Page #1
--------------------------------------------------------------------------
________________
માણાવળી
આવૃત્તિ
: દ્વિતીયા
મૂલ્ય
: રૂા. ૧૫-૦૦
©
: PRAVACHAN PRAKASHAN, 2008
(પ્રાપ્તિસ્થાન)
મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મુનિશ્રી પ્રશમરતિવિજયજી
પૂના : પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૨ ફોન : ૦૨૦-૬૬૨૦૮૩૪૩, મો. ૯૮૯૮૦૫૫૩૧૦ www.pravachanprakashan.org
E-mail : pravachanprakashan@vsnl.net અમદાવાદ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ
૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ
ફોન : ૨૬૬૩૩૦૮૫ : ૦૭૯-૩૧૦૭પ૭૯ મુંબઈ : ચંદુભાઈ વી. શાહ
૩, પુષ્પાંજલી, ગૌશાળા લેન મલાડ (ઇસ્ટ), મુંબઈ-૪૦૯૭.
ફોન : ૨૮૮૩૪૯૧૭, મો. ૯૮૧૯૮૧૦૫૦૩ ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ.
ફોન : ૦૭૯-૨૨૬૮૪૦૩૨
પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ,
પૂના-૨
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાશકીય
અંતરભાવના +
શ્રી સંવત્સરી મહાપર્વ ત્રણ સંદેશ લઈને આવે છે.
| પ્રવચન પ્રકાશન માટે આજે મંગલ ઘડી છે. પાંચમાં વરસે અમે આપની સમક્ષ એક સુંદર મજેનું ભંટણું ધરીએ છીએ.
પુજય મુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. એ નાગપુર ચોમાસામાં સંવત્સરીના દિવસે ‘ક્ષમાભાવના' વિશે મનનીય પ્રવચન ફરમાવ્યું હતું. આ પ્રવચને અનેકનાં હૃદયમાં સાચી ક્ષમાભાવના પ્રગટાવી હતી. પછી તો દર વરસે સંવત્સરીપર્વના દિને આ પ્રવચન થાય છે અને શ્રોતાઓ તેને શબ્દસ્થ કરવાની માંગણી કરે છે. આજે એ ભાવના સાકાર થઈ રહી છે.
સંવત્સરી પછી એકબીજાને ક્ષમાપના કાર્ડ મોકલવાનો રિવાજ પ્રચલિત થયો છે. નાગપુરનાં બે સુશ્રાવકોને ઔપચારિક કાર્ડને બદલે સાચી ‘ક્ષમાભાવના' પ્રગટે તેવું લખાણ આપવાની પૂજ્ય મુનિવરશ્રી પ્રશમરતિવિજયજી મ. ને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ સરળ, સુબોધ અને માર્મિક લખાણ આપ્યું. તે ‘હું ક્ષમા માંગુ છું' એ નામે પ્રગટ થયું. જેમણે એ વાચ્યું તેમનાં હૃદય ભીનાં કરી ગયું.
‘ક્ષમાભાવના’ બન્ને મુનિવરોની અનુભૂતિનો પ્રીતિસંગમ છે. તેમાં ભીંજાવું આપને જરૂર ગમશે.
• કષાયોની ક્ષમાપના • અતિચારોની આલોચના • પાપોનું પ્રતિક્રમણ.
આત્મ વિશુદ્ધિ આરાધનાનો પ્રાણ છે અને આત્મનિરીક્ષણ આરાધકનો શ્વાસ છે. “ક્ષમાભાવના” આપણને સહુને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. કષાયોની ક્ષમાપના દ્વારા આત્મનિરીક્ષણ અને આત્મવિશુદ્ધિ સધાય છે. સંબંધો સુધરે એ તો તદ્દન ગૌણ ઘટના છે.
સાચી ક્ષમાપના થાય તો જ અતિચારોની આલોચના અને પાપોનું પ્રતિક્રમણ થઈ શકે, ક્ષમાપના, સંવત્સરીની સાધનાનું પહેલું પગથિયું છે. ક્ષમાપના કર્યા પછી એ જ ક્રમમાં અતિચારોની આલોચના અને પાપોનું પ્રતિક્રમણ સધાય તો અવતાર સફળ બને.
વૈરાગ્યરતિવિજય પ્રશમરતિવિજય
પુખરાજ રાયચંદ આરાધના ભવન
સાબરમતી ૨૦૬૦, ભા.૧, ૪
- પ્રવચન પ્રકાશન, પૂના
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુમોદના
খুটখুটখুটখুটখুটখুটফট কট কট কট কট
বীট এবঁটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটট
કષાયોના તાપથી દાઝેલાં અંતરમનને શીતળતાનો અહેસાસ કરાવતી
@ામાભાવનાને
પ્રકાશિત કરવાનો લાભ પ. પૂ. સાધ્વીજી શ્રી હર્ષદેખાશ્રીજી મ. ના શિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી જિનરત્નાશ્રીજી મ. ની
પાવન પ્રેરણા ઝીલીને શ્રી જયકુમાર દલીચંદજી શાહ શ્રીમતી રંજનબેન જયકુમાર શાહ
આનંદ જયકુમાર શાહ હેમા પ્રફુલ્લકુમાર શાહ પીના તેજસકુમાર શાહ
કિંજલ જિનલ ONTARO-CANADA
(કેનેડા). પરિવારે પ્રાપ્ત કર્યો છે. તેમની શ્રુતભક્તિની અમે હૃદયપૂર્વક
અનુમોદના કરીએ છીએ.
খট খট খট
খটখট শট রুট কুট কুট কুট কুট
પ્રવચન પ્રકાશન
Page #4
--------------------------------------------------------------------------
________________
ક્ષમાભાવના
સંવત્સરી મહાપર્વ વરસમાં એકવાર આવે છે. પરમાત્માનું ધર્મશાસન પામનારી વ્યક્તિઓ માટે સંવત્સરી મહાપર્વ એ સાધનાનો દિવસ છે. સાધના, આત્મનિરીક્ષણની. સાધના, જીવનનિરીક્ષણની. આપણું આંતરિક ભાવવિશ્વ કેવું છે તે તપાસવાની તક સંવત્સરી મહાપર્વ આપે છે. આપણા સંબંધોનું વિશ્વ કેવું છે તે તપાસવાની પ્રેરણા સંવત્સરી મહાપર્વ પાસેથી મળે છે. આપણી ભાવનાઓમાં ભૂલ હોય તે સુધરે, આપણા વહેવારમાં ક્ષતિ હોય તે ટળે તો જ આપણે સંવત્સરી મહાપર્વની સાધના કરી કહેવાય.
આજે સંવત્સરી મહાપર્વમાંથી સાધના તત્ત્વની બાદબાકી થઈ ગઈ છે. સંવત્સરીના મિચ્છામિદુક્કડે તો કેવળ વહેવાર બની ગયા છે. લોકો હવે ગ્રિટીંગ મોકલે છે. Happy new year અને Happy Diwaliની જેમ હવે ક્ષમાપનાના કાર્ડનો ટ્રેડ ચાલી પડ્યો છે. દૂરદૂર દેશવિદેશમાં રહેતા લોકોને કાર્ડ મોકલી દેવામાં આવે છે. જેમને મળ્યા નથી અને મળવાના પણ નથી તે બધાને મિચ્છામિદુક્કડં-ના કાર્ડ મોકલીને આપણે સંતોષ માની લઈએ છીએ. પણ જે સાથે રહ્યા છે, જે લોકો આડોશપાડોશમાં રહે છે, જેમની સાથે ઊઠવા-બેસવાનો વહેવાર છે તેમની સમક્ષ સાચાં દિલની ક્ષમાયાચના કરવાનું યાદ નથી આવતું. સાધનાનો પ્રસંગ, વહેવારની ઢબે ઊજવાઈ જાય છે. દર વખતે આપણે ટ્રેન ચૂકી જઈએ છીએ.
સંવત્સરી મહાપર્વ સાથે ક્ષમાપના શબ્દનો ઊંડો સંબંધ છે. આ સંબંધ શરીર અને શ્વાસ જેવો છે. ક્ષમાપના કરવી, ક્ષમાપનાની અનુભૂતિ પામવી તે સંવત્સરી મહાપર્વનું ધ્યેય છે. હૃદયમાં કષાયનું વર્ચસ્વ ન હોય, કોઈ વ્યક્તિ માટે આપણને ફરિયાદ ન હોય, મનમાં કોઈ માણસ પ્રત્યે દ્વેષ કે ગુસ્સો ન હોય, અંતરમાં વૈરની એકાદ પણ ગાંઠ ન હોય તો જ સાચી ક્ષમાપના થઈ શકે.
આપણી ભાવનાઓ અને આપણા સંબંધો સાથે સાચો સંવાદ કરીને, ભાવનામાં અને સંબંધોમાં જ્યાં જ્યાં કચાશ કે કડવાશ રહી હોય તે તમામની સફાઈ કરી લેવી જોઈએ. દર વરસે ભાવનાઓ અને સંબંધો પરની ધૂળ ઝાટકી લેવાથી જિંદગીભરની પ્રસન્નતા જળવાઈ રહે છે. ક્ષમાપના વિનાનું સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આપણે જીવન સુધારી નથી શેકચી, ઓ મહાનું ક્રિયા કેવળ રૂટિન બની ગઈ છે. આપણે આપણા આત્માને અનુલક્ષીને ક્ષમાયાચનાના હાર્દ સુધી પહોંચવું જોઈએ.
ક્ષમાપના શું છે ? ક્ષમાપના કોની કોની કરવાની ? ક્ષમાપના કંઈ રીતે કરવાની ? આ સોચવાની વાત છે. આ દિશા પર ધ્યાન આપીને વિચારીશું તો આપણાં અંતરમાં જ નવી દુનિયા ઉઘડશે. ક્ષમાપનાનો અર્થ છે, સામી વ્યક્તિને લીધે આપણાં મનમાં કષાયો જાગ્યા હોય, આપણા આવેશો આપણે વ્યક્ત કર્યા હોય તેની પ્રામાણિક રીતે માફી માંગવી. આ અર્થ હજી લાંબો છે, આપણાં નિમિત્તે જેમનાં જેમનાં મનમાં કષાય જાગ્યા હોય તે સૌને શોધી શોધીને આપણે જ ક્ષમાયાચના કરવી. આપણા કષાયો ભૂંસવા, સામી વ્યક્તિના કષાયો ભૂલવા તે ક્ષમાપના છે. કષાયોનો અને ખાસ કરીને ક્રોધનો એ નિયમ છે કે તે આપણી નજીકના માણસો પર જ વિશેષ રૂપે થાય છે. આપણને દૂરના માણસો કરતાં નજીકના માણસો માટે વધારે ફરિયાદો છે. આપણી નજીકના એ માણસોને પણ બહારના અને દૂરના માણસો કરતાં વિશેષ
Page #5
--------------------------------------------------------------------------
________________
ફરિયાદ આપણી માટે જ છે. આ અરસપરસની વાત છે. આમાં જ્યાં જયાં આપણી ભૂલ થતી હોય ત્યાં ત્યાં આપણે સાવચેત બનવાનું છે. થઈ ચૂકેલી ભૂલો અને એ ભૂલનો જે ભોગ બન્યા છે તેમની માટે આપણે સૌએ દિલગીરી અનુભવવી જોઈએ. આ ભાવનાત્મક પ્રવૃત્તિ છે.
સંવત્સરીના ક્ષમાપના કર્તવ્ય વિશે અમારા આચાર્ય ભગવંતે તો સાફ શબ્દોમાં લખ્યું છે કે એક વરસથી વધારે સમય માટે જે પોતાના મનમાં વૈર કે વિરોધ રાખે છે તેની આરાધનાઓ નકામી બની જાય છે. એવા માણસમાં ધર્મ કરવાના સાચા ભાવો જાગશે જ નહીં. એક વરસથી વધુ સમય માટે મનમાં વૈરની ગાંઠ રાખનારો વિરોધક છે.
અમારા આચાર્ય ભગવંતે તો સાધુસંઘને પણ બાકી નથી રાખ્યો. બહુ કડક શબ્દોમાં તેમણે જણાવ્યું છે કે જાણવા છતાં, સમજવા છતાં જે પોતાના મનમાંથી વૈરભાવને દૂર કરતો નથી તેવા સાધુને સડેલા આંબાની જેમ સમુદાયમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ.
