાયલ સાજા થઈ ગયા. ઈન્દ્રજિત, કુંભકર્ણ, અને મેઘનાદ ઘાયલ થયા હતા એટલે એમને પણ ચંદનના લેપથી સાજા કર્યા તેથી તે પરમ આનંદ પામ્યા, જેમ કર્મરોગ રહિત સિદ્ધ પરમેષ્ઠી પરમ આનંદ આપે છે. બીજા પણ જે યોદ્ધા હાથી, ઘોડા, પ્યાદાં ઘાયલ થયાં હતાં તે બધાને સારા કર્યા, તેમના ઘાની પીડા મટી ગઈ, આખું કટક સારું થઈ ગયું. લક્ષ્મણ જેમ સૂતેલો જાગે તેમ વીણાનો નાદ સાંભળી અત્યંત પ્રસન્ન થયા, મોહચ્યા છોડી, શ્વાસ લઈ આંખ ઊઘાડી, ઊઠીને ક્રોધથી દશે દિશાઓ જોઈ બોલ્યા, ક્યાં ગયો રાવણ, ક્યાં ગયો તે રાવણ? આ વચન સાંભળી રામ અતિ હર્ષ પામ્યા. જેમના નેત્ર ખીલી ઊઠયા છે, જેમના શરીરે રોમાંચ થઈ ગયા છે એવા મોટાભાઈ પોતાની ભુજાઓ વડે ભાઈને મળ્યા અને બોલ્યા. હું ભાઈ ! તે પાપી તને શક્તિથી અચેત કરીને પોતાને કૃતાર્થ માની ઘેર ગયો છે અને આ રાજકન્યા ના પ્રસાદથી તું સાજો થયો છે. પછી જામવંત આદિ બધા વિધાધરોએ શક્તિ લાગવાથી માંડી ને નીકળી ગઈ ત્યાં સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. પછી લક્ષ્મણે વિશલ્યાને અનુરાગદષ્ટિથી જોઈ. જેના નેત્ર સફેદ, શ્યામ અને લાલ ત્રણ વર્ણના કમળ જેવા છે, જેનું મુખ શરદની પૂર્ણિમાના ચંદ્ર સમાન છે, કોમળ શરીર ક્ષીણ કટિ, દિગ્ગજના કુંભસ્થળ સમાન સ્તન છે, જે સાક્ષાત મૂર્તિમતી કામની ક્રિીડા જ છે, જાણે ત્રણે લોકની શોભા એકઠી કરી નામકર્મે તેની રચના કરી છે તેને જોઈ લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા, મનમાં વિચારવા લાગ્યા, આ લક્ષ્મી છે કે ઇન્દ્રની ઇન્દ્રાણી છે અથવા ચંદ્રની કાંતિ છે? આમ વિચાર કરે છે ત્યાં વિશલ્યાની સાથેની સ્ત્રી કહેવા લાગી કે હે સ્વામી! તમારા અને આના વિવાહનો ઉત્સવ અમે જોવા ઈચ્છીએ છીએ. લક્ષ્મણ મલક્યા અને વિશલ્યાનું પાણિગ્રહણ કર્યું. વિશલ્યાની કીર્તિ આખા જગતમાં ફેલાઈ ગઈ.
આ પ્રમાણે જે ઉત્તમ પુરુષ છે અને જેમણે પૂર્વજન્મમાં શુભ ચેષ્ટા કરી છે તેમનું મનોરા વસ્તુનો સંબંધ થાય છે અને ચંદ્ર-સૂર્ય જેવી તેમની કાંતિ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિખેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિશલ્યાના સમાગમનું વર્ણન કરનાર પાંસઠમું પર્વ પૂર્ણ થયું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com