Page #1
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
માનવજાતિ ગમે તેટલો બૌદ્ધિક વિકાસ સાધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તર્કયુક્ત વાત જ સ્વીકારવાનો આગ્રહ રાખે, તો પણ સંસારમાં વખતોવખત એવી ઘટનાઓ બનતી રહે છે કે જે કેટલાક લોકોને શ્રદ્ધાના ક્ષેત્ર તરફ વાળે છે. જ્યારે પોતાના જીવનમાં જ એવી ઘટનાઓનો અનુભવ થાય છે ત્યારે કેટલાયે બૌદ્ધિકો પણ શ્રદ્ધાનું આલંબન લેવા લાગે છે. દરેક વખતે આવી શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી હોતી. ક્યારેક એમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાન, ગતાનુગતિકતા, લાચારી પણ જોવા મળે છે.
ઇષ્ટ ફળની પ્રાપ્તિ અને અનિષ્ટનો વિયોગ એ સામાન્ય માણસની બે મુખ્ય ઝંખના હોય છે. જ્યારે પોતાની બધી જ ગણતરી ઊંધી પડે અને પરિણામ અણધાર્યું જુદું જ આવે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. અતિશય લાચારીનો પ્રસંગ જ્યારે આવી પડે છે ત્યારે માણસ શ્રદ્ધાપ્રેરિત થઈ ગમે તે વસ્તુ કરવા તત્પર થઈ જાય છે.
જીવનમાં સામાન્ય ક્રમે કે અણધારી રીતે બનતી સારીનરસી મોટી ઘટનાઓનું અવલોકન કરતાં કરતાં માનવજાતે તેની સાથે સંકળાયેલા કેટલાક શુભાશુભ સંકેતોની વિચારણા કરી છે. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર ઇત્યાદિ એ રીતે રચાયાં હતાં.
માણસ નવું ઘર કરાવતો હોય, નવી દુકાન લેતો હોય, નવો ધંધો ચાલુ કરતો હોય, દીકરા- દીકરીની સગાઈ કે લગ્નનો પ્રસંગ હોય, પ્રવાસે કે તીર્થયાત્રાએ જતો હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય, કન્યા સાસરે જતી હોય, વહુ પ્રસૂતિ માટે પિયર જતી હોય, મંદિરનો શિલાન્યાસ કે અન્ય ઉત્સવ હોય, સાધુ-સાધ્વીના વિહાર હોય – એવાં બધાં કાર્યો નિર્વિને અને ખૂબ
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જિનતત્વ સારી રીતે પાર પડે એમ સૌ ઇચ્છતાં હોય છે. એ માટે દિવસ, પ્રહર, ચોઘડિયું જોવાય છે અને તે વખતે થતા શુભ શુકનનો વિચાર પણ થાય છે. એવે વખતે કોઈ શુભ, પવિત્ર વ્યક્તિ કે વસ્તુનાં દર્શન થાય તો પોતાનું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એવી શ્રદ્ધા બંધાય છે. “શુકન જોઈને રે સંચરજો' જેવી પંક્તિઓ ક્યારેક સમૂહમાં ગવાય છે.
પોતાની ધારેલી ઇચ્છાઓ, વિચારેલી યોજનાઓ કે સેવેલા સંકલ્પો પાર ન પડે ત્યારે માણસ અત્યંત મૂંઝાય છે, બેબાકળો અને નિરાશ થઈ જાય છે. પોતાના કાર્યમાં વિઘ્ન, અંતરાય, મુશ્કેલી, આપત્તિ ઇત્યાદિ ન આવે એ માટે માણસ સાવધ, સચિત રહે છે. બીજી બાજુ પોતાની ઇચ્છા પ્રમાણે કે ધાર્યા કરતાં વધારે સારી રીતે પોતાનું કાર્ય પાર પડે છે ત્યારે માણસ આનંદથી ગદગદિત થઈ જાય છે. સફળતા કે નિષ્ફળતાની આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેની સાથે કશીક સાંકેતિક વસ્તુઓ કે ઘટનાઓને જોડી દેવાનું મન કેટલાક મનુષ્યને થાય એ કુદરતી છે. આવા સંકેતો માટે મંગળ' કે “અમંગળ” શબ્દ પ્રાચીન કાળથી પ્રયોજાતો આવ્યો છે. અનેક પેઢીઓના લાંબા સમયના એકસરખા અનુભવને આધારે કેટલીક વસ્તુઓ “મંગળ” કે “અમંગળ' તરીકે ગણાવા લાગે છે અને પછી એની પરંપરા ચાલુ થાય છે.
શુભ પ્રસંગે ગોળ, ધાળા કે ગોળમિશ્રિત ધાણા, દહીં, કંસાર, લાપસી, સુખડી, પેંડા, કોપરું વગેરે ખાવા-ખવડાવવાનો રિવાજ છે. આ બધાં ખાઘ-- દ્રવ્યોને મંગલમય માનવામાં આવે છે. એની વહેંચણીમાં ઉત્સાહનું, આનંદોલ્લાસનું વતાવરણ પ્રસરી રહે છે. પોતાનું કાર્ય પાર પડ્યાનો, કાર્યમાં ફતેહ મેળવ્યાનો એમાં સંકેત રહેલો હોય છે. આવાં મંગલોને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે. એવા પ્રસંગે જે મંગલમય સ્તુતિ કરવામાં આવે છે, નવકાર મંત્ર વગેરે બોલવામાં આવે છે તેને ભાવમંગલ કહેવામાં આવે છે.
મંગલ ગણાતી વસ્તુઓનું કે તેવા જીવોનું પોતાના કાર્યના શુભારંભે અનાયાસ સાક્ષાત્ દર્શન કરવું સૌથી ઉત્તમ ગણાયું છે. એવું મંગલદર્શન અનાયાસ શક્ય ન હોય તો તેને સામેથી યોજનાપૂર્વક મંગાવીને જોવું તે પણ સારું ગણાય છે. પરંતુ એવી પણ જ્યાં શક્યતા ન હોય ત્યાં છેવટે તેની આકૃતિનું દર્શન કરવું આવશ્યક અને ઇષ્ટ મનાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઈ શુભ કાર્ય માટે ઘરેથી પ્રસ્થાન કરતો હોય તે વખતે જ બરાબર અચાનક સામેથી ગાય આવતી હોય કે હાથી આવતો હોય તો તે સારાં શુકન ગણાય.
Page #3
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૧૧૩ ગાય કે હાથી અનાયાસ અચાનક ન આવતાં હોય, પણ કોઈ સ્વજને કે મિત્ર એવી ગોઠવણ કરી રાખી હોય અથવા પોતે જાતે એવી ગોઠવણ કરાવી હોય કે બરાબર તે જ વખતે સામેથી ગાય કે હાથી લઈ આવવામાં આવે અને પોતાને સારાં શુકન થયાં એમ માણસ માને અને મનાવે તેવું પણ બનતું આવ્યું છે. આવી પણ જ્યારે શક્યતા ન હોય ત્યારે ફોટા કે ચિત્રમાં ગાય કે હાથી કે અન્ય મંગલ વસ્તનાં દર્શન કરી માણસ સંતોષ મેળવે છે અને પ્રસ્થાન કરે છે. શુભ મંગળ શુકન માટે દરેક માણસની શ્રદ્ધા એકસરખી ન હોય. કોઈક શ્રદ્ધાળુઓ ભગવાનના કે દેવદેવીના કે પોતાના વડીલો કે સ્વજનોના ફોટાનાં દર્શન કરે છે. ક્યારેક ફોટો કે આકૃતિ ન હોય ત્યારે તેમના નામનો જયજયકાર ઉચ્ચારાય છે.