સંવત્સરી સાથે સંકળાયેલી ક્ષમાપના માટે જો સાધુઓએ આટલી બધી સાવધાની રાખવાની હોય તો આપણે કેટલા બધા જાગૃત રહેવું પડશે ? એકાદ દિવસના આધારે હૃદયના ભાવ ઘડાતા નથી. હૃદયને રોજેરોજ ઘડવું પડે છે. ઘડાયેલું હૃદય જ પર્વના દિવસોમાં વિશેષ આનંદ પામી શકે છે. આપણે હૃદયને ઘડવાનું ચૂક્યા છીએ છતાં હજી તક હાથમાં છે. આપણે હૃદયને ઢંઢોળીએ. હૃદયની પાસેથી જવાબ માંગીએ, આપણો અંતરાત્મા ક્ષમાપના સુધી પહોંચશે.
ક્ષમાપના કરવા માટે આપણી સમક્ષ આપણા તમામ પરિચિતોનું નામ હોવું જોઈએ. જેમની સાથે વાત કરી, વહેવાર રાખ્યો, લેવડદેવડ કે ભાગીદારી કરી, ભાવનાઓનું આદાનપ્રદાન કર્યું, તે બધાનાં નામ યાદ કરવા જોઈએ. જેમની પાસે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ અને આપણી પાસે જે લોકો અપેક્ષા રાખે છે તે સૌને યાદ કરવાના છે. આ
બધાને મળવાનું છે. પૂરેપૂરી સચ્ચાઈથી તેમને ખમાવવાના છે.
પદ્ધતિસર વિચારીએ તો ત્રણ તત્ત્વો સાથે ક્ષમાપના કરવી જોઈએ. પર સાથે, પરમાત્મા સાથે અને જાત સાથે. પરની ક્ષમાપના એટલે આપણી આસપાસ રહેનાર દરેક લોકોની ક્ષમાપના. પરમાત્માની ક્ષમાપના એટલે આપણા ભગવાનના આપણે જે કોઈ અપરાધ કર્યા હોય તેની ક્ષમાપના. જાત સાથે ક્ષમાપના એટલે આપણો આતમા, જે મૂળભૂત રીતે ખૂબ ઉત્તમ છે. તેને સદ્ભાવનાથી દૂર રાખ્યો છે તેની ક્ષમાપની.
આપણાં મનમાં કષાયો જાગી ગયા તે જો એક વરસથી વધુ રહ્યા તો સમકિતનો નાશ થાય છે. સાધુ હોય તેના પણ જે કષાય એક વરસથી વધુ રહ્યા હોય તો સાધુપણાનો નાશ થાય છે. આ વાસ્તવિકતા નજર સામે રાખીને કષાયોને ઠરવાના છે. આપણે કઈ ગતિમાં જવાના તેની તો ખબર નથી. કંઈ ગતિમાં નથી જવું તે નક્કી કરી લેવું જોઈએ. ક્ષમાપના સાચા દિલથી ન કરી હોય તો દુર્ગતિમાં જ જવું પડે છે. ક્ષમાપના કરનારા જ સંગતિના અધિકારી છે. ક્ષમાપના ન કરનારા જે ગતિમાં હોય છે તે ગતિ પણ તેમની માટે દુર્ગતિ જેવી જ બની જાય છે. લાંબા સમય સુધી હૈયામાં કષાયોની આગ સંધરીને જીવનારો ગતિમાં છે તેવું તો ના જ કહી શકાય. આપણું વર્તમાન જીવન અને ભવિષ્યનું જીવન અને પરલોકનું જીવન-દુર્ગતિ તરીકે જ ઓળખાય તેમાં આપણી શોભા નથી. જીવનના દરેક દિવસો સદ્ગતિની સુવાસથી છલકાતા હોવા જોઈએ. આજે કષાયોનો કચરો ગંધાઈ રહ્યો છે. સાફસૂફી કરી જ લેવી જોઈએ.
ક્ષમાપનાની શરૂઆત પરની ક્ષમાપનાથી થાય છે. જે લોકો આપણા સંપર્કમાં છે તેમાં જે લોકો આપણી સૌથી નજીકમાં છે તેની ક્ષમા આપણે માંગવાની છે. જેમની સાથે સતત રહેવાનું થાય છે તેમની સાથે
Page #6
--------------------------------------------------------------------------
________________
કષાયો પણ સવિશેષ થતા હોય છે. ઘેર ઘેર માટીના ચૂલા આ જૂના જમાનાની કહેવત છે. આજે આ કહેવત બદલાઈ ગઈ છે : ઘેર ઘેર ગેસસિલીંડરના ચૂલા. પહેલાના જમાનામાં રાખવાળી આગ ચાલતી હતી, આજે ગેસવાળી આગ ચાલે છે, ભડકા તો ઉઠે જ છે. પહેલાના જમાનામાં સંયુક્ત પરિવારો હતા. આજે સંયુક્ત પરિવારો નથી રહ્યા. પરંતુ પરિવારો તો છે જ. પરિવાર એટલે સંબંધ અને સંપર્ક, ઘરના લોકો, કુટુંબના લોકો સાથે સતત સંપર્ક ચાલુ છે. આમાં ઘર્ષણો પણ થાય, ગેરસમજ પણ થાય, નારાજગી પણ થાય, બોલાચાલી પણ થાય, ખરાબ વર્તન પણ થાય. કષાયોનાં આ સરનામાં છે. ક્ષમાપના આ કષાયોની કરવી જોઈએ. જેમની જેમની સાથે કષાયપૂર્ણ વહેવાર થયો હોય તેમને મળીને પૂરેપૂરી નમ્રતાથી ક્ષમાયાચના કરવી જોઈએ.
પિતા-માતા-ભાઈ-બહેન-પતિ-પત્ની-દીકરો-દીકરી-સાસુ-વહુ આ આપણા રોજના સંબંધો છે. આ ઘરના સભ્યો છે. આ પરિવારજનો છે. આપણી માટે એમનાં મનમાં પુષ્કળ લાગણી છે. આપણાં મનમાં એમની માટે અતિશય લાગણી છે. અને તેમ છતાં આખા વરસ દરમ્યાન આ જ લોકો સાથે આપણે ટકરાતા રહ્યા છીએ. મતભેદો પણ થયા છે, મનભેદો પણ થયા છે. અમુક ગાંઠો મનમાં એવી બંધાઈ ગઈ છે કે સામેથી માફી માંગવાનું યાદ જ નથી આવતું. અભિમાન નડે છે. ક્ષમાપનાની શરૂઆત અભિમાનને ધક્કો મારવાથી થાય છે બારસાસૂત્રમાં લખ્યું છે : રાયણિએ સેહં ખામેઈઃ મોટાએ નાનાની માફી માંગવી. આચાર્ય કે ઉપાધ્યાય સામે ચાલીને નાના સાધુની ક્ષમા યાચે. વડીલ, નાના સાધુની માફી માંગે. આ વિધિ છે. આપણા પરિવારમાં પણ આ વિધિનું પાલન થાય તો ક્ષમાપના નક્કર બને.
આપણે પિતાના સ્થાને હોઈએ તો દીકરા, આપણાં સંતાન આપણી સામે નાના ગણાય. પિતાએ વિચારવું જોઈએ કે “આખા વરસ દરમ્યાન મારી મહત્તા સાચવવા માટે મેં મારા દીકરાને ઘણો અન્યાય કર્યો
છે. એની સાચી વાત કાને ધરી નથી. એક માત્ર અહને કારણે તેની માંગણી ઠુકરાવી દીધી છે. એની સાથે સરખી વાત કરી નથી. પિતા તરીકેનું વાત્સલ્ય મેં નથી આપ્યું. મારી મોટાઈનાં ગુમાનમાં મારા દીકરાને ઘણી વાર અપમાનિત કરી દીધો છે. આ બધું થઈ તો ગયું છે પણ મારી ફરજ છે , આ મારા આવેશના ચક્કરમાંથી બહાર આવવાની.”
પિતાઓ આવું વિચારે અને પોતાના દીકરાને બોલાવી કહે : બેટા, તું મારો દીકરો છે પણ તારા બાપ થવાની યોગ્યતા મારામાં નથી. મે તને બીજા દીકરાઓ કરતાં ઓછો પ્રેમ આપ્યો છે. તારી વાત સાચી હોવા છતાં કેવળ મોટાઈના મદમાં મેં તે સ્વીકારી નથી. તારી પર ગુસ્સો કર્યો છે, તને ધમકી આપી છે, તારા પર દબાણ કર્યું છે. હું મારી ભૂલોની આજે માફી માંગું છું. મારે તને ધર્મ આપવો જોઈતો હતો. મેં તને ધર્મ શીખવ્યો નથી. રાજા કુણિકે પોતાના પિતા શ્રેણિકને ચાબુક મારવાની સજા કરી હતી તે રીતે તારે મને ફટકારવો જોઈએ કેમ કે મેં તને ધર્મને બદલે અધર્મ શીખવ્યો છે. મારા અપરાધો ઘણા છે. હું તેની ક્ષમા માંગું છું.”
જે દીકરો વધારે કમાતો હોય તેને વધારે માન આપ્યું, જે દીકરો સારું સારું બોલતો હોય તેને વધારે પ્રેમ આપ્યો, જે દીકરો ઓછું કમાતો હોય કે જે દીકરો અવસર મુજબ કડવી પણ સાચી વાત કહી શકતો હોય તેને સલામત અંતરે રાખ્યો હોય તેની માફી પિતાએ માંગવી જોઈએ. નાનો દીકરો વધારે લાડકો હોય, મોટો ઓછો માનીતો હોય આવી, ભેદભાવના મનમાં રાખી હોય તો એની માફી માંગવી એ પિતાની ફરજ છે.
આપણા પોતાના સ્વાર્થ માટે દીકરાનાં જીવનને ખોટી દિશામાં વાળ્યું હોય કે દીકરાની ઇચ્છા ન હોય એવાં કામમાં તેને જોતરી દીધો
Page #7
--------------------------------------------------------------------------
________________
હોય કે દીકરાની જિંદગીમાં આપણે લીધે અંધાધૂધી ફેલાઈ હોય તેની ક્ષમા પિતા નહીં માંગે તો બીજું કોણ માંગશે ? દીકરાનાં જીવનમાં પિતાની ખૂબ મોટી અસર હોય છે. બાપ જે સામે ચાલીને ક્ષમાયાચના કરવા આવશે તો દીકરાઓ, પ્રેમભૂખ્યા આ સંતાનો બાપના બધા જ અપરાધો ભૂલી જશે. પિતાની શરૂઆત પરિવારનો આનંદ બનશે.
વડીલ તરીકે માતાનું સ્થાન એકદમ વિશિષ્ટ છે. માતાએ સૌને પ્રેમ આપવાનો છે. માતાએ સૌને લાગણી આપવાની છે. માતાના હાથે ભૂલ ન થાય તેવું નથી. માતા ભૂલ કરે તો એનું પરિણામ ભારે વિચિત્ર આવી શકે છે. વરસ દરમ્યાન દીકરાદીકરીને સાચવવામાં માતાએ કોઈ એક દીકરા કે દીકરી માટે વિશેષ પક્ષપાત રાખ્યો હોય, દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યો હોય, કર્તવ્ય નીભાવવામાં કંટાળો કર્યો હોય, નાના બાળકોને કારણ વગર વઢ્યા હોય, પ્રેમથી પીરસવાને બદલે ઉતાવળથી જમાડ્યા હોય, તેમના ધર્મમાં બાધા ઊભી થાય તેવું કંઈ કર્યું હોય, આ ભલાભોના સંતાનો માટે તેમના પિતા સમક્ષ ફરિયાદ કરીને તેમને ઠપકો અપાવ્યો હોય, જરૂર વગર તેમની પર કડકાઈ કરી હોય, આળસને લીધે પોતાનાં કામ તેમની પાસે કરાવ્યા હોય, તેમને સંતોષ આપ્યો ન હોય, તેમને જવાબ આપવામાં બેપરવા બન્યા હોઈએ, સંતાનને બોજો માનીને ઉછેર્યા હોય, આવી કોઈ પણ ભૂલ થઈ હોય તો માતાએ સંતાનની માફી માંગી લેવી જોઈએ. માતા પ્રેમાળ હોય છે. માતા ભૂલ કરે તેવું સંતાનો વિચારી પણ શકતા નથી. માતા જો માફી માંગી લે તો સંતાનોમાં નવો વિશ્વાસ ઘડાય.
