Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
મસ્જિદનો મધ્યવર્તી વિતાન (ચિત્ર ૫) તો સઘનતા અને સૌંદર્યના ભવ્ય અવતાર સમો છે. એની અલંકાર-૨ચના નભોમંડળમાં ચમકતા નક્ષત્રમંડળ સમી સુશ્લિષ્ટ, ગહન, અને કલ્પના થંભાવી દે તેવી અદ્ભુત છે. ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા વિતાનોમાં મૌલિમંડન મહાતેજસ્વી રત્ન સમો છે. આ મસ્જિદ વિશેના કઝિન્સના ખ્યાલો ભ્રમજનક છે. કઝિન્સની માન્યતા મુજબ આ મસ્જિદ ઈશુ વર્ષ ૧૨૬૪માં નરઉદ્-દીન પીરોજે બંધાવેલી. (આ હકીકતને સંબંધકર્તા શિલાલેખ હાલ વેરાવળમાં હર્ષદ માતાના મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.) કઝિન્સનો બીજો તર્ક એ છે કે આ મસ્જિદનો સુંદર વિતાન સોમનાથ મંદિરની સંમુખના કોઈ મંડપનો જો એ હોય તો, અથવા તો હર્ષદ માતાના શિલાલેખમાં ઉલ્લેખાયેલા બાલેશ્વર મહાદેવ કે જેની પડિકા આ મસ્જિદ માટે ખરીદવામાં આવેલી હોય તો એનો, કઝિન્સનો ત્રીજો તર્ક એ છે કે આ વિતાનના કંઠમાં ગજલક્ષ્મીનાં સ્વરૂપો કંડારેલાં છે. એમની આ ત્રણે ધારણાઓ સત્યથી વેગળી છે૮.
સોમનાથ-મંદિરની સંમુખ ભીમદેવ બીજાએ ઈશુ વર્ષ ૧૨૧૭માં મેનિ કે મેઘનાદ મંડપ, બંધાવેલો, પરંતુ એ મંડપ સોમનાથ જેવા વિશાળ મંદિર સામે શોભે તેવો મહાકાય મંડપ જ હોઈ શકે છે, અને આ ગણતરી મુજબ માઈપુરી મસ્જિદના વિતાન કરતાં એ મંડપના વિતાનનો વિસ્તાર વધુ હોવો ઘટે અને એથી આ તર્ક બંધબંસતો નથી નીવડતો. બીજી બાજુ બાલેશ્વરના મંદિરના વિતાનનો તર્ક પણ સાનુકૂળ નથી. એ કાળના બ્રાહ્મણધર્મીઓ આવા સુંદર અને આટલા મોટા વિતાનવાળા ભાગને મસ્જિદના ઉપયોગ માટે સ્વયમેવ સ્વાધીન કરી દે કે વેચી નાખે એમ માની લેવું વધુ પડતું ગણાય. વધુમાં આ વિતાનના રૂપકંઠમાં કઝિન્સે જેને ગજલક્ષ્મીનાં સ્વરૂપો માન્યાં છે તે વસ્તુતઃ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, અને એની બન્ને બાજુ શુંડિકાઓ કલશ ઢોળી રહેલ છે. આ યોગમુદ્રામાં સ્થિર મૂર્તિઓ સ્રીમૂર્તિઓ નથી, પુરુષમૂર્તિઓ છે એ નિઃશંક છે (ચિત્ર ૬)”. આવાં જ સ્વરૂપો પાછળ ચર્ચા કરી ગયા તે અષ્ટાપદના વિતાનમાં પણ દૃષ્ટિગોચર થાય છે. વિશેષમાં અહીં પણ ઈસ્વી ૧૧૩૫-૩૭ના ૧૬ વિદ્યાદેવીઓ માટેના આસનરૂપે ૧૬ વિધાધરો રૂપકંઠમાં છે. (કુંભારિયા—આરાસણ—ના નેમિનાથ જિનાલયના અરસામાં બંધાયેલા મેધનાદમંડપના વિતાનમાં રૂપકંઠ અંતર્ગત ચતુર્દિશામાં શુંડિકાઓ સમેત પદ્માસનસ્થ જિન બતાવ્યાં છે.)
૨૧૫
આ વિતાન પૂર્ણાંગ અને સર્વાંગસુંદર છે. અઠ્ઠાંશ ઉપર કર્ણદર્દરિકા, એના પછી રૂપકંઠ, ઉત્તરોત્તર ત્રણ ગજતાલુ અને ત્યારબાદ ત્રણ કોલ અને છેલ્લે પાંચ થ૨વાળું અનુપમ કોલજ લંબન આખાયે વિતાનને સામર્થ્ય, ગૌરવ, અને શોભા આપી રહે છે. ધ્યાનપૂર્વક જોઈએ તો આ લંબન આબૂના વિશ્વવિખ્યાત તેજપાલના મંદિરના વિતાન સાથે રચના અને રૂપમાં ઘણું સામંજસ્ય ધરાવે છે. ફેર માત્ર એટલો જ કે ત્યાં બે થર વિશેષ હોઈ એ વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org