Page #1
--------------------------------------------------------------------------
________________
| જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧
કાન કઠિયારો - મરકુમાર અક્ષયતૃતીયા
સત્યનો જય
હOOULOS
WA TVVVVS
T /
illlll
|
IIII
જયભિખ્ખું
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧
કુિલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ,
મહાત્મા દઢપ્રહારી
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ
જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૧
કાન કઠિયારો
અમરહુમાર સત્યનો જય
સંપાદક જયભિખ્ખુ
Jmta s
\X a>g)
કૈલાસય
WOWE
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
For Personal & Private Use Only
પુષ્પ
Page #4
--------------------------------------------------------------------------
________________
Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust,
Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮
ISBN : 978-81-89160-94-4
કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦
પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
| મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગૂર્જર એજન્સઝ ૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે,
ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦
મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
કાન કઠિયારો
કાનો બહુ ગરીબ. લાકડાં કાપીને તે ગુજરાન ચલાવતો. એટલે કહેવાતો કઠિયારો.
તેને ૫હે૨વાને પૂરતાં કપડાં નહીં. એક ચૌદ થીંગડાંવાળો ચો૨ણો ને માથે ફાટેલું ફાળિયું એ એનો પોશાક. સવાર પડે એટલે ખભે નાખે કુહાડો ને જાય જંગલમાં. ત્યાં દિવસભર મહેનત કરીને લાકડાં કાપે. તેનો ભારો બાંધીને સાંજે ગામમાં આવે. એને વેચતાં જે કાંઈ પૈસા મળે તેની જારબાજરી લાવે અને તેનાથી પેટગુજારો કરે.
એક વખત ઉનાળાનો દિવસ છે. ધોમ ખૂબ ધખ્યો છે. લૂવાળો પવન વાય છે. બધાં પ્રાણી આ વખતે ઠંડક શોધે છે.
પણ કાનાને નિરાંત નથી, શાંતિ નથી. એ તો લાકડાંની શોધમાં ફરે છે. મનમાં વિચાર કરે છે : અહો ! નસીબની બલિહારી છે, નહીંતર મને પશુપંખી જેટલોય આરામ ન મળે ! મારા જેવો કોણ હોય કે આવા સખત તાપમાં પેટ
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
ભરવા રખડે !
એવામાં ધખધખતી રેતી પર કોઈ મુનિરાજને ઊભેલા જોયા. ઉઘાડા પગ ને ઉઘાડું માથું. આવા તાપમાં ઉઘાડા પગે ને ઉઘાડા માથે ! કાનાને એકદમ આશ્ચર્ય થયું. અને છતાં તેમનું મોં કેટલું શાંત ને સુખી છે ! શું તેમને તાપ નહીં લાગતો હોય !
કાનાને કુતૂહલ થયું. તે પાસે ગયો. મુનિ ધ્યાનમાં હતા. તેમના મુખ સામે જોતો તે ઊભો રહ્યો. થોડી વારે મુનિ ધ્યાનમાંથી જાગ્યા. તેમણે કઠિયારાને જોઈ ધર્મલાભ કહ્યો. પછી તેમણે લઘરવઘર પોશાક જોઈ હાલત પૂછી.
કઠિયારે જેવી હતી તેવી હાલત કહી સંભળાવી. એટલે મુનિ બોલ્યાઃ ભાઈ ! તારે આ હાલતથી ગભરાવું નહીં. પૂર્વભવનાં કર્મ તને પીડે છે. સાચો પુરુષાર્થ કરીશ, તો તારું કલ્યાણ થશે. ખરા દિલથી માણસ મહેનત કરે તો તેને બધું મળી રહે છે.
કાનાએ પૂછયું, “બાપજી ! પુણ્ય શી રીતે થાય?”
મુનિ કહે, ૧વ્રતથી, સંયમથી, પારકાનું ભલું કરવાથી. કોઈને પોતાના કાજે બનતાં સુધી ન પીડવાથી. કાંઈક સારો નિયમ લેવાથી. જેમ કે હું કોઈ જીવને મારીશ નહીં. જૂઠું બોલીશ નહીં. કોઈ પણ માણસની વસ્તુ વગર રજાએ લઈશ નહીં. બ્રહ્મચર્ય પાળીશ. અમુક પૈસાથી સંતોષ માનીશ. કાંઈક
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
કાન કઠિયારો
પણ પરોપકારનું કામ કરીશ વગેરે.'
કાનો કહે, “મારાથી આવું કશું બની ન શકે !' મુનિ કહે, “તો બને તેટલું કર, કાંઈક પણ કર.' કાનો વિચારમાં પડ્યો. થોડી વારે વિચાર કરીને બોલ્યો,
“બાપજી, ગરીબ છું. મોં ને અન્નને સદાથી વેર છે. આજ ખાવા મળે છે, તો કાલે મળતું નથી. નાનો એવો પેટનો ખાડો પૂરવા દુનિયા માત્રનાં પાપ કરતાં અચકાતો નથી, પણ તમને જોઉં છું ને મારું દિલ નમી પડે છે. અરે, હાથે કરીને કેવાં કષ્ટ વેઠો છો. સુખી લાગો છો, તોય ઘરબાર છોડી દુઃખ શોધવા નીકળ્યા છો. તમને મારા નમસ્કાર છે.
મુનિ કહે, કાના, આપણી મુલાકાતની કાંઈક યાદગીરી તો રાખ. મને કાંઈક ભાતું તો આપ !
મા રાજ, પેટમાં ભૂખની આગ લાગી છે, તો આપને શું ભાતું આપું!
મને કાંઈક ધર્મનિયમનું ભાતું તો આપ.
કાનો વિચારમાં પડી ગયો. અરે, શું ધર્મનિયમનું ભાતું આપું? થોડી વાર વિચાર કરીને કહેઃ “બાપજી, આજ પૂનમનો દિવસ છે. દર પૂનમે વ્રત રાખીશ. લીલાં ઝાડ નહીં કાપું. કોઈને માઠું લાગે એવું વચન નહીં બોલું. બ્રહ્મચર્ય પાળીશ.”
મુનિ કહે, ભલે એટલો નિયમ લે. કાનાએ હાથ જોડ્યા,
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
.
.
ن.
ت
.ن.
એટલે મુનિરાજે સમજાવ્યું, “ભાઈ, પ્રતિજ્ઞા લઈને જીવ જતાં સુધી પાળવી જોઈએ. ગમે તેમ થાય, પણ એ તૂટે નહીં, તો જ પ્રતિજ્ઞા લીધી કહેવાય.
કાનો કહે, એટલું તો હું જરૂર કરીશ. ગમે તેમ થશે, પણ નિયમ નહીં તોડું. મુનિરાજને ખાતરી થઈ કે એનું મન મક્કમ છે એટલે તેને પ્રતિજ્ઞા કરાવી.
પછી તે બીજે ચાલ્યા ગયા.
આકાશમાં ઘનઘોર વાદળાં. સખત વરસાદ ને ગાજવીજ સાથે સતત ત્રણ દિવસ મુશળધાર વરસાદ થયો.