વડીલ તરીકે પતિનું પણ ચોક્કસ સ્થાન છે. પત્નીની સમગ્ર જવાબદારી પતિની હોય છે. પત્નીની લાગણી, અપેક્ષા, તબિયત, પ્રકૃતિ, વેદના આ બધામાં પતિનો સહભાગ હોય છે. પતિ તરીકેનો અધિકાર બતાવવામાં, આપણે આ પત્ની સાથેના વહેવારમાં ભીંત ભૂલ્યા હોઈએ તો એની માફી માંગવી જોઈએ. પત્ની અબળા છે, તેની
પર ગુસ્સો કરો તો એ પ્રતિકાર કરી શકવાની નથી એમ સમજી તેની પર જયારે ને ત્યારે ગુસ્સો કર્યો હોય, બીજાની હાજરીમાં તેનું અપમાન કર્યું હોય, તેને ગાળો આપી હોય કે તેની પર હાથ ઉપાડ્યો હોય તો એની ક્ષમાયાચના કરવી જોઈએ. પત્નીના સ્વભાવને સમજ્યા વગર તેની પર ગમે તેવા આક્ષેપ કર્યા હોય, તેને આનંદપ્રમોદનું સાધન માનીને ગમે ત્યારે હેરાન કરી હોય, તેની સાથેના સંબંધોમાં બેવફાઈ કરી હોય, તેની સાથે ચાલાકી કરી હોય, તેને ભોળવી હોય, તે એકમાત્ર આપણી જ ભૂલ છે. આપણે આ બધી ભૂલોની ક્ષમાયાચના અવશ્ય કરવી જોઈએ. પત્નીના માબાપ કે તેનો પરિવાર પત્ની માટે બહુ જ અગત્યના હોય છે. તેનાં પિયર વિશે આપણે જેમતેમ બોલીએ છીએ, તેની બહેનપણીઓ માટે ગમે તેવા અભિપ્રાયો ઉચ્ચારીએ છીએ. તેને ધર્મમાં સહકાર આપવાને બદલે આપણે તેના ધર્મમાં અંતરાય ઊભા કરીએ છીએ. આપણી ફરિયાદોને જ મહત્ત્વ આપીએ છીએ, તેની ફરિયાદો કાને ધરતા નથી. પત્નીનું અપમાન, પત્નીની ઉપેક્ષા અને પત્નીનો તિરસ્કાર કરવાને લીધે આપણાં મનમાં તીવ્ર સંક્લેશનું નિર્માણ થતું હોય છે. પત્નીનાં મનમાં પણ આપણી માટે ઉગ્ર દુર્ભાવ જાગતો હોય છે. પત્ની ભૂલ કરે કે ન કરે, ક્ષમાપનાના મુદ્દે તો પતિએ સામે ચાલીને પત્નીની ક્ષમા માંગવી જોઈએ. આપણું હૈયું હળવું ફૂલ બને તે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. પતિની ક્ષમાયાચના પત્નીનાં અંતરમાં સાચો સમર્પણભાવ પેદા કરે છે.
પરિવારના દરેક સભ્યો સાથે ક્ષમાપના કરવાની છે. અને દરેક સભ્યોએ ક્ષમાપના કરવાની છે. પતિ ક્ષમા માંગે તેમ પત્નીએ પણ ક્ષમાયાચના કરવી જોઈએ. પત્ની તરીકેની ભૂમિકા નીભાવવામાં આપણે ઘણી વખત નિષ્ફળ ગયા છીએ. પતિની સાચી વાત સાંભળીને સ્વીકારવી જોઈએ. તેને બદલે સામાં જવાબ આપ્યા છે. પતિ સાથે અનેકવાર જૂઠું બોલ્યા છીએ. તેમની સમક્ષ ખોટી જીદ્દ કરી છે. તેમની
Page #8
--------------------------------------------------------------------------
________________
પર દબાણ ઊભું કર્યું છે. તેમની સાથે અબોલા લીધા છે. સંબંધોની બેવફાઈ કરી છે. નાની વાતોને મોટું સ્વરૂપ આપ્યું છે. માબાપ સમાન સાસુસસરા માટે અણછાજતી ફરિયાદો કરી છે. આપણી અપેક્ષા અને આપણા અહંને સાચવવા માટે પરિવારના સભ્યો વચ્ચે ખટરાગ પેદા કર્યો છે. મા-દીકરો, પતિ-પુત્ર, ભાઈ-ભાઈ કે ભાઈબહેન વચ્ચે સારા સંબંધો હતા તેમાં આપણે લીધે ખટાશ આવી ગઈ છે. આપણે શ્રીમંત ઘરના હોઈએ તો અભિમાન બતાવ્યું છે. આપણે ગરીબ ઘરના હોઈએ તો લોભ-લાલચમાં પડ્યા છીએ. પરિવારની ઉત્તમ પુત્રવધૂ બનવાને બદલે વઢકણી વહુ બની બેઠા છીએ. આપણને કોઈની પર વિશ્વાસ નથી. કોઈનો વિશ્વાસ આપણે જીતી શકતા નથી. ક્યારેક ઈર્ષા, ક્યારેક સ્પર્ધા, ક્યારેક નિંદા, ક્યારેક કટાક્ષો કરવામાં આપણું મગજ બરબાદ કર્યું છે. સૌને શાંતિ અને સંતોષ આપવા જોઈએ તેને બદલે સૌની ઊંઘ હરામ કરી નાંખી છે. ધમકીઓ આપી છે, ઘર છોડીને જતા રહ્યા છીએ, રીસામણાં કર્યાં છે. આપણાં સ્ત્રીત્વનો ઉપયોગ ચોક્કસ સ્વાર્થ માટે કર્યો છે. પત્નીને ગૃહિણી કહેવાય છે. ઘરનું વાતાવરણ પ્રસન્ન રાખવાની જવાબદારી તેની છે. પત્ની જો પતિ સાથે સંઘર્ષ અને સંક્લેશ કરે તો ઘર ભડકે બળવાનું છે. પત્નીએ પતિને અને પતિના પરિવારને પ્રસન્ન રાખવાના છે. નાનીનાની વાતોને મનમાં લીધા વિના નમ્રભાવે પતિની ક્ષમાયાચના કરનારી પત્ની આખા પરિવારની ઉત્તમ સેવા કરી રહી છે.
પરિવારમાં પુત્રનું અલાયદું સ્થાન છે. માતાપિતાની આશાઓ જીવે છે પુત્રના આધારે. માતાપિતાનો આનંદ પુત્ર પર જ અવલંબે છે. પુત્ર ઉઠીને માબાપને નારાજ કરે, પરેશાન કરે તેનાથી મોટી કરુણતા કઈ હોય ? આજે આ ઘરઘરની સમસ્યા છે. સંતાનો માબાપને પરેશાન કરે છે. આપણો નંબર આવા કુપુત્રમાં હોય તો વેળાસર જાગી જવાનું છે. માબાપની આજ્ઞા ન માની હોય, માબાપનાં દિલને ઠેસ વાગે તેવું વર્તન કર્યું હોય, તેમની વાત પ્રેમથી સાંભળવી જોઈએ તેને બદલે તેમને ઊંધા
૯ ×
જવાબો આપ્યા હોય. એમણે જિંદગીભર આપણી માટે મજૂરી કરી તે ચાલ્યું આપણને અને એમની માટે મહેનત કરવાનો વારો આવ્યો તો આપણે છટકવા પ્રયત્ન કર્યા હોય, બિલકુલ ગંભીરતાથી આપણી ભૂલોને યાદ કરવાની છે. તેમને ઘરમાં એકલા પાડી દીધા છે. તેમની સાથે વાત કરવાનો સમય નથી આપણી પાસે. તેમણે આપેલી તકલીફો યાદ રાખી છે પણ તેમણે કરેલા ઉપકાર યાદ નથી રાખ્યા. તેમને જૂનવાણી કહીને ઉતારી પાડ્યા છે. તેમની લાગણીને સમજવાનો પ્રયાસ જ કર્યો નથી. પત્નીની વાતમાં આવી ગયા છીએ અને માબાપને ન કહેવાના શબ્દો કહી દીધા છે. તેમની સ્વતંત્રતા પર તરાપ મારી છે. તેમની સેવા કરી નથી. તેમને હૂંફ આપી નથી. એકાદ મુદ્દાને મોટો બનાવી દઈને જિંદગીભરનો મતભેદ ખડો કર્યો છે. તેમના સ્વભાવને ખરાબ ચીતર્યો છે. તેમની વાતોને ખોટો વળ આપ્યો છે. પુત્ર તરીકેની ફરજમાં આપણે ઘણીવાર ચૂક્યા છીએ. આપણને આપણી બુદ્ધિ પ્રમાણે વિચારવાની આદત પડી ગઈ છે. માબાપની પરિસ્થિતિને માબાપની દૃષ્ટિએ જોવાની સૂઝસમજ આપણામાં નથી. આપણને સફળતાનો ગર્વ ચડી ગયો છે તેમાં માબાપની લાગણી ભૂલાઈ ગઈ છે. હજી મોડું નથી થયું. માબાપ તો આપણાં સુખમાં સુખી હોય, આપણાં દુ:ખમાં દુઃખી. આપણે દુઃખી હોઈએ તે એમનાથી જોવાતું નથી. આપણા મનમાં એમની માટે આવેશ હોય, રોષ હોય તે એમનાથી સહેવાતું નથી. તેઓ સરળભાવે આ સંક્લેશમાંથી બહાર આવવા ચાહે છે. આપણે તેમની પાસે જઈએ, તેમનાં ચરણોમાં પડીએ, તેમની ક્ષમા માંગીએ. માબાપ પોતાના સંતાનોની નમ્રતા જોઈને બધા જ ગુના માફ કરી દે છે. તમારા માબાપને તમે સાચી લાગણી આપો તેમાં તમારા જનમની કૃતાર્થતા છે. આપણને મા અને બાપ પાસે માફી માંગતા શરમ લાગવી જોઈએ નહીં. આપણું શરીર, આપણું અસ્તિત્વ આ માબાપના પ્રતાપે છે. આપણને જીવતા આવડે છે તે માતાપિતાનો જ ઉપકાર છે. માતાપિતાની ક્ષમાયાચના
- ૧૦ -
Page #9
--------------------------------------------------------------------------
________________
કરવામાં ઘણા બધા ફાયદા છે અને નુકશાની કોઈ જ નથી. જ્યાર સુધી માબાપ સાથે ક્ષમાયાચના થતી નથી ત્યાર સુધી ધર્મનો એકડો ઘૂંટાતો નથી.
આપણે પરિવારમાં મોટાભાઈના સ્થાને હોઈએ તો નાના ભાઈની ક્ષમાપના આપણે કરવાની. નાનાભાઈનો હક આપણે છીનવી લીધો હોય, તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોય, પિતાજીની સંપતિના ભાગ કરવાને બદલે બધી જ સંપત્તિ પચાવી પાડી હોય, આવી બધી ગલતીઓ યાદ કરી લેવાની છે.
