________________
શ્રુતસ્થવિરાચાર્યશ્રીવિનયચંદ્રસૂરિવિરચિત દીપાલિકાકલ્પ
પ્રકાશનનું નિવેદન
સ્વોપજ્ઞ ટીકા સહિત બૃહત્કાય શ્રી તત્ત્વન્યાયવિભાકરના પ્રકાશન પછી, પહેલી જ વાર પ્રકાશન પામતા પ્રસ્તુત શ્રી ‘દીપાલિકાકલ્પ'ને શ્રુતભક્ત વિદ્વજ્જનોની સેવામાં રજૂ કરતાં અત્યન્ત આનંદ થાય છે.
આ ગ્રંથના કર્તા શ્રીવિનયચન્દ્રસૂરિજી છે. તેમનો સત્તાસમય તેમણે પોતે જ સદર ગ્રંથના અંત ભાગમાં, ૨૭૫માં શ્લોકમાં આપ્યો છે, તે ઉપરથી જણાય છે કે, તે પૂજ્ય સૂરિજીએ સં. ૧૩૪૫માં આ ગ્રંથની રચના કરી છે. તેઓ શ્રીરત્નસિંહસૂરિનાં શિષ્ય છે. આ સિવાય આ ગ્રંથમાં તેમણે પોતાના વિષેનો કશો જ ખાસ ઉલ્લેખ કર્યો નથી. તેમ છતાં મુદ્રિત શ્રીમલ્લિનાથ ચરિત્રની પ્રસ્તાવનાનું અવલોકન કરતાં જણાય છે, ‘કલ્પનિરુક્ત’ નામનો ગ્રંથ સં. ૧૩૨૫માં રચ્યો હતો. ઉપરોક્ત પુસ્તકની પ્રસ્તાવનાના લેખકોએ શ્રીમલ્લિનાથચરિત્રના કર્તા અને ઉદયસિંહસૂરિષ્કૃત ધર્મવિધિ (૨. સં. ૧૨૮૬) નામક ગ્રંથના સંશોધક શ્રીવિનયચન્દ્રસૂરિજી(શ્રી રવિપ્રભસૂરિ શિષ્ય)ને અને પ્રસ્તુત ગ્રંથના કર્તાને એક વ્યક્તિ ગણાવ્યા છે, પણ તે બન્ને ભિન્ન વ્યક્તિ હોવાનો વધુ સંભવ છે.
આ ગ્રંથની પ્રેસકૉપી પાટણ, વડોદરા વગેરે ગ્રંથ ભંડારોની હસ્તપ્રતિઓ ઉપરથી પૂ. મુનિશ્રીહેમેન્દ્રવિજયજીએ કરી હતી તે માટે ઉક્ત મુનિશ્રીના તથા પ્રતિઓનો ઉપયોગ કરવા દેવા માટે ભંડારોના સંચાલકોના અમે આભારી છીએ.
– પ્રકાશક