Book Title: Heervijaysuri Ras Author(s): Hemchandrasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન જૈન શાસનને પ્રભાવિત કરનાર જે જ્યોતિર્ધર મહાપુરુષો થઈ ગયા તેમાંના એક તે, ભગવાન મહાવીરસ્વામીની ૫૮મી પાટે થયેલા “જગગુરુ' આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ. અમારિ-પ્રવર્તક અને મોગલ સમ્રાટ અકબરપ્રતિબોધક તરીકે આ મહાન જૈનાચાર્યનું નામ ખૂબ જાણીતું બન્યું છે. એમને વિશે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં જે અઢળક સાહિત્ય રચાયું છે તેમાં હીરસૌભાગ્યમ્' જેવા સંસ્કૃત મહાકાવ્યથી માંડીને ગુજરાતીમાં શ્રાવક કવિ ઋષભદાસે રચેલી ૧૧૦ ઢાળની દીર્ઘ રાસાકૃતિનો સમાવેશ થાય છે. વર્ષો પહેલાં કવિ ઋષભદાસનો આ હીરવિજયસૂરિરાસ” શ્રી આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક પમાં પ્રકાશિત થયો હતો. પણ એ ગ્રંથ અપ્રાપ્ય બનતાં આવી મહત્ત્વની રાસાકૃતિની ખોટ વરતાતી હતી. આચાર્યશ્રી હીરવિજયસૂરિના નિર્વાણને ૪00 વર્ષ પૂરાં થયાં તે અવસરે જ પૂ. પા. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના ગચ્છ પરિવારના આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજીએ આ ગ્રંથનું સંપાદન એના ભાવાનુવાદ સહિત કરી આપીને આ ગ્રંથની વરતાતી ખોટ પૂરી કરી આપી છે. આવા ગ્રંથનું પ્રકાશન કરતી વેળા શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરિજીનો ઋણસ્વીકાર કરવા સાથે ધન્યતાની લાગણી અનુભવે છે. ભાવાનુવાદ સહિતના “શ્રી હીરવિજયસૂરિરાસ'ના આવા પ્રકાશન માટે પ. પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ અને આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીની પ્રેરણાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એ માટે એમના પણ અમે ઋણી છીએ. જગદ્ગુરુ પ્રત્યે ઉત્કટ ભક્તિભાવ ધરાવતા પરમ તપસ્વી મુનિરાજશ્રી યશોભૂષણવિજયજીની પ્રેરણાથી એક ભાવનાશીલ મહાનુભાવે પોતાનું નામ અપ્રગટ રાખીને આ ગ્રંથની શ્રુતભક્તિનો લાભ લીધો છે તે માટે પૂ.મુનિશ્રી યશોભૂષણજીના પણ અમે ઋણી છીએ. લા.દ.ભા.સં. વિદ્યામંદિરની હસ્તપ્રતને આધારે આ કૃતિનાં પાઠાંતરો મેળવવાનું કાર્ય પં.શ્રી રમેશભાઈ હરિયાએ કરી આપ્યું છે. પૂજ્ય મહારાજશ્રીએ કરેલા આ ગ્રંથના ભાવાનુવાદને ભાષાકીય દષ્ટિએ મઠારી આપવા ઉપરાંત આ. શ્રી હીરવિજયસૂરિ વિષયક કૃતિઓની અને રાસ-અંતર્ગત દેશીઓની સૂચિઓ ડૉ. કાન્તિભાઈ બી. શાહે તૈયાર કરી આપી છે. વળી ગ્રંથ મુદ્રિત સ્વરૂપે તૈયાર થાય ત્યાં સુધીની સઘળી જવાબદારી પણ કાન્તિભાઈ શાહે ઉપાડી છે. જ્યાં-જ્યાં જરૂર જણાઈ ત્યાં-ત્યાં આ ગ્રંથપ્રકાશનની સમગ્ર કામગીરીમાં શ્રી જયંતભાઈ કોઠારીનું માર્ગદર્શન અમને મળતું રહ્યું છે. આ માટે અમે આ ત્રણેય મહાનુભાવોના અત્યંત આભારી છીએ. આ ગ્રંથના ટાઈપસેટિંગનું કામ શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીએ, તેમ જ ગ્રંથમુદ્રણનું કામ ભગવતી ઑફસેટના શ્રી ભીખાભાઈ પટેલે ખૂબ જ ચીવટપૂર્વક પૂર્ણ કર્યું તે માટે એમના પણ અમે આભારી છીએ. અંતમાં આ ગ્રંથપ્રકાશનના કામમાં જેમની જેમની પણ નાનીમોટી સહાય મળી છે તેમના અમે આભારી છીએ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના નિર્વાણની ચતુઃશતાબ્દીના અવસરે જ આ ગ્રંથનું પ્રકાશન કરી શકાયું છે તે માટે પુનઃ હર્ષની લાગણી વ્યક્ત કરીને વિરમીએ છીએ. સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૧ , શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 398