આપણે આપણા નાનાભાઈ સાથે અભિમાનથી વર્ત્યા છીએ. તે નાનો છે, અનુભવી નથી. આપણે તેને સહાય કરી આગળ વધારવો જોઈએ. તેને હિંમત આપવી જોઈએ. વડીલ તરીકે નાનાભાઈનું ધ્યાન રાખવાની આપણી ફરજ છે. આપણે આ બાબતમાં પાછા પડ્યા છીએ. નાનાભાઈ સાથે સ્પર્ધા રાખી છે. નાનાભાઈને વધુ મહત્ત્વ ન મળે તેની તકેદારી રાખી છે. નાનાભાઈ પર વર્ચસ્વ જમાવી રાખ્યું છે. એને ખુલ્લાદિલે મળ્યા નથી. એની સાથે રાજકારણ ખેલ્યા છે. એને ભોળવીને આપણો અંગત સ્વાર્થ સાધ્યો છે. ભાઈ કરતા પૈસાને વધારે અગત્યતા આપી છે. એનાં દુઃખને સમજવાનો પ્રયાસ નથી કર્યો. પોતાનાં દુ:ખની જવાબદારી એના માથે થાપી દીધી છે. માબાપ સમક્ષ તેની ફરિયાદો કરી છે. મિત્રો સમક્ષ તેને અપમાનિત કર્યો છે. તેની પાસેથી કામ કઢાવી લેવાની દાનત રાખી છે. આગળ વધીને યાદ કરીએ તો, એની સાથે ગાળાગાળી અને મારામારી પણ થઈ છે. મામલો કોર્ટકચેરીએ પણ ગયો હશે. એક માતાના બે સંતાનો આમને-સામને આવી ગયા છે. દુશ્મન સાથે ઝઘડો થાય તો સમજી શકાય, પાડોશી કે ભાગીદાર સાથે ઝઘડો થાય તો પણ સમજી શકાય, ભાઈ સાથે ઝઘડો થાય તે સમજી શકાતું નથી. નાનપણમાં સાથે રમ્યા અને સાથે જમ્યા, સાથે ભણ્યા ને સાથે ગણ્યા. એક સરખી ધમાલો કરી અને એક સરખો માર ખાધો. અને ~ ૧૧ ~
આજે ? એક દીવાલ ખડી થઈ ગઈ છે બે ભાઈઓ વચ્ચે. મોટાભાઈએ પહેલો હાથ લંબાવવો પડશે. નાનો ભાઈ નાસમજ હશે, નારાજ હશે. ઠીક છે. આપણે તો આપણા આતમા માટે જાગવાનું છે. આજ સુધી કષાયોની હોળી સળગતી રહી છે. આજે અટકીશું તો બાજી હજી સલામત છે. આજે ન અટક્યા તો જિંદગીભરના કષાયો આપણને ક્યાં લઈ જશે ? એક જ ઘર અને એક જ પરિવારના સભ્યો વચ્ચેનો સંક્લેશ આપણા ઝૂકવાથી ઘટી જતો હોય તો ક્ષમા માંગી જ લેવી જોઈએ. નાનામોટાની ભેદરેખાને વચ્ચે લાવ્યા વિના નાનાભાઈ પાસે જઈને તેને ભેટીને ખુલ્લા દિલે ક્ષમા માંગી લેવી જોઈએ. રામ અને લક્ષ્મણ આપણે ભલે ન બની શકીએ પરંતુ આપણે ગુણસેન અને અગ્નિશર્માના વારસદાર તો નથી જ રહેવું. આપણા તરફથી સંક્લેશ ન રહે અને સામા પક્ષે રહેલો સંક્લેશ આપણા હાથે ભૂંસાય તે સાચી ક્ષમાયાચના છે.
ન
મોટાભાઈની જેમ નાનાભાઈએ પણ ક્ષમાયાચના કરવી જોઈએ. મોટા ભાઈ તો વડીલ છે. દરેક વાતની જવાબદારી એમના માથે જ આવે. ઘરમાં કોઈ પ્રશ્ન ઊભો થાય કે બહારથી કોઈ તકલીફ આવે તો મોટાભાઈએ જ હવાલો સંભાળવો પડે છે. સમાજમાં જવાબ આપવાનો હોય તો મોટાભાઈએ જ આગળ થવું પડે છે. એ સૌને સાચવી કઈ રીતે ચાલે છે તેની આપણને નાનાભાઈ તરીકે ખબર નથી પડતી. આપણે માથે જવાબદારી હોતી નથી. કોણ શું બોલી જશે તેની પરવા આપણે રાખતા નથી બધાની વચ્ચે રહેવું અને સલામત રહેવું તે કેટલું કપરું છે તેનો એક માત્ર મોટાભાઈને જ ખ્યાલ હોય. નાનાભાઈ જે કરે તેમાં પણ મોટાભાઈ જ સલવાય. આપણે નાનાભાઈ તરીકે દુનિયાદારીનો બોજો રાખતા નથી જેમ ફાવે તેમ જીવીએ છીએ અને જેમ સૂઝે તેમ બોલીએ છીએ. કેટલાય કડવા ઘૂંટડા ગળીને મોટાભાઈ આપણી સંભાળ રાખતા હોય છે, પોતાની પત્ની, પોતાના દીકરા કે પોતાના મિત્રોને પણ એ આપણી માટે નારાજ કરી શકે છે. એમના પ્રેમને આપણે વાંચી શકતા
- ૧૨ -
Page #10
--------------------------------------------------------------------------
________________
નથી. આપણને નાના તરીકેનો હક યાદ હોય છે એટલે ઘણીવાર એલફેલ શબ્દો બોલીને મોટાભાઈને ઉતારી પાડીએ છીએ. આપણી માટે મોટાભાઈ કેટલું બધું ખમી ચૂક્યા છે તે આપણને યાદ નથી રહેતું. નાનાને લાડ વધારે મળે તેવો નિયમ છે. આ જ નિયમને લીધે નાનાઓ વંઠી જતા હોય છે. ભાઈનો ભાઈ સાથે ઉદાત્ત સંબંધ બહુ મધુરો હોય છે. ભીમ અને અર્જુને યુધિષ્ઠિરને મોટાભાઈ તરીકે ખૂબ સન્માન આપ્યું હતું. લક્ષ્મણ અને ભરત, રામચંદ્રજીને મોટાભાઈ તરીકે અભુત આદર આપ્યો હતો. આપણે તો બેજવાબદાર છીએ. ઝઘડો ઊભો કર્યો છે અને માફી માંગવાના સમયે છટકી ગયા છીએ. આજ સુધી અનેક વાર મોટાભાઈને આપણા તરફથી અન્યાય થતો રહ્યો છે. આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા મોટાભાઈ પાસે જવાનું છે, તેમના ખોળામાં માથું મૂકીને ૨ડતા રડતા માફી માંગવાની છે. બે ભાઈનો સંપ આખા પરિવારને પ્રસન્નતાથી ભરી દે છે. નાનાભાઈ પાસે નાના હોવાનો ફાયદો છે. નાનોભાઈ માફી માંગે તો મોટાભાઈ તરત પીગળીને ભેટી
હોય, આ બધું નિર્મળ અને નિર્દોષ સ્નેહભાવને પ્રદૂષિત કરતું હોય છે. બહેન નાની હોય કે મોટી હોય ભાઈ જ એનું ધ્યાન રાખે છે. ભાઈને સંપૂર્ણ આદરભાવ આપવામાં બેને ક્યારેય સંકોચ રાખવો જોઈએ નહીં. ગમે તે કારણસર એવું બનતું આવ્યું છે કે બેન નાની નાની વાતમાં નારાજ થઈ જાય, એને ખોટું લાગી જાય, અકારણ ગુસ્સો કરી દે. ભાઈને દુ:ખ થાય, વેદના થાય તેવું કોઈ પણ વર્તન બેન તરફથી થયું હોય તેની ક્ષમાયાચના બેને કરી લેવી જોઈએ. આ જગતના તમામ સંબંધોમાં ભરતીઓટ આવે છે પરંતુ ભાઈ બહેનનો સંબંધ ભરતીઓટથી પર છે. આ સંબંધમાં સ્વાર્થનું કોઈ સ્થાન નથી. આપણે કેવળ વાર્થ કે અહં ખાતર ભાઈબેનના સંબંધને બગાડી ન શકીએ. બેને મીઠાશથી ભાઈને સાચી વાત કહેવાની છે તો બેને નમ્રતાપૂર્વક ભાઈ પાસે જ ક્ષમા માંગવાની છે. ભૂલ કોણ કરે છે તે અગત્યનું નથી. આપણાં મનમાં કષાય ન રહે તે જ મહત્ત્વનું છે. ક્ષમા માંગવાથી અંતર પ્રસન્ન થાય છે. હૈયાનો બોજો હળવો થાય છે. મન અળખામણાં થયા હોય તેમાં હળવાશ આવે છે. લાગણીથી જીવનારી બેના ભાઈ પાસે જઈને ક્ષમાયાચના કરે તે પણ એક પ્રેરણા બની રહે છે. બેનનું સમર્પણ ભાઈના કષાયને દૂર કરે છે. બેનનો નિખાલસ એકરાર ભાઈને દ્વેષભાવથી મુક્ત કરે છે. જાતે કષાયમુક્ત બનવું અને સહવર્તીને કષાયમુક્ત બનાવવા ઝૂકી પડવું તે ક્ષમાભાવના છે. ક્ષમા કરવામાં પહેલ કરનાર મહાનું છે.
ભાઈએ બેનને ક્ષમા આપવાની છે તેમ ભાઈએ બેનની ક્ષમાયાચના કરવાની છે. ભાઈ બેન પર ગુસ્સો કરે, બેનને ઠપકો આપે તેવું બનતું આવ્યું છે. બેન ભાઈ પાસે સ્વાર્થ માટે આવતી હોય તેવું
ક્યારેય બનતું નથી. બેનને ભાઈની ચિંતા હોય છે. બેનનાં મનમાં ભૈયાનાં હિતની ખેવના હોય છે. આવી બેનની લાગણીને ઠેસ પહોંચી હોય, તેને અપમાનિત કરી હોય, તેની પર ધ્યાન આપ્યું ન હોય તે બધી ભૂલોની જવાબદારી આપણી છે. આપણે ઘરના કર્તાહર્તા હોઈએ,
ભાઈભાઈની જેમ ભાઈબેનનો સંબંધ હોય છે. આ પવિત્ર સંબંધ માટે ઘણું લખાયું છે અને લખાશે. ભાઈએ બહેનને સ્નેહભાવથી સાચવવાની છે. બેને ભાઈને લખલૂટ પ્રેમ આપવાનો છે. આપણા સ્વાર્થભાવને લીધે બેન તરીકે આપણે ભાઈને સાચો પ્રેમ ન આપી શક્યા હોઈએ તેવું બનવાની સંભાવના ઘણી બધી છે. બેનનો ભાઈ પર વિશેષ અધિકાર હોય છે. આપણે તે અધિકારનો ખોટી રીતે ઉપયોગ કરીને ભાઈને સતાવ્યા હોય તેની ક્ષમાયાચના કરવી જોઈએ. આપણી લાગણીને, આપણા અહંને સંતોષવા માટે ભાઈ પર દબાણ ઊભું કર્યું હોય, ભાઈને ન કહેવાના શબ્દો સંભળાવી દીધા હોય, ભાઈની પત્ની સાથે વાંધો પડ્યો હોય, ભાઈની વાત સમજવાનો પ્રયાસ ન કર્યો હોય, ભાઈને ના કહી દીધી હોય, ભાઈના આવકારને ઠંડો પ્રતિભાવ આપ્યો
- ૧૩ -
- ૧૪ -
Page #11
--------------------------------------------------------------------------
________________
પૈસાનો કમાન્ડ આપણા હાથમાં હોય એટલે બેનને પામર સમજીને ચાલીએ છીએ. બેન તો સ્ત્રી છે, પિયરમાં પણ પરાશ્રિત રહેવાની અને સાસરે પણ પરાધીન રહેવાની. એને લાચારીનો અહેસાસ થાય તેવું કદી બનવું ન જોઈએ. એ મૂંઝવણમાં હોય તો આપણે એને સધિયારો આપવો જોઈએ. આપણી ભૂમિકા મુજબ તેમને પૂરેપૂરું સન્માન આપવું જોઈએ. આપણે બેનને હેરાન કરીએ, ટેન્શનમાં મૂકીએ, એની ચિંતામાં વધારો કરીએ તો ભાઈ તરીકે ચૂક્યા ગણાઈએ. ભાઈ તરફથી બેનને અઢળક વાત્સલ્ય મળવું જોઈએ તે આપણે નથી આપ્યું. આપણી ઘણી ફરજોમાં આપણે બેજવાબદારી બતાવી છે. આપણે વરસભરમાં જ્યારે જ્યારે બેનને દૂભવી હોય, જે જે સમયે બેનને દુ:ખી કરી હોય તે દરેક અવસરની ખરાબ અસર બેનનાં દિલ પર પડી છે. બેનનાં કોમળ હૈયાને આપણે ધગધગતાં ડામ આપ્યા છે. શ્રીમંત ઘરે ગયેલી બેનને વધુ ખુશ રાખવી અને સાધારણ ઘેર રહેલી બેનને સાચવવા પૂરતી સાચવી લેવી આવી ભેદભાવના આપણાં મનમાં રાખી છે. બેનનાં કામ કરી આપ્યા હોય તો એને ટોણાં માર્યા છે. બેનની પાસેથી કામ કરાવી લેવાની ચાલાકી પણ કરી છે. બેન રાહ જોતી હોય તેવા પ્રસંગોમાં તેની પ્રતીક્ષાને પૂરી કરી નથી.
