________________
સત્ય સાથે તમે આમાંનું કશું જ ન કરી શકો કારણ કે સત્ય તો સૂરજ જેવું છે. ન તમે એને બદલી શકો કે ન એને તમે નકારી શકો. ન એ તમારા અભિપ્રાયની પરવા કરે કે ન એ તમારા એના પરના હસ્તક્ષેપને સ્વીકારી લે. તમારે જ એને આધીન થવું પડે. તમારે જ એને અનુકૂળ થવું પડે. તમારે જ એની શરણાગતિ સ્વીકારવી પડે. તમારે જ એને સમર્પિત થવું પડે.
| બસ, આ જ કારણે લોકો જૂઠ પ્રત્યે જેટલા આકર્ષિત થાય છે એટલા સત્ય પ્રત્યે આકર્ષિત થતા નથી. આ જ કારણે જૂઠ સાથે દોસ્તી જમાવવાનું લોકોને જેટલું ફાવે છે, સત્ય સાથે દોસ્તી જમાવવાનું એટલું ફાવતું નથી.
તું પુછાવે છે કે “શું આજના કાળે જ આવું બની રહ્યું છે કે પછી સર્વકાળે આમ જ બનતું હોય છે?' તારા આ પ્રશ્નનો જવાબ એ છે કે જૂઠ આટલું પ્રભાવશાળી સર્વકાળ હોય છે ! જૂઠા માણસો સત્યવાદી કરતાં સર્વકાળે આટલા જ તાકાતવાન દેખાતા હોય છે.
આમ છતાં ય મારી તને એક જ સલાહ છે. તકલાદી જૂઠ સાથેની દોસ્તી તોડી દઈને તાકાતવાન સત્ય સાથે તું દોસ્તી જમાવી લે. તું ખુદ સત્યરૂપ બની જઈશ.