________________
પ્રસ્તાવના
અનેક પ્રકારના આશ્ચર્યોથી ભરેલા આ વિશ્વમાં મસ્ત બનેલા માનવીને અનુભવાતા વૈવિધ્યસભર પદાર્થોના આનંદની જેમ અત્રે પ્રસ્તુત પ્રભુવીરનું ચરિત્ર પણ અનેક વૈવિધ્યસભર સાધનાઓથી ભરપૂર અને સાધકો માટે આનંદનો વિષય બને તેવું છે. દેશ-કાળના કોઇ પણ બંધન જેને સ્પર્શી ન શકે એવું આ પ્રભુવીરનું ચરિત્ર છે.
સર્વત્ર-સર્વદા સર્વ જીવોને કંઇક ને કંઇક બોધ આપે એવું આ ચરિત્ર આપણને મળ્યું એ આપણું અહોભાગ્ય ગણી શકાય.
અત્ર પ્રભુ વીરના ચરિત્રનો અંશ = પ્રસ્તાવ ૪ રજૂ કરેલ છે. નંદનમુનિના ભવમાં ૧ લાખ વરસ સુધી માસક્ષમણને પારણે માસક્ષમણ કરી પ્રભુનો જીવ ૧૧, ૮૦, ૯૪૫ માસક્ષમણ દ્વારા વીસસ્થાનક તપની આરાધના કરે છે. તીર્થંકર નામકર્મને નિકાચિત કરે છે. અત્ર - પરોપકાર કરવા માટેનું પુણ્ય પણ સહેલાઇથી મળતું નથી – આવું સમજવું પડે.
નયસારના ભવમાં સમ્યક્તની પ્રાપ્તિ માટે મુનિ નિમિત્તરૂપે મળ્યા, ત્રિપૃષ્ટના ભવમાં ખુદ તીર્થકર મળ્યા અને પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં તથા નંદન રાજાના ભવમાં મુનિની પ્રેરણાથી દીક્ષા લીધી. તીર્થકરોના જીવોને પણ શુભ નિમિત્ત ઉપયોગી બને છે, ઉપકારી બને છે તો આપણે શુભનિમિત્તોને સતત ઉભા રાખવાના ને! - નરસિંહ રાજાનો પટ્ટહસ્તી જ્યારે ગાંડો થાય છે ત્યારે નરવિક્રમ રાજકુમાર તેને વશમાં લેવા પ્રયત્ન કરે છે. રાજાએ બળપ્રયોગનો નિષેધ કરેલો પણ પોતાને જ્યારે લાગ્યું કે બળપ્રયોગ જ ઉપાય છે બાકી નિર્દોષ ગર્ભવતી સ્ત્રીની મૃત્યુની સંભાવના છે ત્યારે સ્વવિવેકના આધારે તેણે રાજાજ્ઞાને ગૌણ કરી. આમ આજ્ઞાપાલનમાં તટસ્થ નિર્ણય અને સમયસૂચકતાનું અહીં સુંદર મિશ્રણ છે.
નરસિંહ રાજાની આજ્ઞા વિરૂદ્ધ જઇને નરવિક્રમ રાજ કુમારે બળપ્રયોગ કરીને હાથીને વશ કર્યો. પરિણામે રાજાને ગુસ્સો આવ્યો અને દેશનિકાલની આજ્ઞા કરી. તે સમયે સ્વસ્થતા-વચનપાલનની તૈયારી વગેરે ગુણોને પચાવનાર નરવિક્રમ કુમાર બચાવના કે ફરિયાદના કે વિરોધના કે બળવાના કે લોકમતના રસ્તે ન જતા પિતાના શબ્દોના ગૌરવને વધારવામાં તત્પર બને છે. અને એથી જ આગળ જતા બે બે રાજ્યનો રાજા પણ બને છે. ક્યારેક સારા રસ્તે ચાલતા થતું નુકસાન પણ ભવિષ્યના કોઇક ફાયદાને જ સૂચવતું હોય છે. માટે તટસ્થ કુદરતની, મંગળમય પ્રકૃતિની અને પ્રભુકથિત કર્મવાદની શ્રદ્ધા જીવનમાં વધારવામાં જ આત્મહિત થાય-તે નિર્વિવાદ સત્ય છે.
શીલતી વેપારીના જહાજમાં મક્કમ રહી ત્યારે સમુદ્રદેવતા તેના કટ્ટર પવિત્રતાના પક્ષપાતને જોઇને તેને મદદ કરવા આવે છે. જીવન અનેક આપત્તિઓથી ભરેલું હોઇ શકે. પણ આપત્તિકાળમાં જે ડગતા નથી એને દશ્ય અને અદશ્ય સહાય અવશ્ય મળતી રહે છે. અદશ્ય પણ શુભતત્ત્વોના પરચા આજે પણ અનેક લોકોને તીર્થયાત્રા દરમિયાન કે નવકારના સ્મરણના પ્રભાવે અનુભવાયા છે. માટે આપત્તિ એ પરીક્ષાનો સમય છે, આત્મવિકાસની અણમોલ તક છે, જીવનને ઉર્ધ્વગામી બનાવવાનો એક અવસર છે - એ સતત નજરની સામે રાખવા જેવું જણાય છે.