આપણા જેવા મરદ માણસો આવા નાજુક સ્વભાવની બેનને પરેશાન કરતા હોય તે કમનસીબી જ કહેવાય ને ? એ બેનની પાસે જઈને તેની માફી માંગી લેવી જોઈએ. એને દિલાસો આપીને એનાં મનના કષાયો ભૂંસવા જોઈએ. બેન કમજોર નથી હોતી. બેન ભાવનાશીલ હોય છે. બેનનાં મનમાં ભૈયા માટે સતત હેત હોય છે. આપણે આપણાં વર્તન કે વચનથી આ બેનને દૂભવી હોય તો એની ક્ષમાયાચના કરી લેવી જોઈએ.
ભાઈ બેનનો સંબંધ જેમ વિશિષ્ટ છે તેમ બીજો પણ એક વિશિષ્ટ
સંબંધ છે. આ જગતમાં આ સંબંધ વિશે જેમ જેમ સંશોધન થતા જશે તેમ તેમ આ સંબંધ વધુ ગહન પૂરવાર થતો જશે. આ સંબંધ છે. સાસુવહુનો સંબંધ.
એક ઘરની દીકરી બીજા ઘરમાં આવીને વહુ બની જાય છે અને એક દીકરો હોય છે તેની માતા, નવી આવેલી વહુ માટે સાસુ બની જાય છે. સાસુ અને વહુ આ બંને વચ્ચે એક વ્યક્તિ હોય છે. સાસુનો દીકરો અને વહુનો પતિ. આ દીકરા પર અને આ પતિ પર વર્ચસ્વ જમાવી રાખવા માટે બે સ્ત્રીઓ વચ્ચે ક્લેશ ચાલતો હોય છે. સાસુ વડીલપદું ધરાવતી હોય છે તેથી વહુને દબાવવાનો પુષ્કળ પ્રયાસ કરતી રહે છે. વહુની ભૂલો કાઢવી, તેની પર આક્ષેપો કરવા, તેની નિંદા કરવી આ બધા પરાક્રમો કરવામાં સાસુ પાછા પડતા નથી. વહુને દીકરી માની શકે તેવી સાસુ બનવાનું એ નથી શીખતી. એ દીકરાને વહુ વિરુદ્ધ ચડાવે છે. વહુ વળતી લડત આપે છે. એ પતિને સાસુ માટે ફરિયાદ કરે છે. બે આખલા ઝઘડે તેમાં ઝાડનો ખો નીકળે છે તેમ સાસુ અને વહુના ઝઘડામાં દીકરાનો ખો નીકળી જાય છે.
સાસુ શું કરે છે ? વહુને માનસિક ત્રાસ આપે છે, વાતે વાતે કચકચ કરે છે, ગાળો આપે છે, કજીઓ કરે છે, ધર્મ કરવાની સ્વતંત્રતા છીનવી લે છે.
વહું શું કરે છે ? સામા જવાબ આપે છે, ગમે તેમ બોલે છે, અણછાજતા પ્રહારો કરે છે, નાની નાની વાતમાં વાંધા ઊભા કરે છે, પતિને ઘર છોડી દેવાનું દબાણ કરે છે.
પરિવારનો માહોલ આવા ખેંચતાણવાળા સંબંધોને લીધે તૂટી જાય છે. સાસુ અને વહુ બંનેએ પોતપોતાનો તંત છોડીને ક્ષમાયાચના કરવી જોઈએ. સાસુ તે પહેલ કરે, વહુને ઉદાર ભાવે ખમાવે. વહુ પણ પોતે જ શરૂઆત કરે, પગમાં પડી માફી માંગે.
= ૧૫
- ૧૬ -
Page #12
--------------------------------------------------------------------------
________________
સાસુ અને વહુ મા-દીકરીની જેમ રહેતા હોય તેવું નથી જોવા મળતું. સાસુને વહુ પોતાની દીકરી જેવી લાગે અને વહુને સાસુ પોતાની માતા જેવી લાગે તેવી ભાવનાત્મક ભૂમિકા કેળવવી જોઈએ. અહં મમતા કે આગ્રહને છોડી દેવા જોઈએ. જે ઝૂકે છે તે પામે છે. જે ઝૂકતા નથી તે ઘણુંબધું ગુમાવે છે.
સાસુવહુના સંબંધોની જેમ સસરાવહુના સંબંધો પણ છે. કોઈ જગ્યાએ આ સંબંધને મૂલવવામાં આવ્યો હશે. બાકી સાસુવહુની જોડી જામતી હોવાથી સસરા અને વહુ વિશે વિચારવાનું બનતું નથી. સસરા તો ઘરના વડીલ છે. ઘરમાં આવેલી નાની વહુની ખરી જવાબદારી સસરાની છે. ઘરનું કોઈ માણસ એને હેરાન કરી ન જાય તેનું પૂરેપૂરું ધ્યાન સસરાએ રાખવું જોઈએ. વહુનો પક્ષ લઈને પોતાના પરિવારના લોકોને રોકવાની તાકાત હોવી જોઈએ સસરામાં. સસરાજી પોતે જ વહુને તકલીફ પડે તેવી રીતે રહેતા હોય, તેની ભૂલો કાઢ્યા કરતા હોય, તેની પર કુદૃષ્ટિ રાખતા હોય, વહુના પિયર માટે એલફેલ બોલતા હોય તો વહુની અવસ્થા તદ્દન દયાજનક બની જાય છે. પોતાની પત્ની, વહુની સાસુ છે તેથી વહુને ધમકાવતી હોય તો સસરાએ પત્નીથી દબાયા વગર તેને વારવી જોઈએ. દીકરો કે મોટી વહુ આ નાનીવહુને પરેશાન કરતા હોય તો સસરાની ફરજ છે કે અન્યાય રોકે. સસરાએ આ બધી ભૂલો કરી હોય તો તેમણે ક્ષમાયાચના કરવી જોઈએ.
વહુની ફરજ શું છે ? સસરાને પિતા તુલ્ય માનીને સાચવવા. તેમને કશી અગવડ ન પડે તેનો ખ્યાલ રાખવો. તેમની અવજ્ઞા કે અપમાન ન થાય તેની તકેદારી રાખવી. જુવાનીના જુસ્સામાં વડીલોને મુશ્કેલી પડે તેવું કોઈ વર્તન દાખવ્યું હોય, તેમના શબ્દોની અવગણના કરી હોય, સસરા વિરુદ્ધ પોતાના પતિને ઉશ્કેર્યા હોય, ક્ટા પાડીને અલગ ઘર બનાવ્યું હોય, પિયરમાં જઈને સાસરિયાની ફરિયાદો કરી હોય,
ઘરકામમાં પક્ષપાત રાખી સસરાનાં કામો ન કરવાનું વલણ દાખવ્યું હોય, બીજું પણ ન કરવાનું કર્યું હોય તો વહુએ સસરાનાં ચરણો પડીને માફી માંગી લેવી જોઈએ. વહુના હાથમાં, પિયર અને સાસરું આ બંને ઘરની ઇજજત રહેલી હોય છે. વહુની નમ્રતા બંને ઘરમાં અજવાળાં ભરી શકે છે.
આપણાં ઘરમાં નાનાં અબુધ બાળકો રહે છે. તેમને જિંદગી શું છે. તેની ખબર નથી. આ બાળરાજાઓ આપણને પરવશ છે. એ ભૂલો કરે છે, એમના હાથે ઘણી ગલતીઓ થઈ જાય છે. તેમને વહેવારની ગતાગમ નથી. તેઓ ઘણી વાર ગડબડ કરી બેસે છે. આપણે તેમનાં નાનપણને સમજી શકતાં નથી. આપણને તેમનાં ભોળપણને વાંચી શકતા નથી. એ વહાલા સંતાનો પર આપણે ગુસ્સો કરીએ છીએ, તેમને મારીએ છીએ, તેમને બધાની વચ્ચે ઉતારી પાડીએ છીએ. તેમની મરજીથી વિરુદ્ધનાં કામો તેમની પર ઠોકી બેસાડીએ છીએ. તેમને વાત્સલ્ય આપવામાં કંટાળો રાખીએ છીએ. સાવ નાના બાળકો રડતા હોય તો તેને છાનો રાખતા નથી, રડવા દઈએ છીએ. થોડા મોટા બાળકોને શિસ્તના બહાને દબાવી રાખીએ છીએ. તેમની ઉપેક્ષા પણ કરીએ છીએ. આપણો સ્વાર્થ હોય ત્યારે તેને કુટુંબવિરુદ્ધ ભડકાવીએ છીએ. આ બાળકોને ધર્મની દિશામાં વાળતા નથી. ધર્મનાં સૂત્રો કરતા સ્કૂલનાં શિક્ષણ શીખવા માટે વધારે મહેનત કરાવીએ છીએ. તે ધર્મની પાત્રતા ખીલવે તેનું ધ્યાન રાખતા નથી. તેને બીજા બાળકો સાથેની રેસમાં જોતરી દઈએ છીએ. સારું ભણે તો વહાલ મળે એવી શરતી લાગણી રાખીએ છીએ. એ માસુમ સંતાનનાં દિલથી સહન ન થઈ શકે એવું આપણું વર્તન રહ્યું છે. આ નાના બાળકોની ભલીભોળી ભાવનાને આપણે દૂભવતા આવ્યા છીએ. એ ભૂલી ગયું. એને આપણો ગુસ્સો ઠપકો યાદ નહી હોય. પરંતુ એની અંદર જખમ તો આપણા હાથે થયા જ છે. આપણે તેને ખોળામાં બેસાડીને પ્રેમથી પોતાની ભૂલ જણાવવી
- ૧૭ -
- ૧૮ -
Page #13
--------------------------------------------------------------------------
________________
જો ઈએ. એની માફી માંગવી જોઈએ. નાનામાં નાના બાળકની ક્ષમાયાચના કરીને હૃદયને ભારમુક્ત બનાવવું જોઈએ.
- અમે એવા વડીલો જોયા છે જે બે વરસના બાબલાની સામે હાથ જોડીને માફી માંગી ચૂક્યા છે. નાના બાળકને વડીલો પાસેથી નમ્રતાના આવા સંસ્કારો મળશે તેને જિંદગીભર સંભાળી શકશે. એને કોઈ હેરાન નહી કરીએ શકે. એ કોઈને હેરાન કરવા તૈયાર નહીં થાય.
આપણાં ઘરમાં નોકરો છે તેમને આપણે ઘણી વાર દૂભવ્યા છે, ઓછા પૈસા આપીને વધારેમાં વધારે કામ કરાવ્યું છે, તેની પર આક્ષેપ કર્યા છે, તેમને વગર વાંકે ખખડાવ્યા છે, ધમકી આપી છે. તેમને સાચવ્યા નથી. માંદગીમાં કે મુશ્કેલીમાં તેને સથવારો નથી આપ્યો. તેની ગરીબીમાં રાહત થાય તેવી સહાનુભૂતિ દાખવી નથી. નોકરની ભીતરમાં માણસ વસે છે તે સત્ય યાદ નથી રાખ્યું. કામ કરાવવા સિવાય તેની સાથે કશો પ્રેમાળ વહેવાર રાખ્યો નથી.
કષાયોથી જો બચવું હોય તો આવા નાનામાં નાના માણસો સુધી જવું પડશે. આપણો આત્મા સ્વચ્છ થાય, કષાયોનો બોજો ઘટે તે જ આપણે જોવું છે. આપણને અહં નડે, અભિમાન રહે તો ક્ષમાધર્મ ચૂકી જવાશે.
આપણી આસપાસ આપણા સ્વજનો, પરિચિતો અને મિત્રોનું વર્તુળ છે. આપણે દુશ્મનાવટ કરી છે, નિંદા કુથલી કરી છે, એકબીજાને ઝઘડાવ્યા છે, અંગત સ્વાર્થ માટે રાજકારણ ખેલ્યા છીએ, અદાવતો રાખી છે, અપમાન કર્યા છે, જૂઠું બોલ્યા છીએ, બીજાનાં કામ કર્યા નથી, બીજાની પાસે કામ કઢાવી લેવાની ઉસ્તાદગીરી કરી છે, કોઈના કહેવાથી કોઈની વિરુદ્ધમાં ઊભા રહી ગયા છીએ - આપણાં વર્તુળમાં આપણે આવું પ્રદૂષણ ફેલાવ્યું છે. કશી જ જરૂર નથી છતાં ક્લેશ કર્યા છે. કોઈ જ કારણ નથી છતાં ઉશ્કેરાયા છીએ.