શુભ પ્રસંગ કે શુભ કાર્યની વાત ન હોય તો પણ કેટલાક લોકોને ત્યાં મંગળ આકૃતિઓનું રોજેરોજ સવારના ઊઠીને કે અન્ય સમયે નિયમિત દર્શન કરવાનો રિવાજ હોય છે કે જેથી દિવસ સારો જાય. મહાભારતના દ્રોણપર્વતમાં લખ્યું છે કે રાજ દરબારમાં જતાં પહેલાં મહારાજા યુધિષ્ઠિર સ્વસ્તિક, વર્ધમાન, નંદ્યાવર્ત, જળપૂર્ણ કુંભ, અગ્નિ, માળી, હાર, કુંકુમ, દહીં, ઘી, મધ, માલા, કન્યા વગેરે માંગલિક દ્રવ્યોનાં કે વ્યક્તિનાં દર્શન કરી લેતા.
જુદા જુદા વારે કોઈ જુદી જુદી વસ્તુ મંગલરૂપ ગણાય છે. એને માટે એક લોકોક્તિ પ્રચલિત છે :
રવિ તાંબૂલ, સોમે દર્પણ, મંગળે ધાણા ધરણીનંદન, બુધે ગોળ, ગુરુએ રાઈ, શુક્રવારે સરસવ ખાઈ,
શનિવારે વાવડિંગા ચાવે તો કાળ કદી ઘેર ના આવે. લોકજીવનમાં આવી વિવિધ પ્રકારની માન્યતાઓ રહેલી છે. ક્યાંક એની સાથે ધર્મને સાંકળવામાં પણ આવ્યો છે.
મંગળ' શબ્દનો સાદો અર્થ થાય છે શુભ, પવિત્ર, પાપરહિત, વિષ્ણરહિત. “મંગળ' શબ્દમાં મં, ગ અને લ એ ત્રણ અક્ષરો છે. એ અક્ષરોને અનુલક્ષીને “મંગળ’ શબ્દના જુદી જુદી રીતે અર્થ કરાય છે.
મંગલ અથવા માંગલ્ય શબ્દ જુદી જુદી રીતે વ્યુત્પન્ન કરવામાં આવ્યો છે. એ શબ્દમાં “મ”, “મા', “ગલ', “માલ” જેવા શબ્દો રહેલા બતાવવામાં આવે છે અને તે પ્રમાણે અર્થઘટન કરવામાં આવે છે. આવી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓમાંથી નીચેની કેટલીક વ્યાખ્યાઓ જુઓ :
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જિનતત્વ मं गालयइ भवाओ मंगलमिहेवमाइ नेत्ता । (મું અથવા મા એટલે કે પાપને જે ગાળી નાખે છે તે મંગલ કહેવાય છે.) ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં “મંગલ” શબ્દ સમજાવતાં કહ્યું છે :
मां गालयति भवादिति मंगलं संसारादपनयतीत्यर्थः ।
अथवा मा भूत शास्त्रस्य गलो विघ्नो अस्मादिति ।। [ મને ભવથી એટલે કે સંસારથી દૂર કરે છે એટલા માટે તે મંગલ છે. અથવા ગલ એટલે વિM. શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં અમને વિપ્ન ન હો માટે મંગલ.!
- મંgિsfધગમ્મરું દિશં તેજી મંત્નિ દોર્યું !
अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ।। [ જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા “મંગલનો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે. ] . મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે :
मा गलो भूदिति मंगलम् । [ જે ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ. ]
मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [ જેના વડે પ્રસન્નતા થાય તે મંગલ. ]
महान्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । [જેના વડે પૂજા થાય છે તે મંગલ]
લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે.
જૈન ધર્મમાં ચોવીસે તીર્થકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થકર ભગવાનની માતાને આવતાં ચૌદ (અથવા સોળ) સ્વખો, દેવદેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતું અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જેન,
Page #5
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૧૧૫ બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે પરંપરાની કુલ વસ્તુઓની સંખ્યા તો એથી પણ વધી જાય છે. મંગલ વસ્તુના દર્શનમાં શ્રદ્ધા દુનિયાના અન્ય ધર્મોમાં અને આદિવાસી જાતિઓમાં પણ જોવા મળે છે.
આ બધી માંગલિક વસ્તુઓમાં જે વધુ વ્યાપક રીતે પ્રચલિત રહી છે એમાંની થોડીક આ પ્રમાણે છે : સ્વસ્તિક, નંદ્યાવર્ત, કળશ, વર્ધમાનક (શરાવશકોર), દીપક, ધૂપ, દર્પણ, ચામર, છત્ર, અક્ષયપાત્ર, રત્નપાત્ર, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ભદ્રાસન, મત્સ્યયુગલ, ગજ, ગાય, વૃષભ, સિંહ, અશ્વ, કમળ, પુષ્પ, માળા, અંકુશ, ધનુષ્ય-બાણ, ગોળ, દહીં, મધ, વૃક્ષ, કુંભ, અગ્નિની જ્વાળા, કન્યા, રોચના (તિલક કરવાની સામગ્રી), કેક, શ્રીફળ, નાડાછડી, ઘી, હાર (ચક), અમુક પક્ષી અને તેનો અવાજ, અક્ષત, ફળ, ઘંટનાદ, બીજની ચંદ્રકલા, લાડુ, લાડુનું પાત્ર (મોદકપાત્ર), વાછરડા સાથે ગાય, બાળક સાથે માતા, શંખ, ચક્ર, રુદ્રાક્ષ ઇત્યાદિ મંગલમય મનાય છે. આ યાદી હજુ પણ મોટી થઈ શકે. મંગલ- માન્યતામાં જુદા જુદા ધર્મો વચ્ચે ધાર્મિક સંકુચિતતા રહી નથી. તેઓમાં પરસ્પર આદાનપ્રદાન થતું રહ્યું છે.
સાક્ષાત્ મંગલ વસ્તુઓના દર્શન કરવાં એ એક વાત છે અને ઝીણી નજરે જોઈને કોઈક રેખાઓમાં મંગળ આકૃતિઓનો મેળ બેસાડવો એ બીજી વાત છે. આકાશમાં વાદળાંઓમાં, પાણીના તરંગોમાં, વૃક્ષનાં પાંદડાઓમાં, માટીના ઢગલાઓમાં, આરસ વગેરે પથ્થરના પડમાં, કાપેલા હાથીદાંતમાં, હાથપગની રેખાઓમાં શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક, દીપક, નંદ્યાવર્ત ઇત્યાદિ શુભ આકૃતિઓ માણસ શોધી કાઢે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તીર્થંકર પરમાત્માનાં અંગાગોની રેખાઓમાં આવી આકૃતિઓ જોવા મળે છે. તેમના દેહમાંથી નીકળતા પુદ્ગલ પરમાણુઓ દ્વારા આવી આકૃતિઓ રચાય છે.
બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તરામાં વર્ણન છે કે તથાગત ભગવાન બુદ્ધ માટે સુજાતા જ્યારે ખીર બનાવવા દૂધ ઉકાળતી હતી ત્યારે દૂધના ઊંચા આવતા ઊભરામાં એને શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, પદ્મ વગેરે મંગલ આકૃતિઓ નિહાળવા મળી હતી.
तस्मिन थल्वपि क्षीरं श्रीवत्स स्वस्तिक
नन्यावर्तपम वर्द्धमानादिनी मंगल्यानि संदश्यते स्म । મનુષ્યના શરીરમાં જુદી જુદી રેખાઓની આકૃતિઓ જોવા મળે છે. પુરુષના શરીરમાં ૩૨ ઉત્તમ લક્ષણો (વ્યંજન) હોય છે અને ૮૦ નાનાં લક્ષણો
Page #6
--------------------------------------------------------------------------
________________
જિતત્ત્વ
(અનુવ્યંજન) હોય છે. આ લક્ષણો મંગલરૂપ મનાય છે એટલે એની દોરેલી આકૃતિનાં દર્શન પણ મંગળરૂપ કહેવાય છે. જૈન ધર્મગ્રંથ ‘સ્થાનાંગસૂત્ર’માં તથા બૌદ્ધ ધર્મગ્રંથ ‘મહાવસ્તુ’, ‘મહાવ્યુત્પત્તિ’, ‘અર્થવિનિશ્ચયસૂત્રનિબંધન', ‘લલિતવિસ્તરા’ વગેરે ગ્રંથોમાં આ બધાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે.
૧૧૩
આટલી બધી મંગળ વસ્તુઓ હોય તો વખત જતાં એમાં પસંદગી કરવાના પ્રસંગો પણ ઊભા થાય. કઈ મંગળ વસ્તુ કરતાં કઈ મંગળ વસ્તુ ચડિયાતી છે એનો નિર્ણય તો લોકો પોતે જ અનુભવ દ્વારા કરતા રહે છે. વખત જતાં આઠ મંગલ વસ્તુઓનું માહાત્મ્ય વધી ગયું. આ આઠની સંખ્યાને સ્થિર કરવામાં જૈન ધર્મે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, આઠની સંખ્યા જ શા માટે ? વધુ કે ઓછી કેમ નહીં ? – એ વિશે જુદા જુદા તર્ક થઈ શકે, પણ નિશ્ચિત કારણ જાણવા મળતું નથી. પૂર્વકાળના લોકોના અનુભવે જ એમાં મહત્ત્વનું કાર્ય કર્યું હશે ! અથવા એક માન્યતા પ્રમાણે દેવોએ જ આ આઠનું નિર્માણ કર્યું હશે.
જૈન ધર્મમાં ઔપપાતિકસૂત્ર, રાયપસેણિયસૂત્ર, આચારદિનકર ઇત્યાદિ પ્રાચીન ગ્રંથોમાં અષ્ટમંગલનો જે પ્રમાણે નિર્દેશ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કળશ, (૭) દર્પણ અને (૮) મત્સ્યયુગલ.
‘સુશ્રુતસૂત્રસ્થાનમાં દસ પ્રકારનાં મંગલ દર્શાવવામાં આવ્યાં છે ;
स्त्रीपुत्रिणी सवत्सागो वर्द्धमानं अलंकृता ।
कन्या मत्स्याः फलं चामं स्वस्तिकान् मोदकाः दधिः ।।
આ દસ મંગલ છે : (૧) બાળક સાથે માતા, (૨) વાછરડા સાથે ગાય, (૩) વર્ધમાન (શરાવ- શકોરું), (૪) અલંકૃતા એટલે શણગારેલી કન્યા, (૫) મીનયુગલ, (૬) ફળ, (૭) ચામર, (૮) સ્વસ્તિક, (૯) લાડુ અને (૧૦) દહીં. ‘વિષ્ણુસ્મૃતિ’માં ‘અષ્ટમંગલ’નો નિર્દેશ છે અને એમાં આઠ મંગલ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : (૧) પૂર્ણકુંભ, (૨) આદર્શ એટલે કે દર્પણ, (૩) છત્ર, (૪) ધ્વજ, (૫) પતાકા, (૬) શ્રીવૃક્ષ અથવા શ્રીવત્સ, (૭) વર્ધમાન અને (૮) નંદ્યાવર્ત.
માત્ર ધર્મગ્રંથોમાં જ નહીં, ચિત્રશિલ્પાદિ કલાઓમાં પણ અષ્ટમંગલને સ્થાન મળ્યું હતું. જૈન ધર્મમાં પ્રાચીન અવશેષોમાં કે કલાકૃતિઓમાં અષ્ટમંગલનું રેખાંકન જોવા મળે છે. મથુરાના કંકાલી ટીલામાંથી મળેલા જૈન આયાગપટ્ટોમાં અષ્ટમંગલની આકૃતિ છે. એટલે આશરે બે હજાર વર્ષ પૂર્વે અષ્ટમંગલને જૈન
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૧૭
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ધર્મમાં તથા શિલ્પાદિ કલામાં વ્યવસ્થિત રીતે મહત્ત્વનું સ્થાન મળી ચૂક્યું હતું. કોઈક આયાગપટ્ટમાં અષ્ટમંગલની વચ્ચે તીર્થકર ભગવાનની આકૃતિ કોતરવામાં આવી છે. આબુ, દેલવાડા, ખજૂરાહો વગેરે ઘણાં પ્રાચીન જૈન મંદિરોમાં અષ્ટમંગલની આકૃતિની કોતરણી થયેલી છે. પ્રાચીન જૈન હસ્તપ્રતોમાં પણ અષ્ટમંગલનું ચિત્રાંકન જોવા મળે છે. અષ્ટમંગલનો મહિમા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. પ્રત્યેક તીર્થંકરના સમયમાં આઠ પ્રતિહાર્યની જેમ અષ્ટમંગલ હોય જ એમ મનાય છે.
મંગલ વસ્તુઓ તો અનેક હોય. શુભ પ્રસંગે માણસે કેટલી વસ્તુઓનાં દર્શન કરવા જોઈએ ? માણસે જેમ એ વિષયમાં વિસ્તાર કર્યો તેમ સંક્ષેપ પણ કર્યો. એમ કરતાં કરતાં આઠ વસ્તુઓ પર તે સ્થિર થયો. એ આઠ વસ્તુઓનાં સાક્ષાત દર્શનમાં પણ વાર લાગે. એટલે એક જ સ્થળે એકસાથે આઠે વસ્તુઓની આકૃતિ આવી જાય એવી યોજના થઈ. એ વ્યવહારુ અને સરળ બની. આરંભમાં કદાચ માણસ આઠે આકૃતિઓ સ્વહસ્તે દોરતો કે બીજા પાસે દોરાવતો હશે. પણ પછીથી તો કોતરેલી કે દોરેલી આકૃતિવાળા તૈયાર મળતા પાટલા કે પાટલીનો ઉપયોગ માણસ કરવા લાગ્યો.