કાનો ટાઢે થરથરતો ઝૂંપડીમાં બેઠો છે. ટાઢ ઉડાવવા લાકડાં સળગાવે છે, પણ શી રીતે સળગે ? કાણી ઝૂંપડીમાં ઉપરથી પાણી ટપકે. બાજુમાંથી પવનના સુસવાટા બોલે ! ' અરે બાપ પવનદેવ ! તમને પણ આ શું મેહરાજાએ અન્ન વગર રાખ્યો, અને તમે આ ઝૂંપડી વગર રાખશો કે શું? – કાનાનું અનુમાન સાચું પડ્યું. પવનથી તેનું છાપરું ડોલવા માંડ્યું. વહાણું વાતા પવનનો એવો ઝપાટો આવ્યો કે તેની ઝૂંપડી ભોંયભેગી થઈ. કાનો ઘરબાર વગરનો થયો.
બપોરના જાણે કાનાની દયા આવી હોય તેમ વરસાદ બંધ થયો એટલે કાનાએ ખભે નાખ્યો કુહાડો ને ચાલ્યો.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
કાન કઠિયારો
من.
.ن.ت.
من.
ઢીંચણસમાણાં પાણી ડોળતો ચાલ્યો. નદીકનારે આવ્યો. ત્યાં પાણીનાં પૂરમાં લાકડાં તણાતાં આવે. કાનાએ કુહાડો કિનારે મૂકયો ને થોડે સુધી પાણીમાં ઊતર્યો. પછી એક જબ્બર થડ ખેંચી કાઢ્યું. તેના કકડા કરી ભારી બાંધીને શહેરમાં પાછો આવ્યો.
“શું છ પૈસા ઓછા છે ? આટલી ભારીના છ પૈસા ભાઈને ઓછા પડે છે ? શ્રીપતિ શેઠનો નોકર ચંપક બોલ્યો.
કાનો કહે, પણ હું બે દિવસનો ભૂખ્યો છું. માટે બે આના તો આપો.
ચંપક કહે, તું ભૂખ્યો એમાં અમારે વધારે કિંમત આપવી? વધારે પૈસા જોઈતા હતા તો વધારે લાકડાં લાવવાં હતાં ને.
કાનો કહે, મારી કદર કરો, આવા વરસાદમાં આટલાંયે ક્યાં મળે છે? હું ભૂખ્યો છું એટલે તરત વેચીને નાણાં કરવાં છે, નહીંતર બે આનામાં શું?
સારું બે આના આપીશ. ચાલ. એમ કહી નોકર કાના કઠિયારાને શેઠની હવેલીએ લઈ ગયો. કઠિયારાએ ભારી ઉતારી. નોકરે આઠ પૈસા ગણી આપ્યા. એવામાં શેઠ બહાર આવ્યા. વિચારમાં પડ્યા કે આ સુગંધ શેની ? જુએ તો બાવનાચંદનની ભારી. તે બોલ્યાઃ અરે ચંપક ! કઠિયારાને પાછો બોલાવ. ચંપકે કઠિયારાને પાછો બોલાવ્યો.
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫
પછી શેઠે ચંપકને પૂછ્યું : તેં આને શું પૈસા આપ્યા ? ચંપક કહે, મેં બહુ રકઝક કરી કે છ પૈસા લે, પણ તે કરગર્યો એટલે બે આના આપ્યા.
શ્રીપતિ કહે, વાહ ! તેં એનો બેડો પાર કરી નાખ્યો. અરે ભાઈ ! આપણે કોઈનું અણહકનું ન જોઈએ. એ તો લાવ્યો છે ચંદનની ભારી. અને તેમાંયે ઊંચામાં ઊંચું ચંદન. જા, મુનીમ પાસેથી પાંચસોની થેલી લાવ. કઠિયારો તો આભો જ બની ગયો. શેઠે કાનાને પાંચસોની થેલી આપી. ચૌદસનો એ દિવસ હતો. આવતી કાલે તો કાનાને અણોજો હતો.
*
પાંચસો રૂપિયા ! કેટલા બધા ! મેં તો સ્વપ્ન પણ નહોતું ધાર્યું કે આટલું ધન મળશે. વાહ ! આખરે નસીબે જોર કર્યું ખરું. કાનાએ વિચાર્યું, કાલે પૂનમ છે. મારે અણોજો છે. સવારે શહેરમાં જઈ ખૂબ ખાવાનું-પીવાનું લઈ આવું. કદી પેટ ભરીને ખાધું નથી તો આજ ભવ આખાની ભૂખ ભાંગી નાખું.
બીજે દિવસે આખો દિવસ ફરીને ખરીદી કરી. સાંજે એ પાછો વળ્યો ત્યારે એની નજર પાસેની મહેલાતમાં ગઈ. ત્યાં એક રૂપરૂપનો ભંડાર સુંદરી ઊભી છે. તેને જોતાં જ કાનો ચમક્યો. નીચે ઊભો રહી એકીટસે જોવા લાગ્યો : અરે, પૃથ્વીની પદમડી હશે કે સરગની અપસરા ! કેવાં રૂપ ઝરે છે ! ગોખમાં ઊભી રહેલી સ્ત્રી નગરની પ્રખ્યાત વેશ્યા
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
કાન કઠિયારો
ت
ن
.ث.
.ت
.ن.ت
કામલતા હતી. તેણે નીચે જોયું તો રૂપિયા ખખડાવતા કાનાને ઊભેલો જોયો. એનો પ્રેમ ઊભરાઈ ગયો. તરત જ એક દાસીને નીચે મોકલી. દાસીએ આવીને મધુર કંઠે કહ્યું: પધારો અંદર. મારી બાઈ તમારી રાહ જુએ છે.
એણે કાનાને સુગંધી જળે સ્નાન કરાવ્યું. પોતાને ત્યાં સુંદર કપડાં પડેલાં હતાં, તે પહેરાવ્યાં અને મેવા-મીઠાઈ જમાડી તાજો કર્યો. મૂળ દેખાવડો ને સશક્ત કાનો ખૂબ શોભવા લાગ્યો. એ તો મોટા અરીસામાં પોતાનો ચહેરો જુવે અને મલકાય. પછી રાતનો સમય થયો. સુંદર પલંગ છે. ઉપર સવા હાથ ઊંચી રૂની તળાઈ છે. કાનો તેના પર સૂતો. કામલતા હાવભાવ કરતી પાસે બેઠી. અનેક પ્રેમનાં વચન બોલે છે. આ વખતે કાનાનું હૈયું સંસારના લહાવા લેવા તલપાપડ થઈ રહ્યું, એવામાં બારીમાં નજર ગઈ. ત્યાં સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર જોયો. તેને યાદ આવ્યું : અરે હા ! આજ તો પૂનમનો દિવસ અને આજ તો ધર્મનિયમનો દિવસ !
પણ આખી જિંદગીની મૂડી આ પાંચસો રૂપિયા. એને શી રીતે જતા કરવા ! ત્યારે કાંઈ પાછા મગાય ! અને એ છોડીને ચાલ્યો જાઉ તો બધુંયે જાય. આ આનંદ! આ કામલતા ! તેનું મન ચકડોળે ચડ્યું, પણ આખરે મનને મજબૂત બનાવ્યું
અરે, ભલે પ્રાણ જાય, પણ પ્રતિજ્ઞા ન જાય. એ મુનિરાજનાં વચન યાદ આવ્યાં.