સમાજ અને સંઘના સજ્જનોને તકલીફો આપી છે. વ્યવસ્થાનું ભંગાણ કરીને અશાંતિ સર્જી છે. સત્તા માટે રાજરમતો આદરી છે. સહકાર કરવાને બદલો વિરોધ કર્યો છે.
સાધર્મિકનો સત્કાર કરવાનું ચૂક્યા છીએ. પ્રભુશાસનના ભક્તજનોને ઉવેખ્યા છે. અહંદુધર્મના ઉપાસકો તો જગતની ઉત્તમ વ્યક્તિઓ ગણાય છતાં તેમને અપમાનિત કર્યા છે. આ ઘોર અપરાધ આપણા હાથે થયો છે.
આપણે જ આ બધું સમજવાનું છે. આપણી ભૂલોએ આપણી જિંદગીને બરબાદ કરી છે. આપણે ભૂલોમાંથી બહાર આવીશું, ભૂલોની માફી માંગીશું અને મનના સમગ્ર કષાયોનો બોજો ઉતારી દઈશું તો જીવ્યું લેખે લગાશે ને ધર્મ સાર્થક બનશે.
ક્ષમાયાચના પર-ની સાથે કરવી જોઈએ એ પહેલો મુદ્દો હતો. આપણે એ વિચાર્યું ક્ષમાયાચના પરમાત્મા સાથે કરવી જોઈએ એ બીજો મુદ્દો છે. હવે આપણે આ અંગે વિચારીશું.
પરમાત્મા કરુણાનિધાન છે. પરમાત્મા પુણ્યના અવતાર છે. પરમાત્માનું ધર્મશાસન આપણાં જીવનનો આધાર છે. આપણાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા છે તે પરમાત્માની જ મંગલકૃપા છે. ભગવાને આપણને બધું જ આપ્યું છે, આપણે ભગવાનને કશું નથી આપ્યું. આપણે ભગવાનની વાણી સાંભળવામાં આળસ રાખી છે. આપણે ભગવાનની આજ્ઞા સમજવાનો પૂરતો પુરુષાર્થ નથી કર્યો. ભગવાનની ભક્તિ અને ભગવાનનો ધર્મ આપણે સ્વાર્થ પોષવા પૂરતા જ કરીએ છીએ. ભગવાનની અનંત કરુણા ઝીલવાની પાત્રતા કેળવવા આપણો કશો જ પ્રયત્ન નથી રહ્યો. આપણી અને ભગવાનની વચ્ચે ઊંડી ખાઈ રહી છે. ભગવાનની નજીક જવાને બદલે ભગવાનથી દૂર દૂર રહેવાનું આપણે મુનાસિબ માન્યું છે. ભગવાનના ઉપકારો સમજવાની
- ૧૯ -
- ૨૦ -
Page #14
--------------------------------------------------------------------------
________________
ફુરસદ નથી રાખી. ભગવાનના ગુણો પારખવાની આવડત નથી કેળવી. ભગવાનનો માર્ગ સાચી રીતે સમજયા નથી. સત્ય અને અસત્યનો સ્પષ્ટ નિર્ણય કરવાની હિંમત કેળવી નથી. ભાવનાત્મક ભૂમિકાએ આવી ઘણી ક્ષતિઓ રહી છે. ઉપરાંત પણ ભૂલો કરતા આવ્યા છીએ. દેરાસરમાં પૂજા કરી તો અવિધિપૂર્વક કરી, ઉતાવળ કરી, બીજાને ખલેલ પાડી, આશાતનાઓ સમજ્યા નહીં તેથી રોજેરોજ ચાલતી રહી. પૂજા-પૂજનોઉત્સવમાં ભાગ ન લીધો. દેરાસરનાં નાના મોટા કામો કરવા જોઈએ તેને બદલે પૂજારી પાસે કામ કરાવ્યાં. દેરાસરના ઓટલે બેસી ગામગપાટા હાંક્યા. પરમકૃપાળુ પરમાત્માની અપરંપાર આશાતનાઓ કરી. આ દરેક અપરાધોની ક્ષમાયાચના પરમાત્મા સમક્ષ કરવી જોઈએ.
પરમાત્મા જેવું જ સ્થાન ગુરુભગવંતોનું છે. આજે જગતમાં ધર્મનો ડંકો વાગે છે તે ગુરુભગવંતોનો પ્રભાવ છે. આપણાં ઘરમાં પ્રસન્નતા અને આનંદમંગલ વર્તાય છે તે પણ ગુરુભગવંતોની કૃપા છે. આપણા ધર્મના સર્વસત્તાધીશ આ ગુરુભગવાનું છે. આપણે આ ગુરુભગવંત સાથે કેવો વર્તાવ કર્યો છે તે વિચારવાની જરૂર છે. તેમને ઉપાશ્રયમાં બેસાડી દીધા. તેમની જવાબદારી ટ્રસ્ટીઓને ભળાવી દીધી. તેમને તો કોઈની અપેક્ષા નથી. સંઘના સભ્ય તરીકે આપણે સાધુસાધ્વીજીના માબાપ ગણાઈએ. તેમ છતાં તેમના ગોચરીપાણીનો લાભ સારી રીતે નથી લીધો. માંદગીમાં તેમની વેયાવચ્ચ નથી કરી. તેમણે સોંપેલાં કામ અધૂરા રાખ્યા છે. તેમની પાસે કામ વગર બેસીને તેમના અમૂલ્ય સમયને બરબાદ કર્યો છે. તેમની આજ્ઞા સ્વીકારી નથી. તેમની માટે અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા છે. ગુરુ અને ભક્તનો લોકોત્તર સંબંધ શાસ્ત્રોમાં ખૂબ વખણાયો છે. આપણે એવી સમર્પણશીલતા કેળવી નથી શક્યા. આપણો ગુરુ માથેનો સંબંધ ઔપચારિક અને ઉપરછલ્લો રહ્યો છે. ગુરુભગવંતોની કૃપા મેળવવા આપણે કોઈ જ પુરુષાર્થ કર્યો નથી. તેમનાં વ્યાખ્યાન મફતમાં સાંભળ્યા, તેમનો વાસક્ષેપ મફતમાં લીધો. ગુરુભગવંતનો કોઈ વિશેષ
લાભ આપણે નથી લીધો. પોતાના ખભે શાસનનો ભાર વહન કરી રહેલા ગુરુ ભગવંતોના ઘણા અપરાધ આપણા હાથે થયા હશે. એ બધું જ યાદ કરીને સાચ્ચા દિલની ક્ષમાયાચના કરવી જોઈએ.
ક્ષમાયાચનાનો ત્રીજો મુદ્દો છે આત્માની ક્ષમાયાચના. આમ તો આ વાત અવહેવારુ લાગશે. આત્માની ક્ષમાયાચના શું કરવાની ? પરંતુ આ જરૂરી છે. આપણાં અંતરમાં સારાં કામ કરવાની ભાવના જાગી હોય તો આપણે એ ભાવનાને સાકાર નથી કરી, આત્માના એ અવાજને દબાવી દીધો છે. ખરાબ કામ કરવાની ક્ષણે મન ના પાડતું હોય છે તો પણ ઝનૂનથી એ ખરાબ કામ કર્યું છે. અંદરનો અવાજ સાચો હતો તે કાને નથી ધર્યો. ઘણી ભૂલો કરી છે પરંતુ માફી માંગવાને બદલે ભૂલનો બચાવ જ કર્યો છે. રૌદ્રધ્યાન કરીને આત્મહત્યા કરવાના વિચાર કર્યા છે. આપણી આધ્યાત્મિક પાત્રતાને આપણે આપણા હાથે સતત અન્યાય કરતા આવ્યા છીએ. આતમાનો અપરાધ થયો છે. આમાની ક્ષમાયાચના કરવી જ પડશે..
આ ત્રણ મુદ્દે ક્ષમાયાચના કરે, તે દુશ્મનો સાથે ક્ષમાયાચના કરી શકશે, તે જ મતભેદ અને મનભેદ સુધીના મામલાની ક્ષમાયાચના કરી શકશે.
આપણા આતમાને ભારે બોજા હેઠળ રાખવો કે ફૂલ જેવો હળવો રાખવો તે આપણા હાથમાં છે. ક્ષમાયાચના સાધનાના શ્વાસ છે. ક્ષમાયાચના આરાધનાનો આત્મા છે. ક્ષમાયાચના જિંદગીનું શ્રેષ્ઠ અર્પણ છે. આપણે સામે ચાલીને ક્ષમા માંગવાનો આત્મધર્મ પાળવાનો છે. શાસ્ત્રોમાં કહ્યું છે : જે નમ્રતા રાખે છે તેને જ શુદ્ધ બનવા મળે છે.
- ૨૧ -
Page #15
--------------------------------------------------------------------------
________________
હું ામા માંગું છું
મુનિશ્રી પ્રશમરતિવિજયજી
હું ક્ષમા માંગું છું
સ્નેહી શ્રીમાન,
મારી ક્ષમાપના સ્વીકારશોજી, એમ દર વરસે લખી મોકલ્યું છે, ‘શ્રી સંવત્સરી મહાપર્વની પાવન ક્ષણોમાં આપને યાદ કરીને ભાવપૂર્વક ખમાવ્યા છે’ તેમ કાયમ જણાવ્યું છે, છતાં મનમાં ઉગ્રતા જીવી છે. અંતરમાં આક્રોશ રહ્યો છે.
આ વરસે મારે ક્ષમાપનાને સમયનાં બંધનમાં નથી બાંધવી. માત્ર શ્રી સંવત્સરી મહાપર્વની પાવન ક્ષણે જ નહીં, બલ્કે આ વરસની દરેક ક્ષણે આપની પાસે ક્ષમાયાચના કરવી છે. કારણ કે ક્ષમાભાવ જીવનનો પ્રાણ છે. મારા જીવનમાં પ્રાણ ટકી રહે તેવી ભાવનાપૂર્વક જત જણાવવાનું કે— હું ક્ષમા માંગુ છું.
~ ૨૪ -
Page #16
--------------------------------------------------------------------------
________________
એ દિવસો ખૂબ સારા હતા. હળીમળીને રહેતા. ખુલ્લા દિલે વાતો થતી. છૂપાડવાની રમત નહોતી રમાતી. બધું ખુલ્યું હતું. એક બીજાના સહારે જીવતા. ભરોસો હતો. દુનિયાના રાજા હતા.
આજે દૂર થઈ ગયા છીએ. એમની સાથે બોલવાનું બંધ છે. દિલમાં દૂરી આવી ગઈ છે. આમને સામને આક્ષેપો થાય છે. ઘણુંબધું છૂપાડવું પડે છે. તકેદારી રાખીને વહેવાર થાય છે. નિખાલસતા મરી ગઈ છે. દુનિયા સૂની થઈ ગઈ છે.
કબૂલ, એમની ભૂલ નાની સૂની નથી, પણ આ તાળી બે હાથે વાગી હતી. મેં પણ ગંજાવર ભૂલ કરી હતી. એમની વાત જવા દો મારા તરફથી સારી વર્તણૂક નથી થઈ. મારી વર્તણુકનો કોઈ ખુલાસો એમના માથે નથી મારવો. મારું વર્તન એ મારી જવાબદારી છે. મારી ભૂલનો જવાબદાર એક માત્ર હું જ છું. મારે વર્તન સુધારવું પડશે. ભૂલ સુધારવી પડશે. સૌથી પહેલા એમની પાસે જવું છે, અને સાચા દિલથી કહેવું છે :
હું ક્ષમા માંગુ છું.
એમણે મારી સાથે ગુસ્સાથી વાત કરી. શાંતિથી વાત કરી હોત તો હું સાંભળી લેવાનો હતો. ગુસ્સો કર્યો એટલે મે ધરાર ન સાંભળ્યું. એ સાચા હોય એટલે એમને ગુસ્સો કરવાનો હક નથી મળી જતો. એ ગુસ્સો રાખે એમની પાસે. મારી સાથે સીધી રીતે વાતો થવી જોઈએ, તમીઝથી. જરૂર. શરત એ છે કે મારે એ સીધી રીતે સાંભળવી જોઈએ. શાંતિથી કહેલી વાત મારાં કાને જ નથી પડતી, પ્રેમથી કરેલી સૂચના તો પાનખરના પવનમાં પાંદડું ઉડે એમ ઉડી જાય છે. ભૂલી જવામાંઅપેક્ષિત વાતને ભૂલી જવામાં મેં ક્યારેય પાછી પાની નથી કરી.
