________________
ક્ષમાભાવના
સંવત્સરી મહાપર્વ વરસમાં એકવાર આવે છે. પરમાત્માનું ધર્મશાસન પામનારી વ્યક્તિઓ માટે સંવત્સરી મહાપર્વ એ સાધનાનો દિવસ છે. સાધના, આત્મનિરીક્ષણની. સાધના, જીવનનિરીક્ષણની. આપણું આંતરિક ભાવવિશ્વ કેવું છે તે તપાસવાની તક સંવત્સરી મહાપર્વ આપે છે. આપણા સંબંધોનું વિશ્વ કેવું છે તે તપાસવાની પ્રેરણા સંવત્સરી મહાપર્વ પાસેથી મળે છે. આપણી ભાવનાઓમાં ભૂલ હોય તે સુધરે, આપણા વહેવારમાં ક્ષતિ હોય તે ટળે તો જ આપણે સંવત્સરી મહાપર્વની સાધના કરી કહેવાય.
આજે સંવત્સરી મહાપર્વમાંથી સાધના તત્ત્વની બાદબાકી થઈ ગઈ છે. સંવત્સરીના મિચ્છામિદુક્કડે તો કેવળ વહેવાર બની ગયા છે. લોકો હવે ગ્રિટીંગ મોકલે છે. Happy new year અને Happy Diwaliની જેમ હવે ક્ષમાપનાના કાર્ડનો ટ્રેડ ચાલી પડ્યો છે. દૂરદૂર દેશવિદેશમાં રહેતા લોકોને કાર્ડ મોકલી દેવામાં આવે છે. જેમને મળ્યા નથી અને મળવાના પણ નથી તે બધાને મિચ્છામિદુક્કડં-ના કાર્ડ મોકલીને આપણે સંતોષ માની લઈએ છીએ. પણ જે સાથે રહ્યા છે, જે લોકો આડોશપાડોશમાં રહે છે, જેમની સાથે ઊઠવા-બેસવાનો વહેવાર છે તેમની સમક્ષ સાચાં દિલની ક્ષમાયાચના કરવાનું યાદ નથી આવતું. સાધનાનો પ્રસંગ, વહેવારની ઢબે ઊજવાઈ જાય છે. દર વખતે આપણે ટ્રેન ચૂકી જઈએ છીએ.
સંવત્સરી મહાપર્વ સાથે ક્ષમાપના શબ્દનો ઊંડો સંબંધ છે. આ સંબંધ શરીર અને શ્વાસ જેવો છે. ક્ષમાપના કરવી, ક્ષમાપનાની અનુભૂતિ પામવી તે સંવત્સરી મહાપર્વનું ધ્યેય છે. હૃદયમાં કષાયનું વર્ચસ્વ ન હોય, કોઈ વ્યક્તિ માટે આપણને ફરિયાદ ન હોય, મનમાં કોઈ માણસ પ્રત્યે દ્વેષ કે ગુસ્સો ન હોય, અંતરમાં વૈરની એકાદ પણ ગાંઠ ન હોય તો જ સાચી ક્ષમાપના થઈ શકે.
આપણી ભાવનાઓ અને આપણા સંબંધો સાથે સાચો સંવાદ કરીને, ભાવનામાં અને સંબંધોમાં જ્યાં જ્યાં કચાશ કે કડવાશ રહી હોય તે તમામની સફાઈ કરી લેવી જોઈએ. દર વરસે ભાવનાઓ અને સંબંધો પરની ધૂળ ઝાટકી લેવાથી જિંદગીભરની પ્રસન્નતા જળવાઈ રહે છે. ક્ષમાપના વિનાનું સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આપણે જીવન સુધારી નથી શેકચી, ઓ મહાનું ક્રિયા કેવળ રૂટિન બની ગઈ છે. આપણે આપણા આત્માને અનુલક્ષીને ક્ષમાયાચનાના હાર્દ સુધી પહોંચવું જોઈએ.
ક્ષમાપના શું છે ? ક્ષમાપના કોની કોની કરવાની ? ક્ષમાપના કંઈ રીતે કરવાની ? આ સોચવાની વાત છે. આ દિશા પર ધ્યાન આપીને વિચારીશું તો આપણાં અંતરમાં જ નવી દુનિયા ઉઘડશે. ક્ષમાપનાનો અર્થ છે, સામી વ્યક્તિને લીધે આપણાં મનમાં કષાયો જાગ્યા હોય, આપણા આવેશો આપણે વ્યક્ત કર્યા હોય તેની પ્રામાણિક રીતે માફી માંગવી. આ અર્થ હજી લાંબો છે, આપણાં નિમિત્તે જેમનાં જેમનાં મનમાં કષાય જાગ્યા હોય તે સૌને શોધી શોધીને આપણે જ ક્ષમાયાચના કરવી. આપણા કષાયો ભૂંસવા, સામી વ્યક્તિના કષાયો ભૂલવા તે ક્ષમાપના છે. કષાયોનો અને ખાસ કરીને ક્રોધનો એ નિયમ છે કે તે આપણી નજીકના માણસો પર જ વિશેષ રૂપે થાય છે. આપણને દૂરના માણસો કરતાં નજીકના માણસો માટે વધારે ફરિયાદો છે. આપણી નજીકના એ માણસોને પણ બહારના અને દૂરના માણસો કરતાં વિશેષ