________________ 8O ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ સંસારમાં રહેવા છતાં પણ સંસારમાં રમતા નથી અને સંયમપ્રાપ્તિની અભિલાષામાં રમે છે. - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ સંસારમાં નિર્વેદભાવે ન છૂટકે રહે છે અને સંવેગના પરિણામોમાં રમે છે. - એ માર્ગાનુસારી જીવોને ધન્ય છે કે, જેઓ જિનવચનાનુસારી દયા-પરોપકાર વગેરે ગુણોનું સેવન કરે છે. - એ દેવ-દેવીને ધન્ય છે કે, જેઓ પ્રભુના કલ્યાણકોની ઉલ્લાસભેર ઉજવણી કરી પોતાના સમ્યગ્દર્શનને નિર્મલ બનાવે છે અને શાશ્વત જિનાલયોની યાત્રા કરી બોધિને નિર્મલ બનાવે છે. - હે આત્મન્ ! મિથ્યાષ્ટિ લોકોના પણ પરોપકાર પ્રધાન સંતોષસત્યાદિ ગુણસમુહ તેમજ દાનેશ્વરીપણું અને વિનયવૃત્તિ વગેરે માર્ગાનુસારી ગુણોની અનુમોદના કર ! - હે આત્મન્ ! તું અન્યના ગુણોને જોઈને સંતુષ્ટ થા અને એની વારંવાર અનુમોદના કર ! - હે આત્મન્ ! અન્યના ગુણોની અનુમોદના કરીને એ ગુણો પોતાનામાં પણ પ્રગટે એવી ભાવના રાખ ! - હે આત્મન્ ! ગુણ વડે પરિતોષ-સંતોષ-અત્યાનંદ પામવાનો હૈયામાં નિર્ણય કર ! અને સ્વ-સ્વ સુકૃતોના યોગે અન્ય જીવોને જે શ્રેષ્ઠ ગુણ આદિ પ્રાપ્ત થયા હોય, તે જોઈને તે પુણ્યશાળી જીવો ઉપર દ્વેષભાવ ન રાખ ! મત્સરદોષ તું દૂર કર ! - હે આત્મન્ ! અન્ય જીવો સુકૃતો કરે છે અને એના બદલામાં તેઓ માન-સન્માન કે યશ-કીર્તિ પામે છે, તેમાં તું એવું વિચાર કે, આ બહુ સારું થાય છે, આવા વિચારના પ્રભાવે તને પણ સુકૃતનો ભાગ પ્રાપ્ત થશે. કારણ કે, જૈનશાસનમાં કરણ-કરાવણ અને અનુમોદનાના એકસમાન ફળ કહ્યા છે. અનુમોદનાના પ્રભાવે જ શ્રી બલદેવ મુનિના સાંનિધ્યને પામેલું હરણીયું આરાધક બની દેવલોકમાં જાય છે.