________________
सम्पादकीयम्
સૃષ્ટિનાં રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયત્ન મનુષ્ય અનાદિકાળથી કરતો રહ્યો છે. પોતે જે વિશ્વમાં જીવે છે એ વિશ્વ કઈ રીતે સર્જાયું ? કોણે સર્જ્યું ? એનું ભવિષ્ય શું ? વગેરે વગેરે પ્રશ્નો લગભગ પ્રત્યેક મનુષ્યના મનમાં ઊગતા રહ્યા છે. તેમાં પણ ધર્મપ્રવર્તકોની સમક્ષ તો આ ઉપરાંત બીજી કેટલીયે સમસ્યાઓ ઉપસ્થિત થતી રહી છે. તેઓએ ઉપદેશેલો ધર્મ જો મોક્ષ માટે ક૨વાનો હોય તો એ મોક્ષ કઈ ચીજ છે ? એને શા માટે મેળવવો જોઈએ ? મોક્ષ જો આત્માનો થતો હોય તો આત્મા એ કયો પદાર્થ છે ? આત્માને સંસારમાં બાંધનાર કોણ ? ઇત્યાદિ અનેકાનેક સવાલો ધર્માચાર્યો સમક્ષ રજૂ થતા રહ્યા છે.
આ પ્રશ્નોના ઉત્તર મેળવવા તેમજ આ સૃષ્ટિનાં અકળ રહસ્યોને ઉકેલવા પૂર્વકાળમાં મહાન તીર્થંકરો, ઋષિઓ, આચાર્યો વગેરેએ ઘણું ઘણું તપ કર્યું, ઘણાં ઘણાં કષ્ટો સહ્યાં, ઘણી ઘણી સાધના કરી તેમજ ઘણું ઘણું ચિંતન કર્યું—અને આ સર્વને પરિણામે એમને જે જ્ઞાન લાધ્યું તે તેઓએ જનસમાજ સામે રજૂ કર્યું અને લોકોની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કર્યો. આ ઉત્તરોના સારદોહનરૂપે જે સૈદ્ધાંતિક માળખું નિશ્ચિત થયું તે ‘દર્શન’ તરીકે ઓળખાય છે.
આ દર્શન દ્રષ્ટાએ દ્રષ્ટાએ અલગ-અલગ થયું. કારણ કે, સૃષ્ટિને તપાસવાનો દૃષ્ટિકોણ અને એનાં વિવિધ પાસાને મૂલવવાના માપદંડ દરેકના જુદાજુદા હતા, પ્રશ્ન પૂછનારી વ્યક્તિની કક્ષા પણ વિભિન્ન હતી, એકબીજાના ઉત્તરોમાં શાબ્દિક ભિન્નતા અનિવાર્ય હતી, તો એક જ જવાબનાં અર્થઘટનો પણ એકથી વધારે હતાં, કોઈકને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તો કોઈકે અપૂર્ણને જ પૂર્ણ માની લીધું હતું અને વ્યક્તિના રાગ-દ્વેષ-મોહની છાપ પણ આ જવાબો પર પડવી સ્વાભાવિક હતી. પરિણામે એકલા ભારતવર્ષમાં જ સેંકડો દર્શનો રચાયાં, જેમાં નવ મુખ્ય હતાં : જૈન, બૌદ્ધ, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને ચાર્વાક.
શરૂઆતમાં તો આ વિભિન્નતા વિચારણા પૂરતી સીમિત રહી, પરંતુ આગળ જતાં એણે જોર પકડ્યું અને પોતાના વિચારો તથા મંતવ્યોને જ અંતિમ સત્ય લેખે સ્વીકારીને બીજાના સિદ્ધાંતો પર ખંડનાત્મક પ્રહારો કરવાની પ્રથા પ્રારંભાઈ. એટલે દરેક દર્શનના પ્રસ્થાપકને કે અનુયાયીઓને, પોતાના સિદ્ધાંતોની તાર્કિક વિચારણા રજૂ કરવાની, તેના પુરાવારૂપે પ્રમાણો શોધવાની તેમજ બીજાના સિદ્ધાંતોમાં રહેલી ક્ષતિઓ દેખાડવાની ફરજ પડી. આ ફરજે દરેક દર્શનને એક નવો ચહેરો આપ્યો કે જે તે તે દર્શનના ‘ન્યાય' તરીકે ઓળખાય છે.
અહીં એક વાત આપણે સમજી લેવી ઘટે કે ‘કયું દર્શન શ્રેષ્ઠ ?’ એ વાતનો નિર્ણય આખરે