________________
‘કાળ જ ખરાબ છે'ની તારી વાત ધારી લઉં કે બિલકુલ સાચી જ છે. પણ એટલા માત્રથી તારા જીવનને ખરાબીના માર્ગે લઈ જવાની તને છૂટ તો નથી મળી જતી ને? એટલા માત્રથી તારા આત્માને દુર્ગતિમાં જતો તું બચાવી તો નથી શકવાનો?
બાકી, હું તને બરાબર ઓળખું છું. મંદીના વાતાવરણમાં તે પૈસા બનાવવા માટે જે પ્રબળ પુરુષાર્થ કર્યો છે એનો મને ખ્યાલ છે. પ્રદૂષિત વાતાવરણ વચ્ચે રહેવા છતાં શરીરની તંદુરસ્તી જાળવી રાખવા તે દાખવેલી જાગૃતિ અને સાવધગીરી મારા ખ્યાલમાં છે. કોમી હુલ્લડના માહોલ વચ્ચે ય સમસ્ત પરિવારને તે કઈ રીતે સુરક્ષિત રાખી દીધો છે એની મને ખબર છે.
ટૂંકમાં, સર્વથા પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે ય તું જો સંપત્તિ બનાવી શક્યો છે, શરીર સાચવી શક્યો છે અને સ્વજનોને સુરક્ષિત રાખી શક્યો છે તો નમન, મારે તને એટલું જ કહેવું છે કે કાળ ભલે ખરાબ રહ્યો, એની વચ્ચે જીવતા રહીને ય તું તારા સગુણોને, સદાચરણને, સમાધિને અને શુભભાવોને સાચવી જ લે, સુરક્ષિત રાખી જ દે. તારું સદ્ગતિગમન નિશ્ચિત્ત થઈને જ રહેશે.