Page #1
--------------------------------------------------------------------------
________________
જળ સપને કી માયા
આવૃત્તિ : પ્રથમ મૂલ્ય : ૧૦-૦૦ © : PRAVACHAN PRAKASHAN, 2006
(પ્રાપ્તિસ્થાન)
મુનિ શ્રીવૈરાગ્યરતિવિજયજી
સુરત
પૂના : પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવારે પઠ, પૂના-૪૧૧OOR ફોન : Q૨-૬૬૨૨૮૩૪૩, મો. ૯૮૯Q૫૫૩૧૦
Email : Pravachan Prakashan@vsnl.net અમદાવાદ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ
૨૦૧, ઓએસીસ, અંકુર ફૂલની સામે, પાલડી, અમદાવાદ-૩૮009 ફોન : ૦૭૯-૨૬૬ ૩૩૦૮૫, મો. ૯૩૨૭૦૭૫૭૯ રાજુભાઈ શાહ C/o. પરફેક્ટ સેલ્સ કોર્પોરેશન ૨ મંગલદીપ, જદાખાડી, મહિધરપુરા, સુરત – ૩૯૫૦૩
ફોન : ૦૨૬૧-૨૪૨૨૭૬૫. મુંબઈ : ચંદુભાઈ વી. શાહ
૩, પુષ્પાંજલી, ગૌશાળા લેન મલાડ (ઇસ્ટ) , મુંબઈ-૪OG૯૭. ફોન : ૦૨૨-૨૮૮૩૪૯૧૩. સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ - ૪OOO
ફોન : ૨૨૪૦૪૭૧૭ અક્ષરાંકન : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ-૩૮૦૦૧૬
ફોન : ૦૭૯-૨૨૬૮૪૩૨
પ્રવચન પ્રાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
સારા વિચારોને સરળ શબ્દો દ્વારા વહેતા રાખવાનું અમારું વ્રત સાર્થક બનતું અનુભવાય છે. છેલ્લા આઠ વરસના સઘન પ્રયાસોના ફળસ્વરૂપે આજની ઘડીએ પૂજ્ય પ્રવચનકાર બંધુબેલડીના પુસ્તકોને મળતો પ્રતિસાદ જોઈને અમારી આંખો આનંદથી ઊભરાય છે.
ડીસા નિવાસી શ્રીયુત ભગવાનદાસ ઠક્કર (બંધુ) (બી. એ., બી. એસ. સી., એલ. એલ. બી.)-એ પ્રસ્તુત પ્રવચનને ભાવનાથી મહેકતા શબ્દપુષ્પો દ્વારા વધાવ્યું છે. તેઓ રેંજ ફોરેસ્ટ ઑફિસર છે. રખેવાળ જેવા દૈનિક સમાચારપત્રોના કટાર લેખક છે. પ્રસિદ્ધ સમાજ સેવક પણ છે. તેમનો ખૂબ આભાર.
આવો, આપણે સહુ સદ્વિચારના વાહક બનીએ.
– પ્રવચન પ્રકાશન
લાભાર્થી
Page #3
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક્તાનો શંખનાદ,
શબ્દમાં જબરદસ્ત તાકાત છે. સંત કબીરજીએ કહ્યું છે–
सबद सबद सहु को कहे, सबद के हाथ न पाँव, एक सबद औषध करे, एक सबद करे घाव. सबद सबद बहु अंतरा, सार सबद चित्त देय, जा सबदे साहिब मिलै, सो हि सबद लहि लेय.
શબ્દો શસ્ત્ર જેવા છે. તેને વાપરતા આવડવા જોઈએ. શબ્દોને જયારે સંતોની સાત્ત્વિકતાનો સ્પર્શ મળે ત્યારે સૃષ્ટિમાં સત્યનું અવતરણ થાય છે.