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
ધન તો કાલે ક્યાં હતું? આવ્યું પલકમાં ને ભલે જતું પણ પલકમાં. ધન માટે આજ સુધી રાખેલી પ્રતિજ્ઞા શું જવા દેવાય ? નહીં નહીં જ. અને ત્યાંથી નાસી છૂટવા તે લોટો લઈ બહાર જંગલ જવા નીકળ્યો. તે જઈને એક ખૂણે દુકાનના ઓટલે સૂતો. અહીં કામલતા રૂપાની ઝારી લઈ બેઠી છે. હમણાં કાનો જંગલ જઈને આવે ને તેને હાથપગ ધોવરાવું. એક કલાક થયો, પણ કાનો તો આવ્યો નહીં. કામલતા વિચારમાં પડી: થયું શું? તેણે આજુબાજુ તપાસ કરાવી પણ તેનો પત્તો લાગ્યો નહીં. તેને શંકા પડી, જરૂર આમાં કાંઈક ભેદ છે.
વેશ્યા વિચારે છેઃ અરે, આ રૂપિયા મારે અણહકના થયા. ભલે પાપનો ધંધો કરું છું, પણ હરામના પૈસા લેતી નથી. એ લઉ તો કયા અવતારે છૂટું. એણે દાસીને કહ્યું: જા, પેલા આદમીને તેડી લાવ. આવે તો ઠીક, ન આવે તો આ રૂપિયા એની આપતી આવજે.
દાસી કહે, એ ન મળે તો રૂપિયાનું શું કરું?
કામલતા કહે, તો રાજાજીને આપી આવજે. બધી વાત કહેજે. કાનો તો ત્રણ દિવસનો થાકેલો-પાકેલો. ભારે ઊંઘમાં એક દુકાનના ખૂણે પડ્યો હતો. દાસી શોધીને થાકી, પણ ન મળ્યો. એટલે સવાર થતાં તેણે પેલી થેલી રાજાને ધરી. બધી વાત વિસ્તારીને કરી. રાજાને આશ્ચર્ય થયું. પૈસા મૂકીને માણસ ચાલ્યો ગયો એ તે કેવા ? તેણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો :
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
કાન કઠિયારો
કામલતાને ત્યાં જેણે થેલી મૂકી હોય તે હાજર થાય. રાજદરબારે તે થેલી સોંપાઈ છે.” ઢંઢેરો પિટાય છે ને લોકનાં ટોળાં સાંભળવા મળે છે.
એવામાં કાનાએ પણ ઢંઢેરો સાંભળ્યો. એટલે તે બહાર આવ્યો. સિપાઈઓ તેને રાજદરબારે લઈ ચાલ્યા. રાજાએ તેને હકીકત પૂછી. કાનાએ જેવી હતી તેવી સઘળી વાત કહી દીધી. - રાજાએ ખાતરી કરવા શ્રીપતિ શેઠને પૂછ્યું એટલે તેણે પણ એ જ પ્રમાણે કહ્યું આથી રાજા કાના પર ખૂબ પ્રસન્ન થયો અને શાબાશી આપી બોલ્યોઃ ધન્ય છે તારી ટેકને ! એમ કહી ભારે સરપાવ આપ્યો.
કાનાનું દળદર ફીટી ગયું. તેને હવે વિચાર આવ્યો, એક નાનો સરખો નિયમ પાળવાથી આટલો બધો ફાયદો થયો, તો જે બધા નિયમો પાળે તેને કેટલો બધો ફાયદો થાય !” એમ વિચારતાં તેણે નિયમવાળા જીવનનો દૃઢ નિશ્ચય કર્યો.
એક વખત ત્યાં જ્ઞાની મુનિરાજ પધાર્યા. રાજા તથા શેઠ શ્રીમંત ને નગરના બધા લોકો તેમને વંદન કરવા ગયા. આ વખતે રાજાએ પૂછ્યું: “હે મહામુનિ, જ્ઞાની છો, તો ખુલાસો કરજો. પહેલી વાત એ કે કાના કઠિયારાએ પોતાના ચંદનની ભારીના બે આના માગ્યા, છતાં શેઠે પાંચસો ગણી આપ્યા.
બીજી વાત એ કે ગરીબ કાનાને પાંચસો રૂપિયાની
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫
મોટી દોલત મળી, છતાં પોતાના એક નાના નિયમ ખાતર વેશ્યાની પાસે રહેવા દઈ એ નાસી ગયો.
૧૨
ત્રીજી વાત એ કે વેશ્યાને તો એ રૂપિયા મળી ગયા હતા, પણ કાન કઠિયારાએ એની સેવાનો લાભ ન લીધો. માટે અણહકના ગણી પાછા મોકલ્યા.
ને ચોથી વાત એ કે એ રૂપિયા મારી પાસે આવ્યા, છતાં મેં રાજભંડા૨માં મૂકવાની ઇચ્છા ન કરતાં એના ધણીને શોધવા ઢંઢેરો પિટાવ્યો : હે મહાવિવેકી મુનિ, એ શેઠ, આ કઠિયારો, પેલી કામલતા ને હું–ચારમાં શ્રેષ્ઠ કોણ ?’
મુનિ તો જ્ઞાની હતા. અનુભવી હતા. સારાસારના જાણકાર હતા. સો ટકાનું સત્ય બોલનાર હતા. તેઓ કહે, તમે બધા શ્રીમંત હતા. કાનાના સંયમ આગળ તમારો એ સંયમ હિસાબમાં ન ગણાય. તમારા બધામાં શ્રેષ્ઠ તો કાનો જ.
પછી કાનાએ પોતાના વિચારને અમલમાં મૂક્યા. સંયમના નિયમોથી ભરેલું જીવન સ્વીકાર્યું. કહેવાની જરૂ૨ નથી કે તેણે પોતાની પહેલી પ્રતિજ્ઞાની જેમ બધા નિયમો દઢતાથી પાળ્યા ! પ્રતિજ્ઞાઓ લઈને પૂરી રીતે પાળનારનું આત્મકલ્યાણ થાય તેમાં નવાઈ શી !
વાચક ! નાનો, પણ નિયમ લેતાં શીખજે. નિયમ લઈને પ્રાણાંતે પણ પાળતાં શીખજે.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
અમરકુમાર
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તેને એક વખત વિચાર થયો : લાવ એક સુંદર ચિત્રશાળા કરાવું.
તેણ દેશદેશાવરથી સલાટો બોલાવ્યા. કુશળ એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન તૈયાર થયું, ને તેમાં સુંદર ચિત્રો ચિતરાવ્યાં, પણ એવામાં મુખ્ય દરવાજો તૂટી પડ્યો. - કડિયા ફરીથી કામે લાગ્યા. ઘણી મહેનતે દરવાજો ઊભો કર્યો, પણ તે પૂરો થયો ને તૂટી પડ્યો.
ફરી વાર ચણાવ્યો, ને ફરી તૂટી પડ્યો !
