________________
કષાયો પણ સવિશેષ થતા હોય છે. ઘેર ઘેર માટીના ચૂલા આ જૂના જમાનાની કહેવત છે. આજે આ કહેવત બદલાઈ ગઈ છે : ઘેર ઘેર ગેસસિલીંડરના ચૂલા. પહેલાના જમાનામાં રાખવાળી આગ ચાલતી હતી, આજે ગેસવાળી આગ ચાલે છે, ભડકા તો ઉઠે જ છે. પહેલાના જમાનામાં સંયુક્ત પરિવારો હતા. આજે સંયુક્ત પરિવારો નથી રહ્યા. પરંતુ પરિવારો તો છે જ. પરિવાર એટલે સંબંધ અને સંપર્ક, ઘરના લોકો, કુટુંબના લોકો સાથે સતત સંપર્ક ચાલુ છે. આમાં ઘર્ષણો પણ થાય, ગેરસમજ પણ થાય, નારાજગી પણ થાય, બોલાચાલી પણ થાય, ખરાબ વર્તન પણ થાય. કષાયોનાં આ સરનામાં છે. ક્ષમાપના આ કષાયોની કરવી જોઈએ. જેમની જેમની સાથે કષાયપૂર્ણ વહેવાર થયો હોય તેમને મળીને પૂરેપૂરી નમ્રતાથી ક્ષમાયાચના કરવી જોઈએ.
પિતા-માતા-ભાઈ-બહેન-પતિ-પત્ની-દીકરો-દીકરી-સાસુ-વહુ આ આપણા રોજના સંબંધો છે. આ ઘરના સભ્યો છે. આ પરિવારજનો છે. આપણી માટે એમનાં મનમાં પુષ્કળ લાગણી છે. આપણાં મનમાં એમની માટે અતિશય લાગણી છે. અને તેમ છતાં આખા વરસ દરમ્યાન આ જ લોકો સાથે આપણે ટકરાતા રહ્યા છીએ. મતભેદો પણ થયા છે, મનભેદો પણ થયા છે. અમુક ગાંઠો મનમાં એવી બંધાઈ ગઈ છે કે સામેથી માફી માંગવાનું યાદ જ નથી આવતું. અભિમાન નડે છે. ક્ષમાપનાની શરૂઆત અભિમાનને ધક્કો મારવાથી થાય છે બારસાસૂત્રમાં લખ્યું છે : રાયણિએ સેહં ખામેઈઃ મોટાએ નાનાની માફી માંગવી. આચાર્ય કે ઉપાધ્યાય સામે ચાલીને નાના સાધુની ક્ષમા યાચે. વડીલ, નાના સાધુની માફી માંગે. આ વિધિ છે. આપણા પરિવારમાં પણ આ વિધિનું પાલન થાય તો ક્ષમાપના નક્કર બને.
આપણે પિતાના સ્થાને હોઈએ તો દીકરા, આપણાં સંતાન આપણી સામે નાના ગણાય. પિતાએ વિચારવું જોઈએ કે “આખા વરસ દરમ્યાન મારી મહત્તા સાચવવા માટે મેં મારા દીકરાને ઘણો અન્યાય કર્યો
છે. એની સાચી વાત કાને ધરી નથી. એક માત્ર અહને કારણે તેની માંગણી ઠુકરાવી દીધી છે. એની સાથે સરખી વાત કરી નથી. પિતા તરીકેનું વાત્સલ્ય મેં નથી આપ્યું. મારી મોટાઈનાં ગુમાનમાં મારા દીકરાને ઘણી વાર અપમાનિત કરી દીધો છે. આ બધું થઈ તો ગયું છે પણ મારી ફરજ છે , આ મારા આવેશના ચક્કરમાંથી બહાર આવવાની.”
પિતાઓ આવું વિચારે અને પોતાના દીકરાને બોલાવી કહે : બેટા, તું મારો દીકરો છે પણ તારા બાપ થવાની યોગ્યતા મારામાં નથી. મે તને બીજા દીકરાઓ કરતાં ઓછો પ્રેમ આપ્યો છે. તારી વાત સાચી હોવા છતાં કેવળ મોટાઈના મદમાં મેં તે સ્વીકારી નથી. તારી પર ગુસ્સો કર્યો છે, તને ધમકી આપી છે, તારા પર દબાણ કર્યું છે. હું મારી ભૂલોની આજે માફી માંગું છું. મારે તને ધર્મ આપવો જોઈતો હતો. મેં તને ધર્મ શીખવ્યો નથી. રાજા કુણિકે પોતાના પિતા શ્રેણિકને ચાબુક મારવાની સજા કરી હતી તે રીતે તારે મને ફટકારવો જોઈએ કેમ કે મેં તને ધર્મને બદલે અધર્મ શીખવ્યો છે. મારા અપરાધો ઘણા છે. હું તેની ક્ષમા માંગું છું.”
જે દીકરો વધારે કમાતો હોય તેને વધારે માન આપ્યું, જે દીકરો સારું સારું બોલતો હોય તેને વધારે પ્રેમ આપ્યો, જે દીકરો ઓછું કમાતો હોય કે જે દીકરો અવસર મુજબ કડવી પણ સાચી વાત કહી શકતો હોય તેને સલામત અંતરે રાખ્યો હોય તેની માફી પિતાએ માંગવી જોઈએ. નાનો દીકરો વધારે લાડકો હોય, મોટો ઓછો માનીતો હોય આવી, ભેદભાવના મનમાં રાખી હોય તો એની માફી માંગવી એ પિતાની ફરજ છે.
આપણા પોતાના સ્વાર્થ માટે દીકરાનાં જીવનને ખોટી દિશામાં વાળ્યું હોય કે દીકરાની ઇચ્છા ન હોય એવાં કામમાં તેને જોતરી દીધો