પરમ આદરણીય મુનિવર શ્રીવૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ રચિત “જગ સપને કી માયા’ના એક એક શબ્દમાં મને સાત્ત્વિકતાનો શંખનાદ સંભળાય છે. સંસાર વિષેની માનવની ભ્રમણાઓ સામે શબ્દ થકી રણશિંગું ફૂંકવાવાળા પરમ સંત હોય ત્યારે આ પુસ્તકની નૈતિક અને સામાજિક કિંમત આપમેળે વધી જાય છે. પૂજયશ્રી દ્વારા માનવ ઉત્થાનને અનુલક્ષીને અનેક પુસ્તકો લખાયાં છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા માણસને બહાર લાવી સાચો રાહ દર્શાવતું આ શબ્દ-પુષ્ય માનસિક અને નૈતિક વિકાસને એક નવી દિશા આપશે એમાં કોઈ શંકા નથી.
શ્રી ચિદાનંદજી મહારાજ નામના એક પ્રાચીન અધ્યાત્મ પુરુષના પદમાં પડેલા ઉંડા અને ગહન ભાવને પૂજ્યશ્રીએ સરળ અને સબળ છતાં સરસ શબ્દોમાં રજૂ કર્યો છે.
‘રે નર ! જગ સપને કી માયા’ આ પ્રાચીન પદની ધ્રુવ પંક્તિ છે.
જગત સપનાંઓની માયાવી સૃષ્ટિ છે છતાં માણસ સ્વપ્ન જોવાનું ભૂલતો નથી. સમસ્યાઓથી ઘેરાયેલો માણસ સમસ્યાઓને ઉકેલવા જતા નવી સમસ્યાઓમાં ફસાતો જાય છે. માણસે સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની જરૂર છે. મુખ્ય સમસ્યા છે—માણસના મનમાં રહેલો ખાલીપો. આ ખાલીપો પદ, પૈસા, પરિવાર કે પ્રતિષ્ઠાથી ક્યારેય ભરાતો નથી. એ ખાલીપો ભરવાના વ્યર્થ પ્રયત્નમાં ડૂબેલો માણસ ઘાણીના બળદથી વિશેષ નથી. સૂક્ષ્મ સંસાર થકી દષ્ટિભેદ થાય છે, એથી અપેક્ષાઓ આકાર લે છે. અપેક્ષાઓ થકી જ માણસ માનસિક સ્તરે અપંગ બને છે. માણસ પોતે તો રાજા હોય કે ભિખારી પરંતુ સ્વપ્નોની દુનિયામાં દરેકની માનસિકતા એક સરખી જ છે.
માણસ પોતે જયારે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ત્યારે તે પરિસ્થિતિને ભોગવ્યા સિવાય છૂટકો નથી. વીજળીના ચમકારા જેવું આ જીવન બુઝાઈ જવા માટે જ સર્જાયું છે. સંસારરૂપી ઘોર જંગલ અને અંધકારમાંથી સાવચેતીપૂર્વક પસાર થવું હોય તો વીજળીના ચમકારાની જેમ ક્યારેક ક્યારેક નસીબજોગે મળી જતા સંતોના શબ્દો અને શિખામણ ઉપયોગી નીવડી જાય છે. જન્મ અને મરણનો ગાઢ નાતો છે. જન્મેલો મરવાની શરૂઆત કરી દે છે અને મરેલો નવા જન્મ માટેની તૈયારી શરૂ કરી દે છે. પીગળતી જતી પ્રત્યેક ક્ષણને ઓળખવા દંભ અને આડંબરનો ત્યાગ જરૂરી છે. શરીર અને બાહ્ય દુર્ગધ અટકાવવા માણસ અવિરત પ્રયત્નો કરે છે. પરંતુ મનની આંતરિક દુર્ગધને દૂર કરવા માટે નિષ્ઠાપૂર્વકના કોઈ જ પ્રયત્નો થતા નથી.
