Book Title: Krodh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ ક્રોધ જોઈએ, પણ આ કળિયુગમાં એવાં મનુષ્યો જ નથી રહ્યાં ને ! અત્યારે તો નિર્બળને જ માર માર કરે અને બળવાનથી તો ભાગે. બહુ ઓછાં માણસો છે કે જે નિર્બળની રક્ષા કરે અને બળવાનની સામો થાય. એવાં હોય ત્યારે એને તો ક્ષત્રિય ગુણ કહેવાય. બાકી, જગત આખું ય નબળાને માર માર કરે છે, ઘેર જઈને ય ધણી બાયડી પર શૂરો થઈને બેસે. ખીલે બાંધેલી ગાયને મારીએ તો તે કઈ બાજુ જાય ? અને છૂટી મૂકીને મારે તો ? નાસી જાય ને, નહીં તો સામી થાય. મનુષ્ય પોતાની શક્તિ હોવાં છતાં સામાને રંજાડે નહીં, પોતાનાં દુશ્મનને પણ રંજાડે નહીં, એનું નામ બળવાનપણું કહેવાય છે. અત્યારે કોઈ તમારી ઉપર ક્રોધ કરતો હોય ને તમે તેના પર ક્રોધ કરો તો તે બાયલાપણું ના કહેવાય ? એટલે મારું શું કહેવાનું કે આ ક્રોધ-માન-માયાલોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી ?! પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઈ હશે ખરું ને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે, એનાથી જાનવરો પણ વશ થઈ જાય. વાઘસિંહ, દુશ્મનો બધાં, આખું લશ્કર બધું વશ થઈ જાય ! ક્રોધી એ અબળા જ ! પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : ગરમ તો થઈ જ જાય ને ! એમના હાથમાં ઓછું છે ? અંદરની મશીનરી હાથમાં નહીં ને ! આ તો જેમ તેમ કરીને મશીનરી ચાલ્યા કરે. પોતાના હાથમાં હોય તો મશીનરી ગરમ થવા જ ના દે ને ! આ સહેજ પણ ગરમ થઈ જવું એટલે ગધેડા થઈ જવું, મનુષ્યપણામાં ગધેડો થયો !! પણ એવું કોઈ કરે જ નહીં ને ! પોતાના હાથમાં નથી ત્યાં પછી શું થાય તે ? ક્રોધ એવું છે, આ જગતમાં કોઈ કાળે ગરમ થવાનું કારણ જ નથી. કોઈ કહેશે કે, ‘આ છોકરો આમ કહ્યું માનતો નથી.’ તો ય એ ગરમ થવાનું કારણ નથી, ત્યાં તારે ઠંડા રહીને કામ લેવાનું છે. આ તો તું નિર્બળ છે માટે ગરમ થઈ જાય છે. અને ગરમ થઈ જવું એ ભયંકર નિર્બળતા કહેવાય. એટલે વધારેમાં વધારે નિર્બળતા હોય તેથી તો ગરમ થાય છે ને ! એટલે જે ગરમ થાય છે તેની તો દયા ખાવી જોઈએ કે * આ બિચારાને આમાં કશું ય કંટ્રોલમાં નથી. જેને પોતાનો સ્વભાવે ય કંટ્રોલમાં નથી, એની દયા ખાવી જોઈએ. ગરમ થવું એટલે શું ? કે પોતે પહેલું સળગવું અને પછી સામાને બાળી મેલવું. આ દીવાસળી ચાંપી એટલે પોતે ભડભડ સળગવું ને પછી સામાને બાળી મેલે. એટલે ગરમ થવાનું પોતાના હાથમાં હોય તો કોઈ ગરમ થાય જ નહીં ને ! બળતરા કોને ગમે ? કોઈ એવું કહે કે, સંસારમાં ક્રોધ કરવાની કેટલીક વખત જરૂર પડે છે.' ત્યારે હું કહું કે, ના, કોઈ એવું કારણ નથી કે ત્યાં ક્રોધ કરવાની જરૂર હોય.’ ક્રોધ એ નિર્બળતા છે, એટલે તે થઈ જાય છે. ભગવાને એટલે અબળા કહ્યું છે. પુરુષ તો કોનું નામ કહેવાય ? ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેને ના હોય, એને ભગવાને ‘પુરુષ’ કહ્યા. એટલે આ પુરુષો દેખાય છે એમને પણ અબળા કહ્યા છે; પણ આમને શરમ નથી આવતી ને, એટલા સારાં છે ! નહીં તો અબળા કહીએ તો શરમાઈ જાયને ? પણ આમને કશું ભાન જ નથી. ભાન કેટલું છે ? નાહવાનું પાણી મૂકો તો નાહી લે. ખાવાનું, નહાવાનું, ઊંઘવાનું એ બધાં ભાન છે, પણ બીજું ભાન નથી. મનુષ્યપણાનું જે વિશેષભાન કહેવામાં આવે છે કે આ સજ્જન પુરુષ છે, એવી સજ્જનતા લોકોને દેખાય, એનું ભાન નથી. ક્રોધ-માન-માયા-લોભ એ તો ખુલ્લી નબળાઈ છે અને બહુ ક્રોધ થાય ત્યારે આ હાથ-પગ આમ ધ્રૂજતા જોયા નથી તમે ? પ્રશ્નકર્તા : શરીર પણ ના પાડે કે તારે ક્રોધ કરવા જેવો નથી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21