જેન, બોદ્ધ અને બ્રાહ્મણ પરંપરાની કેટલીક કલાકૃતિઓમાં એક અથવા વધુ માંગલિક આકૃતિઓ કોતરવામાં આવેલી જોવા મળે છે. પરંતુ આ બધી માંગલિક આકૃતિઓમાંથી ફક્ત આઠની જ પસંદગી કરીને એને “અષ્ટમંગલ' તરીકે પ્રચલિત કરવામાં અને એને પૂજનીય ગણવામાં જૈન ધર્મનો સૌથી વધુ ફાળો છે. પ્રાચીન કાળથી અષ્ટમંગલની આ પરંપરા જૈન ધર્મમાં વર્તમાન સમય સુધી જીવંત અને પ્રચલિત રહી છે અને આજે પણ જૈન મંદિરોમાં અષ્ટમંગલ'ની ધાતુની પાટલીની પૂજા થાય છે. તીર્થંકર ભગવાનની પૂજા કર્યા પછી અંતે અષ્ટમંગલની પૂજા કરવાનો રિવાજ છે. પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિરમાં અષ્ટમંગલની પાટલી અવશ્ય હોય જ છે. મોટાં પૂજનો વખતે પણ પાટલા પૂજનમાં એક પાટલા પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ ચાંદીના પતરામાં દોરેલી હોય છે અને એનું પૂજન કરવામાં આવે છે.
બ્રાહ્મણ પરંપરા કરતાં જૈન અને બૌદ્ધ પરંપરામાં મંગલ વસ્તુઓની આઠની સંખ્યા સવિશેષ સ્થિર થયેલી છે. આઠનો સંખ્યાંક એટલો બધો દૃઢ થઈ ગયો કે ક્યાંક સાત કે નવ કે અગિયાર મંગલ આકૃતિઓ દોરવામાં કે કોતરવામાં આવી હોય તો પણ તે “અષ્ટમંગલ' તરીકે જ ઓળખાતી રહી.
Page #8
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
૧૧૮ સાંચીના બૌદ્ધ અવશેષોના એક સ્તંભનાં તોરણો પર પથ્થરમાં કોતરેલી લટકતી માળાઓ જોવા મળે છે, એ માળાઓમાં કોઈકમાં નવ મણકા છે, તો કોઈકમાં અગિયાર કે સાત છે. દરેક મણકા ઉપર એક એક મંગલની આકૃતિ કોતરવામાં આવી છે. ઉ. ત. એક માળામાં ખડ્ઝ, પરશુ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, અંકુશ, દર્પણ અને વૃક્ષ એમ નવ આકૃતિઓ છે; બીજી એક માળામાં વૃક્ષ, પુષ્પ, માળા, પરશુ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, શ્રીવત્સ, ખગ, દર્પણ અને અંકુશ એમ અગિયાર આકૃતિઓ છે, તો ત્રીજી એક માળામાં વચલા મોટા મણકામાં કમળના આકારે નંદ્યાવર્ત છે, અને એક બાજુના ત્રણ મણકામાં મસ્યયુગલ, અંકુશ તથા ભદ્રાસન છે અને બીજી બાજુના ત્રણ મણકામાં ખગ, દર્પણ અને ભદ્રાસન છે. આમ, સાત મણકાની આ માળા “અષ્ટમંગલ માળા” તરીકે ઓળખાય છે. વળી, એમાં ભદ્રાસન બંને બાજુ છે.
સારનાથ અને મથુરામાંથી કુશાનયુગના મળેલા અવશેષોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની ઉપર રાખવામાં આવતા ચોરસ અથવા વર્તુળાકાર છત્રમાં માંગલિક ચિહ્નો કોતરવામાં આવેલાં જોઈ શકાય છે. આમાંના વર્તુળાકાર છત્રમાં ઘડિયાળના આંકડાની જેમ બાર અકૃતિઓ વર્તુળાકારે કોતરવામાં આવી છે. એમાં સ્વસ્તિક, શંખ, કળશ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, નંદ્યાવર્ત, અક્ષયપાત્ર, વર્ધમાન એ આઠ ઉપરાંત ચાર ફૂલપાંદડી છે. મથુરાના ચોરસ છત્રમાં શંખ, વર્ધમાનક, કળશ, શ્રીવત્સ, અક્ષતપાત્ર, સ્વસ્તિક, મત્સ્યયુગલ અને નંદ્યાવર્ત એમ આઠ આકૃતિઓ છે.
જેમણે પોતાના સિક્કાઓ પર અષ્ટમંગલ કોતરાવ્યાં હોય એવા રાજાઓમાં દક્ષિણના જૈનધર્મી પાંડ્ય રાજાઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી બાબા પ્યારાની ગુફામાં જે ક્રમમાં અષ્ટમંગલ જોવા મળે છે એ જ ક્રમમાં દક્ષિણ ભારતના આ સિક્કાઓ ઉપર અષ્ટમંગલ જોવા મળે છે. એ સમયે રૂઢ થયેલા ક્રમ અનુસાર સ્વાસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ અને મત્સ્યયુગલ એ પ્રમાણે અષ્ટમંગલ છે.
પ્રાચીન સમયમાં માત્ર ધર્મસ્થાનકોમાં અષ્ટમંગલ કોતરવાનો રિવાજ અનુક્રમે ઘરોમાં પણ પ્રવેશ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ કોતરાતાં કે ચીતરાતાં હતાં. માણસો પોતાની પ્રિય કિંમતી વસ્તુ પર અષ્ટમંગલ કોતરાવતા. બે હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી એક તલવાર મળી છે કે જેની મૂઠ પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ દોરવામાં આવી છે. (અલાહાબાદના
Page #9
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૧૧૯ સંગ્રહસ્થાનમાં આ તલવાર છે.) તક્ષશિલામાંથી મળેલી સોનાની એક પ્રાચીન વીંટી ઉપર પણ નવ મંગલ કોતરવામાં આવ્યાં છે, જેમાં નંદ્યાવર્ત બેવાર છે.
બૌદ્ધ ધર્મ જ્યાં ફેલાયો એવા દેશોમાં પણ અષ્ટમંગલનો પ્રચાર થયો છે. અષ્ટમંગલની તાંત્રિક ઉપાસના તિબેટમાં હજુ સુધી પ્રચલિત છે. ભૂટાનના રાજાએ પોતાના સિક્કા પર અષ્ટમંગલમાંથી કેટલીક આકૃતિઓ કોતરાવી
હતી.
અષ્ટમંગલની આઠ આકૃતિઓ પ્રતીકરૂપ છે. પ્રતીક તરીકે જેની ગણના થાય તેનું અર્થઘટન જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી રીતે થઈ શકે. આથી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં આ પ્રતીકોનાં અર્થઘટન જુદી જુદી રીતે થાય એ સંભવિત છે. *
છેલ્લા કેટલાક સમયથી વેતામ્બર જૈન પરંપરામાં અષ્ટમંગલનો ક્રમ આ પ્રમાણે રૂઢ થયો છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) કળશ, (૯) સિંહાસન, (૭) મીનયુગ્મ અને (૮) દર્પણ. આ આઠ આકૃતિઓને કલાકારો વિવિધ કલત્મક રીતે રચતા હોય છે.