દરવાજો ચણે ને પૂરો થતાં તે તૂટી પડે. રાજા મૂંઝાયો, હવે કરવું શું? તેણે કહ્યું : જોશીને તેડાવો ને જોશ જોવડાવો. ચિત્રશાળાનો દરવાજો કેમ તૂટી પડે છે?
જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજા વિચાર કરે છે. રેયત વિચાર કરે છે : જોશી શું કહેશે?” જોશીએ ટીપણું કાઢ્યું.
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫
જોશ જોયા. જોશી કહે, સાચું કહેવા દે. કહ્યા વિના નહિ ચાલે. તે બોલ્યા : ‘મહારાજ ! ચિત્રશાળાનો દરવાજો બત્રીસલક્ષણો બાળ માગે છે. તેનો ભોગ આપો તો ચિત્રશાળાનો દરવાજો ટકે. નહીંતર હરિ ! હરિ !!’
૧૪
આ સાંભળી સહુ ઠરી ગયા. કોઈ ન હાલે કે ન ચાલે. ચારે કોર સૂનકાર.
રાજા કહે, નગ૨માં ઢંઢેરો પિટાવો. જે કોઈ બત્રીસલક્ષણો બાળ આપશે તેને બાળકની ભારોભાર સોનામહોરો આપીશ. નગરમાં ઢંઢેરો પિટાયો.
આ જ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ છે. બિચારાને નથી એક ટંકનું ખાવા કે નથી ઓઢવા-પહેરવા. સવારે મળ્યું તો સાંજે ન મળે ને સાંજે મળ્યું તો સવા૨ે ન મળે. જ્યારે માણસની વેળા બદલાય ત્યારે કાંઈ બાકી રહે છે ? બિચારો આખો દિવસ ભિક્ષા માગીને જેમ-તેમ પેટ ભરે છે.
એને સ્ત્રી પણ કભારજા મળી છે. આખો દિવસ મહેનતમજૂરી કરીને ઘેર આવે ત્યારે ગાળોનો વરસાદ વરસાવે. ‘હે દરિદ્રી ! બેસી શું રહે છે ? જણ્યાંને જિવાડવાં તો ખરાં ને ! આ ચાર દીકરા ને એક દીકરી. પેટનાં જીવડાં કાંઈ મારી નખાય છે ? એમને મારે શું ખવરાવવું ?”
બ્રાહ્મણ બિચારો નીચું મોઢું કરીને બધું સાંભળી લે.
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
અમરકુમાર
૧૫
.ن.ت.د.ن.ت.2
વળી બ્રાહ્મણી આગળ ચલાવે. “આ વિસ્તારથીયે હું કંટાળી ! એમને નિત્ય નવાં મન થાય. એમાંયે નાનકા અમરે તો મને બહુ પજવી. મારાથી એનું પૂરું નથી પડતું.'
કેટકેટલાં વરસ આમ વીતી ગયાં, પણ આ બ્રાહ્મણનું કુટુંબ એવું ને એવું ગરીબ રહ્યું.
એવામાં બ્રાહ્મણીએ શ્રેણિક રાજાનો ઢંઢેરો સાંભળ્યો. તેને વિચાર થયો, લાવને આ અમરને આપી દઉં. ચાર દીકરાના ત્રણ દીકરા હતા એમ ગણીશ, પણ આ હંમેશનું ભિખારીપણું તો જાય. ' તેણે ઋષભદત્તને કહ્યું સાંભળી આ ડાંડી પિટાઈ તે? આપણે અમરને આપી દો. ભારોભાર સોનું મળશે. ભવની ભાવટ ભાંગશે !
બ્રાહ્મણ વિચારમાં પડ્યો. સ્ત્રી ફરીથી બોલી : એમાં વિચાર શું કરો છો ? એ છોકરો તો મને આંખના પાટા જેવો લાગે છે. આપી દો રાજા શ્રેણિકને અને લઈ આવો ભારોભાર સોનું.
ઋષભદત્તે સિપાઈઓને કહ્યું: બત્રીસલક્ષણો કેલૈયા કુંવર હું આપીશ.
સિપાઈએ બ્રાહ્મણના બટુકપુત્ર અમરને જોયો. જોતાં જ વહાલ છૂટે એવો ! અમરકુમાર ઋષભદત્ત જેવા ભિખારીને ત્યાં જન્મ્યો હતો, પણ હતો બત્રીસલક્ષણો. તેની બોલચાલ,
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫
રીતભાત સહુને વહાલી લાગે, પણ માને પૂર્વભવનું વેર, એટલે
તેને કદી વહાલ જ આવે નહિ.
૧૬
અમરને નાનપણથી સંતસમાગમ બહુ ગમે. જાણે કે કોઈ સાધુસંત આવ્યા છે તો તેની પાસે પહેલો પહોંચે, તેમની સેવાભક્તિ કરે, તેમનો ઉપદેશ સાંભળે.
આ વખતે એ નગરમાં એક જ્ઞાની સાધુ પધાર્યા. અમરકુમા૨ે એ સાંભળ્યું એટલે ચાલ્યો તેમનાં દર્શને. સાધુમહા૨ાજ ઉપદેશ દેતા હતા, ‘નમસ્કાર મંત્ર સકળ શાસ્ત્રનો સાર છે. એને જે સાચા ભાવે સ્મરે તેનાં સઘળાં દુઃખ ટળે.’
ઉપદેશ પૂરો થયો. સાંભળનારા બધા જવા લાગ્યા, એટલે અમરકુમાર તે સાધુ પાસે ગયો. ચરણમાં પડી વંદન કર્યું. પછી હાથ જોડી બોલ્યો : ‘પૂજ્ય મુનિરાજ ! મારા પર કૃપા કરો. મહામંગળકારી નમસ્કારમંત્ર શીખવો.’
સાધુએ તેને નમસ્કારમંત્ર શીખવ્યો.
હવે શ્રેણિક રાજાના સેવકો ઋષભદત્તને ઘે૨ આવ્યા, બોલ્યા : લાવો તમારો પુત્ર ને લો આ ધન.
બ્રાહ્મણી કહે, અમર ! થા તૈયાર ને જા આ સિપાઈઓ
સાથે.
અમરની એક આંખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવો. તે બોલ્યો : પિતાજી, મને બચાવો. આ સિપાઈઓને
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
અમરકુમાર
સોંપશો નહિ.
ઋષભદત્ત કહે, હું શું કરું? તારી માતા તને આપી દે છે, એમાં મારું કાંઈ ચાલે તેમ નથી.
અમરે માતાને કહ્યું માડી ! મને વેચશો નહિ. ધન તો આજ છે ને કાલ નથી. મને બચાવો.
મા કહે, તારા લખણે જ તું મરે છે. હું કેટલાંને પાળું ? કામકાજ કરવું નહીં ને સારું સારું ખાવા જોઈએ. તને રાખીને હું શું કરું ?
અમર ઘણું કરગર્યો, પણ માની વજની છાતી પીગળી નહિ. ત્યાં કાકા-કાકી ઊભાં હતાં. તેમને અમરે કરગરતાં કહ્યું : કાકા, મારાં માબાપ મને વેચે છે. તમે મને બચાવો. તમારે ત્યાં રાખો.
