________________
પ્રસ્તાવના
ગ્રંથકાર પૂજય આચાર્ય શ્રી રત્નશેખર સૂરિએ સંવત ૧૪૯૬માં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર' ઉપર ૩૬૪૪ શ્લોક પ્રમાણ અર્થ દીપિકા નામની વૃત્તિની રચના કરી છે, સંવત્ ૧૫૦૬માં ૧૭ ગાથાનું શ્રાદ્ધવિધિસૂત્ર અને તેના ઉપર ૬૭૬૧ શ્લોક પ્રમાણ “શ્રાદ્ધવિધિકૌમુદી'ની રચના કરી છે, સંવત્ ૧૫૧૬માં ૪૦૬૫ શ્લોક પ્રમાણ “આચાર પ્રદીપ' ગ્રંથની રચના કરી છે. આ ઉપરાંત લઘુક્ષેત્રસમાસ આદિ ગ્રંથની પણ રચના કરી છે. તેમાં વર્તમાનકાળે શ્રાદ્ધવિધિ કૌમુદી ગ્રંથ અતિ પ્રસિદ્ધિને પામેલ છે. ચાતુર્માસમાં પણ આ ગ્રંથ વિવિધ સ્થળોએ વ્યાખ્યાનમાં વંચાય છે.
પ્રસ્તુત આચાર પ્રદીપ ગ્રંથમાં પંચાચારનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. તેમાં જ્ઞાનના આઠ આચારો, દર્શનના આઠ આચારો, ચારિત્રના આઠ આચારો, તપના બાર આચારો અને વીર્યના છત્રીશ આચારો એમ કુલ બહુંજોર આચારો વર્ણવવામાં આવ્યા છે. કોઈપણ પદાર્થ દષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે તો તે પદાર્થ અત્યંત દઢ રીતે સમજાય જાય તેમ અહીં પણ ગ્રંથકારશ્રીએ તે તે આચારોને દૃષ્ટાંતપૂર્વક સમજાવ્યા છે. દષ્ટાંતો પણ અત્યંત રોચકશૈલીથી સમજાવ્યા છે કે જેથી વાંચનારનો રસ ઉત્તરોત્તર વધતો રહે.
આચારો સંયમજીવનનું અને શ્રાવકજીવનનું પ્રાણ છે. આચારોનું વિશુદ્ધ પાલન ત્યારે જ શક્ય બને કે આચારોને બરોબર સમજવામાં આવે અને તેમાં લાગતા અતિચારોને જાણીને તેનો ત્યાગ કરવામાં આવે. પ્રસ્તુત ગ્રંથમાં આચારો અને અતિચારો બંને સમજાવવા સાથે અતિચારોનો ત્યાગ કરવા પૂર્વક આચારોનું કોણે પાલન કર્યું અને એનાથી એને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ એ દૃષ્ટાંતપૂર્વક જણાવ્યું છે.
જે કોઈ સંયમાર્થી સાધુ અને આચારપ્રેમી શ્રાવક પોતાના ધર્મને વિશુદ્ધિ પૂર્વક આરાધવાની ભાવનાથી આ આચારોને અને અતિચારોને સારી રીતે જાણે, અતિચારોનો ત્યાગ કરવા પૂર્વક આચારોનું પાલન કરે, તો અવશ્ય આત્મકલ્યાણ સાધી શકે છે.