Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 36
________________ પ્રાર્થનાનું મહત્વ હેતલ પટેલ* પ્રાર્થના એ આપણા દરેકના જીવનનો એક ભાગ છે. દરેક મનુષ્યના જીવનમાં સીધી યા આડકતરી રીતે પ્રાર્થના સંકળાયેલી હોય છે, પછી એ અભણ હોય, ભણેલો હોય, બિઝનેસમેન હોય, ડૉક્ટર હોય, સંત હોય. દરેક મનુષ્યના જીવનમાં ધ્યેય અથવા વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થનાનું સ્થાન હોય છે જ. દરેક ધર્મોમાં પણ પ્રાર્થનાનું એક આગવું સ્થાન છે. સ્કૂલમાં, કોઈ પણ પ્રસંગોમાં કે કોઈ પણ પ્રોગ્રામમાં શરૂઆત પ્રાર્થનાથી જ થાય છે. જુદા જુદા દૃષ્ટિકોણથી અહીં પ્રાર્થના વિશે મારા વિચારો રજૂ કરું છું. પ્રાર્થના એટલે શું? પ્રાર્થનાનો સામાન્ય અર્થ સમજીએ તો પોતાના આરાધ્ય દેવ-દેવી, ભગવાન પાસે પોતાના વિશેષ અર્થ માટે અભ્યર્થના, આજીજી, વિનંતી કરવી. પ્રાર્થનામાં ખાલી શબ્દો નથી હોતા, પરંતુ તેમાં હૃદયના ભાવ પુરાયેલા હોય છે અને સાથે ભક્તિ જોડાયેલી હોય છે. પ્રાર્થના એ ક્રિયા નથી, પ્રાર્થનામાં હૃદય હોય છે અને ક્રિયામાં બુદ્ધિ હોય છે. (પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો-8/301) પ્રાર્થનાની જરૂરિયાત કેમ? મનુષ્યમાત્રને જીવનમાં હંમેશા સુખ અને શાંતિની ઝંખના હોય છે. પરંતુ આપણા દરેકના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ, અડચણો, મનમાં મૂંઝામણો ઉદભવતી હોય છે, ત્યારે નિરાશાજનક પરિસ્થિતિ ઊભી થાય, જેથી પ્રગતિ અટકી જાય છે, જીવનમાં આગળ વધવાનો રસ્તો મળતો નથી. તે વખતે આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે પ્રાર્થના ખૂબ સહાયરૂપ બની રહે છે. પ્રાર્થનાથી મુશ્કેલીઓનો સામનો કરવા માટે બળ અને હિંમત મળે છે, આત્મવિશ્વાસ વધે છે, જેથી જે તે પરિસ્થિતિમાં સ્ટેબલ રહી શકાય છે. *બી.ઈ. ઈન્સુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, પીજીડીસીએ (અમદાવાદ) 36 Holistic Science of Life & Living Vol. I May 2014

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48