Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
૨૧૪
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
(૪) તેજપાલે પ્રભાસમાં આદિ જિનેન્દ્રનું મંદિર બંધાવ્યાનું વિધાન શ્રીજિનહર્ષસૂરિએ કર્યું છે. ઉપલબ્ધ સાધનો જોતાં વસ્તુપાલ-તેજપાલના તત્કાલીન કે ઉત્તરકાલીન કોઈ પણ અન્ય લેખકો આ વિધાનને પુષ્ટિ આપતા નથી, પરંતુ એ પણ યાદ રાખવું ઘટે કે કોઈ પણ અન્ય લેખક કરતાં જિનહર્ષસૂરિ પાસે એવાં અને એટલાં વિશેષ અને ચોક્કસ સાધન પ્રાપ્ત હતાં કે જેના આધારે એમણે વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ વિશે વિગતપૂર્ણ, વિપુલ, અને સર્વાંગીણ માહિતી આપી છે. આ માન્યતાને પુરવાર કરવા એટલું કહેવું પૂરતું થઈ પડશે કે કેવળ જિનહર્ષે જ સેરિસામાં વસ્તુપાલે કરાવેલી જિનબિંબોની પ્રતિષ્ઠાનો, આબૂના અચલેશ્વરના જીર્ણોદ્ધારનો, અને તારંગામાં અજિતનાથપ્રાસાદમાં કરાવેલી પ્રતિમાપ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરેલો છે. એમનાં આ કથનોનું સંપૂર્ણ સમર્થન કેટલાક દાયકા પહેલાં એ સ્થળોએ પ્રાપ્ત થયેલ શિલાલેખોથી મળી રહે છે. આથી જિનહર્ષની માહિતી પૂરેપૂરી આધારભૂત હોવા પ્રત્યે જરા પણ શંકા સેવવા સરખું નથી. આ બાબતમાં એક ઝાંખો પણ રસપ્રદ પ્રકાશ ફેંકતો ઈશુ વર્ષ ૧૨૩૩નો તુલ્યકાલીન લેખવાળો પબાસણનો સફેદ આરસનો ખંડ હાલ ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષવામાં આવેલો છે. એમાં આસદેવ તથા તેજપાલની પત્ની અનુપમાદેવી અને વિજયસેનસૂરિનાં નામો સ્પષ્ટ રૂપમાં જણાવ્યાં છે. અલબત્ત, આ શિલાલેખને તેજપાલે ત્યાં આદિનાથનું મંદિર બંધાવ્યાના પ્રમાણ તરીકે સ્વીકારી ન શકાય; પરંતુ એ નિર્વિવાદ છે કે આ વિખ્યાત પરિવારને પ્રભાસ સાથે એ સાલમાં સાંકળે છે ખરો. સદ્ભાગ્યે આ મંદિરને લગતું એક બહુ જ અગત્યનું સ્થાપત્યનું પ્રમાણ મોજૂદ છે.
પ્રભાસપાટણ અને વેરાવળ વચ્ચેના રસ્તા પર દક્ષિણે આવેલી માઈપુરી મસ્જિદ પ્રાચીન અવશેષોમાંથી બનાવેલી છે. એમાં તળભૂમિ ઉપર ૩૬ સ્તંભો છે. એ પૈકીના વચ્ચે વિતાનને ટેકવતા ૧૨ સ્તંભો પર બીજા નાના સ્તંભો તેના પર ચડાવી ઊર્ધ્વ ભૂમિકાની રચના કરી, એને ઊંચો લીધેલો છે. સ્તંભો પ્રમાણમાં સાદા અને સરખા છે. એ જ પ્રમાણે ભારપટ્ટ પર એકસરખી કારીગરી કરેલી છે. દેખીતી રીતે જ આ બધા જ સ્તંભો અને ભારપટ્ટો વિતાન સહિત કોઈ એક જ મંદિરમાંથી ઉઠાવવામાં આવ્યા હોય એવું ભાસે છે. વિતાનને મજલો આપી ઊંચો કરવાની પદ્ધતિ અત્રે અન્યત્ર ચર્ચાયેલ જુમા મસ્જિદના પ્રવેશમંડપનું સ્મરણ કરાવે છે. મસ્જિદ ત્રણ બાજુ ખુલ્લી છે. પશ્ચિમ ભાગ બંધ કરી ત્યાં ત્રણ મહેરાબો કરવામાં આવેલી છે. આ મહેરાબ પાસેની ચોકીઓમાં નાનકડી ચોરસ છતોમાં આબુના તેજપાલના મંદિરની નવચોકીની ડાબી તેમ જ જમણી ચોકીઓનાં જેવું કામ છે. ભારપટ્ટોમાં નીચલા થરમાં વલ્લી અને ઉપલા થરમાં મત્તાલંબની શોભન-આકૃતિઓ છે. આવું અલંકરણ કંડારવાની પ્રથા ૧૩માં શતકથી પ્રચારમાં આવેલી એવું આબૂના તેજપાલ જિનાલયનું અને ડભોઈની હીરાભાગોળનું અવલોકન કરતાં સહેજે જણાઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org