________________
મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન
અધ્યાત્મમતપરીક્ષા ગાથા ૧૨૪ થી ૧૮૪માં આવતા મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન
અધ્યાત્મમત પરીક્ષા નામક પ્રસ્તુત ગ્રંથમાં આધ્યાત્મિકોના મતની પરીક્ષા કરવાનો પ્રારંભ કરેલ, અને આધ્યાત્મિકો માને છે કે આત્માની પ્રવૃત્તિ એ જ અધ્યાત્મ હોઈ શકે, પરંતુ બાહ્યક્રિયાઓ નહિ; આમ કહીને અધ્યાત્મને અનુકૂળ એવી બાહ્ય ક્રિયાઓનો અપલાપ કરીને આત્માની વિચારણામાત્રને તેઓ અધ્યાત્મ તરીકે કહે છે, તેને ગ્રંથકારે અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને ભાગ-૨માં નામ આધ્યાત્મિકરૂપે સ્થાપન કરી, બાહ્ય ઉચિત સંયમની ક્રિયાઓ અધ્યાત્મરૂપ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં વચમાં કોઈક દિગંબર શંકા કરે છે કે, સંયમની ક્રિયાઓ ભલે અધ્યાત્મરૂપે હોય પરંતુ વસ્ત્રાદિ તો અધ્યાત્મનાં વિરોધી છે, તેથી શ્વેતાંબર સાધુને વસ્ત્રાદિનો સદ્ભાવ હોવાથી અધ્યાત્મ હોઈ શકે નહિ. તેનું ગ્રંથકારે નિરાકરણ કરીને વસ્ત્રાદિની પણ અધ્યાત્મઉપકારિતા સ્થાપના કરી. આ રીતે આધ્યાત્મિકોને નિરુત્તર કરવાથી તેઓએ શંકા કરી કે, તમે કેવલી ભગંવતોને આહાર સ્વીકારો છો એ વાત સંગત થાય નહિ, કેમ કે કેવલી ભગવંતો જો આહાર ગ્રહણ કરે તો કૃતકૃત્ય કહી શકાય નહિ. તેથી કેવલીભક્તિનો વિચાર બતાવીને કેવલી ભગવંતોને આહારગ્રહણ હોવા છતાં વીતરાગતામાં કોઈ વિરોધ નથી, એ વાત યુક્તિપૂર્વક અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-રમાં સ્થાપન કરેલ છે. ત્યાં કોઈ શંકા કરે છે કે, કેવલી અને સિદ્ધના કેવલજ્ઞાનનું સમાનપણું હોવાને કારણે બંનેનાં જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ છે તેમ માનવું પડે, તેથી સિદ્ધભગવંતની જેમ કેવલી ભગવંતને પણ સંપૂર્ણ કૃતકૃત્ય માનવા પડે. તે શંકાનું નિરાકરણ ગાથા-૧૨૪-૧૨૫માં કરીને ગ્રંથકારે એ સ્થાપન કર્યું કે કેવલી ભગવંતો સર્વથા કૃતકૃત્ય નથી, પરંતુ સંપૂર્ણ કૃતકૃત્ય સિદ્ધભગવંતો છે.
વળી ગાથા-૧૨૫માં બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ પણ બે પ્રકારની દષ્ટિવિશેષથી બતાવેલ છે. જેમાંથી એક દૃષ્ટિ યોગશાસ્ત્ર ગ્રંથ પ્રમાણેની છે, તથા બીજી દષ્ટિ અન્યત્ર શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે બંને દષ્ટિનું એક સ્થાને યોજન કરીને અનેક યુક્તિઓથી બાહ્યાત્મા અને અંતરાત્માનો વિશદ બોધ કરાવેલ છે.
વળી, અષ્ટસહસ્રીકારે આત્માના ગુણસ્વભાવને સિદ્ધ કરવા માટે વિશિષ્ટ ન્યાયની યુક્તિ આપેલ છે, અને ગ્રંથકારશ્રીને પોતાને પણ આત્માનો ગુણસ્વભાવ માન્ય છે, દોષસ્વભાવ માન્ય નથી; તો પણ અષ્ટસહસ્રીકારની યુક્તિથી જ આત્માનો દોષસ્વભાવ માનવાની આપત્તિ આવી શકે, તે બતાવીને આત્માનો ગુણસ્વભાવ કઈ રીતે સ્વીકારવો ઉચિત છે, એ વાત ગાથા-૧૨પમાં વિશેષ યુક્તિઓથી બતાવેલ છે; જે વિદ્વાનવર્ગ જ સમજી શકે તેમ છે. તેથી તત્ત્વજિજ્ઞાસુએ ગાથા-૧૨૫મી જોવી.
ત્યારપછી વિશેષાવશ્યકભાષ્યમાં સામાયિકસૂત્રનો અર્થ કરતી વખતે કરેમિ=કરણ, અને તે કરણ આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં ત્રણ પ્રકારે પ્રસિદ્ધ છે. (૧) ઋતગુણકરણ, (૨) નોડ્યુતગુણકરણ અને (૩) મુંજનાકરણ. એ કરણનું યોજન કેવલી ભગવંતોમાં કઈ રીતે સંગત છે તે ગાથા-૧૨૬માં બતાવેલ છે.