________________
પણ એ નીરવતામાં પણ, ધર્મરુચિને તો જાણે વાજિંત્રોનો મંગલ નાદ સંભળાતો હતો. બારી વાટે ઊડીને દૂરના કોઇ વૃક્ષ ઉપ૨ જઇ બેઠેલાં અને મુક્તિના કલ૨વ વડે વાતાવરણને ગજવી મૂકતાં એ પંખીઓને નિહાળીને, ધર્મરુચિનાં આંસુભીનાં પરિશ્રાંત મોં પર એક નવી જ ચમક ઊગી નીકળી. એની ભૂખ ને તરસ બધું જ શમી ગયું હોય એમ એ એક ખૂણામાં જઇને નિરાંતે હવે પછી આવનારી આફતની રાહ જોતો બેઠો.
સમય થયો ને રસોયો પંખીઓનાં કલેવર લેવા બહાર આવ્યો. જોયું તો છોકરો ખૂણામાં બેઠો બેઠો ઝોકાં ખાતો હતો. ને પાંજરૂં ખાલી પડ્યું હતું. એને થયું કે છોકરો છે તો ઝડપી અને ચોખ્ખો, કામ ઝટપટ પતાવી દીધું લાગે છે ! પોતાના કર્કશ અવાજમાંની કરડાકીને ઓછી કરવાનો પ્રયત્ન કરતા એણે પૂછ્યું ઃ છોકરા ! પંખીઓ તૈયાર કરીને ક્યાં મૂક્યાં ? લાવ.
‘પંખીઓનો તરફડાટ મારાથી ન ખમાયો એટલે મેં તો એને છોડી મૂક્યાં.’’ થાકેલા ધર્મરુચિએ બેફિકરાઇથી જવાબ આપ્યો.
આ સાંભળતાં જ રસોયો તો લાલપીળો થઇ ગયો. એની આંખોમાંથી આગ ઝરવા માંડી. અને મોંમાંથી તો શબ્દોને બદલે અંગારા જ ખરવા શરૂ થઇ ગયા. ન કહેવાનાં વચનોની ઝડી વરસાવીને છેવટે એણે કહ્યું : છોકરા ! આજે તો તું નવોસવો છે અને પહેલી જ ભૂલ છે, એટલે દયા લાવીને જવા દઉં છું. પણ ફરીવાર આવું કર્યું તો હવે જીવતો નહિ છોડું.
ધર્મરુચિ સમસમી ગયો. એનાં અંગેઅંગ એવાં તો શિથિલ થઇ ગયાં કે એ વગર શીયાળે પણ એ ધ્રૂજવા લાગ્યો. નિર્દય રસોયાએ એને માર્યો નહિ એટલો એનો ઉપકાર, બાકી તો એ બીજા દિવસની સવાર સુધી ભૂખ્યો ને તરસ્યો, નવકારનું રટણ કરતો, ડુંગરાઇને ત્યાં જ પડ્યો રહ્યો. શરીરની સુંવાળપ અને કમજોરીને, એના મજબૂત મનોબળે જાણે મહાત કરી દીધી હતી.
બીજા દિવસની સવા૨ ઊગી, ને નિત્યક્રમ શરૂ થયો. એ જ રસોયો, એવું જ પાંજરૂં, એમાંનાં પખીઓને હલાલ કરીને તૈયાર કરવાની એવી જ ક્રૂર આજ્ઞા અને લટકામાં ‘કાલ જેવું કરીશ તો ભૂંડા હાલ થશે' એ મતલબના અપશબ્દો.’’
‘“વિચાર તો કરો,’’ ઉત્કંઠિત શ્રોતાજનોનાં હૈયાંને હલાવી દે તેવો પ્રશ્ન આચાર્ય મહારાજે કર્યો, ‘કે એ બાળકની ત્યારે કેવી સ્થિતિ હશે ? એની ધર્મદઢતા અને સહિષ્ણુતા કેટલી તીવ્ર હશે ? રે ! સંસ્કારો તો આવા હોય, જે આવી આપત્તિમાં પણ માર્ગચ્યુત ન થવા દે.
અને આ સંસ્કારો જ જાણે શબ્દદેહ લઇને આવ્યા હોય એમ ધર્મરુચિનાં મોંમાંથી, રસોયાની છાતીમાં વાગે તેવાં શબ્દો સરી પડ્યા : ‘આ પંખીઓને હું નહિ મારી શકું. તમારાથી થાય એ કરી લેજો.''
લાગલો જ રસોયો તાડૂકી ઊઠયો. ધર્મરુચિને એણે ખૂબ ધમકાવ્યો, બીક બતાડી. ફોસલાવવાનોય પ્રયત્ન કર્યો.
પણ વાહ રે ધર્મરુચિ ! ધન્ય તારી દઢતાને ! એ એકનો બે ન થયો તે ન જ થયો.
છેવટે કંટાળેલા રસોયાનો પિત્તો ફાટ્યો. ‘ગુલામ તો ચાબુકના જ ઘરાક’ - એ સભ્યસમાજમાં પ્રચલિત ઉક્તિ એને યાદ આવી ગઇ હોય એમ એણે તો લીધી લાકડી ને મારપીટ શરૂ કરી. એની એક જ વાત હતી કે ‘માની જા, અને ચીંધેલું કામ કરવા માંડ. નહિ તો અહીં તો મરી જઇશ, તો કોઇ રડનારૂંયે નહિ મળે.' પણ ધર્મરુચિ ટસનો મસ ન થયો તે ન જ થયો.
આથી રસોયાની અકળામણ વધી ગઇ. એ ભાન ભૂલ્યો, અને એક નૃશંસ જલ્લાદની જેમ એણે ધર્મરુચિ પર લાતો, લાકડી અને ચાબુકનો સિતમ વરસાવવો શરૂ કર્યો.
ગુલાબનું ફૂલ ઘણનો થા શી રીતે ખમી શકે ? ધર્મરુચિ, ગમે તેમ તોય, નાનો બાળક હતો. જીવનમાં કોઇની એક ટપલી પણ એણે ખાધી નહોતી. અને એની સહનશક્તિની પણ એક મર્યાદા હતી. એ આ જુલમ ન ખમી શક્યો, અને એના મોંમાથી કાળી ચીસ નીકળી ગઇ. એ જોરજોરથી રડી પડ્યો.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org