________________
રાજનગરનાં જિનાલયો
૧૩
અંગ્રેજ રાજ્યના અમલ દરમ્યાન કેળવણી, સાહિત્ય તથા ઇતિહાસ લેખનના ક્ષેત્રે જે પરિવર્તન આવી રહ્યું હતું તેને એક ક્રાંતદર્શીની માફક તેમણે યોગ્ય ઘાટ અને વળાંક આપ્યા હતા.
નગરશેઠ કુટુંબની પરંપરામાં શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈએ પણ પોતાના પૂર્વજોની જેમ જૈન શાસનની પ્રભાવનામાં બહુમૂલ્ય ફાળો આપ્યો. તેઓએ સં૧૯૧૨ની સાલમાં સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો હતો. સં૧૯૨૩માં પાનકોરના નાકે આવેલા અને શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડા તરીકે પ્રસિદ્ધ થયેલા તેમના નિવાસસ્થાનની જગ્યામાં દેરાસર બંધાવ્યું હતું. મૂળનાયક ભગવાન શાંતિનાથની પંચતીર્થી પ્રતિમાજીની પ્રતિષ્ઠા શ્રી રવિસાગર મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રતિમાજી ધાતુનાં છે. તેમનાં ધર્મપત્ની શેઠાણી ગંગાબાએ પણ રાજનગરના વાતાવરણમાં જિનશાસનની આરાધનાના સૂરોને વધુ ગુંજતા કર્યા. શત્રુંજયની તળેટીમાં યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે તે માટે સં. ૧૯૭૦માં ગંગા શેઠાણીએ “ભાતા ઘર”નું પાકું અને મોટું મકાન બાંધી આપ્યું હતું. કન્યા કેળવણી પ્રત્યે ગંગાબા શેઠાણીને વિશેષ રુચિ હતી અને તે કારણે તેમના સુપુત્ર શેઠ શ્રી લાલભાઈ તથા બીજા બે પુત્રોએ ઝવેરીવાડના નાકે “શેઠાણી ગંગાબેન જૈન કન્યાશાળા”ની સ્થાપના કરી હતી.
હઠીસિંહના દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવને આશરે ૬૦ વર્ષ પસાર થઈ ગયાં. ફરી એકવાર રાજનગરના સંઘનો ઉત્સાહ અને ઉમંગ વધે તેવો પ્રસંગ આવ્યો ! શ્રી પાંચમી જૈન (શ્વેતાંબર) કૉન્ફરન્સનું આયોજન સં. ૧૯૬૩માં (ઈ. સ. ૧૯૦૭ ફેબ્રુઆરીમાં) થયું. આ કૉન્ફરન્સની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે નગરશેઠ ચીમનભાઈ લાલભાઈની નિમણૂંક થઈ હતી. શેઠ જેસીંગભાઈ હઠીસિંહ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, ઝવેરી લલ્લુભાઈ રાયચંદ, ઝવેરી ભોગીલાલ તારાચંદ, શેઠ સાંકળચંદ મોહોલાલભાઈ વગેરે જૈન અગ્રણીઓએ ભેગા મળીને પાંચમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સને રાજનગરના જૈન સંઘનો એક અપૂર્વ અવસર બનાવી દીધો. રાજનગરનો સમગ્ર સંઘ આ અપૂર્વ અવસરને સારી રીતે પાર પાડવા માટે સક્રિય અને કટિબદ્ધ થયો. રાજનગરના જુદા જુદા તમામ મહાજનોએ ઉમળકાભેર આ પ્રસંગને દીપાવ્યો. હઠીસિંહની વાડીના વિસ્તારમાં આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી દરવાજેથી મંડપ સુધી જાણે કે એક મેળાનું વાતાવરણ ઘણા દિવસો અગાઉ જ શરૂ થઈ ગયું હતું. અનેક પ્રકારની Committeeઓની રચના કરવામાં આવી હતી. Reception committee, Fund commitee, Correspondence committee, Supply committee, ભોજન કમિટી, Ticket committee, મંડપ કમિટી, ઉતારા કમિટી, Senitation committee, Railway receiving commitee, Press committee, Voluntier committee વગેરે અનેક કમિટીઓની રચનાથી કૉન્ફરન્સનું સમગ્ર વાતાવરણ સુવ્યવસ્થિત અને ઉલ્લાસમય બની ગયું હતું. ઉપરાંત, સ્થાનિક મહિલા પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉન્ફરન્સમાં અનેક ઠરાવો કરવામાં આવ્યા હતા. કૉન્ફરન્સમાં રાય બહાદુરે મુખ્ય પ્રવચન આપ્યું હતું. કૉન્ફરન્સમાં ધાર્મિક શિક્ષણ ઉપરાંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org