________________
હોય કે દીકરાની જિંદગીમાં આપણે લીધે અંધાધૂધી ફેલાઈ હોય તેની ક્ષમા પિતા નહીં માંગે તો બીજું કોણ માંગશે ? દીકરાનાં જીવનમાં પિતાની ખૂબ મોટી અસર હોય છે. બાપ જે સામે ચાલીને ક્ષમાયાચના કરવા આવશે તો દીકરાઓ, પ્રેમભૂખ્યા આ સંતાનો બાપના બધા જ અપરાધો ભૂલી જશે. પિતાની શરૂઆત પરિવારનો આનંદ બનશે.
વડીલ તરીકે માતાનું સ્થાન એકદમ વિશિષ્ટ છે. માતાએ સૌને પ્રેમ આપવાનો છે. માતાએ સૌને લાગણી આપવાની છે. માતાના હાથે ભૂલ ન થાય તેવું નથી. માતા ભૂલ કરે તો એનું પરિણામ ભારે વિચિત્ર આવી શકે છે. વરસ દરમ્યાન દીકરાદીકરીને સાચવવામાં માતાએ કોઈ એક દીકરા કે દીકરી માટે વિશેષ પક્ષપાત રાખ્યો હોય, દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યો હોય, કર્તવ્ય નીભાવવામાં કંટાળો કર્યો હોય, નાના બાળકોને કારણ વગર વઢ્યા હોય, પ્રેમથી પીરસવાને બદલે ઉતાવળથી જમાડ્યા હોય, તેમના ધર્મમાં બાધા ઊભી થાય તેવું કંઈ કર્યું હોય, આ ભલાભોના સંતાનો માટે તેમના પિતા સમક્ષ ફરિયાદ કરીને તેમને ઠપકો અપાવ્યો હોય, જરૂર વગર તેમની પર કડકાઈ કરી હોય, આળસને લીધે પોતાનાં કામ તેમની પાસે કરાવ્યા હોય, તેમને સંતોષ આપ્યો ન હોય, તેમને જવાબ આપવામાં બેપરવા બન્યા હોઈએ, સંતાનને બોજો માનીને ઉછેર્યા હોય, આવી કોઈ પણ ભૂલ થઈ હોય તો માતાએ સંતાનની માફી માંગી લેવી જોઈએ. માતા પ્રેમાળ હોય છે. માતા ભૂલ કરે તેવું સંતાનો વિચારી પણ શકતા નથી. માતા જો માફી માંગી લે તો સંતાનોમાં નવો વિશ્વાસ ઘડાય.
વડીલ તરીકે પતિનું પણ ચોક્કસ સ્થાન છે. પત્નીની સમગ્ર જવાબદારી પતિની હોય છે. પત્નીની લાગણી, અપેક્ષા, તબિયત, પ્રકૃતિ, વેદના આ બધામાં પતિનો સહભાગ હોય છે. પતિ તરીકેનો અધિકાર બતાવવામાં, આપણે આ પત્ની સાથેના વહેવારમાં ભીંત ભૂલ્યા હોઈએ તો એની માફી માંગવી જોઈએ. પત્ની અબળા છે, તેની
પર ગુસ્સો કરો તો એ પ્રતિકાર કરી શકવાની નથી એમ સમજી તેની પર જયારે ને ત્યારે ગુસ્સો કર્યો હોય, બીજાની હાજરીમાં તેનું અપમાન કર્યું હોય, તેને ગાળો આપી હોય કે તેની પર હાથ ઉપાડ્યો હોય તો એની ક્ષમાયાચના કરવી જોઈએ. પત્નીના સ્વભાવને સમજ્યા વગર તેની પર ગમે તેવા આક્ષેપ કર્યા હોય, તેને આનંદપ્રમોદનું સાધન માનીને ગમે ત્યારે હેરાન કરી હોય, તેની સાથેના સંબંધોમાં બેવફાઈ કરી હોય, તેની સાથે ચાલાકી કરી હોય, તેને ભોળવી હોય, તે એકમાત્ર આપણી જ ભૂલ છે. આપણે આ બધી ભૂલોની ક્ષમાયાચના અવશ્ય કરવી જોઈએ. પત્નીના માબાપ કે તેનો પરિવાર પત્ની માટે બહુ જ અગત્યના હોય છે. તેનાં પિયર વિશે આપણે જેમતેમ બોલીએ છીએ, તેની બહેનપણીઓ માટે ગમે તેવા અભિપ્રાયો ઉચ્ચારીએ છીએ. તેને ધર્મમાં સહકાર આપવાને બદલે આપણે તેના ધર્મમાં અંતરાય ઊભા કરીએ છીએ. આપણી ફરિયાદોને જ મહત્ત્વ આપીએ છીએ, તેની ફરિયાદો કાને ધરતા નથી. પત્નીનું અપમાન, પત્નીની ઉપેક્ષા અને પત્નીનો તિરસ્કાર કરવાને લીધે આપણાં મનમાં તીવ્ર સંક્લેશનું નિર્માણ થતું હોય છે. પત્નીનાં મનમાં પણ આપણી માટે ઉગ્ર દુર્ભાવ જાગતો હોય છે. પત્ની ભૂલ કરે કે ન કરે, ક્ષમાપનાના મુદ્દે તો પતિએ સામે ચાલીને પત્નીની ક્ષમા માંગવી જોઈએ. આપણું હૈયું હળવું ફૂલ બને તે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. પતિની ક્ષમાયાચના પત્નીનાં અંતરમાં સાચો સમર્પણભાવ પેદા કરે છે.
પરિવારના દરેક સભ્યો સાથે ક્ષમાપના કરવાની છે. અને દરેક સભ્યોએ ક્ષમાપના કરવાની છે. પતિ ક્ષમા માંગે તેમ પત્નીએ પણ ક્ષમાયાચના કરવી જોઈએ. પત્ની તરીકેની ભૂમિકા નીભાવવામાં આપણે ઘણી વખત નિષ્ફળ ગયા છીએ. પતિની સાચી વાત સાંભળીને સ્વીકારવી જોઈએ. તેને બદલે સામાં જવાબ આપ્યા છે. પતિ સાથે અનેકવાર જૂઠું બોલ્યા છીએ. તેમની સમક્ષ ખોટી જીદ્દ કરી છે. તેમની