________________
13
પ્રયત્નો કર્યા છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રીહરિભદ્રસૂરિજી, ન્યાયપંચાનન શ્રીઅભયદેવસૂરિજી, શ્રીમલ્લવાદી મહારાજ, શ્રીવાદિદેવસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રીઅકલંકદેવ, શ્રીવિદ્યાનંદસ્વામી વગેરે અનેક ધુરંધર તાર્કિકો જૈનશાસનમાં થયા છે અને જૈનન્યાયને તેઓએ ઉત્તરોત્તર વધુ ને વધુ પુષ્ટ-સ્પષ્ટ કર્યો છે. ફક્ત જૈનદર્શનની જ નહીં, પણ સમગ્ર ભારતવર્ષનાં દર્શનોની તત્ત્વચર્ચાને પરિપૂર્ણ બનાવવામાં તેઓનો અમૂલ્ય ફાળો છે. આ વિષયમાં વિસ્તૃત જાણકારી માટે પંડિત શ્રીસુખલાલજીનો “જૈનન્યાય કા ક્રિમિક વિકાસ” એ પ્રબંધ અવશ્ય વાંચવા યોગ્ય છે.
જૈનતર્કભાષાકાર ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી જૈનશાસનમાં ન્યાયવિષયક ગ્રંથસર્જન તો ઘણું ઘણું થયું હતું, પરંતુ ગંગેશોપાધ્યાયથી વિકસેલી નવ્યન્યાયની શૈલીનો પુટ જૈનન્યાયને સત્તરમી સદી સુધી લગભગ નહોતો મળ્યો અને અખિલ ભારતવર્ષનાં લગભગ તમામ જ્ઞાનક્ષેત્રોમાં એ શૈલીના પગપેસારા પછી જૈનન્યાયનું ક્ષેત્ર એનાથી વંચિત રહી જાય તે કોઈ પણ રીતે ચાલે તેમ ન હતું. અને છતાંય આ કાર્ય નહોતું થયું, કારણ કે આ કાર્ય જ્વલંત બુદ્ધિપ્રતિભા તથા ભગીરથ પુરુષાર્થ માંગી લેનારું હતું.
ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ પોતાના અપ્રતિમ બોધ-સામર્થ્યના બળે એકલે હાથે એ કાર્ય ઉપાડ્યું તેમજ સાંગોપાંગ પાર ઉતાર્યું. અને એટલું જ નહીં, જૈનદર્શનના એકેએક સિદ્ધાંતને તેઓએ આધુનિકતાનો ઓપ આપ્યો, યુક્તિઓને અકા બનાવી, મહર્ષિઓનાં વચનોના હાર્દને ખોલી આપ્યું અને સિદ્ધાંત-પ્રરૂપણાના કેટલાય નવા આયામો રજૂ કર્યા. એમના પ્રતિપાદનમાં રહેલું અભૂતપૂર્વ ઊંડાણ ખરેખર દાદ માંગી લે એવું છે. એમની ખૂબી એ છે કે બાળજીવો માટે પરિચયાત્મક ગ્રંથોથી માંડીને પ્રૌઢપરિણત વિદ્વાનો માટે વિષયના મૂળ સુધી લઈ જતાં શાસ્ત્રો એમણે રચ્યાં છે. દુર્ભાગ્યે એમના શાસ્ત્રોનો ઘણો ઓછો અંશ આજે ઉપલબ્ધ છે, પણ જે છે તેના વગર જૈનદર્શનનો તાત્વિક અને વાસ્તવિક તાગ પામવાનું શક્ય નથી. એમનું જીવનચરિત્ર સુજસવેલીભાસ વગેરે અનેક ગ્રંથોમાં આલેખાયેલું છે.
જૈનતર્કભાષા કોઈપણ દર્શનના સાહિત્યને મુખ્યત્વે ત્રણ વિષયમાં વહેંચી શકાય ઃ ૧. પ્રમેયવિષયક ૨. મોક્ષમાર્ગ (=ધર્મ) વિષયક ૩. પ્રમાવિષયક. જગતનું નિર્માણ, વિશ્વવ્યવસ્થા વગેરેની પ્રરૂપણા કરનારા ગ્રંથો પહેલા ભાગમાં આવે. આત્માના બંધન-મોક્ષ તથા મુક્તિનું સ્વરૂપ, તે પ્રાપ્ત કરવાના ઉપાય ઇત્યાદિની વાત કરનારાં શાસ્ત્રોને બીજા ભાગમાં મૂકાય. તો ત્રીજા ભાગમાં જ્ઞાનના પ્રકારો, તેમની ઉત્પત્તિ, તેમની યથાર્થતા વગેરે નિરૂપનારી કૃતિઓનો સમાવેશ થાય. જૈનતર્કભાષા આમાંથી ત્રીજા ભાગ જોડે સંબંધિત છે.
વસ્તુતઃ આમાં ત્રીજા ભાગને પોતાનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે જગતની અને મોક્ષમાર્ગ (=ધર્મ)ની તમામે તમામ વ્યવસ્થા જ્ઞાનાધીન છે, વિષયનું અસ્તિત્વ સુદ્ધાં જ્ઞાન પર નિર્ભર છે અને દર્શનના સિદ્ધાંતો પણ તે તે જ્ઞાનના મહત્ત્વ ઉપર આધારિત હોય છે. માટે જ મહર્ષિઓએ જ્ઞાનને પણ દર્શનના મુખ્ય નિરૂપણીય વિષય તરીકે સ્વીકાર્યું છે.