Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 114
________________ પોતાની જાતને હંમેશાં આનંદી અને ચિન્તામુક્ત રાખવી એ બીજી સસ્તી અને શક્તિશાળી દવા છે. હંમેશાં ગીતાના એક કે બે અધ્યાયનો અર્થ સમજીને તેનું મનન કરો. તમે હંમેશાં કંઈ ને કંઈ કાર્યમાં નિમગ્ન રહો, એ જ દુનિયાદારીના વિચારો હાંકી કાઢવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મનને સત્ત્વથી ભરપૂર બનાવો અને અદ્ભુત તંદુરસ્તી અને શાંતિ અનુભવો. હંમેશાં જ્ઞાની પુરુષોનો સંગ સાધો, શ્રદ્ધા કેળવો. શાંતિ, સત્ય, હિંમત, દયા, ભક્તિ, પ્રેમ આનંદી સ્વભાવ, વિશ્વાસ, દિવ્ય વિચારો અને દિવ્ય સદ્ગુણો પ્રાપ્ત કરો. મનને હંમેશાં દિવ્યમાર્ગના આધ્યાત્મિક ચીલે દોડવા દો. આથી તમારું મન શાંત થશે અને સંવાદી આંદોલનો ઉત્પન્ન કરશે. સાથે સાથે તમે સર્વોત્તમ માનસિક સ્વાસ્થ્ય અનુભવશો અને બધા પ્રકારના શારીરિક રોગોથી મુક્ત થશો. ૫. જ્ઞાન ને ભક્તિ માર્ગે વિચાર-સુધારણા એકાંત સ્થાનમાં બેસો અને તમારા વિચારોને ધ્યાનપૂર્વક તપાસો. વાંદરા જેવા ચંચળ મનને થોડા સમય માટે પોતાની રીતે કૂદવા દો. ત્યાર બાદ તે પોતાની મેળે ઢીલું પડી શાંત થશે. વિવિધ સંકલ્પોરૂપી ખેલાડીઓના શાશ્વત સરકસ જેવા ખેલમાં માત્ર સાક્ષીરૂપ બનો. માનસિક ચલચિત્રના માત્ર દ્રષ્ટા બનો. વિચારો સાથે એકરૂપ બની જાઓ નહિ, તેમના પ્રત્યે ઉપેક્ષા સેવો. આથી એક પછી એક વિચાર નાશ પામશે. જેવી રીતે યુદ્ધભૂમિ પર યોદ્ધો પોતાના દુશ્મનોને એક એક કરીને કાપી નાંખે છે તેવી જ રીતે તમે તમારા વિચારોને એક એક કરીને છૂટા પાડીને કાપી શકો છો. ‘ઓમ્ હું સાક્ષી છું. હું કોણ છું ? હું સંકલ્પહીન આત્મા છું. મારે આ અસત્ય માનસિક ચિત્રો અને કલ્પનાઓ સાથે કંઈ લેવાદેવા નથી, તેમને ગબડવા દો. મારે તેમની સાથે કંઈ સંબંધ નથી.' આથી બધા વિચારો નાશ પામશે, અને મન પણ ઘી વિનાના દીવા જેમ બુઝાઈ જશે. મનને શ્રી હરિ, ભગવાન શિવ કે કૃષ્ણ, તમારા ગુરુ અથવા ભગવાન બુદ્ધ કે જીસસ જેવા કોઈ સંત પર સ્થિર કરો. વારંવાર તે મૂર્તિનું માનસિક ચિત્ર ખડું કરો. આથી બધા વિચારો નાશ પામશે. આ બીજી યુક્તિ ભક્તોની છે. ૧૦૪

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124