આખરે એમને ગુસ્સો આવી જ ગયો. હવે બધું નવેસરથી સમજાય છે. એમની માંગણી સ્પષ્ટ થઈ ગઈ છે. ગુસ્સો ભલે ખરાબ રહ્યો, મારા માટે એ સારો જ નીવડ્યો છે.
એવી રીતે રહીશ કે એમને ગુસ્સો કરવો નહીં પડે. મારે ગુસ્સો વેઠવો નહીં પડે.
એમને ગુસ્સો આવ્યો. મારી માટે ગમે તેવું બોલ્યા. તિરસ્કાર અને ધુત્કાર, મારા પર તૂટી જ પડ્યા. મારું ખૂન કરવાનું બાકી રાખ્યું. સાવ તોડી પાડ્યો મને, આટલો બધો આક્રોશ ?
હી. આટલો બધો શું - આનાથી પણ વધારે આક્રોશ. કેમ કે એમને મારી માટે લાગણી છે.એમનો ગુસ્સો શ્રેષમાંથી આવ્યો નથી. એમનો ગુસ્સો પ્રેમમાંથી આવ્યો છે. મારી પર થોડો જ પ્રેમ હોત તો થોડો જ ગુસ્સો કરત. મારી પર પ્રેમ જ ના હોત તો ગુસ્સો જ ના કરત. ઘણો બધો પ્રેમ છે માટે ઘણો બધો ગુસ્સો કર્યો. માત્ર ગુસ્સો દેખાય અને એની પાછળ ઘૂઘવતી લાગણી ના દેખાય તો એ મારો અંધાપો છે.
દ્વેષનો પ્રતિવાદ કરીએ છીએ એ રીતે આ ગુસ્સાનો પ્રતિવાદ ન કરાય. આ ગુસ્સામાં લાગણી છે. એ લાગણીમાં મારી ચિંતા છે. એ ચિંતામાં મારા શુભની ઝંખના છે. એ ઝંખના સામે લડાય નહીં.
હું સારો છું અને એ ખરાબ છે. એ બે સૂત્રો પર જ બધો ક્લેશ બંધાયો છે. મને સારો પૂરવાર કરવા હું બધું કરી છૂટું છું. એમને ખરાબ સાબિત કરવા હું હંમેશા સતર્ક રહું છું. મનોમન આ બન્ને સૂત્રોનો વિસ્તાર થતો રહ્યો છે. દરેક વાતે અને દરેક મુદ્દે મારું સમર્થન મેળવ્યું છે, એમનો વિરોધ કર્યો છે. ખાવા પીવામાં કે ઉઠવા બેસવામાં કે જવા આવવામાં કે કામ કરવામાં ને ન કરવામાં હું સારો છું તે દેખાવું જ જોઈએ. એમની ખરાબી ઉપસી આવવી જોઈએ. આ બન્ને ગાંઠો ઝેર જેવી છે. એ આખરે મારીને જંપશે.
મારાં માની લેવાથી હું સારો નથી બની જવાનો. હું ખરાબ હોઈ શકું છું. કદાચ, હું ખરાબ જ છું. એટલે જ મને ખરાબી દેખાય છે. મને એ સારા નથી દેખાતા એનો મતલબ એ થાય કે હું સારો નથી. મને એ સારા દેખાય તો જ પૂરવાર થાય કે હું ખરેખર સારો છું. ફિલહાલ હું કેવો છું ? વિચારવું પડશે.
- ૨૫ -
Page #17
--------------------------------------------------------------------------
________________
મારા માટે એમણે મનમાં ગેરસમજ બાંધી રાખી છે. એમનું બધું જ વર્તન આ ગેરસમજ ને સાથે રાખીને ચાલે છે. મારા દરેક વહેવારને આ ગેરસમજની નજરે જ જોવાય છે. બીજાનો ટેકો લઈને એમણે પોતાની ગેરસમજને મજબૂત બનાવી છે. મને લાગે છે કે હવે આનો ખુલાસો થઈ જવો જોઈએ. આનો જવાબ આપવો જ પડશે, બહુ થયું.
તો અહીં જ ભૂલ થાય છે. એમણે ગેરસમજ બાંધી છે તે એમનાં મનમાં બાંધી છે. એનાથી હું બંધાયો નથી. એમની ગેરસમજ જો ખરેખર ખોટી હોય તો એ એમને મુબારક. મારે ખુલાસા કરવાની જરૂર નથી. એમની ગેરસમજ સાચી હોય તો મારે સુધરી જવું રહ્યું. સાચો જવાબ આ જ છે.
પછી એમને તક જ નહીં મળે. તો મારા મનમાં એમના વિશે ગેરસમજ હોય તે મારે દૂર કરી લેવી જોઈશે. આનાથી હિસાબ ચોખ્ખો થશે.
મારી ભૂલ એમણે કયારેય ન બતાવી. જ્યારે વાંધો પડ્યો ત્યારે મારો અવાજ દાબી દેવા માટે એમણે મારી ભૂલો ઉખેળી. મને ચૂપ કરવા માટે મારી જ ભૂલોનું પાનું સામે ધર્યું. મારી ભૂલો બતાવી તે સારું થયું. વાંધો એ છે કે એમણે મારું કલ્યાણ થાય તે માટે ભૂલ નથી બતાવી. એમણે તો ફકત મને હરાવી દેવા માટે જ, એ ભૂલો મારી સામે ઉગામી હતી. આવી ચાલબાજી મને ક્યારેય નથી ગમી.
અને એટલે જ હું નક્કી કરું છું કે એમને અથવા બીજા કોઈને આવી ચાલબાજી કરીને હું સકંજામાં નહીં લઉં. બીજાને દોષિત ગણાવીને પોતાને સારા પૂરવાર કરવાનું રાજકારણ હું નહીં ખેલું. મારી ભૂલ હું સાંભળી લઈશ. પણ એમને સંભળાવી દેવા માટે એમની ભૂલોના હથિયાર નહીં સજાવું. કહેવું હશે તો શાંતિથી વાત કરીશ. મારાં મનને સાચવવા કાજે એમને ઉતારી પાડવા નહી બેસું. એમની ભૂલથી એમને દબાવવાનો અત્યાચાર હું ક્યારેય નહીં કરું.
~ ૨૭
એ મને સાચવી લે તો સારું છે. મારી ઉપેક્ષા કરે તે ન ચાલે. મને કાંઈ જણાવે નહીં, મને કાંઈ પૂછે નહીં તે યોગ્ય નથી. મને મહત્ત્વ ન મળે તો હું ઘવાઈ જઈશ. મારા હાથે ગમે ત્યારે વિરોધ થઈ જશે. પછી કોઈ સંભાળી નહી શકે. મારો આવો અનાદર નહીં ચલાવી લઉં.
આ તો નાના છોકરા જેવી વાત થઈ ગઈ. એને ન સાચવો તો નારાજ થાય. એને ભાવ ન આપો તો આડો ચાલે. આ એક અલગ પરાધીનતા બની જશે. એ સાચવે તો હું રાજી રહું. એ બોલાવે તો મારી લાગણી સચવાય. ન સાચવે કે ન બોલાવે તો મારે નારાજ થઈ જવાનું, રડવાનું, લડવાનું. મારી સૃષ્ટિ પર તેમના જ વહેવારનો પડછાયો રહે. હું જાતે જ રાજી રહું એ મારું સુખ અને સ્વત્વ છે. એમના આદર-અનાદર સાથે મારે કોઈ લેવાદેવા નથી.
ન
જો કે સવાલ તો હજી ઊભો જ છે. મે એમને સાચવવાના પ્રયાસો સાચા દિલથી કર્યા જ નથી. એમની લાગણીનો ખ્યાલ મેં જ નથી રાખ્યો.
મારે સૌથી પહેલાં આ મુદ્દે જાગૃત બનવું પડશે. તો જ સમસ્યા ઉકેલાશે.
એમણે મને ક્યારે અને કયાં અને કેટલી તકલીફ આપી છે તે મને બરોબર યાદ છે. મારા ચોપડામાં બધી નોંધ છે. એમણે મને સંભળાવી દીધું તેમ હું એમને સંભળાવવા બેસું તો દસ કલાક નીકળી જાય. મેં ઓછું સહન નથી કર્યું. હું બોલવાનું ચાલુ કરીશ તો એમની હાર જ થશે.
છતાં એમ લાગે છે કે એમની સામે જીતવાનો મતલબ શો ? એમની હાર એ તો મારી પોતાની જ હાર છે. એમને લપડાક મારું તો એના ઘા મારાં જ અંતરમાં ઉઠે. એ મારી લાગણીનો હિસ્સો છે. મારી જિંદગીની એ ખૂબ નજીકમાં છે. એમને ઉતારી પાડવાની ક્રૂરતા મને ન શોભે.
~ ૨૮
Page #18
--------------------------------------------------------------------------
________________
રંગાઈ જાય છે. સાચો રંગ દેખાતો નથી. મને ખોટી રીતે ન્યાય થાય અને એમને ખોટી રીતે અન્યાય થાય તોય ખબર ના પડે. મારું ઉધાર પાસું સલામત રહે. એમણું જમાપાસું દબાઈ જાય. સચ્ચાઈ ન જળવાય. દંભને પોષણ મળે. મારે ખુદ મારાથી જ અલગ પડીને આ બન્ને ગ્રહો ઓળખી લેવા પડશે. નહીં તો આ રાહુ-કેતુ બરબાદ કરી મૂકશે.
મારી માટે ખોટો પક્ષપાત રાખું તે ન ચાલે. એમને માટે ઊંધું જ વિચારું તે ન ચાલે. અટકવું પડશે.
હું યાદ રાખું છું તે જ ખોટું છે. જૂનું બધું ભૂલી જવું છે. બોલીને બગાડવું નથી. બોલવામાં માન પોષાય છે. ન બોલવામાં નમ્રતા પોષાય છે. માન કરતાં નમ્રતા વધુ બળવાન છે. ઘણાં બોલનારા જોયા છે. એમણે બોલીને ભડકા કર્યા છે. કાંઈ ફરક ન પડ્યો. મારો તો એક જ સંકલ્પ છે. ગમે તે થાય, નથી બોલવું.
મને એમની માટે ફરિયાદ છે. એમની બધી જ ભૂલો મારા ખ્યાલમાં છે. એમણે આવું જાણી જોઈને કર્યું છે. એમણે લીધેલી છૂટછાટ મારી નજર-બહાર નથી. મને બીજાનું ખોતરવું ગમતું નથી. દેખાય તેની નોંધ લઉં છું. છે તે જોઉં છું. એમને કહું છું તો ગમતું નથી. કહેવું તો પડે જ. સાચું કહેવામાં ડર શાનો ?
અલબત, મને એની તો ખબર જ નથી કે એમની પાસે મારા માટેની ફરિયાદો કેટલી છે ? મોટો ઢગલો થઈ ગયો છે, ફરિયાદોનો. મારે એ સાંભળવી જ પડવાની છે. હું એ નહીં સાંભળી શકું. મારામાં સાંભળવાની તો તાકાત જ નથી.
અને મજાની વાત એ છે કે એમણે મારા માટેની ઘણી ફરિયાદો મારા સુધી આવવા નથી દીધી. મારી ભૂલો એમણે બીજે ત્રીજે ગજવી નથી, ગળી ગયા. ચૂપ રહ્યા. એમની સાથે હું ઝઘડું તે મારી જ હીનતા છે. ના, હું એમની માટે ફરિયાદો નહીં કરું. હું મારી જ ભૂલો જોઈશ.
મને કડક રહેવું ગમે. પ્રેમથી વાત કરું તો કોઈ ન સાંભળે. રોફથી કહ્યું હોય તો સાંભળવું જ પડે. મારી સાથે વાત કરતા પહેલા વિચાર કરવો પડે, એવું મારું વ્યક્તિત્વ છે. જમાના પ્રમાણે જ સ્વભાવ રાખ્યો છે. તડફડ ન કરું તો બધા મારું જ ગળું ન દબાવી દે ?
