________________
રાસના પ્રકાશન અંગેની ભૂમિકા
શ્રી હીરવિજયસૂરિ મહારાજશ્રીની ચારસોમી સ્વર્ગવાસ તિથિ પ્રસંગે એ નિમિત્તને પામી આપણે શું શું કરવું જોઈએ અને તેમાંથી શું શું કરી શકાય વગેરે વાતો પૂજ્ય ગુરુ મહારાજશ્રી તથા આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી વગેરે સાથે વિચારતાં આ રાસનું જો પુનર્મુદ્રણ કરવામાં આવે તો ઘણું ઉપયોગી થાય એવી વિચારણા થઈ. વળી આગળ જતાં એ રાસ એમ ને એમ છપાવાય તે કરતાં તેના ભાવાનુવાદ સાથે છપાવાય તો તે વાંચનારને વિશેષ ઉપયોગી બની શકે એવું પણ વિચારાયું – પરિણામસ્વરૂપ એનો ભાવાનુવાદ લખવા માટેનો પ્રારંભ કર્યો.
જેમના હૈયામાં જગદ્ગુરુ પ્રત્યે અતિશય ઊછળતો ભક્તિભાવ છે તે પરમતપસ્વી મુનિરાજ શ્રી યશોભૂષણવિજયજીએ આગ્રહપૂર્વક એવી ભાવના પ્રદર્શિત કરી કે આ રાસ ભાવાનુવાદ સહિત જ્યારે પણ પ્રકાશિત કરાય તે વખતે તે ભક્તિનો લાભ મારા માટે જ અબાધિત રાખવામાં આવે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજશ્રી પ્રત્યેના ઉત્કટ ભક્તિભાવ નિમિત્તે તેઓશ્રી દર અજવાળી ૧૧ની અઠ્ઠમતપની આરાધના કરે છે. એમની પ્રેરણાથી કોઈક અનામી ભાવનાશીલ મહાનુભાવે એના મુદ્રણનો સંપૂર્ણ લાભ લઈ શ્રુતભક્તિનું આદર્શ દષ્ટાંત પૂરું પાડ્યું છે.
હસ્તલિખિત પ્રતોના આધારે રાસનાં પાઠાન્તરો મેળવવાનું કાર્ય પં.શ્રી રમેશભાઈ હરિયાએ સારી રીતે કર્યું. તથા ભાવાનુવાદ તૈયાર થયા પછી તેને બરાબર વાંચી તપાસી સુધારોવધારો કરવાનું કાર્ય પ્રો. કાંતિભાઈ બી. શાહે ખંતપૂર્વક કર્યું છે. તેમ જ તેઓએ ગ્રંથની વિસ્તારપૂર્વકની વિષયાનુક્રમણિકા, શ્રીહીરવિજયસૂરિરાસ અંગેની છણાવટ, શ્રી ઋષભદાસ કવિના જીવન-કવન અંગેની નોંધ, શ્રી હીરવિજયસૂરિ મહારાજની સંક્ષિપ્ત જીવનઝરમર તથા શ્રી હીરવિજયસૂરિ મહારાજ અંગે આજ સુધી લખાયેલી મુદ્રિત-અમુદ્રિત, પ્રાપ્ય-અપ્રાપ્ય, સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ગદ્ય-પદ્ય કૃતિઓની સૂચી તથા છેલ્લે “શ્રી હીરવિજયસૂરિરાસ' અંતર્ગત દેશીઓની સૂચિ ઘણી મહેનત અને કાળજીપૂર્વક તૈયાર કરેલ છે. આ બધું કરવાથી ગ્રંથની ઉપયોગિતામાં અનેકગણો વધારો થયો છે એ નિર્વિવાદ છે. ભાવાનુવાદ મોટા ભાગના પદ્યોનો બરાબર થયો છે પણ કો’ક જગ્યાએ ન સમજાતાં એ છોડી પણ દેવું પડ્યું છે. સામાન્ય રીતે મૂળ કડી કે લખાણ પછી અનુવાદ મૂકવાની પ્રથા હોય છે પણ આમાં પહેલાં ભાવાનુવાદ મૂકવાનું પસંદ કરવામાં આવ્યું છે તે એટલા માટે કે પહેલાં ભાવાનુવાદ વાંચવાથી બધો વિષય બરાબર સમજાઈ જાય પછી રાસની પંક્તિઓ વાંચવાનું ને સમજવાનું સુગમ પડે.
વ્યાખ્યાનમાં ભાવનાધિકારે આ રાસ અવશ્ય વાંચવા જેવો છે એનાથી “જગદ્ગુરુ' શ્રી હીરવિજયસૂરિના જીવનના ઘણા જ પ્રેરણાદાયક પ્રસંગો જાણવા-સાંભળવા મળે.
સૌ કોઈ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પૂજ્યપુરુષના જીવનમાંથી બોધ મેળવી શ્રી જિનશાસનના શરણે પોતાનું જીવન સમર્પણ કરી આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના. સં. ૨૦૫૪, ચૈત્ર વદ ૬, શનિવાર
- આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી અમદાવાદ