Book Title: Chetnani Bhitarma
Author(s): Sunandaben Vohra
Publisher: Anand Sumangal Parivar

View full book text
Previous | Next

Page 10
________________ ૨. ધમચેતનાનું તાત્ત્વિક સ્વરૂપ ધર્મના મૂળને જાણ્યા, શ્રદ્ધયા કે સમજ્યા વગર ધર્મચેતના પ્રગટ થતી નથી. ધર્મચેતના એ શુદ્ધ પરિણામ છે. સંયોગવશ તે પરિણામમાં શુદ્ધતા થતી રહી છે તે ધર્મચેતના પ્રગટ થતાં દૂર થઈ જાય છે. ધર્મચેતના એ જ્ઞાનમય, પ્રકાશમય છે. અજ્ઞાનને દૂર કરવાનું તેનું મૂળભૂત કાર્ય છે. આત્માનું નિજસ્વરૂપ, મૂળ સ્વભાવ તે ધર્મરૂપ ચેતના છે, તે સ્વાભાવિક ચેતના છે. ધર્માનુરાગી આત્મા પ્રથમ તત્ત્વને ગ્રહણ કરે છે. તત્ત્વની શ્રદ્ધા કરે છે. એ તત્ત્વ તે આત્મતત્ત્વ કે મોક્ષતત્ત્વ છે. આ બંને તત્ત્વમાં સત્યનો પ્રારંભ અને અંતનું સ્વરૂપ સમાય છે. આત્મતત્વરૂપ શ્રદ્ધા તે પ્રારંભ છે અને મોક્ષતત્ત્વ તે નિરંતર વર્તે તેવો અવ્યાબાધ સુખદ અંત ધર્મચેતના છે તો નિજસ્વરૂપ, પરંતુ અનેક પ્રકારના તિમિરોથી આચ્છાદિત તે સ્વરૂપ ઢંકાયેલું રહ્યું છે. અતંરયાત્રા વડે, દોષમુક્તિ વડે, સદાચાર અને શુદ્ધાચાર વડે, પ્રભુ પ્રત્યે મમતા અને અન્ય જીવો પ્રત્યે સમતા વડે, પ્રમાદ રહિત થયે, અનાસક્ત ભાવ વડે, અનેકાંત દૃષ્ટિયુકત એકાંતમાં અભ્યાસ વડે, ધર્મધ્યાનના પ્રકારોના સેવન વડે, અનિત્યાદિ, મૈથ્યાદિ ભાવના ભાવવા વડે, જીવાદિ તત્ત્વની હેયઉપાદેયની સમજ વડે, પરમતત્ત્વની સન્મુખતા વડે, મુક્તિના લક્ષ્ય વડે, આવા વિધવિધ ગુણો વડે ધર્મચેતના પ્રગટ થાય છે. તે ચેતના વિષમ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઢાલ સમાન છે. એ ચેતના ચંચળતાને, વ્યગ્રતાને, વ્યાકુળતાને ડારે છે; દૂર કરે છે. અને જીવના પરિણામોને સદ્ભાવપૂર્વક ટકાવી આનંદરૂપે તદ્રુપ કરે છે. પ્રભુની અસીમ કૃપાનો એમાં અનુભવ થાય છે. તેમાં નિજસ્વરૂપ સમાહિત હોય છે. અહો ! ધર્મચેતનાનું કેવું અદ્ભુત સામર્થ્ય છે ? હે ભવ્યાત્માઓ! એકવાર તેના તરફ ઝૂકો, પછી જગતનું કોઈ તત્ત્વ તમને પાડી નહિ શકે. ચળાવી નહિ શકે. જાગૃત ધર્મચેતના એક સરસેનાપતિની જેમ અંતર શત્રુઓ સામે અને બાહ્ય વિપરીત સંયોગો સામે સમાધાનથી પતાવટ કરી લે છે, તેમ ન થાય તો તેવા કર્મશત્રુના ઉદ્ભવનો નાશ કરવાની તાકાત ધરાવે છે, હે આત્મન્ ! તેને એકવાર જાગૃત થવા દે, પ્રગટ થવાદે, પછી તું તેનું સામર્થ નિહાળ; આશ્ચર્યમુગ્ધ થવાશે અને વિકલ્પ આદિ પરાધીનતાથી નિરાળો મુક્તિનો આનંદ આવશે. એ મુકિતને સર્વ ધર્મવેત્તાઓએ સ્વીકારી છે. | મન અને ઈદ્રિયો કર્મ ચેતનાના આધારે જીવંત છે. તેથી મન અને ઈદ્રિયોના માધ્યમથી ચેતનાની શુદ્ધિ થવી સંભવિત નથી. મન અને ઈદ્રિયોથી ઉપર ઊઠીને જે અંતરંગના ઊંડાણમાં ડૂબકી મારે છે તેને ચેતનાનો સંપર્ક થાય છે. તે પછી જીવનની ઊર્ધ્વગતિ થવી, વિશુદ્ધિ થવી, તે જ ચેતનાનું પ્રાગટ્ય છે. એ ચેતના વડે જ આત્માની ક્ષિતિજોને આંબી શકાય છે. જીવનની પ્રક્રિયાનું આમૂલ પરિવર્તન શકય બને છે. અવધાન કે સાવધાન સહજ બને છે. આત્માની અનુભૂતિની સહજતા માટે આ ચેતનાનું વિકસવું તે જ ગુરુકૃપા છે. પરમાત્માનો પ્રસાદ છે. મન અને ઈદ્રિયોની સક્રિયતા શાંત થતાં સુષુપ્ત ચેતના જાગૃત થવા માંડે છે. મૌન અને ધ્યાન જેવી ક્રિયાઓ તેને સહાયક થાય છે. અશુદ્ધતાના પડળો તેના વડે દૂર થાય છે. આવી અચિંત્ય શકિતરૂપ ચેતનાને જાગૃત કરવા વિવિધ પાસાઓથી જીવનની શુદ્ધિ કરવાના પ્રકારનું આ ખંડમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે અભ્યાસ વડે સરળપણે સમજાય તેવું છે. • ધર્મચેતનાનું ફલક ઘણું વિશાળ છે : ધર્મ, સંસારના પરિભ્રમણથી થાકેલા જીવનનું વિરામસ્થાન છે. ધર્મ, જન્મ મરણના બંધનથી મુક્ત કરાવનાર અમોધ સાધન છે. • ધર્મ, ધર્માનુરાગી જીવનનું રક્ષણ કરે છે. • ધર્મ, વિષય-વાસનારક્ત જીવોને લાલબત્તી સમાન છે. • ધર્મ, મૃત્યુ સમયે સાચું શરણ છે. • ધર્મ, કષાય-દોષથી પડતા જીવને માટે સાધન છે. • ધર્મ, માતા તુલ્ય પ્રેમપૂર્ણ જન્મસ્થાન છે. • ધર્મ, માનવતાભર્યા જીવનનું મૂળ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 214