________________
17
પ્રસ્તુત સંપાદન
રત્નપ્રભા ટીકા તરીકે જેટલી ઉત્તમ છે, એનું પ્રથમ મુદ્રણ એટલું જ ખરાબ થયું હતું. અશુદ્ધિઓ ઘણી હતી. ખોટાં વિરામચિહ્નો અને ખોટા પદચ્છેદ અન્વયમાં ઘણી મુશ્કેલીઓ પેદા કરતા હતા. પહેલાં આખો મૂળગ્રંથ અને પછી સળંગ ટીકા—એમ છાપવામાં આવ્યું હોવાથી ઘણી અડચણ પડતી હતી. પૂજ્ય ગુરુભગવંત આચાર્ય શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજની ઘણા સમયથી ઇચ્છા હતી કે પ્રસ્તુત ટીકાનું પુનઃ સંપાદન કરવામાં આવે અને આવી ઉત્તમ વસ્તુ સુંદર રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે.
વિ.સં. ૨૦૬૩માં દેવકીનંદન–અમદાવાદ ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીએ મને રત્નપ્રભાની સાથે જૈનતર્કભાષાનું અધ્યયન કરાવ્યું. તે વખતે તેઓશ્રીએ મને આ કાર્ય કરવા માટે પ્રેરણા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. દેવગુરુધર્મની કૃપા પર વિશ્વાસ રાખી વિ. ૨૦૬૪માં મહા મહિનામાં મેં આ કાર્ય શરૂ કર્યું અને આજે અહીં સુધી પહોંચ્યું.
અત્રે એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે, મૂળ પાઠ પહેલાં આપી પછી ( )માં સુધારેલો પાઠ સૂચવવાની પ્રચલિત સંપાદન પદ્ધતિ અશુદ્વિબાહુલ્યના લીધે નથી અપનાવી. એ જ રીતે જ્યાં નિશ્ચિત રીતે પાઠ ત્રુટિત હતો ત્યાં [ ]માં ઉમેરેલો પાઠ દર્શાવવાની રીત પણ નથી રાખીઅભ્યાસીની સરળતા માટે. છતાંય જ્યાં સહેજ પણ શંકા હતી ત્યાં () [ ] માં જ પાઠો આપ્યા છે. આ શુદ્ધીકરણમાં જ્યાં ખોટું શુદ્ધીકરણ થયું હોય અથવા શુદ્ધાશુદ્ધનો વિવેક ના જળવાયો હોય તો તેની જવાબદારી મારી જ થાય છે. તે બદલ ક્ષમાયાચના. અભ્યાસીઓને ધ્યાન દોરવા વિનંતી.
રત્નપ્રભાના સંપાદન દરમિયાન વિચાર આવ્યો કે જો તાત્પર્યસંગ્રહા ટીકાને પણ પ્રસ્તુત સંપાદનમાં સાંકળી લેવામાં આવે તો વિદ્યાર્થીને એક જ પુસ્તકમાંથી બધો બોધ મળી શકે. તો તે આશયથી તાત્પર્યસંગ્રહાને પણ અત્રે યથાવત મુદ્રિત કરવામાં આવી છે. તાત્પર્યસંગ્રહાગત જે ઉદ્ધરણો રત્નપ્રભામાં પણ હતાં, તે તાત્પર્યસંગ્રહામાંથી કાઢી નાંખી તેની જગ્યાએ રત્નપ્રભામાં જોઈ લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
રત્નપ્રભાની કેટલીક પંક્તિઓના આશયનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી લાગતાં તે તે જગ્યાએ ટિપ્પણી કરી છે. સાથે જ ટીકાન્તર્ગત પારિભાષિક શબ્દોમાંથી કેટલાકના અર્થ પણ ટિપ્પણીમાં આપ્યા છે. ઉપલબ્ધ ગુજરાતી-હિંદી વિવેચનમાંથી કેટલીક ઉપયોગી વિગતો પણ નોંધી છે. અને બહુ થોડીક જગ્યાએ ટીકાન્તર્ગત વિષયની વિસ્તૃત જાણકારી માટેનો સ્થાનનિર્દેશ પણ કર્યો છે.
પૃષ્ઠના ઉપરના ભાગે રત્નપ્રભા સાથે મૂળ પાઠ, વચલા ભાગમાં મૂળગ્રંથના પ્રતીક સાથે તાત્પર્યસંગ્રહા અને નીચેના ભાગમાં ટિપ્પણી-એ રીતે મુદ્રણ કરવામાં આવ્યું છે. તાત્પર્યસંગ્રહા પૃષ્ઠ ૭થી શરૂ થાય છે અને પૃષ્ઠ ૨૫૦ પર સમાપ્ત થાય છે.
ગ્રંથના અંતભાગમાં કેટલાંક પરિશિષ્ટો મૂકવામાં આવ્યાં છે. જેમાં પરિશિષ્ટ-૧જૈનતર્કભાષામૂળપાઠ અને પરિશિષ્ટ-૯–જૈનતર્કભાષાન્તર્ગત પારિભાષિક શબ્દોની સૂચિ, સિંઘી જૈનગ્રંથમાળા દ્વારા પ્રકાશિત જૈનતર્કભાષામાંથી લેવામાં આવ્યા છે. પરિશિષ્ટ-૨માં રત્ન