જૈન દિગંબર પરંપરામાં પ્રાચીન સમયમાં બે જુદા જુદા પ્રવાહો જોવા મળે છે. એક પ્રમાણે અષ્ટમંગલ છે : છત્ર, ચામર, ધ્વજ, સ્વસ્તિક, દર્પણ, કળશ, વર્ધમાનક અને સિંહાસન, બીજા પ્રમાણે અષ્ટમંગલ છે : સુવર્ણકળશ, વર્ધમાનક, દર્પણ, વીંઝણો (પંખો), ધ્વજ, છત્ર, ચામર, સ્વસ્તિક.
વર્તમાન સમયમાં શ્વેતામ્બર પરંપરામાં ચાર-ચારની જોડીમાં ઉપરનીચે એમ આઠ મંગલ આલેખવામાં આવ્યાં હોય છે. એવી અષ્ટમંગલની પાટલીમાં ઉપરની હારમાં સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ અને ભદ્રાસન અને નીચેની હારમાં નંદ્યાવર્ત, વર્ધમાન, મીનયુગલ અને દર્પણ જોવા મળે છે.
- વડોદરાના એક શ્વેતામ્બર જૈન મંદિરની જૂના વખતની અષ્ટમંગલની પાટલીમાં આ ક્રમ જુદો છે. એમાં ઉપરની હારમાં દર્પણ, ભદ્રાસન, કળશ અને વર્ધમાનક છે અને નીચેની હારમાં મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત છે. (આનો ફોટો જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર ખંડ-૩માં છપાયો છે.)
જૈન શ્વેતાંબર પરંપરામાં અષ્ટમંગલના ક્રમમાં અજાણતાં ક્યારેક ફેરફાર થતો રહ્યો છે, પરંતુ આઠ મંગલ આકૃતિઓ બે-અઢી હજાર વર્ષથી એટલે કે
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જિનતત્ત્વ ભગવાન મહાવીર સ્વામીના સમયથી એની એ જ રહી છે. આ આઠ મંગલના વિશેષાર્થ વિશે આપણે જોઈએ :
સ્વસ્તિક : અષ્ટમંગલમાં સૌપ્રથમ સ્વસ્તિક હોય છે. સ્વસ્તિક (એના ઉપરથી શબ્દ આવ્યો છે સાથિયો) એક ઉત્તમ મંગલ તરીકે હજારો વર્ષથી મનાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં અર્થાત્ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં
સ્વસ્તિકનું સ્થાન ગૌરવવંતું રહ્યું છે. સ્વસ્તિક એટલે શુભ, મંગલ અને કલ્યાણકારી. જે સ્વસ્તિ અર્થાતું ભલું, આશીર્વાદરૂપ કરે તે સ્વસ્તિક.
સ્વસ્તિકની આકૃતિ સરલ, રમણીય અને આલ્હાદક છે. સાથિયો કરવાનું નાના બાળકને પણ આવડે એવું છે. સ્વસ્તિક શુભેચ્છાનું, સ્વાગતનું પ્રતીક છે. સ્વસ્તિક ભગવાન સુપાર્શ્વનાથનું લાંછન છે.
સ્વસ્તિકમાં પ્રથમ સીધી ઊભી લીટી અને પછી અધવચ્ચેથી સીધી આડી લીટી હોય છે. એ વત્તાની એટલે કે વૃદ્ધિની નિશાની છે. આ ઊભી-આડી મળીને ચાર થયેલી લીટીને છેડે ચાર પાંખિયાં દોરવામાં આવે છે. એટલે કોઈપણ ચાર વસ્તુના પ્રતિનિધિ તરીકે એને ઘટાવી શકાય. વૈદિક પરંપરામાં
સ્વસ્તિક ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક તરીકે અથવા ચાર યુગ-સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સ્વસ્તિક શાંતિ અને સુખનું પ્રતીક છે.
જૈન પરંપરામાં સ્વસ્તિકને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિના પ્રતીકરૂપે પણ માનવામાં આવે છે. જિન મંદિરોમાં તીર્થકર ભગવાનની દ્રિવ્યપૂજામાં ચોખાનો સાથિયો કરવામાં આવે છે. સાથિયા ઉપર ત્રણ ઢગલી કરવામાં આવે છે. ત્રણ ઢગલી તે સમ્યગુ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપી ત્રણ રત્નો છે. એની ઉપર અર્ધચંદ્રાકાર આકૃતિ કરાય છે તે સિદ્ધશિલા છે અને તેની ઉપર નાની ઢગલી તે સિદ્ધ ભગવંતો છે. જીવે એ ચાર ગતિમાંથી ત્રણ રત્નો વડે નીકળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી ત્યાં અનંત કાળ માટે વિશુદ્ધ આત્મસ્વરૂપે સ્થિર થવાનું છે.
સ્વસ્તિકમાં પ્રત્યેક લીટીનું પાંખિયું જમણી બાજુ વળે એ સીધો સ્વસ્તિક છે અને તે મંગળરૂપ છે. પાંખિયાં ડાબી બાજુ વળે તો એ ઊંધો સ્વસ્તિક બને છે અને તે અમંગલરૂપ ગણાય છે. (હિટલરે આ ઊંધો સ્વસ્તિક પોતાના ચિહ્ન તરીકે સ્વીકાર્યો હતો.)
Page #11
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
શ્રીવત્સ : સંસ્કૃત શબ્દ “શ્રીવત્સ” એટલે પુરુષની છાતીનો મધ્યભાગ. પુરુષને છાતીના મધ્યભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જ્યાં થોડા વાંકડિયા વાળ ઊગે છે એ અંગને “શ્રીવત્સ” કહેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મહાપુરુષોનું શ્રીવત્સ શોભાયમાન અને પૌરુષ તથા પુરુષાર્થનું પ્રતીક મનાય છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોકટ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યું હોય છે. હિંદુ પરંપરામાં ભગવાન શ્રી વિષ્ણુના છાતીના એ મધ્ય ભાગને શ્રીવત્સ કહેવામાં આવે છે એટલું જ નહીં, શ્રીવત્સ વિષ્ણુના “લક્ષણ' તરીકે પણ ઓળખાય છે. શ્રીવત્સ ભગવાન શીતલનાથનું લાંછન છે.
છાતીમાં હૃદય રહેલું છે. તીર્થકર ભગવાનની દેશના એમના હૃદયમાંથી સ્કુરે છે. એટલે હૃદય અથવા એના પ્રતીક તરીકે શ્રીવત્સ દેશનાનું ઉદ્ગમસ્થાન છે. આથી આ પવિત્ર અંગને મંગલમય માનવામાં આવે છે.
ચોકટ કે હીરા જેવી આકૃતિને કલાત્મક રીતે શિલ્પીઓ અને ચિત્રકારો વિકસાવતા ગયા અને સમય જતાં એને કમળ કે અન્ય ફૂલ કે પાંદડીના જેવી આકૃતિ અપાઈ. એક નાની અને એક મોટી લાંબી પાંદડી જેવી આકૃતિ પણ બનાવાઈ છે અને પરાગયુક્ત પુષ્પ જેવી આકૃતિ પણ થઈ છે. લાંબાં, ટૂંકા કિરણો સહિત સૂર્ય જેવી આકૃતિ પણ દોરાઈ છે. વસ્તુતઃ કલાકારોએ શ્રીવત્સની આકૃતિને જુદી જુદી રીતે વિકસાવી અને પછી એની પરંપરા ચાલી. ક્યારેક તો આ શ્રીવત્સ છે એમ ઓળખી પણ ન શકાય એવી અટપટી આકતિઓ દોરાઈ છે. “શ્રીવત્સ’ એ મનુષ્યના એક શુભ અંગલક્ષણ તરીકે મનાય છે. એટલે મંગલ વસ્તુઓમાં એની ગણના થવા લાગી, એટલું જ નહીં; વખત જતાં અષ્ટમંગલમાં પણ એને સ્થાન મળ્યું છે.
