________________
સંપાદકીય
પોતાનો નિર્વાણકાળ નજીક જાણીને ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રીમહાવીરપરમાત્મા જયા૨ે અપાપાનગરીના ઉદ્યાનમાં સમવસર્યા, ત્યારે દેવોએ ત્યાં અંતિમ સમવસરણની રચના કરી અને પ્રભુએ ૧૬-૧૬ પ્રહર સુધી એકધારી દેશના આપી, દેશના પૂર્ણ થતાં જ રાજા પુણ્યપાલ ઊભા થયા. ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું કે, આજની રાત્રે આઠ સ્વપ્નોને જોઈને હું ભયભીત બન્યો છું. ભગવંત ! શું હશે એ સ્વપ્નોનું ફળ ? આપ એના ઉપર પ્રકાશ પાથરવા કૃપા કરો !
એ સ્વપ્નોનો ફળાદેશ કરતાં પ્રભુએ ભાવીના લેખ ભાખ્યા. ભગવાને ભાખેલું ભાવી એવું ભયાનક હતું કે એ સાંભળતા જ રાજા પુણ્યપાલને વૈરાગ્ય થયો અને એમણે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરી પોતાનું કલ્યાણ સાધી લીધું.
શાસનશિરતાજ ગૌતમસ્વામીના પ્રશ્નોનો જવાબ આપતાં ચોથા આરાના પ્રમાણમાં પાંચમો આરો કેવો હશે ? શાસન, સંઘ, રાજ્યવ્યવસ્થા ક્યાં સુધી રહેશે ? એનો અંત ક્યારે, કેવા સ્વરૂપમાં આવશે ? છઠ્ઠા આરામાં પરિસ્થિતિ કેવી હશે ? વગેરે વાતો પ્રભુએ કરી.
નિર્વાણનો સમય નજીક જાણી ભગવાને દેવશર્માને પ્રતિબોધ કરવા જવાનો ગૌતમસ્વામીને આદેશ કર્યો અને એમના ગયા પછી અમાવાસ્યાની રાત્રે પ્રભુ નિર્વાણપદને વર્યા. ભાવદીપક નિર્વાણ પામતાં જ રાજવીઓએ દ્રવ્યદીપકોની હારમાળા પ્રગટાવી, જેથી ‘દીપાલિકાપર્વ’નો પ્રારંભ થયો.
દેવશર્માને પ્રતિબોધ પમાડીને પાછા વળતાં દેવો દ્વારા ગૌતમસ્વામીએ ભગવાનના નિર્વાણના સમાચાર જાણ્યા, કારમો આઘાત લાગ્યો, સરાગ-વીતરાગ વચ્ચેનો ભેદ જાણ્યો. રાગની દિશા છોડી વીતરાગતાની દિશામાં પ્રગતિ કરી અને કારતક સુદ એકમના પ્રભાતે કેવળજ્ઞાન પામ્યા. દેવોએ શ્રીગૌતમસ્વામીજીના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો.
આ સમગ્ર ઘટનાને કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રીહેમચન્દ્રસૂરીશ્વરમહારાજસાહેબે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમા પર્વના શ્રીમહાવીરનિર્વાણગમન નામના તેરમા સર્ગમાં સવિસ્તર વર્ણવેલ છે. એ મહાવીરચરિત્રમાંથી ઉદ્ધૃત કરીને કલિકાલસર્વજ્ઞશ્રીએ અને ભિન્ન ભિન્ન આચાર્યભગવંતોએ દીપોત્સવકલ્પ, દીપાલિકાકલ્પ, અપાપાકલ્પ, દીપાલિકાવ્યાખ્યાન વગેરે નામોથી સંસ્કૃત, પ્રાકૃત ગુજરાતી ગદ્ય, પદ્યસ્વરૂપે અનેક ગ્રંથોની રચના કરેલ છે.