Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
શ્રીવત્સ : સંસ્કૃત શબ્દ “શ્રીવત્સ” એટલે પુરુષની છાતીનો મધ્યભાગ. પુરુષને છાતીના મધ્યભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જ્યાં થોડા વાંકડિયા વાળ ઊગે છે એ અંગને “શ્રીવત્સ” કહેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મહાપુરુષોનું શ્રીવત્સ શોભાયમાન અને પૌરુષ તથા પુરુષાર્થનું પ્રતીક મનાય છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોકટ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યું હોય છે. હિંદુ પરંપરામાં ભગવાન શ્રી વિષ્ણુના છાતીના એ મધ્ય ભાગને શ્રીવત્સ કહેવામાં આવે છે એટલું જ નહીં, શ્રીવત્સ વિષ્ણુના “લક્ષણ' તરીકે પણ ઓળખાય છે. શ્રીવત્સ ભગવાન શીતલનાથનું લાંછન છે.
છાતીમાં હૃદય રહેલું છે. તીર્થકર ભગવાનની દેશના એમના હૃદયમાંથી સ્કુરે છે. એટલે હૃદય અથવા એના પ્રતીક તરીકે શ્રીવત્સ દેશનાનું ઉદ્ગમસ્થાન છે. આથી આ પવિત્ર અંગને મંગલમય માનવામાં આવે છે.
ચોકટ કે હીરા જેવી આકૃતિને કલાત્મક રીતે શિલ્પીઓ અને ચિત્રકારો વિકસાવતા ગયા અને સમય જતાં એને કમળ કે અન્ય ફૂલ કે પાંદડીના જેવી આકૃતિ અપાઈ. એક નાની અને એક મોટી લાંબી પાંદડી જેવી આકૃતિ પણ બનાવાઈ છે અને પરાગયુક્ત પુષ્પ જેવી આકૃતિ પણ થઈ છે. લાંબાં, ટૂંકા કિરણો સહિત સૂર્ય જેવી આકૃતિ પણ દોરાઈ છે. વસ્તુતઃ કલાકારોએ શ્રીવત્સની આકૃતિને જુદી જુદી રીતે વિકસાવી અને પછી એની પરંપરા ચાલી. ક્યારેક તો આ શ્રીવત્સ છે એમ ઓળખી પણ ન શકાય એવી અટપટી આકતિઓ દોરાઈ છે. “શ્રીવત્સ’ એ મનુષ્યના એક શુભ અંગલક્ષણ તરીકે મનાય છે. એટલે મંગલ વસ્તુઓમાં એની ગણના થવા લાગી, એટલું જ નહીં; વખત જતાં અષ્ટમંગલમાં પણ એને સ્થાન મળ્યું છે.
નંદ્યાવર્ત : નંદ્યાવર્ત એ સ્વસ્તિકનું જ વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. નંદ્યાવર્તની આકૃતિ બૌદ્ધ અને જૈન પરંપરામાં જેટલી જોવા મળે છે એટલી બ્રાહ્મણ (હિંદુ) પરંપરામાં જોવા મળતી નથી. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં તે વિશેષ જોવા મળે છે. જૈન પરંપરામાં તે સુનિશ્ચિતપણે, અનિવાર્યરૂપે અદ્યાપિ પર્યત સતત જોવા મળે છે. અરનાથ ભગવાનનું એ લાંછન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org