નંદ્યાવર્ત : નંદ્યાવર્ત એ સ્વસ્તિકનું જ વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. નંદ્યાવર્તની આકૃતિ બૌદ્ધ અને જૈન પરંપરામાં જેટલી જોવા મળે છે એટલી બ્રાહ્મણ (હિંદુ) પરંપરામાં જોવા મળતી નથી. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં તે વિશેષ જોવા મળે છે. જૈન પરંપરામાં તે સુનિશ્ચિતપણે, અનિવાર્યરૂપે અદ્યાપિ પર્યત સતત જોવા મળે છે. અરનાથ ભગવાનનું એ લાંછન છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
નંદ અથવા નંદિ સાથે આવર્ત શબ્દ જોડાતાં નંદાવર્ત અથવા નંદ્યાવર્ત શબ્દ થાય છે. નંદ અથવા નંદિ શબ્દ આનંદના અર્થમાં છે. આવર્ત શબ્દના વળાંક, વર્તુળ, વમળ, ફરીથી આવવું ઇત્યાદિ અર્થો થાય છે. નંઘાવર્ત સુખના આવર્તનરૂપે છે.
૧૨૨
સાથિયો ચાર ગતિનો સૂચક છે તેમ નંદ્યાવર્ત પણ ચાર ગતિનો સૂચક છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક ગતિનું પાંખિયું અંદર વળાંક લઈ પછી બહાર નીકળે છે. ચાર ગતિરૂપ સંસાર આવર્ત એટલે કે વમળોથી ભરેલો છે. એમાંથી નીકળવું દુષ્કર છે. નદી કે સમુદ્રના પાણીમાં વમળમાં ફસાયેલો માણસ ડૂબી જાય છે. કોઈક જ ભારે બળ વાપરી એમાંથી બહાર નીકળી શકે છે. તેવી રીતે સંસારનાં આ વમળોમાં ન ફસાતાં સાવધાન બની બહાર રહેવું જોઈએ અને જો ફસાયા તો જબરો પુરુષાર્થ અને પરાક્રમ કરી એમાંથી બહાર નીકળવું જોઈએ.
નંઘાવર્તનો અર્થ બીજી રીતે પણ ઘટાવાય છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક લીટી કેન્દ્રથી બહાર નીકળે ત્યાં સુધીમાં એમાં નવ ખૂણા આવે છે.નવનો આંક નવ નિધિનો સૂચક છે. નવનો આંક અક્ષય મનાય છે, કારણ કે એને ગમે તેટલાથી ગુણવામાં આવે તો આવેલા જવાબનો સરવાળો ફરી નવ થઈ જાય છે. આથી નંદાવર્તને અક્ષય નિધિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. નંદ્યાવર્ત સુખસમૃદ્ધિના આવાસ તરીકે પણ ઓળખાય છે. નંદ્યાવર્તની આકૃતિને ‘સર્વતોભદ્ર' પણ કહેવામાં આવે છે. ચારે બાજુથી એકસરખી સુંદર કલાત્મક આ મંગલ આકૃતિ ગમી જાય એવી છે.
વર્ધમાનક – શરાવસંપુટ :
‘અષ્ટમંગલ’માં એક મંગલ તે વર્ધમાન છે. એનો અર્થ થાય છે : જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું. એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે ‘શરાવ’. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શ૨ાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શ૨ાવસંપુટ બને છે. ક્યારેક ‘શરાવસંપુટ’ને બદલે ફક્ત ‘સંપુટ’ શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપ૨નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે.
ઉપરનીચેનાં શરાવ ખસી ન જાય એટલા માટે એને નાડાછડીથી બાંધવામાં આવે છે. (શરાવ પરથી ‘સાવલાં’ શબ્દ આવેલો છે.) લગ્નવિધિમાં શરાવસંપુટનો ઉપયોગ મંગલક્રિયા તરીકે થાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૧૨૩ વર્ધમાનની યંત્રમાં દોરેલી આકૃતિ તંત્રવિદ્યાની સાધનામાં પણ ઉપયોગી મનાય છે.
કળશ : ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્ત્વ ઠેઠ પ્રાચીન કાળથી જોવા મળે છે. કુંભ મલ્લિનાથ ભગવાનનું લાંછન છે. જળથી ભરેલો કુંભ એ જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. જળ જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન છે. હિંદુ ધર્મ પ્રમાણે જળના દેવતા વરુણનો કળશ સાથે અવિનાભાવ સંબંધ છે. ઘરે ઘરે કુંભ હોય છે, જળને જીવન તરીકે ઓળખાવવામાં આવે છે. જળ શુદ્ધિનું પણ પ્રતીક છે. જળસ્નાનથી માણસ વિશદ્ધ બને છે. બેડું ભરીને સામેથી આવતી પનિહારી શુકનવંતી મનાય છે. તીર્થકર ભગવાનના જન્મ સમયે દેવો સ્નાત્ર મહોત્સવ કરે છે, ત્યારે તેઓ વિવિધ જાતિના કળશ ભરીને ભગવાનને મેરુ શિખર પર સ્નાન કરાવે છે. આમ, કળશ એ વિશુદ્ધિ અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. કોઈપણ કાર્ય પૂર્ણ થાય એટલે કળશની સ્થાપના કરવામાં આવે છે. મંદિરનું શિખર બંધાઈ રહે ત્યારે એના પર કળશ ચડાવવામાં આવે છે. જૂના વખથમાં લહિયાઓ પોથી (હસ્તપ્રતો પૂરી લખાઈ જાય ત્યારે છેલ્લે કળશની આકૃતિ દોરતા. કળશ એ પુરુષાર્થ અને પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. આથી કળશને અષ્ટમંગલમાં સ્થાન અવશ્ય મળે જ એ સ્વાભાવિક છે. એમાં કળશની આકૃતિ જુદી જુદી રીતે, ક્યારેક આંખો સાથે, જાણે મનુષ્યની મુખાકૃતિ હોય એવી રીતે દોરવામાં આવે છે.
શુભ પ્રસંગે સાચા કળશની સ્થાપના થાય છે. એવા કળશ ઉપર નકશીકામ થાય છે. ચાંદીના કે સોનાના કળશ પણ બનાવવામાં આવે છે. સુવર્ણકળશ સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે.
માનવદેહને ઘટ અથવા કુંભ તરીકે ઓળખવાય છે. એ આત્મજ્યોતિથી સભર છે. એટલે ઘટઘટમાં અર્થાતું રગેરગમાં ભગવાનનો વાસ છે, એમ કહેવાય છે.