કાકા-કાકી કહે, તારાં માબાપ તને વેચે એમાં અમારું શું ચાલે? અમારાથી તને રખાય નહિ.
મોટી બહેન ત્યાં બેઠી હતી. આંખમાંથી આંસુ સારતી હતી, પણ તે શું કરી શકે ? અમરકુમારને હાથે પકડીને સિપાઈઓ લઈ ચાલ્યા. ગામઆખામાં હાહાકાર થયો. લોકો કહેવા લાગ્યા : ચંડાળ માબાપે પૈસા માટે પોતાનો પુત્ર વેચ્યો.
અમરકુમાર છાતી ફાટ રુદન કરે. જે સામું મળે તેને વિનંતી કરે, પણ તેને કોણ છોડાવી શકે? સહુ એક જ જવાબ આપે, ભાઈ ! તારાં માબાપે તને ધન લઈ વેચ્યો તેમાં અમે શું
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
કરી શકીએ ?
જેન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫
અમરકુમારને ચિત્રશાળાએ લાવ્યા. ગંગાજળે તેને નવરાવ્યો. ગળે લાલ કરેણની માળા નાખી. કપાળે કેસરચંદન ચર્ચ્યા. બ્રાહ્મણો મંત્ર બોલવા લાગ્યા. હવનમાં ઘીની આહુતિ આપી તેને વધારે મોટો બનાવવા લાગ્યા.
અમરકુમા૨ ઊભો ઊભો વિચાર કરે છે : અરે ! આ જગતમાં સહુ સ્વાર્થનાં જ સગાં છે. શું મા ! શું બાપ ! શું કુટુંબકબીલો ! શું નાતજાત ! કોઈએ મને બચાવ્યો નહિ. હવે હું શું કરું ! એવામાં તેને યાદ આવ્યું : ભીડભંજનનો નમસ્કારમંત્ર છે તે લાવ સ્મરું. તેણે નમસ્કારમંત્ર જપવો શરૂ કર્યો.
ૐૐ સ્વાહા ! ૐૐ સ્વાહા કરતાં બ્રાહ્મણોએ અમરકુમારને હવનના ભડભડતા અગ્નિમાં પધરાવ્યો, પણ અમરકુમારનું ચિત્ત હવે પરમેશ્વરના સ્મરણમાં ચોંટ્યું છે. સતનું બળ તેના હૈયામાં ઊભરાઈ રહ્યું છે. સત્ આગળ અસનું શું ચાલે ? સાપ હોય તેય ફૂલમાળા થાય. અગ્નિ હોય તેય હિમાળો બની જાય.
ખરેખર ! તેમ જ થયું. ભડભડાટ કરતો અગ્નિ ઠંડોગાર થઈ ગયો. ધ્યાનમાં બેઠેલો અમરકુમાર કોઈ યોગી જેવો દેખાવા લાગ્યો. તેની કંચનવરણી કાયાને ક્યાંય ડાઘો લાગ્યો નહિ.
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
અમરકુમાર
૧૯
પુરોહિત ધરતી પર ઢળી પડ્યા. મોંએ લોહીના કોગળા આવ્યા. કુદરત પણ અન્યાય કેટલો સાંખે ?
સહુને અચરજ થઈ. દોડી દોડીને બાળકનાં ચરણમાં પડ્યા. વિનંતી કરવા લાગ્યા : બનવાની વાત બની ગઈ, પણ તમને કોપ ઘટે નહિ.
અમર કહે, સહુને સન્મતિ આવો. સહુનું કલ્યાણ થાઓ. મારે કોઈ સાથે નથી ક્રોધ, નથી વેર. - રાજા અમરકુમારને કહેવા લાગ્યો : માગ ! માગ માગ તેટલું ધન આપું.
અમર કહે, મારે ધનનું કામ નથી. આ બધો અનર્થ જ ધનનો છે. હું તો હવે સાધુ થઈશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ. તે ગયો નગર બહાર ને થોડે દૂર જંગલમાં ધ્યાન લગાવ્યું.
અહીં ઋષભદત્ત ને તેની સ્ત્રી ભદ્રા તો ખાડા ખોદે છે ને ધન દાટે છે. મનમાં કાંઈ કાંઈ વિચાર ઘડે છે કે હવે આમ કરીશું ને હવે તેમ કરીશું!
એવામાં કોઈએ આવીને વાત કરી : અમરકુમાર તો સાધુ થઈને વનમાં ગયો. આ સાંભળી માતાપિતાના હોશકોશ ઊડી ગયા. હવે શું થશે ? રાજા આ ધન પાછું લઈ લેશે. મનની મુરાદો મનમાં સમાઈ જશે. કાંઈક રસ્તો કાઢવો જોઈએ.
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
ت
ن
.ن.ت.ن.ت.
સાંજ પડી. રાત પડી. ઊંઘવાનો સમય થયો, પણ બ્રાહ્મણીને ઊંઘ આવે નહીં. તેને અમરકુમાર ઉપર ક્રોધ વરસી રહ્યો છે. મનમાં તે બબડે છે. આ શેતાન છોકરાનું શું કરવું? દુનિયામાં ફજેત થયાં ને હવે ધન પણ જશે? કોણ જાણે હવે શુંયે થશે ? માટે એને તો પૂરો જ કરવો.
હાથમાં એક છરી લીધી. બ્રાહ્મણી વિકરાળ રાક્ષસી જેવી થઈને મધરાતે ઘરમાંથી બહાર નીકળી.
તેના ક્રોધથી જાણે ઘડીભર વહેતો પવન પણ બંધ થઈ ગયો. વનચર પશુઓ પણ બોલતાં બંધ થઈ ગયાં ને સઘળે સૂનકાર થઈ ગયું.
ભયંકર ભૂમિમાં ધ્યાન લગાવીને અમરકુમાર ઊભા છે. બ્રાહ્મણી શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. તેનો ક્રોધ માતો નથી. આંખે અગ્નિ વરસે છે. તેણે છરી ઉગામીને ધ્યાનમાં ઊભેલા અમરકુમારના કાળજામાં ભોંકી દીધી. અમરકુમાર સમજી ગયા કે વેરણ માતાએ આ કારમો ઘા કર્યો છે, પણ તેમણે મનને ઠેકાણે રાખ્યું.
ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓનું સ્મરણ કરવા લાગ્યા, અને છેલ્લી ભાવના ભાવવા લાગ્યા. સર્વે જીવોની ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા આપજો. જગતના સર્વ જીવો મારા મિત્ર છે. મારે કોઈની સાથે વેર નથી.
આવી શુભ ભાવના ભાવતાં તે ધરણી પર ઢળી પડ્યા.
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
અમરકુમાર
જાણે કે કુદરતને પણ આની વેદના થઈ હોય તેમ તરત જ ભયંકર ગર્જના થઈ. સિંહણનો એ અવાજ હતો.
