Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અને તટસ્થ દૃષ્ટિએ કરવું જોઈએ જેથી તેની સમ્યગૃજ્ઞાન-દર્શનની દશા દૂષિત ન થાય.”
આપણે અગાઉ જોયું તેમ તેમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન આગમ પ્રકાશન ગ્રંથમાળામાં મુનિશ્રી પુણ્યવિજયજી સાથે સહસંપાદક તરીકે કાર્ય કર્યું. તેના ફલસ્વરૂપે નંદિ-અનુયોગદ્વાર અને પ્રજ્ઞાપનાની સમીક્ષાત્મક આવૃત્તિ વિસ્તૃત પ્રસ્તાવના સાથે આપણને પ્રાપ્ત થઈ છે. આ બન્ને ગ્રંથોની પ્રસ્તાવના અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. તેમાં ખાસ તો આગમોનો સમય, પ્રદેશ, વિભાગ, પૂર્વસાહિત્ય વગેરે વિશે અભ્યાસપૂર્ણ ચર્ચા છે. ઉપરાંત, તે તે આગમમાં આવતા વસ્તુનો વિશદ પરિચય પણ છે. પ્રજ્ઞાપનાનાતો પ્રત્યેકપદનો (પ્રકરણનો) વિસ્તારથી સાર આપ્યો છે. આ બન્ને પ્રસ્તાવના બે સ્વતંત્ર પુસ્તક બની શકે તેમ છે. - ઉદાહરણરૂપે નિર્દેશેલા તેમના ઉપરનાં કામો ઉપરથી કોઈને પણ ખ્યાલ આવી શકશે કે દલસુખભાઈ ભારતીય દર્શનોના વિશિષ્ટ વિદ્વાન છે, સૂક્ષ્મલિકાયુક્ત સંશોધક છે, ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિથી સંપન્ન છે, તટસ્થ વિવેચક છે, કુશળ ચિંતક છે, તટસ્થ મૂલ્યાંકન કરવાની શક્તિવાળા છે, અને એક જ દૃષ્ટિએ નહિ પરંતુ બધી જ પ્રચલિત દૃષ્ટિઓને લક્ષમાં લઈ વિચાર-સમન્વય કરવાના મનોવલણવાળા છે. એક વાર તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, “આપ ક્યા દર્શનને અનુસરો છો ?' તેના ઉત્તરમાં તેમણે કહ્યું કે, “હું કોઈ દર્શનને અનુસરતો નથી. માત્ર સર્વદર્શનનો અભ્યાસ કરું છું અને સમન્વયની ભાવનામાં માનું છું. તેમને આપણે સાચા અનેકાન્તવાદી નહિ ગણીએ તો પછી કોને ગણીશું
(શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ-લિખિત પુસ્તિકા તથા ડૉ. નગીન જે. શાહના લેખના આધારે સંકલિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org