________________
ડિલે ઇસ ડેન્જરસ
૪૯
એના અંગે અંગથી વૈરાગ્ય નીસરી રહ્યો છે. “પ્રભુ! એક પળ માટે પણ મારે સંસારમાં રહેવું નથી. આપ મારા ઉપર કૃપા કરો, મને ભવસાગરથી પાર ઉતારો. હું હમણા જ માતા-પિતાની અનુમતિ લઈને આવું છું.” રાજકુમારના નિશ્ચલ વૈરાગ્યની સામે માતા-પિતાએ નમતું ઝૂકવું પડ્યું. જેને બાંધી શકાય છે એ રાગ છે. લાખ પ્રયાસ છતાં જે ઝાલ્યો ન રહે તે વૈરાગ્ય છે. માતા-પિતાની ઇચ્છા હતી - અષ્ટાલિકા મહામહોત્સવ સાથે દીક્ષા આપવાની. પણ રાજકુમારને આઠ દિવસનો તો શું આઠ મિનિટનો વિલંબ પણ માન્ય ન હતો. નદીના ધસમસતા પૂર જેવો હતો એનો વૈરાગ્ય. એ શી રીતે ઊભો રહે? બધાં ગયા ભગવાન પાસે, “પ્રભુ ! સમજાવો આને.. અમે ક્યાં ના પાડીએ છીએ ? ફક્ત આઠ દિવસ.” પ્રભુનો ધીર-ગંભીર સ્વર વાતાવરણમાં ગૂંજી ઉઠ્યો, “એની ઇચ્છા પૂરી થવા દો. વિલંબમાં સાર નથી.”