બ્રાહ્મણી ત્યાંથી દસ ડગલાં ચાલી ત્યાં તો સિંહણ સામે દેખાઈ. વનવગડામાં નાસે ક્યાં ? સિંહણ આગળથી છટકે પણ ક્યાં? છતાંય મરણ આવે તો છૂટવાનું કોણ ન કરે? તેણે નાસવા માંડ્યું.
સિંહણે મારી એક તરાપ. તે બરાબર બ્રાહ્મણીના શરીર પર. બ્રાહ્મણી હેઠી ને સિંહણ ઉપર. ઘડી બે ઘડીમાં તો તેનાં હાડકાં જ રહ્યાં. સિંહણ મોઢું હલાવતી જંગલમાં ચાલી ગઈ.
અમરકુમાર શુભ ધ્યાનમાં મર્યા એટલે કહે છે કે તે દેવલોકે ગયા.
પાપિણી મા પાપધ્યાનમાં મરી એટલે કહે છે કે તેની નરકની ગતિ થઈ.
આજે પણ અમરકુમારની સઝાય વંચાય છે ને માણસોની આંખોમાંથી આંસુ ઝરે છે.
હે નાથ ! અમરકુમાર જેવી શ્રદ્ધા મળજો. અમરકુમાર જેવાં મનોબળ મળજો.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
સત્યનો જય
ભાઈ ! કાંઈક તો સાચું બોલ ! આમ નાહક જૂઠું બોલી શા માટે તારી જાતને ખરાબ કરે છે?” પિતાએ પુત્રને કહ્યું.
“સાચું ને જૂઠું બધું ઠીક જ છે. સાચું બોલે શો લાભ થાય છે ? આ તમે જ જુઓ ને? કેટલાંય વરસથી તમે સાચું બોલવાનું વ્રત લીધું છે, એનો શો ફાયદો થયો? ઊલટા પૈસેટકે ખરાબ થયા ! એ તો ખોટું કામ થાય નહિ, ત્યાં સુધી પૈસાદાર થવાય નહિ.”
કમળ શેઠ કહે, “બેટા અમે અમારી આંખે દુનિયામાં જોયું છે કે જે કૂડકપટ કરીને, જૂઠાણાં ચલાવીને, નિર્દોષને રહેંસીને પૈસા મેળવે છે તેની પાયમાલી થાય છે.”
વિમળને તો કાળમીંઢ પથ્થરની જેમ આ શિખામણરૂપ પાણીની કાંઈ અસર થઈ નહિ.
કમળશેઠ જ્યારે તક મળે ત્યારે આ પ્રમાણે પોતાના પુત્ર વિમળને સમજાવતા.
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
સત્યનો જય
એક વખત વિમળશેઠે ઘણાં કરિયાણાં ભર્યા ને પરદેશ જવા નીકળ્યો. ફરતાં ફરતાં તે દૂર મલય પાટણમાં ગયો. ત્યાં બધાં કરિયાણાં વેચ્યાં ને હજારો રૂપિયા ભેગા કર્યા. પછી વધારે લાભને માટે ત્યાંથી પણ કરિયાણાં ભર્યા ને પોતાના નગર તરફ પાછો વળ્યો.
ચોમાસાના દિવસો ચાલતા હતા. બધા રસ્તાઓ કાદવવાળા થઈ ગયા હતા. વિમળશેઠે એક ઠેકાણે છાવણી નાખી. ત્યાંથી આગળ જવાય તેમ ન હતું.
બીજો એના જ ગામનો રહેવાસી સાગર નામનો શેઠ પણ, ઘણું ધન કમાઈ આવી પહોંચ્યો. એકબીજાએ એકબીજાને ઓળખ્યા. વિમળે તેને ત્યાં રોક્યો. પછી ચોમાસું પસાર થતાં અહીંથી પણ પૈસા પેદા કરી બંને જણ પોતાનાં ધન અને કરિયાણાં લઈ નગર સમીપ આવી પહોંચ્યા.
કમળશેઠ પોતાનો પુત્ર આવે છે એમ જાણી સામે ગયો. પુત્રના ક્ષેમકુશળ પૂછયા અને ત્રણે જણ નગર ભણી ચાલવા લાગ્યા.
રસ્તામાં સાગરે વિમળને કહ્યું : “હે મિત્ર, વિના જોયેલું ને વિના સાંભળેલું કાંઈક હું તને કહું. જો, આપણી આગળ કેરીનું ભરેલું એક ગાડું હળવે હળવે ચાલ્યું જાય છે. તેનો સારથિ બ્રાહ્મણ છે. તેની પાસે પાણીનો ઘડો છે. તે ગાડાની
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
ર૪
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
પાછળ લાકડીમાં ભરાવ્યો છે. વળી પાણી ખૂબ હિલોળે ચડેલું છે તેથી છલકાય છે. તે કોઢિયો છે. તેના શરીરમાંથી રક્તપિત્ત વહે છે. જે બળદ જોતર્યા છે, તેમાં જમણે પાસે જે બળદ છે તે ગળિયો છે. વળી ડાબે પગે ખોડો છે અને તે ડાબી આંખે કાણો છે.”
તેની પાછળ એક અંત્યજ ચાલે છે. વળી તે ગાડાની પછવાડે કોઈકની વહુ રિસાઈને આવે છે. તેના ડાબા પગે ઉત્તમ રેખાઓ છે. પગે જોડા નથી. તેના શરીર ઉપર ઘણાં આભરણ છે. તે સ્ત્રી કોઈ વાણિયાની છે. વળી ગર્ભવતી છે ને પ્રસવને થોડી જ વાર છે. તે સ્ત્રી પુત્રને પ્રસવશે. તેના શરીરે કંકુનો રંગ છે. ચોટલો બકુલના ફૂલે ગૂંચ્યો છે. ફૂલ વેણીમાં ગૂંધ્યાં છે. તે બહુ મૂલ્યવાળાં છે અને તે સ્ત્રીનું પહેરવાનું વસ્ત્ર કસુંબી નવું રંગ્યું છે. વળી તે ગાડામાં બેઠી નથી.'
સાગરના મુખથી આ વાત સાંભળીને વિમળે કહ્યું: “વાહ, ગપોડી વાહ ! ટાઢા પહોરનું તેં ઠીક હાંક્યું હોં ! એ બધું તું કયાંથી જાણી શકે?”
સાગરે કહ્યું, “કલ્પાંતે પણ હું અસત્ય બોલું નહિ. સદા સાચું બોલવું એવો મારે નિયમ છે. જો તને સાચું ન લાગતું હોય તો આગળ ગાડું જાય છે, તે જોઈ આવ.”
આ વસ્તુ તદ્દન અશક્ય છે તેમ વિચારી વિમળે કહ્યું: ‘આપણે શરત કરીએ. આ વસ્તુ ખોટી હોય તો તું તારાં બધાં
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
સત્યનો જય
કરિયાણાં ને ધન મને આપવાનું કબૂલ થાય છે?
સાગરે કહ્યું: “હા. પણ મારું કહેવું સાચું પડે તો તારે બધાં કરિયાણાં આપી દેવાનાં. છે કબૂલ ?” વિમળ શરત સ્વીકારી. પછી કમળશેઠને આ શરતના સાક્ષી રાખ્યા.