ભદ્રાસન : તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસી સમવસરણમાં દેશના આપે છે. સભામાં મુખ્ય આસન એ પ્રભુતાનું ઘાતક છે. વળી, આસન એ સ્થિરતાનું પ્રતીક છે. માણસ જ્યાં સુધી આસનબદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જિનતત્ત્વ સાધી શકતો નથી. આસનની સ્થિરતાથી કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કાયાની સ્થિરતાથી ધ્યાનની સ્થિરતા વધે છે. ઉચ્ચતમ ધ્યાન વડે એટલે કે શુકલધ્યાન વડે જ જીવ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે. આ અર્થમાં આસનનું-ભદ્રાસનનું મહત્ત્વ છે. એટલે એને અષ્ટમંગલમાં સ્થાન અપાયું છે. દિંગબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન સિંહાસનનું છે.
મસ્યયુગલ : મીન અથવા મત્સ્ય એટલે માછલી. મત્સ્યયુગલ મીનયુગ્મ, અથવા મીનમૈથુન એટલે બે માછલી. મંગલમાં આ બંને માછલીઓ પરસ્પર સન્મુખ હોય છે. ક્યારેક બંને માછલી પરસ્પર વિમુખ પણ બતાવાય છે.) આમ બંને માછલીઓને નર અને માદાના યુગલ તરીકે ગણવામાં આવે છે. મીનયુગલ સુખનું પ્રતીક છે.
પ્રાગૈતિહાસિક કાળથી જનજીવનમાં માછલીનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જળચરમાં તે અગ્રગણ્ય છે. પાણીમાં તરવાની અને આ કિનારાથી સામા કિનારા સુધી તરી જવાની શક્તિ એનામાં રહેલી છે. માછલીને પાણીમાં તરતી જોવી એ રસનો વિષય બની શકે છે. માછલી બુદ્ધિશાળી પ્રાણી છે. એના ઘણા પ્રયોગો આધુનિક વૈજ્ઞાનિકોએ કરેલા છે. (કોઈક માછલીઘરમાં પ્લાસ્ટિકના મોતી જેટલા નાના દડાથી માછલીઓને રમત રમતી જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે.)
આપણી બાર રાશિઓમાં એક રાશિ તે મીન રાશિ છે. ભગવાન વિષ્ણુના અવતારોમાં એક અવતાર તે મિસ્યાવતાર છે. અઢાર પુરાણોમાં એક પુરાણનું નામ મત્સ્યપુરાણ છે. આમ, આપણા સાંસ્કૃતિક વારસામાં મત્સ્યનું સ્થાન મહત્ત્વનું રહેલું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન મીનયુગલનું છે.
કામદેવને સામાન્ય રીતે “મકરધ્વજ' તરીકે ઓળખાવવામાં આવે છે. મકર એટલે મગર. પણ કેટલીક વાર કામદેવને “મીન-ધ્વજ' તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જોકે એમાં ક્યારેક એક જ મીન (માછલી) હોય છે, તો ક્યારેક મીનયુગલ પણ હોય છે. જિનેશ્વર ભગવંત આગળ કામદેવે પોતાનો ધ્વજ નીચે મૂકી દીધો, એવો અર્થ પણ આ મંગલનો ઘટાવવામાં આવે છે.
સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના જુદાં જુદાં અંગોમાં રેખાઓની
Page #15
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૧ ૨૫ આકૃતિઓનો ભાસ થાય છે. એ રીતે માણસના હાથની છેલ્લી ટચલી આંગળીની નીચે હથેળીની કિનાર પાસે મત્સ્યની આકૃતિ હોય તો તે માણસ અત્યંત શુભ લક્ષણવાળો, ભાગ્યશાળી મનાય છે. જેની બંને હથેળીમાં મત્સ્યની આકૃતિ હોય તે વળી મહાભાગ્યશાળી મનાય છે. આવી બંને હથેળી અડોઅડ રાખવામાં આવે તો મત્સ્યયુગલ જોવા મળે. આ યુગલમાં એક નર અને એક માદા જ હોય એવું અનિવાર્ય નથી; પણ યુગલ હોવાથી તેમ માનવાની પરંપરા છે.
એ લક્ષમાં રાખવાનું છે કે પાણીમાં તરતી જીવતી માછલી એ મંગળરૂપ છે. મરેલી માછલી મંગળરૂપ નથી. તે અપશુકન ગણાય છે. એટલે જ માછીમાર કે માછીમારણ માછલાં સાથે કે માછલાં વગર રસ્તામાં સામે મળે, તે અપશુકન ગણાય છે. જો કે હવે આ લોકમાન્યતા પણ ઘસાઈ જવા આવી છે.
દર્પણ: અષ્ટમંગલમાં દર્પણ (અરીસો) એ પણ એક મંગલ વસ્તુ મનાય છે. કુદરતની કેવી કરામત છે કે માણસ આખી દુનિયાના માણસોના ચહેરા જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઈ શકતો નથી. જ્યારે કાચ કે દર્પણની શોધ નહોતી થઈ ત્યારે માણસ કૂવા કે તળાવ કે નદી સરોવરના શાંત જળમાં પોતાનું પ્રતિબિંબ જોતો. કાચ અને દર્પણના પ્રતિબિંબે માણસને પોતાની જાતને ઓળખવાનું શીખવ્યું. પોતાના હૃદયરૂપી દર્પણમાં ભગવાનના પ્રતિબિંબને માણસ નિહાળતો થયો. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા જૈન અને હિંદુ મંદિરોમાં છે. જૈનોમાં દર્પણ-પૂજાનો દૂહો બોલાય છે :
પ્રભુદર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ;
આતમદર્પણથી જુએ, દર્શન હોય તતકાળ. કેટલાંક મંદિરોમાં રંગમંડપોમાં કે તેની બહાર એવી રીતે વિશાળ અરીસો રાખવામાં આવે છે કે ગમે તેટલી ભીડમાં પણ ભગવાનનાં દર્શન થાય અને પાછા ફરી નીકળતી વખતે પણ દર્શન થાય. દર્પણ આત્મદર્શન માટે છે. આથી દર્પણની એક મંગલમય વસ્તુ તરીકે ગણના થવા લાગી અને અષ્ટમંગલમાં એને સ્થાન મળ્યું.
દેવો જ્યારે તીર્થંકર પરમાત્માના જન્મ સમયે એમને સ્નાત્ર મહોત્સવ માટે લઈ જાય છે ત્યારે તેઓ જેમ ચામર, પંખો વગેરે ધારણ કરે છે, એનો ઉપયોગ કરે છે તેમ દર્પણનો પણ ઉપયોગ કરે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨૭
જિનતત્ત્વ જિન મંદિરોમાં અષ્ટપ્રકારી પૂજાનાં આઠ દ્રવ્યોને પણ અષ્ટમંગલ દ્રવ્ય કહેવામાં આવે છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય અને ફળને શ્વેતાંબર પરંપરામાં મંગલ તરીકે માનવામાં આવે છે. દિગંબર પરંપરામાં જિનમંદિરનાં અષ્ટ મંગલદ્રવ્ય તરીકે ઝારી, કળશ, દર્પણ, ચામર, છત્ર, ધ્વજા, ધૂપ તથા દીપની ગણના થાય છે. (કોઈક શંખ, વીંઝણો વગેરે સહિત એની જુદી રીતે ગણના કરે છે.) વસ્તુત: જિનમંદિરનાં ઉપકરણો મંગલરૂપ છે અને તે જિનપ્રતિમાના પરિવારરૂપ મનાય છે.
