________________
આશ્રવ યાને કર્મબંધના કારણો અને કર્મબંધ એ હેય તત્ત્વ હોઈ દિલ એના પ્રત્યે નિર્વેદ-ગ્લાનિવાળું હોય, તથા સંવર-નિર્જરા-મોક્ષ ઉપાદેય તત્ત્વ હોઈ દિલને એના પ્રત્યે આકર્ષણ રુચિભાવ હોય, તો જ એવી ચિત્તપરિણતિ તત્ત્વાર્થ શ્રધ્ધા યાને સમ્યગદર્શનરૂપ બને. અને તો જ આ પરિણતિપૂર્વકનું જ્ઞાન એ સમ્યજ્ઞાન બની મોક્ષસાધક થાય. માત્ર દુન્યવી કીર્તિ આદિની આશંસાથી તત્ત્વબોધ શાસ્ત્રબોધ મેળવ્યો સાચવ્યો- વાપર્યો હોય એ તો મોક્ષસાધક નહિ પણ માયાની જેમ સંસારવર્ધક બને. કહ્યું છે, -
"धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । तथा पांडित्यदातानां शास्त्रमध्यात्मवर्जितम् ॥" - અર્થાત્ જેમ મદ-મમતાભર્યા શ્રીમંતને પુત્ર-પત્ની આદિ સંસારવર્ધક બને છે, એમ પાંડિત્યથી અભિમાની બનેલાને અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન સંસારની વૃદ્ધિ કરનારું બને છે.
આ અધ્યાત્મ એટલે તત્ત્વપરિણતિ, જીવનની પ્રવૃત્તિ પરથી મોહનું વર્ચસ્વ ઊઠી જઈ આત્માનો અધિકાર યાને આત્મહિતનો ઉદ્દેશ સ્થાપિત થયો છે. કહ્યું છે –
"गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥"
મોહનો અધિકાર ઊઠી જઈને આત્માને-ઉદેશીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે તેને જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. હેયઉપાદેય તત્ત્વોની શ્રદ્ધા એને અનુરૂપ ચિત્તનાં વલણવાળી હોય એમાં આત્માનો અધિકાર આત્માનો ઉદ્દેશ સ્થાપિત થાય છે. તત્ત્વ પ્રત્યે એવાં વલણને સમ્યગ્દર્શન કહે છે. જ્ઞાન ઓછું પણ હોય છતાં આ સમ્યગ્દર્શન હોય તો જ એ આત્મા મોક્ષનો અધિકારી બની શકે છે, પણ એ વિના નહિ.
ર૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org