કમળશેઠ કહે, “સાગર ! તું પણ એના જેવો કેમ થાય છે? તું તો ડાહ્યો છે. વિમળની દાનત તને ધૂતી ખાવાની છે.'
આ સાંભળી વિમળ ચિડાઈને બોલ્યો : “પિતાજી ! તમે જ્યાં ત્યાં મને હલકો જ પાડો છો. શું આમ બોલવાથી મોટાઈ મળી જશે?”
કમળશેઠ કહે, ‘વિચારીને કામ કરવું જોઈએ. તું તો નાનો છે એટલે છૂટી જા, પણ મારે તો એનું ફળ ભોગવવું પડે!”
સાગર કહે, ‘કમળકાકા! જો તમારો પુત્ર મારે પગે આવીને પડે તો અમારી શરત ફોક.'
એ સાંભળી વિમળ બોલ્યો, ‘તું મને પગે પડે તો આપણી શરત ફોક.' આમ કોઈ શરત મૂકવા તૈયાર ન થયું.
તેઓ ગાડાની નજીક આવ્યા. ત્યાં જુએ છે તો પેલો માનવી જ ન દેખાયો. વિમળ આથી ખૂબ રાજી થયો. એટલામાં સાગરે વિનયથી સારથિને પૂછયું: ‘ગર્ભવતી સ્ત્રી ક્યાં છે?”
સારથિએ કહ્યું કે તે નજીકના વનમાં પ્રસવ માટે ગઈ
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
.ن.ن.ت.ت.ت.ن
છે, અને પાસેના નગરમાં તેનાં માબાપને તેડવા માટે ચંડાળને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું અને એ તો વાણિયાની વહુ છે. તેના ધણીએ તેને માર્યાથી તે રિસાઈ છે, અને તેનો પાડોશી છું તેથી તે મારી પાછળ આવી છે.”
એવામા એક અંત્યજ તેની માતાને તેડી લાવ્યો. સારથિ બ્રાહ્મણે તેને પુત્ર આવ્યાની વધામણી આપી.
એમ સઘળી વાત સાચી થયાથી સાગર બોલ્યો : “હે વિમળ ! તું હાર્યો. હવે તારી માલમિલકત બધી મારી છે.
તે વખતે વિમળે ઠગબાજી અજમાવી હસતાં હસતાં કહ્યું: ‘હું તો તારી સાથે હસતો હતો, અને તું તો બધું સાચું માની બેઠો ! વાહ સાગર !'
સાગરે કહ્યું: ‘જવા દે એ ઠગાઈ! તારી બધી મિલકત મને આપી દે.' - સાગરે બધાં કરિયાણાં લઈ લીધાં. વિમળને માથે તો જાણે વીજળી પડી. આટલી મહેનતથી ભેગું કરેલું ધન આટલી જ વારમાં ખલાસ ! તે મૂઢ જેવો થઈ ગયો. પિતા મહાપરાણે તેને ઘેર લાવ્યા.
પછી વિમળ પિતાજી તરફ નમ્ર થઈને બોલ્યોઃ “પિતાજી! તમે સાગરને મનાવો, યા ગમે તે રીતે આપણું ધન પાછું મેળવો. નહીંતર એક ઉપાય છે કે સાગરે તમને સાક્ષી રાખ્યા છે. માટે જો જરૂર પડે તો રાજસભામાં શરતનો ઇનકાર
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
સત્યનો જય
કરવો. એથી આપણું ધન જરૂ૨ બચી જશે.'
કમળશેઠ કહે, ‘ગાંડો થયો વિમળ ! આ તો શું, દુનિયાની સઘળી મળેલી રિદ્ધિ ચાલી જાય તોય શું, હું કદાપિ અસત્ય નહિ જ બોલું. એક સત્ય વ્રતની કિંમત જગતની બધી વસ્તુઓ કરતાં મારે મન વધારે છે. માટે તારે એવી વાત કરવી જ નહિ.'
૨૭
વિમળ કહે, ‘પિતાજી ! પણ દરેક વસ્તુને અપવાદ હોય છે. જેનાથી આપણે સદાને માટે ભિખારી બની જતા હોઈએ કે પ્રાણ જાય તેવો સંભવ હોય તો શું અસત્ય ન બોલવું ?” પછી પ્રાયશ્ચિત્ત કરી ક્યાં શુદ્ધ થવાતું નથી ? સવાર-સાંજનું પડકમણું શા માટે છે ?”
કમળશેઠ કહે : ‘કદી નહિ. ખોટાં કામ કરવાની છૂટ લેવામાં અપવાદ હોય નહિ. પ્રાયશ્ચિત્ત તો તદ્દન અજાણમાં થયેલી ભૂલોનું જ હોય.’
વિમળને કમળશેઠનું ડહાપણ ગમ્યું નહિ. તે ખૂબ ચિડાયો ને ક્રોધમાં બોલી ઊઠ્યોઃ બેસ, બેસ, ડોસા ! તારી સાથે બુદ્ધિ નાઠી છે. નહીંતર આવા ગાંડા વિચાર કાઢે નહિ.’
પછી તે ઘ૨માંથી કેટલીક સુંદર વસ્તુઓની ભેટ લઈને રાજા આગળ ગયો ને ફરિયાદ કરી. મહારાજ ! મહામહેનતે મેળવેલું મારું ધન સાગરશેઠે મશ્કરી કરી પડાવી લીધું છે માટે મને ન્યાય આપો.’
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ - - - - - - રાજાએ સાગરને તેડાવ્યો ને વાત પૂછી. સાગર કહે, એ મશ્કરી ન હતી, પણ સાચી વાત હતી, રાજાજી ! તેમાં એ હાર્યો. એથી નક્કી કર્યા મુજબ મેં એનું ધન લીધું છે.' પછી વિગતથી બધી વાત કહી.
રાજા કહે, “વાહ ! આ તો ભારે ખૂબીની વાત. મને જરા સમજાવ કે એ બધું તેં શી રીતે જાણ્યું?” - સાગર બે હાથ જોડી બોલ્યો : “નિરીક્ષણ માત્રથી આ બધી હકીકત જાણી છે. કેરીની વાસવાળો પદાર્થ રસ્તા પર પડ્યો હતો તેથી મેં જાણ્યું કે કેરીનું ગાડું ગયું છે.” - ધૂળમાં પગલાં પડ્યાં હતાં, તે જોતાં જાણ્યું કે એક બળદ ગળિયો છે. બીજી બાજુનાં પગલાં જોતાં જાણ્યું કે ડાબી બાજુનો બળદ ડાબે પગે ખોડો છે. જમણી દિશાનું ઘાસ ચર્યો હતો ને ડાબી બાજુનું ઘાસ પડ્યું રહ્યું હતું, તેથી મેં જાણ્યું કે તે ડાબી આંખે કાણો છે. - “ગાડાનો હાંકનારો ગાડું હાંકતાં પેશાબ કરવા નીચે ઊતર્યો છે ને પેશાબ કરી પાણીથી હાથ ધોયા છે. આવો આચાર મુખ્યત્વે બ્રાહ્મણનો જ હોય. એથી મેં બ્રાહ્મણ સારથિનું અનુમાન કર્યું.
