________________
૧૨.
નવી સંસ્કૃતિ માટે વિચારશક્તિ
૧. દુનિયા પર શુદ્ધ વિચારોની અસર - પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓ અને મનનાં રહસ્યવેત્તાઓ વિચારની શુદ્ધિ પર ઘણો ભાર મૂકે છે. સંકલ્પની ખીલવણી એ ચોક્કસ વિજ્ઞાન છે. મનુષ્ય હમેશાં યોગ્ય સંકલ્પોને કેળવવા જોઈએ અને દરેક પ્રકારના નજીવા અને નકામા સંસારી સંકલ્પોને મનમાંથી હાંકી કાઢવા જોઈએ.
જે મનુષ્ય અશુભ વિચારોને પોતાના મનમાં સ્થાન આપે છે તે પોતાને તેમ જ સામાન્ય રીતે આખી દુનિયાને ખૂબ જ નુકસાન કરે છે. તે દુનિયાના માનસિક વાતાવરણને બગાડી મૂકે છે. તેના અશુભ વિચારો દૂર અંતરે રહેનારા મનુષ્યોના મનમાં પણ પ્રવેશ કરે છે. કારણ કે સંકલ્પની કલ્પનાતીત વીજળિક ગતિ હોય છે.
ખરાબ વિચારો સર્વ પ્રકારના રોગનું સીધું કારણ છે. બધા રોગ પ્રથમ તો અશુદ્ધ વિચારોમાંથી જન્મે છે. જે મનુષ્ય સારા, ભવ્ય અને દિવ્ય વિચારોને સેવે છે તે પોતાનું તેમ જ દુનિયાનું ઘણું જ ભલું કરે છે. તે પોતાના દૂર વસતા મિત્રોને પણ આનંદ, આશા, દિલાસો અને શાંતિનાં આંદોલનો પહોંચાડી શકે છે. ૨. જગતના કલ્યાણ માટે વિચારશક્તિ.
કર્મ એ ક્રિયા અને સાથે સાથે કાર્યકારણનો નિયમ છે. મનુષ્યસૃષ્ટિથી નીચલી કક્ષાની બધી સૃષ્ટિ “મનહીન છે. આથી તે વિચાર ઉત્પન્ન કરી શકે નહિ. વળી, તેને સત્ય અને અસત્યનો વિવેક હોતો નથી અને શું કરવા યોગ્ય નથી, તેનું પણ ભાન હોતું નથી. માટે તે કર્મ ઉત્પન્ન કરી શકે નહિ.