અષ્ટમંગલની આકૃતિઓની દ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને એના તાત્પર્યનું ચિંતન કરવું અને તે પ્રમાણે ભાવના ભાવવી તે ભાવપૂજા છે. અષ્ટમંગલની દ્રવ્યપૂજા માણસનાં વિનોનો વિનાશ કરે છે અને એને સફળતા કે વિજય અપાવે છે એ એનો વ્યવહારુ અર્થ છે. પરંત જરા ઊંડો વિચાર કરીએ તો જણાશે કે મનુષ્યના જીવનમાં જે કંઈ થાય છે તે એનાં શુભાશુભ કર્મોને આધારે થાય છે. અષ્ટમંગલ તો એમાં નિમિત્ત માત્ર છે. ધારો કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવવા માટે બે તેજસ્વી વિદ્યાર્થીઓએ અષ્ટમંગલની પૂજા કરી, તો બેમાંથી એક જ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવશે, બીજો નહીં. અદાલતમાં કેસ ચાલતો હોય અને વાદી તથા પ્રતિવાદી બંનેએ અષ્ટમંગલનાં દર્શન કર્યા હોય તો બેમાંથી એક કેસ જીતી જશે, અને બીજો હારી જશે. એનો અર્થ એ છે કે અષ્ટમંગલથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થશે જ એવું અનિવાર્ય નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે અષ્ટમંગલની પૂજાની આવશ્યકતા નથી અથવા એની અવગણના કરવી, પણ અષ્ટમંગલ સર્વસ્વ છે એમ ન માનતાં એની સાથે શુભાશુભ કર્મ પણ જોડાયેલાં છે એમ સમજવું જોઈએ. છ ખંડના ધણી સુભૂમ ચક્રવર્તીએ સાતમા ખંડ ઉપર જીત મેળવવા માટે અષ્ટમંગલનાં બહુ ભાવથી દર્શન કર્યા હતાં અને દહીં વગેરે મંગલ શુકનવંત દ્રવ્યો આરોગ્યાં હતાં, તેમ છતાં એ સાતમા ખંડને જીતી ન શક્યો અને સમુદ્રમાં ડૂબીને મરી ગયો અને નરકે ગયો.
આ અષ્ટમંગલની પૂજા જીવને ભૌતિક સુખો તરફ ન આકર્ષતાં, મોક્ષમાર્ગ તરફ લઈ જાય તો એની વધુ સાર્થકતા ગણાય. એટલે પ્રસ્થાન હોય કે સફર, નિર્વિપ્ન પૂર્ણાહુતિના પ્રતીક તરીકે એની પૂજા કરવા સાથે મોક્ષમાર્ગમાં એ આલંબન બની રહે, શુદ્ધ આત્મસ્વરૂપની સન્મુખ થવામાં અને એમાં સ્થિરતા મેળવવામાં એ સહાયભૂત બને એ વધુ જરૂરી છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
મહામંગલ : અષ્ટમંગલ'માં જે આઠ મંગલાકૃતિઓ છે તે ભૌતિક અને આધ્યાત્મિક ઉભયરૂપે સહાયભૂત છે. પરંતુ આ આઠ મંગલ કરતાં ચડિયાતાં મંગલ મહામંગલ તે આધ્યાત્મિક મંગલ છે. એટલા માટે આ આધ્યાત્મિક મંગલોને જીવનમાં વધુ ચડિયાતું સ્થાન આપવું ઘટે.
નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિ – અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચ વખત નમસ્કારને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. પંચપરમેષ્ઠિને વંદન-નમસ્કાર એ સર્વોચ્ચ મંગલ છે. એટલે જ નવકારમંત્રનું છેલ્લું પદ છે :
મંગલાણાં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ તે દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ અને ચૂલિકાનાં ચાર પદ તે ધર્મ-એમ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ રહેલાં છે. એમાં સાચી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એ જ સર્વોત્તમ મંગલ.
ધર્મતીર્થ પ્રવર્તનાર સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત, સમવસરણમાં બિરાજમા થઈ દેશના આપી અનેક જીવોને ધર્મ પમાડનાર અરિહંત ભગવાન, આઠે કર્મનો ક્ષય કરી આઠ સર્વોચ્ચ ગુણ પ્રગટાવનાર, દેહરહિત, વિશુદ્ધ આત્મસ્વરૂપ, લોકાગ્રે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં અનંતકાળ માટે બિરાજમાન, નિરંતર સ્વસ્વરૂપમાં રમણ કરનાર સિદ્ધ ભગવાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એ પંચાચારનું પાલન કરનાર, પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિનું પાલન કરનાર, છત્રીસ ગુણોથી શોભતા, ગચ્છના નાયક એવા આચાર્ય ભગવંત, અંગ અને ઉપાંગ પોતે ભણે અને બીજાને ભણાવે તથા કરણસિત્તરી અને ચરણસિત્તરીનું પાલન કરનાર, પચ્ચીસ ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય મહારાજ અને પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, સત્તાવીસ ગુણોથી શોભતા સાધુ મહારાજ-આ પંચપરમેષ્ઠિને હંમેશ નમસ્કાર કરવા એ સર્વોત્કૃષ્ટ ધર્મમંગલ છે. સર્વ પાપનો ક્ષય કરનાર તે મહામંગલ છે, પરમ મંગલ છે.
માણસ જો ભાવપૂર્વક માત્ર નવકારમંત્રનું જ આલંબન કે શરણ લે તો એમાં બધાં મંગલ આવી જાય છે.
નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને કરાતા નમસ્કારનું – નવકારમંત્રનું જુદી
Page #18
--------------------------------------------------------------------------
________________ 128 જિનતત્ત્વ રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં “સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ “ધર્મ'ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય-અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે : ચત્તાકર મંગલં, અરિહંતા મંગલં, સાહૂ મંગલં, કેવલી પરણતો ધો મંગલમ્ !' વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છે : મંગલ ભગવાન વીરો, મંગલ ગોતમ પ્રભુ ! મંગલ સ્થૂલિભદ્રાઘા, જૈન ધમોસ્તુ મંગલમ્ | અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારે મંગલનો વિશાળ અર્થમાં એકમાં જ સમાવેશ કરવો હોય તો તે ધર્મમાં જ કરવો પડશે. એટલા માટે જ કહેવાયું છે : ધમ્મો મંગલ ઉક્કિો અહિંસા, સંજમો, તવો આમ ઉત્કૃષ્ટ મંગલ, મહામંગલ તે ધર્મ છે. એની આરાધના અહિંસા, સંયમ અને તપ દ્વારા કરવાની છે. જીવને સંસારના પરિભ્રમણમાંથી છોડાવી મોક્ષગતિ માત્ર ધર્મ જ અપાવી શકે. એટલા માટે ધર્મને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એનું વિસ્મરણ ન થાય એટલા માટે રોજેરોજની પ્રાર્થનામાં, ધર્મક્રિયાઓમાં શુભ અવસરે બોલાય છે : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે; પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયંતિ શાસનમ્.