________________
દ્વારા તમે તેને આ જ ક્ષણે કે ધીમે ધીમે દસ વર્ષ બાદ ભલે સિદ્ધ કરો. આ મહત્ત્વની બાબત નથી, પણ દરેકે પોતપોતાના આદર્શ અનુસાર જીવન જીવવાને માટે બનતા પ્રયાસ કરી છૂટવા જોઈએ. તમારો બધો ઉત્સાહ, બધી શક્તિ અને ઇચ્છા તે આદર્શની સિદ્ધિ માટે ખરચવાં જોઈએ.
તમે તમારા પોતાની ક્ષમતા પ્રમાણે તમારો પોતાનો આદર્શ નક્કી કરી શકો છો. જો તમે તેમ ન કરી શકો તો, ગુરુનો આશ્રય લો અને તે તમારી શક્તિ ને ક્ષમતા પ્રમાણે તમારા માટે યોગ્ય આદર્શ નક્કી કરી આપશે.
જેનો આદર્શ નીચો હોય તેવા મનુષ્ય પ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી જુઓ નહિ. નૈતિક કે આધ્યાત્મિક માર્ગે ચાલવાની કોશિશ કરતો તે બાળક આત્મા હોઈ શકે. તેના આદર્શની સિદ્ધિ માટે બધી રીતે મદદ કરવી, એ તમારી ફરજ છે. તેની દષ્ટિએ ઉચ્ચ એવા એના આદર્શ અનુસાર પોતાનું જીવન જીવી શકે તે માટે તમારે તેને તમારાથી બનતી બધી સહાય અને પ્રોત્સાહન આપવાં જોઈએ.
ઘણા ખેદની વાત એ છે કે મોટા ભાગના મનુષ્યોને આદર્શ જ હોતો નથી. કેળવાયેલા ગણાતા લોકો પણ દૃષ્ટિ સમક્ષ કોઈ આદર્શને રાખતા નથી. તેઓ ધ્યેયહીન જીવન જીવે છે. આથી તણખલાની માફક આમ તેમ ગમે ત્યાં ઘસડાઈ જાય છે.
તેઓ જીવનમાં કંઈ પ્રગતિ સાધી શકતા નથી. શું આ શોકજનક સ્થિતિ નથી ? ખરેખર ઘણી શોચનીય પરિસ્થિતિ ગણાય. મનુષ્યના જન્મની પ્રાપ્તિ પણ દુર્લભ છે છતાં લોકો જીવનમાં અમુક આદર્શ નક્કી કરી તે પ્રમાણે જીવન ગાળતા નથી.
ખાઓ, પીઓ ને મજા કરો” આ આદર્શને, વિષયભોગોમાં આસક્ત, .ખાઉધરા ને પૈસાદાર લોકો મોટે ભાગે સ્વીકારે છે. આ આદર્શના અસંખ્ય અનુયાયીઓ જોવામાં આવે છે અને તેમની સંખ્યા દિનપ્રતિદિન કૂદકે ને ભૂસકે વધતી જાય છે.
આ વિરોચનનો વાદ છે – અસુરો અને રાક્ષસોનો સિદ્ધાંત છે. આ વાદ મનુષ્યોને દુઃખ ને શોકના અંધકારમય પ્રદેશમાં લઈ જાય છે.
જે મનુષ્ય પોતાના વિચારોને ઉન્નત બનાવે છે, એક આદર્શને નજર સામે સ્થિર રાખી તે પ્રમાણે જીવન જીવે છે તે થોડી વારમાં ઈશ્વરસાક્ષાત્કાર કરવાને શક્તિશાળી થાય છે.