“ગાડાની પાછળ પાણીના છાંટા પડ્યે જ ગયા હતા. તેથી મેં ધાર્યું કે નક્કી ગાડાની પાછળ પાણીનો ઘડો લટકાવેલો હશે. તે હાલકડોલક થવાથી તેમાંથી પાણી પડતું હશે.
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
સત્યનો જય
ર૯
રસ્તે પરોણાના બે ટુકડા પડેલા હતા ને એક આખી લાકડીનું નિશાન ધૂળમાં પડેલું હતું. તેથી મેં ધાર્યું કે ગાડુ હાંકતાં પરોણો તૂટી ગયો હશે એટલે તેને નીચો ફેંકી દીધો છે અને પાછળ કોઈ માણસનાં પગલાં છે એટલે ગાડાની પાછળ કોઈ માણસ ચાલતો હશે. તેની આગળ લાકડી હશે તે માગી હશે, પણ તેણે હાથોહાથ નહિ આપતાં નીચે નાખી છે. વળી ત્યાં જ થોડા પાણીના છાંટા પડેલા છે, એટલે તેને છાંટીને લીધેલી જણાય છે. જો લાકડી આપનાર ચંડાળ હોય તો જ લાકડી છાંટીને લેવાની જરૂર રહે. માટે મેં ગાડાની પાછળ ચંડાળ ચાલે છે એમ અનુમાન કર્યું.
એ લાકડીના લિસોટા ને ગાડાના ચીલાની વચ્ચે થોડી થોડી માખીઓ પરુ પર બણબણતી હતી એટલે ધાર્યું કે તે સારથિ રક્તપિત્તવાળો કોઢિયો હશે. ગાડાની પાછળ ચંડાળનાં પગલાં હતાં, તેની પાછળ બીજાં પગલાં પણ જણાતાં હતાં. તે પગલાં સ્ત્રીનાં હતાં. તેમાં બધી રેખાઓ સ્પષ્ટ પડી હતી એટલે તે ઉઘાડા પગે જાય છે એમ અનુમાન કર્યું ને રેખાઓ ઉચ્ચ પ્રકારની હોવાથી તે બાઈ લક્ષણવંતી કોઈ વાણિયાની વહુ છે એમ જાણ્યું.
“વળી તેમાં કેટલાંક પગલાં ઊધાં હતાં તેથી તે બાઈ ઊભી રહીને પાછળ જોતી હોય એવું અનુમાન કર્યું. થોડા થોડા અંતરે એવાં પગલાં હતાં તેથી જરૂર તે કોઈ આવે છે કે
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ - - - - - નહિ તે જોવાને થોભતી હશે, એમ ધાર્યું. રિસાયેલી સ્ત્રી સિવાય આવી વાત સામાન્ય રીતે સંભવે નહિ અને રિસાયેલી
સ્ત્રી પિયર જાય, એમ માની તે સ્ત્રી રિસાઈને પિયર જાય છે એમ કહ્યું - જો સ્ત્રી ખૂબ રિસાઈ હોય તો પિયર પણ ન જાય ને આપઘાત કરે, પણ આ તો પિયેર જાય છે માટે નક્કી ગર્ભવતી હશે. આગળ જતાં તે બાઈ મળત્યાગ કરવા બેઠેલી હતી, ત્યાંથી જમણા હાથનો ટેકો દઈને ઊભી થઈ હતી. એટલે પૂરા દિવસો જતા હશે એમ જાણ્યું. તે સ્ત્રીએ જરા આગળ આવી મોં ધોયું, ત્યાં લાલ પાણી પડેલું હતું. તેથી શરીરે કુમકુમ લગાડ્યું હશે તે જાણ્યું.'
વળી ત્યાં એક બકુલનું ફૂલ પડ્યું હતું તેથી તેની વેણીમાં બકુલનાં ફૂલ છે એમ ધાર્યું. આગળ રસ્તે જતાં બોરડીના વૃક્ષ આવતાં હતાં. ત્યાં બાઈની સાડીના તાંતણા ભરાઈ ગયેલા હતા. તેના રંગ પરથી જાણ્યું કે તેણે કસુંબી સાડી પહેરી છે ને તે નવીન રંગી છે.”
રાજા આવું અદ્ભુત નિરીક્ષણ જોઈ આશ્ચર્ય પામ્યો ને સાગરને કહ્યું કે તમારી આ વાતોમાં કોઈ સાક્ષી છે?
સાગર કહે, હા મહારાજા ! એ વિમળના પિતા કમળશેઠ સાક્ષી છે.'
રાજા કહે, “વાહ, એ તો આપણા નગરના સત્યવાદી
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
સત્યનો જય
શેઠ છે. તે કદી જૂઠું બોલે નહિ, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાત જણને સાક્ષી તરીકે ન રાખવાઃ સ્વજન, દુર્જન, વેષી, લોભી, ગાંડો, કૌતુકી ને ભયાનક. એ વિમળના પિતા છે ! પુત્રના પક્ષમાં સાખ પૂરે. માટે બીજો કોઈ સાક્ષી હોય તો કહો.'
સાગર કહે, “એ તો મહા ધર્માત્મા છે. એમના વચનમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ બોલશે તે મારે કબૂલ છે.' - રાજાએ કમળશેઠને તેડાવ્યા ને મીઠી વાણીથી પૂછયું : હે સત્યવાદી શેઠ ! તમે આ શરત વિશે શું જાણો છો ?
કમળશેઠે કહ્યું: “હું આ મુખે સાચું જ કહીશ. સત્ય વ્રતના પાલનમાં પેટના દીકરાનો પણ પક્ષપાત ન કરીશ.”
વિમળ તો એ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગયો. કમળશેઠ કહે, “સાગરની વાત સાચી છે.'
રાજા કહે, “શાબાશ શેઠ ! શાબાશ. તમારા જેવો સત્યવાદી મેં કોઈ જોયો નહિ. નથી તમને ધનનો લોભ કે નથી તમને પુત્રની પરવા. કેવળ સત્યની ખાતર જ તમે જીવતા હો એમ લાગે છે.”
એમ કહી નગરશેઠની પાઘડી તેમને બંધાવી. આ બાજુ વિમળને રાજાએ કહ્યું: “અરે જૂઠા ! ધિક્કાર છે તને. તારા જેવાની જીભ જરૂર છેદવી જોઈએ, પણ તું કમળશેઠનો પુત્ર છે એટલે તને જવા દઉં છું.”
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ . . . . . .
સાગર કમળશેઠની સત્યપ્રિયતા જોઈ ખુશ થઈ ગયો ને વિમળની લીધેલી બધી મિલકત ભેટ કરી. સાગરની અપૂર્વ બુદ્ધિ જોઈ રાજાએ તેને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યો. સભા આખી બોલી ઊઠીઃ
સત્યવાદીનો જય હો ! સત્યનો જય હો!
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨
[કુલ પુસ્તક ૧0]. ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ છે, તો णमोसिद्ध //WU T 547/ ચરિત્ર ચારિત્ર્ય ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ. સદાચાર અને સંસ્કારનો serving linShasan (A) મનમાં સંસ્કારઘડત ||||||||| elated