________________
પ્રશ્નકર્તા : પણ એ રોકી શકે ખરો ?
દાદાશ્રી : હા, રોકી શકે એને. જો એને જ્ઞાન મળેલું હોય કે તારે ખરાબ વિચાર આવે તો ય પાછળ પશ્ચાત્તાપ કર. તે આમ કરે, કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળ-ગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી. તો ફેરવી શકે છે. સમજ પડીને ? કંઈ ખુલાસો થાય છે ?
(૧૫૮) દાનત બગાડવી એટલે પાંચ લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો પચીસ રૂપિયા માટે હઉ દાનત બગાડે બળી ! એટલે ભોગવવાની ઈચ્છાની ભાંજગડ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે ? આપવા કરતાં આપણે અહીં જ વાપરો. હલ થશે. દેખ લેંગે. એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને.
એટલે આપણે અત્યારે કોઈપણ માણસને એમ કહી શકીએ કે ભઈ, ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તો ય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે. કારણ કે પૈસો કોને વહાલો ના હોય ? એ કહો. કોને ના વહાલો હોય ? સહુને વહાલો હોય. એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમે તે ભોગે મારે આપવા જ છે. એવું ડીસીઝન પહેલેથી રાખવું જ જોઈએ. આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ. કારણ કે પૈસા તો દુ:ખદાયી છે, પૈસો તો, એને અગિયારમાં પ્રાણ કહ્યો છે. માટે કોઈનો પૈસો ડુબાડાય નહીં. એ મોટામાં મોટી વસ્તુ.
(૧૫૯) પ્રશ્નકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ?
દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય તો ? દેવું મૂકીને મરી જાય પણ એને મનમાં ઠેઠ સુધી - મરતાં સુધી એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે આ પૈસા આપવા જ જોઈએ. શું? આ ભવમાં નહીં પણ આવતા ભવે પણ મારે આપવા, જરૂર આપવા જ છે. એવો ભાવ છે, એને વાંધો
નથી આવતો અને કેટલાંક કહે છે, શું આપવું-લેવું છે ? કોણ પૂછનાર છે ? ત્યારે એવું ત્યાં આગળ !
અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને લેવાય. ત્યાર પછી ચાર-ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા.
(૧૬0). આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે, પછી એના માટે ચિંતા-વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પસી જવાના છે.
ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, “આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય.
પ્રશ્નકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ?
દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે ભાવ ના બગાડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગ ય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું ‘સ્ટેન્ડછે, હવે આગળ ‘સ્ટેન્ડ’ નથી.