ના. ન દબાવે. અને એવું બને ત્યારે એનો રસ્તોય નીકળે , આજે તો હું જ બીજાનું ગળું દબાવું છું. ગુસ્સાથી વાતો કરીને મે કેટલાય અંગત માણસોની લાગણી તોડી નાંખી છે. જોમ અને જુસ્સાના મોહમાં મેં બીજને રીતસરના ગભરાવી મૂક્યા છે. મેં ગુસ્સાભેર વાત કરીને એમનાં મનમાં ભય નીપજાવી દીધો છે. એમનો વિશ્વાસ તૂટી ગયો. એમનો આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો છે. મારા પાપે તેમનું માનસ હતાશ અને દીન બની ગયું છે.
મારે પ્રેમાળ થઈને એમને સંભાળી લેવા પડશે. મારી ભૂલ હું તો સમજી શકતો નથી. એમને સંભાળી લઈશ તો મને મારી ભૂલ પણ જાણવા મળશે.
હું કહું તે સાચું, આ ગર્વગ્રહ છે. એ કહે તે ખોટું, આ પૂર્વગ્રહ. મારી વાત સારી છે, આ ગર્વગ્રહ છે. એમની વાત નકામી છે, આ પૂર્વગ્રહ છે. મારો વહેવાર યોગ્ય છે, આ ગર્વગ્રહ છે. એમનો વહેવાર અયોગ્ય છે, આ પૂર્વગ્રહ છે. હું તો પહેલેથી કહું છું, આ ગર્વગ્રહ છે. એ કાયમ આવું કરે છે, આ પૂર્વગ્રહ છે.
ગળું ભીંસાઈ રહ્યું છે, આ ગર્વગ્રહ અને પૂર્વગ્રહોના હાથે. આંખો પર આ બે ગ્રહનો કાચ ગોઠવાઈ ગયો છે બધી જ વિગત એ કાચના રંગે
હું નાનો છું. મારા માથે જવાબદારી નથી. મારી રીતે રહી શકું છું. એમનો વિચાર મેં કર્યો નથી. હું મારામાં મસ્ત છું. મારી ઘણી બધી
-
૩
-
Page #19
--------------------------------------------------------------------------
________________
હું ઘણી વાર મારી ફરજ ચૂક્યો છું. ઘણી વાર વગર કારણે લડ્યો છું. એમનાં હૈયાને ઠેસ પહોંચે તેવા ગેરવ્યાજબી શબ્દો હું બોલ્યો છું.
મારે એમને બોલાવીને સામેથી માફી માંગવી જોઈએ. એમનો રોષ દૂર થાય એમાં જ મારી મોટાઈ છે.
હરકતો એમને વાગી છે. મારી માટે એમને જે અપેક્ષા છે તે હું સંતોષી શક્યો નથી. એમના તરફથી દબાણ આવે તો હું છટકી શકું છું એમનું દબાણ ન હોય તો હું નિરાંતે જીવું છું. મારું આ સ્વછંદ છે. નાની વાતોમાં સાવ બેદરકાર રહ્યો છું. સાચવી લેવાનો સમય જાણી જોઈને વેડફી માર્યો છે. સમજદારી દાખવી નથી. કાયમી ચિંતા એમને કરવી પડી છે. એમને મનોમન મુંઝારો વેઠવો પડ્યો છે. કહી ન શકાય તેવી વેદના એમણે જીરવી છે. મારા પાપે એમને અશાંતિમાં દાઝવું પડ્યું છે.
મારા બોલવાથી એમને દુઃખ થયું હશે, મારા ન બોલવાથી એમને હતાશા થઈ હશે. મને ખબર નથી, મારા થકી એમને શું શું વેઠવું પડ્યું હશે. મારા બધાં જ ગુનાની માફી માંગી લેવી છે.
આજે હજી સમય છે. હવે જો હું મોડું કરીશ તો મને ક્યારેય માફી મળશે નહીં.
હું મોટો છું. મારો મોભો જળવાય તે માટે મે બધું જ કર્યું છે. મારી મોટાઈનો દીવો વધુ જવલંત બને તે માટે સરળતા છોડીને ચાલાકી પણ કરી છે. મારી રીતે જ રહ્યો છું. એમની દરકાર નથી રાખી. ચૂપ કરી દેવાનો મને હક છે. અને એનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે.
એમની નાની ભૂલને મેં ભયાનક ગણાવી. એમની મામૂલી ક્ષતિને મેં કાયમી ગણી લીધી. એમણે મારા માટે શું કરવું જોઈએ, તેનો વિચાર મે કર્યો. એમણે મારા માટે શું કર્યું, તે મેં જોયું જ નહીં, મને જ્યારે તકલીફો પડી તે યાદ રાખ્યું. મારા લીધે શું તકલીફો થઈ તે વિચાર્યું જ નહીં.
વગર કારણે સજા કરી. જરૂર વિના રોફ છાંટ્યો. એમને ખબર પણ ના પડે તે રીતે, એમની લીટીને નાની બનાવી. એમની ખામીઓ જોઈને મારો અહં પોષાતો. મારો ઠપકો ઈર્ષામાંથી આવતો. મારી ફરિયાદો નિંદા બની જતી. મારી આ ગંભીર અધમતાનો મને પારાવાર પસ્તાવો થાય છે.
આક્રોશ અને અભિમાન શાંત કરવા હું લાગણીને આગળ ધરું તે હજી ઠીક છે. બાકી, બધી તકલીફોનું મૂળ આ લાગણી જ છે. એમની પાસે કે બીજા કોઈની પાસે હું લાગણીની અપેક્ષા રાખું. એ ભાવથી જ એમને લાગણી આપું. અપેક્ષા વધારે તેમ લાગણી વધારે. લાગણી વધે તેમ અપેક્ષા વધે. અપેક્ષા સંતોષાય તેની હું રાહ જોઉં. લાગણી મળે તેની હું પ્રતીક્ષા કરે. ધાર્યો પ્રતિભાવ ન મળે, તેનાથી હું નારાજ થાઉં. સંબંધમાં તનાવ આવે. બન્નેના અહં ટકરાય. કોઈનો અહં સચવાય, કોઈનો ઘવાય. જખમ તો બન્નેને લાગે.
મુદ્દે, લાગણી પર સંયમ રાખવો જોઈએ. કોઈ વસ્તુ માટે લાગણી થઈ આવે કે કોઈ વ્યક્તિ માટે લાગણી જાગે ત્યારે દૂર દૂર ભણકારા વાગવા લાગે છે. આજે નહીં તો કાલે અથડામણ થવાની જ. વસ્તુને છોડતા આવડે, વ્યક્તિને ઓળખતા આવડે તે માટે લાગણી પર કાબૂ જરૂરી છે.
મારા બધા જ સ્વાર્થને ગૌણ બનાવી દેવા છે. ખાસ તો લાગણીની અપેક્ષા અને અપેક્ષાની લાગણી. અપેક્ષા બહારની દુનિયાનો સ્વાર્થ છે. લાગણી અંતરની સૃષ્ટિનો સ્વાર્થ છે. જ્યાર સુધી આ બાબત પર સંયમ નહીં આવે ત્યાર સુધી ક્ષમાભાવ નક્કર નહીં બને. મારા મનની માંગણીને હવેથી કહેવું છે : એ નહીં બને. મનને ના પાડીશ તો ક્ષમા ભાવનો અધિકાર મળશે.
મિચ્છા મિ દુક્કડ
- ૩૧ -
- ૩૨ -
Page #20
--------------------------------------------------------------------------
________________ પ્રવચન પ્રકાશન સાહિત્ય-સૂચિ 1) મરણં મંગલ મમ (ત્રીજી આવૃત્તિ) પૂ. આ. શ્રી.વિ.રામચંદ્રસૂ.મ. 2) ફૂલમાં ફોર્યા રામ (બીજી આવૃત્તિ) પૂ. આ. શ્રી.વિ.રામચંદ્રસૂ.મ. 3) પૂનાથી કરાડ સુધીનાં પ્રવચનો પૂ. આ. શ્રી.વિ.રામચંદ્રસૂ.મ. 4) ગુણાનુવાદ પ્રવચન પૂ. આ. શ્રી.વિ.રામચંદ્રસૂ.મ. 5) પર્વ પ્રવચન (બીજી આવૃત્તિ) પૂ. આ. શ્રી.વિ.રામચંદ્રસૂ.મ. 6) મોતીએ બાંધી પાળ પૂ. આ. શ્રી.વિ.રામચંદ્રસૂ.મ. 7) ઝાકળના સૂરજ મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી 8) ચપટી ભરી ચોખા મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી 9) પ્રભુ ! ક્યારે કૃપા કરશો મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી 10) ફૂલ નહીં તો પાંખડી મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી 11) ચાહે તો પાર કરો (હિંદી) મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી 12) રામચંદ્ર નમામિ મુનિશ્રી પ્રશમરતિવિજયજી 13) આજનો નિયમ (પાંચમી આવૃત્તિ) મુનિશ્રી પ્રશમરતિવિજયજી 14) સ્તુતિસરિતા (ચોથી આવૃત્તિ) મુનિશ્રી પ્રશમરતિવિજયજી 15) સાધુ તો ચલતા ભલા (બીજી આવૃત્તિ) મુનિશ્રી પ્રશમરતિવિજયજી 16) પ્રસન્નતાની પાંખો મુનિશ્રી પ્રશમરતિવિજયજી 17) બાળકોના જીવવિચાર મુનિશ્રી પ્રશમરતિવિજયજી પ્રવચન સ્તંભ શ્રી હેમતલાલ છગનલાલ મહેતા પરિવાર - કલકત્તા શ્રીમતી પ્રભાબેન નંદલાલ શેઠ - મુંબઈ યુવા સંસ્કાર ગ્રૂપ - નાગપુર પ્રવચન પ્રેમી શ્રી સુધીરભાઈ કે. ભણશાળી - કલકત્તા શ્રી કુમારપાળ દિનેશકુમાર સમદડિયા - મંચર શ્રી શાંતિલાલ ગમનાજી રાંકા (મંડારવાળા) - સાબરમતી, અમદાવાદ આરટેક્ષ એપરલ્સ - સાબરમતી, અમદાવાદ શ્રી પ્રેમચંદ રવચંદ શાહ (કુણઘેરવાળા) - અમદાવાદ શ્રી છગનલાલ તિલોકચંદ સંઘવી - સાબરમતી, અમદાવાદ પ્રવચન ભક્ત શ્રી ચંદુલાલ નેમચંદ મહેતા - કલકત્તા શ્રી છોટાલાલ દેવચંદ મહેતા - કલકત્તા શ્રી ખુશાલચંદ વનેચંદ શાહ - કલકત્તા શ્રી રસીકલાલ વાડીલાલ શાહ - કલકત્તા શ્રી કસ્તુરચંદ નાનચંદ શાહ - કલકત્તા શ્રી મંછાલાલ શામજી જોગાણી - કલકત્તા શ્રી ગુલાબચંદ તારાચંદજી કોચર - નાગપુર શ્રીમતી સમજુબેન મણીલાલ દોશી પરિવાર - નાગપુર ઉંઝાનિવાસી શ્રી નટવરલાલ પોપટલાલ મહેતા - નાગપુર શ્રી પ્રવીણચંદ્ર વાલચંદજી શેઠ (ડીસાવાલા) - નાસિક શ્રી ચંદ્રશેખર નરેન્દ્રકુમાર ચોપડા - વોરા શ્રી સુભાષકુમાર વાડીલાલ શાહ - કરોડ શ્રી પ્રકાશ બાબુલાલ, દેવેન્દ્ર, પરાગ, પ્રિતમ શાહ - મંચર શ્રીમતી હસમુખબેન જયંતીલાલ શાહ (પુથ્વી) - વાપી શ્રી વિનોદભાઈ મણિલાલ શાહ - અમદાવાદ સ્વ. રંભાબેન ત્રિકમલાલ સંધવી, હસ્તે - મહેન્દ્રભાઈ - સાણંદ શ્રી શેફાલી મૂર્તિપૂજક જૈન સંઘના આરાધકો - અમદાવાદ પુખરાજ રાયચંદ પરિવાર - સાબરમતી, અમદાવાદ એક સદ્ગૃહસ્થ, હરજી (રાજસ્થાન) વોરા નાગરદાસ કેવળદાસ રિલિ. ટ્રસ્ટ - અમદાવાદ શ્રી લાંબડિયા જૈન સંઘ - લાંબડિયા શ્રી નથમલજી પ્રતાપચંદજી બેડાવાળા - સાબરમતી શ્રીમતી રંજનબેન જયકુમાર શાહ - કેનેડા