Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૮૨ જિનતત્ત્વ તેમના હૃદયને વૈરાગ્યનો પાકો રંગ લાગ્યો નથી હોતો. સાધુ-સંન્યાસીઓમાં કે કહેવાતા ત્યાગી-વૈરાગીઓમાં અનેક માત્ર વેશથી જ તેવા હોય છે. તેઓ માત્ર દ્રવ્યલિંગી હોય છે. સંસારનું નાશવંત સ્વરૂપ સમજાતાં કે તીવ્ર દુ:ખનો અચાનક અનુભવ થતાં કેટલાકના હૃદયમાં વૈરાગ્ય જન્મે છે; પરંતુ જીવનના અંત સુધી એ વૈરાગ્ય એકસરખા ઉચ્ચ ભાવવાળો ટકી રહેવો એ ઘણી કઠિન વાત છે. વળી આંખ, નાક, જીભ વગેરે ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે જો તેના વિષયોનું પોષણ, ઉત્તેજન થયા કરે તો હૃદયમાં જન્મેલો ત્યાગ-વૈરાગ્યનો સાચો ભાવ પણ જલદી અદૃશ્ય થઈ જાય છે અને ભોગવિલાસની ઝંખના થવા લાગે છે. એટલે એવા દાખલાઓમાં ભલે સાચી સમજણપૂર્વક સ્વેચ્છાએ દીક્ષા લીધી હોય તો પણ આત્મિક સુખ કરતાં ઇન્દ્રિયાર્થ પદાર્થોના સુખની અભિલાષાઓ જાગ્રત થવાનો વિશેષ સંભવ રહે છે. ભોગવિલાસ માટેની દબાવેલી વૃત્તિઓ તક મળતાં ક્યારેક બમણા જોરથી પ્રવૃત્ત થવા લાગે છે. - સાધુઓએ ઘર, સ્ત્રી, પુત્રાદિક, ધન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય છે. પરંતુ પછીથી જ્યારે વાસનાઓ જાગે છે ત્યારે તેનું સુખ ભોગવવાની લાલસા થાય છે. જો બાહ્યવેશ પોતાને તેમ કરતાં અટકાવે છે તો રિત્તિ તેવું સુખ ભોગવવામાં કલ્પનાથી રાચે છે. નળરાજાના ભાઈ પુષ્કરે રાજયસુખ છોડીને વનમાં જઈને તાપસનું જીવન ચાલુ કર્યું હતું, પણ સમય જતાં એણે જંગલમાં પણ પોતાનું માનસી રાજ્ય સ્થાપ્યું હતું. વર્તમાન સમયમાં કેટલાક સાધુઓએ ઘર અને પૈસાનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ જાહેર ઘરો અને જાહેર પૈસા ઉપર સ્વામિત્વનો ભાવ તેઓ ભોગવતા હોય છે. ક્યારેક તો તેમની ભાષામાં પણ “મારું' શબ્દ દ્વારા સ્વામિત્વનો ભાવ વારંવાર વ્યક્ત થઈ જાય છે. જૈન ધર્મ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગો મોટા મોટા સમર્થ માણસોને પણ પછાડે છે અને જમાડે છે. માણસ બુદ્ધિશાળી હોય છે અને પોતાના દોષોનો બચાવ જુદી જુદી અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કરે છે. પણ મનમાં તે જાણતો હોય છે કે પોતે કેવી કેવી વાસનાઓથી ઘેરાયેલો છે. કેવા કેવા કષાયોમાં ફસાયેલો છે. વિષય અને કષાય એ સાધુજીવન જીવનારા મહાત્માઓના મોટા શત્રુઓ છે. કદાચ વચન અને કાયાથી વિષયકષાયને વશ કરી શકે તો પણ મનથી વશ કરવા કેટલા બધા દુષ્કર છે તે તેઓ સારી રીતે જાણતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9