સંપત્તિ નદીના પ્રવાહ જેવી છે છતાં પણ માણસે તેની સાથે વધારે પ્રેમ બાંધી દીધો છે. વધતા પૈસાનું શૂન્યતા સાથેનું બંધન અત્યંત ઘનિષ્ઠ છે લાલચુ માણસ માછલાઓની જેમ ફસાઈ જાય છે.
‘સત્યનું સ્મરણ એ જ પ્રભુનું સ્મરણ છે.” એ વાતને સમજાવી
Page #4
--------------------------------------------------------------------------
________________
અંધકારમાંથી પ્રકાશ તરફ જવા અને સ્વપ્નોનું વિસ્મરણ કરવા પૂજયશ્રીએ આ પુસ્તક થકી એક અનોખો પ્રયાસ કર્યો છે.
પૂજયશ્રી જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરે છે છતાં આ પુસ્તકની વાતો તમામ ધર્મના અનુયાયીઓને સ્વીકાર્ય બને તેવી છે અને જનસામાન્યને સમજાય એવી છે, એ આ પુસ્તકની વિશેષતા છે.
હું વ્યવસાયે ગુજરાત સરકારમાં ફરજ બજાવતો વનવગડાનો અધિકારી છું. ગત ચાતુર્માસમાં (સને ૨૦૦૫) મારા પરમ વડીલ મિત્ર શ્રી જયંતીભાઈ ઠક્કર (ઓઢાવાળા)ના પ્રયત્નોથી ડીસા ખાતે પૂજય મુનિભગવંત શ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ અને પૂજય મુનિભગવંત શ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબને સાંભળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તે ક્ષણોને મારા જીવનની સર્વોત્તમ ક્ષણો ગણું છું. પૂજયશ્રીને સાંભળવા, માણવા, જાણવા અને તેમના પ્રવચનમાંથી જ જીવનને સાચી રીતે જીવવા થોડાક શબ્દોને પકડી લેવા એ મહામૂલો લ્હાવો છે. પૂજયશ્રી માટે એક શેર રજૂ કરતાં પણ હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
રોમાંચ અનુભવું છું. પ.પૂ.મહારાજ સાહેબનાં દર્શન માત્રથી ધન્યતાનો અનુભવ થતો હોય તો તેમના પ્રવચનો સાંભળવાથી કે તેમનાં પુસ્તકો વાંચવાથી કેટલું બધું પ્રાપ્ત થઈ શકે તે તો જેઓએ પૂજ્યશ્રીને સાંભળ્યા હોય કે વાંચ્યા હોય તેઓ જ કરી શકે. આવું સદ્ભાગ્ય અનેકજનોને પ્રાપ્ત થયું છે. તેનો વિશેષ આનંદ છે.
આજે અનેક પીડાઓમાંથી પસાર થઈ રહેલા સમાજને સાચા સંતોની જરૂર છે ત્યારે પૂજયશ્રીની પ્રેરણાદાયી સંત તરીકેની ભૂમિકા અનેકજનોને નવું જીવન બક્ષે તેવી ભાવના સાથે પૂજ્યશ્રીના ચરણોમાં સાદર વંદન કરી સૌને આ પુસ્તક વાંચવા, વંચાવવા અને વસાવવા મીઠી સલાહ આપું છું.
ભગવાનદાસ ઠક્કર (બંધુ)
વિજયા દશમી ૦૨-૧૦-૦૬, સોમવાર
'गा सकुं आपका नगमा वो साज कहाँ से लाउँ सुना सकुं कुछ आपको वो अंदाज कहाँ से लाउँ, यु तो चाँदकी तारीफ करना आसान है कर सकुं आपकी तारीफ वो अलफाझ कहाँ से लाउँ.'
પૂજયશ્રી દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો સામાન્ય ચોપડીઓ નથી. પરંતુ લાખો રૂપિયા ખર્ચતાં પણ ના મટી શકે એવા મનોરોગોને કાબૂમાં લેવા માટેની એક મહામૂલી ચિકિત્સા પદ્ધતિ છે.
