Book Title: Kshama tatha Kshamapana Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 9
________________ ક્ષમા તથા ક્ષમાપના • ૪૫ આપણા સુખનાં સાધન માનતા રહેશું પણ એ તમામ આપણા દુઃખનાં મૂળ છે એમ નહીં માનીએ, એ કષાયો વ્યક્તિ કે સમાજ માટે ભારે બંધનરૂપ છે અને સંસારનું દુઃખમાત્ર એમને લીધે જ ઊભું થાય છે એમ આપણા મનમાં દઢ રીતે જયાં સુધી ઠસે નહિ–ત્યાં સુધી તો એ ભયંકર ઘાતક શલ્યો આપણામાંથી નીકળવાનાં નથી જ. જે વસ્તુ વા વૃત્તિને આપણે આપણા સુખનું સાધન માનતા હોઈએ તે વસ્તુ વા વૃત્તિ આપણાથી શી રીતે દૂર થઈ શકે વા આપણે તેને દૂર શી રીતે કરી શકીએ ? એટલે પ્રથમ તો આપણે એવો સંકલ્પ દઢ કરવો જોઈએ કે એ શલ્યો આપણાં તમામ દુઃખનું મૂળ છે, અને મારે એમને મારા મનમાંથી મૂળથી ઉખેડી નાખવાનાં છે. એવું નક્કી કર્યા સિવાય આપણે ગમે તે જાતનો ધાર્મિક કર્મકાંડ કરતા રહીએ તો પણ એ શલ્યો દૂર તો થવાનાં નથી, ઊલટાં વધવાનાં છે એમાં શક નથી. આપણા દેશમાં ધાર્મિક કર્મકાંડો પાર વિનાના ચાલે છે અને એવો કોઈ દિવસ ભાગ્યે જ હશે કે જે દિવસે એવાં અનુષ્ઠાનો ન ચાલતાં હોય. લોકો દેવમંદિરોને ગજવે છે, ત્યાં જઈને વિવિધ જાતનાં પૂજાપાઠો, પ્રાર્થનાઓ, નમાજો, બંદગીઓ વગેરે સતત કરતા રહે છે, તેમ છતાં મનમાંથી એ શલ્યોને દૂર કાઢવાનાં છે એવા સંકલ્પથી ભાગ્યે જ કોઈ ધર્માનુષ્ઠાન થાય છે. કોઈ તો પરમેશ્વરના મંદિરમાં જઈ પોતે જેમને શત્રુ માનતો હોય તેના વિનાશની પ્રાર્થના કરે છે. કોઈ વળી સામાજિક ગુનાઓ કરવાથી ભોગવવી પડતી સજાઓમાંથી બચવાની માનતા કરે છે, કોઈ વળી પોતાની પ્રેમિકા ના પ્રેમી મળી જાય એવી ભાવનાથી ભગવાનને ફૂલ-નિવેદ વગેરે ચડાવે છે, તો કોઈ પોતાને પુત્ર નથી અને મહેરબાની કરીને ભગવાન પુત્રને મોકલી આપે એવી જ ભાવનાથી મંદિરમાં જતો હોય છે. વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન ન આપી સારા નંબરે પાસ થવાની ભગવાન પાસે માગણી કરતા હોય છે અને ચોરીછૂપીથી પાસ થઈ જતાં ભગવાનનો પાડ માનતા હોય છે, અને અધ્યાપકો પોતાનું વેતન વધતું રહે અને રજાઓ વધારે મળે એ માટે ભગવાનનું ધ્યાન ધરતા હોય છે. વિશેષતઃ મંદિરમાં જનારા તમામ લોકો પોતે પોતાની રીતે સુખી થાય, સંપત્તિમાન થાય અને પોતે ગમે તેમ વર્તે છતાં કશું દુઃખ ન આવી પડે તે અંગે ભગવાનની ભક્તિમાં અને પૂજાપાઠમાં મૂઢ ભાવે કલાકોના કલાકો વિતાવે છે. આમ આપણી ઈશ્વરભક્તિ ચાલી રહેલ છે ! એથી તો ઊલટાં આપણાં એ ભયંકર શલ્યો ઘટવાનાં કે વધવાનાં ? ભાગ્યે જ કોઈ ભાવિક પોતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17