________________
હું ઘણી વાર મારી ફરજ ચૂક્યો છું. ઘણી વાર વગર કારણે લડ્યો છું. એમનાં હૈયાને ઠેસ પહોંચે તેવા ગેરવ્યાજબી શબ્દો હું બોલ્યો છું.
મારે એમને બોલાવીને સામેથી માફી માંગવી જોઈએ. એમનો રોષ દૂર થાય એમાં જ મારી મોટાઈ છે.
હરકતો એમને વાગી છે. મારી માટે એમને જે અપેક્ષા છે તે હું સંતોષી શક્યો નથી. એમના તરફથી દબાણ આવે તો હું છટકી શકું છું એમનું દબાણ ન હોય તો હું નિરાંતે જીવું છું. મારું આ સ્વછંદ છે. નાની વાતોમાં સાવ બેદરકાર રહ્યો છું. સાચવી લેવાનો સમય જાણી જોઈને વેડફી માર્યો છે. સમજદારી દાખવી નથી. કાયમી ચિંતા એમને કરવી પડી છે. એમને મનોમન મુંઝારો વેઠવો પડ્યો છે. કહી ન શકાય તેવી વેદના એમણે જીરવી છે. મારા પાપે એમને અશાંતિમાં દાઝવું પડ્યું છે.
મારા બોલવાથી એમને દુઃખ થયું હશે, મારા ન બોલવાથી એમને હતાશા થઈ હશે. મને ખબર નથી, મારા થકી એમને શું શું વેઠવું પડ્યું હશે. મારા બધાં જ ગુનાની માફી માંગી લેવી છે.
આજે હજી સમય છે. હવે જો હું મોડું કરીશ તો મને ક્યારેય માફી મળશે નહીં.
હું મોટો છું. મારો મોભો જળવાય તે માટે મે બધું જ કર્યું છે. મારી મોટાઈનો દીવો વધુ જવલંત બને તે માટે સરળતા છોડીને ચાલાકી પણ કરી છે. મારી રીતે જ રહ્યો છું. એમની દરકાર નથી રાખી. ચૂપ કરી દેવાનો મને હક છે. અને એનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે.
એમની નાની ભૂલને મેં ભયાનક ગણાવી. એમની મામૂલી ક્ષતિને મેં કાયમી ગણી લીધી. એમણે મારા માટે શું કરવું જોઈએ, તેનો વિચાર મે કર્યો. એમણે મારા માટે શું કર્યું, તે મેં જોયું જ નહીં, મને જ્યારે તકલીફો પડી તે યાદ રાખ્યું. મારા લીધે શું તકલીફો થઈ તે વિચાર્યું જ નહીં.
વગર કારણે સજા કરી. જરૂર વિના રોફ છાંટ્યો. એમને ખબર પણ ના પડે તે રીતે, એમની લીટીને નાની બનાવી. એમની ખામીઓ જોઈને મારો અહં પોષાતો. મારો ઠપકો ઈર્ષામાંથી આવતો. મારી ફરિયાદો નિંદા બની જતી. મારી આ ગંભીર અધમતાનો મને પારાવાર પસ્તાવો થાય છે.
આક્રોશ અને અભિમાન શાંત કરવા હું લાગણીને આગળ ધરું તે હજી ઠીક છે. બાકી, બધી તકલીફોનું મૂળ આ લાગણી જ છે. એમની પાસે કે બીજા કોઈની પાસે હું લાગણીની અપેક્ષા રાખું. એ ભાવથી જ એમને લાગણી આપું. અપેક્ષા વધારે તેમ લાગણી વધારે. લાગણી વધે તેમ અપેક્ષા વધે. અપેક્ષા સંતોષાય તેની હું રાહ જોઉં. લાગણી મળે તેની હું પ્રતીક્ષા કરે. ધાર્યો પ્રતિભાવ ન મળે, તેનાથી હું નારાજ થાઉં. સંબંધમાં તનાવ આવે. બન્નેના અહં ટકરાય. કોઈનો અહં સચવાય, કોઈનો ઘવાય. જખમ તો બન્નેને લાગે.
મુદ્દે, લાગણી પર સંયમ રાખવો જોઈએ. કોઈ વસ્તુ માટે લાગણી થઈ આવે કે કોઈ વ્યક્તિ માટે લાગણી જાગે ત્યારે દૂર દૂર ભણકારા વાગવા લાગે છે. આજે નહીં તો કાલે અથડામણ થવાની જ. વસ્તુને છોડતા આવડે, વ્યક્તિને ઓળખતા આવડે તે માટે લાગણી પર કાબૂ જરૂરી છે.
મારા બધા જ સ્વાર્થને ગૌણ બનાવી દેવા છે. ખાસ તો લાગણીની અપેક્ષા અને અપેક્ષાની લાગણી. અપેક્ષા બહારની દુનિયાનો સ્વાર્થ છે. લાગણી અંતરની સૃષ્ટિનો સ્વાર્થ છે. જ્યાર સુધી આ બાબત પર સંયમ નહીં આવે ત્યાર સુધી ક્ષમાભાવ નક્કર નહીં બને. મારા મનની માંગણીને હવેથી કહેવું છે : એ નહીં બને. મનને ના પાડીશ તો ક્ષમા ભાવનો અધિકાર મળશે.
મિચ્છા મિ દુક્કડ
- ૩૧ -
- ૩૨ -