પૂજયશ્રી સાંનિધ્ય સાંપડવું એ પણ સદ્ભાગ્ય છે. આવું જ સદ્ભાગ્ય અનેકજનોને સાંપડે અને માનવજાતના પરિવર્તનમાં પૂજયશ્રીના શબ્દો અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે તેવી લાગણી અને સંવેદનાને આ ક્ષણે પ્રગટ કરતાં
Page #5
--------------------------------------------------------------------------
________________
જગ સપને કી માયા, રે નર ! જગ સપને કી માયા
સપને રાજ પાય કોઉ રંક પું, કરત કાજ મન ભાયા; ઉઘરત નયન હાથ લાખ ખપ્પર, મન હી મન પછતાયા.
ચપલા ચમકાર જિમ ચંચલ, નરભવ સૂત્રો બતાયા; અંજલિ જલ સમ જગપતિ જિનવર, આયુ અથિર દરસાયા.
યોવન સંધ્યારાગ-રૂપ ફુનિ, મલ મલિન અતિ કાયા; વિણસત જાસ વિલંબ ન વંચક, જિમ તરુવર કી છાયા.
સરિતા વેગ સમાન કર્યું સંપતિ, સ્વારથ સુતમિતજાયા; આમિષ-લુ મીન જિમ તિન સંગ, મોહ જાલ બંધાયા.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ ફરમાવે છે કે આ સંસાર સમસ્યાઓનું ઘર છે. સંસારની આગળ-પાછળ, ઉપર-નીચે, ચારે બાજુ સમસ્યાઓ છે. આ સમસ્યાઓને સમજવામાં જ માનવીનું આખું જીવન પસાર થઈ જાય છે. જે પળે સમસ્યાઓના મૂળની ખબર પડે છે તે પળે મૃત્યુ માત્ર એક આંગળ જેટલું જ દૂર હોય છે. સમસ્યા વણઉકેલાયેલી રહે છે. ફરી જીવન–ફરી સમસ્યાઓ–ફરી મરણ–આ ચક્ર કંઈ કેટલાય કાળથી ચાલુ જ છે.
પરમાત્માએ આ વિષચક્રના મૂળને જાણ્યું છે અને મૂળ સમસ્યાનો ઉકેલ આપણી સમક્ષ મૂક્યો છે. પણ કમનસીબી કે કોઈનું ધ્યાન તે તરફ નથી..
શ્રી ચિદાનંદજી મહારાજ રચિત પદના સહારે સમસ્યાના મૂળને અને તેના ઉકેલને જાણવાનો પ્રયત્ન કરીએ..
જગ સપને કી માયા... પદના શબ્દો સરળ છે. ભાવ ગહન છે.
એકવીસમી સદીમાં કોઈ બૌદ્ધ સાધુ પાસે એક યુવક આવ્યો. સાધુના ચરણોમાં નમન કરીને તેણે કહ્યું ‘ભંતે ! એક સમસ્યા લઈને આવ્યો છું. આપ કોઈ માર્ગ બતાવો.” ભંડેએ કહ્યું, ‘આજનો માનવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. શ્રીમંત હોય, મધ્યમવર્ગી હોય કે ગરીબ હોય બધાને સમસ્યાઓ છે. શ્રીમંત પાસે પૈસા છે પણ આરોગ્ય નથી. ખવાતું નથી, પીવાતું નથી. મધ્યમવર્ગીને નોકરીની, ધંધાની, મોંઘવારીની સમસ્યા છે. ગરીબનું તો જીવન જ સમસ્યા છે આ જમાનામાં. તમામ લોકો
એ સંસાર અસાર સાર પિણ, યા મેં ઇતના પાયા; ચિદાનંદ પ્રભુ સુમિરન સેંતિ, ધરિયે નેહ સવાયા.
