________________
જેહાદ એ ધર્મઝનૂનનું પરિણામ છે. ધર્મના રક્ષણ માટે વિવેકહીન રીતે મહાહિંસાનું શરણ એ ધર્મનો વિપર્યાય છે. માનવબૉમ્બ બની મરવું ને મારવું એ મૃત્યુ વિફલતાની ચરમસીમા છે.
સાર્વભૌમત્વ કે રાષ્ટ્રની રક્ષા કાજે અન્યાય સામે કે કોઈના પ્રાણ કે શિયળ બચાવવા માટે શહીદ થવું એ મૃત્યુનો વિશિષ્ટ પ્રકાર છે. અહીં અંતિમ ક્ષણે દ્વેષ કે હિંસાનો ભાવ ન હોય તો જ આત્મ શુભ પરિણતિમાં રહી શકે.
મૃત્યુના આ બધા પ્રકારથી સંથારો અલગ છે. સંખેલના વ્રત લેવા અહીં કોઈની જબરજસ્તી ન હોય. મૃત્યુ માટેની સંપૂર્ણ માનસિક અને શારીરિક તૈયારી પછી સંલેખના વ્રતમાં આગળ વધતા સંથારો સિઝતા સાધકને પંડિતમરણ કે સમાધિમરણ લાધે છે.
ચક્રવર્તીની સમગ્ર સંપત્તિ કરતાં સ્વરૂપ રમણતાનો એક સમય વધારે કિંમતી છે. જ્ઞાનીએ કહ્યું છે કે જયારે એમ લાગે કે શરીર હવે કામ નથી કરી શક્યું ત્યારે આત્માએ જાગૃત થઈ પોતાનો માલ બચાવી લેવો જોઇએ.
જ્યારે ઘર બળતું હોય ત્યારે સૌથી મૂલ્યવાન પદાર્થને આપણે ઘરની બહાર કાઢીએ છીએ. માત્ર ચેતનતત્ત્વ જ મૂલ્યવાન છે.
આવા શરીર તો આ જીવે અનંતવાર ધારણ કર્યા ને છોડ્યા. પૂર્વભવથી સંબંધો અને શરીર છોડીને જ આવ્યા છીએ તો હવે નવું શું ?
પુદ્ગલનું બનેલ શરીર પાછું પુદ્ગલને સોંપવું છે. માટે જ મહાપુરુષો અંતિમ સમયે પુદ્ગલને વોસરાવી દે છે.
દેહનો નિવાસ શાશ્વત નથી. તીર્થકરોને પણ અમર શરીર મળ્યા નથી, માટે હું આત્મનિષ્ઠાપૂર્વક દેહ છોડીશ. હું આત્મા છું, શરીર નથી તે ભાવમાં સતત રહીશ.
સંલેખના વ્રત ગ્રહણ કરવું એટલે ‘સંવર’ ભાવમાં આવવું. વ્રતમાં આવતા નિર્મળ જીવનચર્યા શરૂ થાય છે જે આવતાં કર્મોને રોકવાની પાળ સમાન છે. આશ્રવ (કર્મનો આવતો પ્રવાહ)નો બંધ થાય છે, પણ સાધનામાં આગળ વધતા કર્મોની નિર્જરા પણ થાય છે.
અહીં સાધક સતત અનુપ્રેક્ષમાં રમમાણ રહે છે. ૧૨ ભાવના અને ૪ પરાભાવના આ સોળ ભાવનાનું ચિંતન શુભમાંથી શુદ્ધ તરફ જવાનો રાજમાર્ગ છે. સંસારભાવના, અશરણભાવના અને અનિત્યભાવના વૈરાગ્યપ્રેરક બને છે. અંતે આ ભાવના-અનુપ્રેક્ષાનું ચિંતન સાધકને અજન્મા બનાવી શકે.
જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી.કારણ કે તે તો પરભવની, આવતા ભવની વાત છે. આપણે માત્ર મૃત્યુની વેદના વિશે વિચારીએ છીએ, કારણ તે આ ભવમાં જ વેદવાની છે. મૃત્યુની વેદનારૂપી વૃક્ષનું બીજ તો જન્મ છે, જે દિવસે આપણે જન્મથી છુટકારો મેળવશું તે ક્ષણે જ જનમ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જશે. છેલ્લે સાધક ક્ષમાપના, પાપસ્થાનો અને અતિચારોની આલોચના સાથે ચાર મંગલશરણાનો સ્વીકાર કરી કાયાની માયા વિસારી સંથારાસહ સમાધિમરણ - પંડિતમરણને પામે છે.
ભારતીય દર્શન સાહિત્યમાં મૃત્યુચિંતન દ્વારા મોક્ષપ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવાયા છે.
અંતિમ સમય સુધારવા સત્ય, અહિંસા અને સદાચારમય જીવનશૈલી પર ભાર મૂક્યો. આ તમામ દર્શનમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય થયો છે.
સતપુરષોએ બતાવેલ માર્ગ પર શ્રદ્ધા અને વિવેક સાથે ચાલવાનો પુરુષાર્થ કરીશું તો સમાધિમરણનું દિવ્ય દ્વાર અવશ્ય ખુલશે.
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
- ૧૦૯
જીવનસંધ્યાએ અરુણોદય
- ૧૧૦