Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૩૩
આ કારણે ભાયાણીસાહેબમાં હમેશાં તાજગી અને અભિનવતા પ્રતીત થાય છે. વળી એ બીજાનો ખજાનો લૂંટતા રહે છે, તેમ પોતાનો ખજાનો પણ લૂંટાવતા રહે છે. એ કંઈ કૃપણ વિદ્યાધની નથી. એમને મળીએ ત્યારે એ આપણી સમક્ષ કંઈકંઈ નવુંનવું ધર્યા કરે નવું પુસ્તક, નવો વિચાર, નવી માહિતી. ભાયાણીસાહેબ પોતે કૌતુકથી છલકાતા હોય, રોમાંચ અનુભવતા હોય અને આપણને પણ એ કૌતુકસૃષ્ટિમાં ખેંચી જાય, રોમાંચ અનુભવાવે. એક તાજી હવાનો આપણને સ્પર્શ થાય, વહેતા તીર્થજળમાં ન્હાતા હોઈએ એવી પ્રફુલ્લતા આપણા ચિત્તમાં પ્રસરી રહે.
ભાયાણીસાહેબ આત્મરત વિદ્વાન નથી. પોતાનો ખજાનો બીજા પાસે લૂંટાવીને એ અટકી જતા નથી, બીજાઓને વિઘાકાર્યોમાં પ્રેરવાનું અને સહાયભૂત થવાનું પણ હંમેશાં કરતા રહે છે. એ કાર્યદિશા સૂચવે, એનો નકશો ઘડી આપે, માહિતી ને સાધનો પૂરાં પાડે, સાથે રહી ગૂંચો ઉકેલી આપે ને કેટલીક વાર તો પ્રકાશનની વ્યવસ્થા પણ કરાવી આપે. ભાયાણીસાહેબ પાસેથી આવાં પ્રેરણા-પ્રોત્સાહન મેળવનારાં કેટલાં બધાં હોય છે ! છતાં પોતાનાં સમય-શ્રમની લહાણી એ એટલા મોકળા મનથી કરે છે કે ભાયાણી સાહેબને આ કઈ રીતે પોષાઈ શક્યું હશે એનો વિચાર આપણને આવે, એમનાં સમયશ્રમ લેતાં સંકોચ થાય. સૌનું વિદ્યાતપ વધે એ માટેની ભાયાણીસાહેબની તત્પરતા એટલી બધી છે કે એ મોટાનાના અભ્યાસીનો વિચાર કરતા નથી, પાત્ર-અપાત્રનોયે નહીં. આથી જ કોઈ વાર નબળા કામ સાથે એમનું નામ જોડાતું હોય એવું બને છે. પણ પોતાની લાક્ષણિક હળવાશથી એ આ સ્થિતિને હસી લે છે. એક પુસ્તકમાં ભાયાણીસાહેબની પ્રસ્તાવના જોઈને કોઈએ એમને ફરિયાદ કરી કે આવા નબળા પુસ્તકમાં તમારી પ્રસ્તાવના કેમ ? ભાયાણીસાહેબે હાજરજવાબ વાળ્યો, ‘એટલું તો એ પુસ્તકમાં સારું આવ્યું !' ધાર્યું પરિણામ મળવાની આશા હમેશાં કેમ રાખી શકાય ? ને ક્યારેક આવું પરિણામ આવે તેથી ભાયાણીસાહેબ કંઈ વિદ્યાદાનમાં સંકોચ અનુભવતા થાય નહીં. એમની વિદ્યાપ્રીતિ અનન્ય છે. બીજાઓની ચેતનાને સતત સંકોરતા રહીને એમણે પ્રજાકીય વિદ્યા પુરુષાર્થમાં જે યોગદાન આપ્યું છે એ એમના પોતાના વિદ્યાપુરુષાર્થની સામે વીસરી ન શકાય એટલું માતબર છે.
વિદ્યાનાં ઉચ્ચ ધોરણો ગુજરાતમાં જો કોઈમાં વધુને વધુ મૂર્તિમંત થતા હોય તો એ ભાયાણીસાહેબમાં જ. એમની શાસ્ત્રબુદ્ધિ અને વૈજ્ઞાનિકતાને ભાગ્યે જ કોઈ પહોંચી શકે. મેં મધ્યકાલીન ગુજરાતી શબ્દોકશનું કામ કર્યું ત્યારે જોયું કે ભાયણીસાહેબે પોતાનાં સંપાદનોમાં આપેલા શબ્દકોશો સૌથી વધારે આધારભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org