________________
સહુ કોઈ સમાના વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્કસવાદી વિચારસરણીના પ્રવર્તક લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિને (ઈ. સ. ૧૮૭૦થી ૧૯૨૪) આમ તો રશિયાની પોલીસને થાપ આપવા માટે “લેનિન” નામ ધારણ કર્યું હતું, પરંતુ સમય જતાં એ જ નામથી ખ્યાતનામ બન્યા. ૧૯૧૭ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું.
રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર આપ્યું કે “જે શ્રમ કરશે નહીં, તેને ખાવા પણ મળશે નહીં.”
આવા સોવિયેટ સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિન એક રવિવારે વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. એમણે જોયું તો સલૂનમાં ઘણી લાંબી લાઇન હતી. ઘણા લોકો એમનો વારો
ક્યારે આવે, તેની રાહ જોઈને બેઠા હતા. સોવિયેટ સંઘના આ સર્વસત્તાધીશને જોઈને કેટલાક ઊભા થઈ ગયા અને દુકાનના માલિકે સામે ચાલીને એમનું અભિવાદન કર્યું.
દેશના સર્વોચ્ચ સત્તાધીશ લેનિન તો અત્યંત વ્યસ્ત હોય જ, તેથી અન્ય ગ્રાહકોએ વાળંદને કહ્યું, “અમે પછી વાળ કપાવીશું, પહેલાં કોમરેડ લેનિનને બેસાડો.”
લેનિને મક્કમતાથી કહ્યું, “ના, હું કતાર નહીં તોડું. મારો વારો આવે ત્યારે હું વાળ
કપાવીશ.”
આ સાંભળી બીજા ગ્રાહકોએ કહ્યું, “અરે, તમારી તો એક એક પળ કીમતી હોય. દેશની કેટલી મોટી જવાબદારી છે તમારા પર. માટે તમે પહેલાં વાળ કપાવી લો.”
મહાન ક્રાંતિકારી, શ્રમજીવીઓના રાહબર અને વ્યવહારકુશળ લોકનેતા લેનિને કહ્યું, 'જુઓ, આ સમાજમાં કોઈનુંય કામ બીજાથી ચડિયાતું નથી કે બીજાથી ઊતરતું નથી. મજૂર, શિક્ષક, એન્જિનિયર કે ડૉક્ટર - બધા જ દેશને માટે મહત્ત્વનું કામ કરે છે. મારા આ સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કઈ રીતે તમારાથી પહેલાં વાળ કપાવવા બેસી શકું ?”
WITTTTT
મંત્ર મહાનતાનો