________________
ગાંડા હાથીથી સ્ત્રીનું રક્ષણ, પોતાની પત્નીનું અપહરણ કરનાર વેપારીને જીવતદાન, પોતાને સહારો આપનાર માળીને અને પોતાના બે પુત્રોને સાચવનાર ગોકુળપતિને ઉચિત દાન, ગુરુભગવંતોના વચન પ્રમાણે સાધુની સેવા.. વગેરે અનેક પ્રસંગો માર્ગાનુસારિતાની નક્કરતાને સૂચવનારા અત્ર નરવિક્રમ રાજામાં દેખાય છે. માટે બાહ્ય મોટી ધર્મક્રિયા તેણે ન કરી, છતાં કર્મનો ક્ષયોપશમ થયો અને જીવનમાં સંયમની ભાવના, સંયમની પ્રાપ્તિ, સંયમનું પાલન અને મુક્તિની પ્રાપ્તિ તેઓને થઇ. આમ ગુણાત્મક ભૂમિકા નક્કર હોય તે કેટલું જરૂરી છે તે સમજવું રહ્યું.
સૌધર્મેન્દ્ર કરેલ બાળ વર્ધમાનની પ્રશંસાથી ઇર્ષ્યાનો ભોગ બનેલ મિથ્યાષ્ટિ દેવ પ્રભુની પરીક્ષા કરવા આવે છે. પ્રશંસા જેમ યોગ્ય જીવની કરવાની છે, તેમ યોગ્ય જીવની સામે કરવાની છે.
સત્ત્વ આગળ મંત્રબળ પણ ઝાંખું પડે છે. માટે જ નરસિંહ રાજાની સામે ઘોરશિવ ટકી ન શક્યો. વર્તમાનમાં શાસનના કાર્યો માટે દેવ-દેવીના મંત્ર કરતાં આપણા આંતરિક ઉત્સાહ અને સત્ત્વ દ્વારા આપણે ચોક્કસ સફળ બનશું એવું શું નથી લાગતું!
પૂર્વના સમયમાં સંસારમાં જીવન પસાર કરનારા રાજવીઓ પણ યોગ્ય સમયે સંયમ સ્વીકારવા તત્પર બની જતા હતા. તેમના જેવી પાપભીરુતા અને પ્રજ્ઞાપનીયતા આપણે પણ કેળવવાની જરૂર છે.
નરવિક્રમ રાજા પત્ની અને પુત્રોના વિયોગથી દુઃખી હતા. અને આચાર્ય ભગવંત પાસે કોઇક ઉપાય પૂછવા જાય છે ત્યારે આચાર્ય ભગવંત પોતાની મર્યાદાને તોડ્યા વિના, રાજાની શરમમાં આવ્યા વિના, મંત્ર -તંત્રના વિકલ્પોને ઉભા કર્યા વિના રાજાને ધર્મનું શરણ સ્વીકારવાનો સરળ, સુંદર, તાત્ત્વિક ઉપાય બતાવે છે. આમ અહીં સુવં ઘર્માત, ૩ઃર્વ પાપ એ સૈકાલિક સત્ય સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. તથા શ્રીપાળ-મયણાને પણ દુઃખમુક્તિ અને શાસનનિંદા નિવારણ માટે બતાવાયેલી નવપદની આરાધનાનો ઉપાય અનાયાસે સ્મરણમાં આવી જાય છે.
નરસિંહ રાજાને દેવસેન રાજાના દૂતો કહે છે કે અમારા કાલમેઘ નામના મલ્લનું શરીર એવું છે કે જેને લોખંડ સ્પર્શતું પણ નથી = નુકસાન કરતું નથી. ઉલટું તે હાથેથી જ લોખંડને વાળી નાખે છે. અમાનવીય એવી આ શક્તિ કહી શકાય. આવી અનેક પ્રકારની શક્તિ અને સિદ્ધિઓ શાસ્ત્રમાં, ચરિત્રોમાં આવે છે. આપણે તે લબ્ધિઓ ભૂતકાળમાં અનેક વાર મેળવી છતા મુક્તિ મેળવી શક્યા નહિ, માટે તે લબ્ધિઓ મોક્ષ માટે સાધક બને એવું એકાંતે માની ન શકાય. તેથી શક્તિના આકર્ષણને અને ચમત્કારિક સિદ્ધિઓના પ્રલોભનોને શાંત કરીને ચિત્તશુદ્ધિ અને સમતાનો અભ્યાસ સ્વરૂપ પ્રભુએ બતાવેલો મોક્ષનો રાજમાર્ગ અપનાવવો રહ્યો.
ઉપરાંતમાં વ્યવહાર જીવનમાં માતા-પિતા પ્રત્યેનો વિનય સૂચવનાર શાલીગમન, દાક્ષિણ્યગુણને સૂચવનાર લગ્નની વાતનો મૂક સ્વીકાર, કૃતજ્ઞતાના ગુણને સૂચવનાર ગર્ભમાં લીધેલ નિયમની વાત, વૈર્ય-સત્ત્વને સૂચવનાર દેવને મુષ્ટિપ્રહાર દ્વારા વશ કરવાની ઘટના વગેરે અનેક ઘટના અહીં સામાજિક-કૌટુંબિક દૃષ્ટિએ મહત્ત્વની છે. આવું મહાવીર મહારાજાનું ચરિત્ર આપણા જીવનને માટે ભોમિયારૂપ બને એ જ ભાવના.
મુ. નિર્મલયશ વિજય 10