________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : જૈનધર્મની વાર્તાઓ
(૨) અશરણ ભાવના જેમ ભૂખ્યા સિંહના પંજામાં પડેલા હરણના બચ્ચાંની કોઈ રક્ષા નથી કરી શકતું, તેમ મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીની પણ કોઈ રક્ષા નથી કરી શકતું. કોઈ એમ કહે કે અમે તો લોખંડના મકાનમાં રાખીને, શસ્ત્રથી, ધન વગેરેથી જીવનની રક્ષા કરી દેશું! અથવા કોઇ ઔષધમંત્ર-તંત્રથી જીવનને બચાવી દેશું ! તો – તો તેનું એ કથન માત્ર બકવાદરૂપ છે. વાસ્તવમાં, જેનું આયુષ્ય પૂરું થયું તેની રક્ષા કોઈ કરી શકતું નથી. કોઈ દેવ, કોઈ ઈન્દ્ર કે સુરેન્દ્ર વગેરે રક્ષા કરે છે એ પણ કથનમાત્ર છે, કેમકે તેઓ જ્યાં પોતે પોતાની જ રક્ષા કરી શકતા નથી તો બીજાની રક્ષા
ક્યાંથી કરશે! અનિત્યતારૂપે સદાય પરિણમતા પદાર્થને કોઈ રોકી શકવા સમર્થ નથી. માટે હું આત્મા! તું એ બધાના શરણની બુદ્ધિ છોડ અને તારા અવિનાશી ચૈતન્યરૂપ આત્માનું શરણ લે; એ જ તારું સાચું શરણ છે.
(૩) સંસાર ભાવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવરૂપ પંચવિધ સંસારમાં આ આત્મા નિજસ્વરૂપને સમજ્યા વિના ચક્કર લગાવી રહ્યો છે, ક્યારેક એક ગતિમાં તો ક્યારેક બીજી ગતિમાં, ક્યારેક રાજા તો ક્યારેક રંક, ક્યારેક દેવ તો ક્યારેક નારકી, ક્યારેક દ્રવ્યલિંગી સાધુ તો ક્યારેક કપાઈ, -એમ બહુરૂપી થઈને ઘૂમી રહ્યો છે; પંચવિધ પરાવર્તનમાં એકેક પરાવર્તનનો અનંતકાળ છે; તે પંચપરાવર્તન આ જીવે એક જ વાર નહિ પણ અનંતવાર પૂરા કર્યા છે, તોપણ વિષય લાલસાથી તેનું ચિત્ત તૃપ્ત ન થયું, તો હવે કેમ થશે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com