Page #6
--------------------------------------------------------------------------
________________
સમસ્યાઓથી ઘેરાયેલા છે. પરંતુ વત્સ ! તું નિરાશ ન થા. સમસ્યા છે તો તેનો ઉકેલ પણ છે. બુદ્ધના સમયમાં એક દંપતીનો એકનો એક પુત્ર મરી ગયો હતો. તે દંપતી મૃતપુત્રને બુદ્ધ પાસે લાવ્યા. બુદ્ધના પગમાં પડીને વિનવવા લાગ્યા ગમે તે કરો. પુત્રને જીવિત કરો. બુદ્ધે શું કહ્યું ખબર છે? બુદ્ધે કહ્યું જેના ઘરમાં કોઈનું મરણ ન થયું હોય તેના ઘરમાંથી મીઠું લઈ આવો. એવું મીઠું મળ્યું નહિ અને બુદ્ધના આશ્વાસનથી દંપતી શાંતભાવમાં ઉપસ્થિત થયું. વત્સ ! દરેક સમસ્યાનો ઉકેલ છે. તે પણ એક કામ કર. બધાના જીવનમાં સમસ્યા તો છે અને સમસ્યા એક નથી અનેક છે. એટલે બિલકુલ સમસ્યા વિનાનો માણસ મળવો મુશ્કેલ છે. તું એવો એક આદમી શોધી લાવ જેના જીવનમાં એક જમાત્ર એક જ સમસ્યા હોય, બિલકુલ ન હોય તો અતિ ઉત્તમ. પણ તેવો આદમી મળવો મુશ્કેલ છે. જેના જીવનમાં માત્ર એક જ સમસ્યા હોય તેવો આદમી ખોજી લાવ અને તેના હાથે બનાવેલી ‘ચા' પી લે. તારી તમામ સમસ્યા ઉકેલાઈ જશે. ભગવાન બુદ્ધના આશીર્વાદ તારી સાથે છે.'
પેલો યુવક શોધમાં નીકળ્યો. બધાં જ માણસોના જીવનમાં નાનીમોટી ઘણી સમસ્યાઓ છે. માત્ર એક જ સમસ્યા લઈને જીવતો હોય તેવો માણસ તેને મળતો નથી. આખરે એક આદમી એવો મળી ગયો જેનાં જીવનમાં એક જ સમસ્યા હતી. તે યુવક અધીર બની ગયો તેના પગ પકડીને કહ્યું “મહેરબાની કરીને તમારા હાથની એક કપ ચા પીવરાવી દો નહીં તો મારે આત્મહત્યા કરવી પડશે.” પેલા આદમીએ કહ્યું “મારા જીવનમાં એક જ સમસ્યા છે અને તે એ કે મને ચા બનાવતા આવડતું નથી.' યુવકે બેહોશ થઈને ઢળી પડ્યો.
સમસ્યાઓ તો અનેક છે પણ મૂળ સમસ્યા એ છે કે માનવીના મનનો એક ખુણો સદા ખાલી રહે છે. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તે ખૂણો ભરાતો નથી. પૈસા પાછળ માનવી એટલા માટે દોડે છે કે પૈસાથી એ ખૂણો ભરાય. પ્રિયપાત્રને એટલા માટે ઝંખે છે કે – પ્રિયપાત્ર એ ખાલી જગ્યા ભરી દે. પદ કે પ્રતિષ્ઠા પાછળ એટલા માટે મરે છે – પદ કે પ્રતિષ્ઠાથી મન ભરાઈ જશે. પણ કશું જ બનતું નથી. શું પૈસા, શું પ્રિયપાત્ર, શું પદ કે શું પ્રતિષ્ઠા,
કોઈ જ મનના ખાલી ખૂણાને ભરી શકતું નથી. જીવન અઘરું અઘરું લાગે છે. મનનું આખું મંદિર માણસે સમજાવ્યું છે છતાં તેમાં મૂર્તિની જગ્યા જ ખાલી પડી છે, મૂર્તિની જગ્યાએ માણસે બધું મૂકી જોયું પૈસા, પ્રિયપાત્ર, પદ, પ્રતિષ્ઠા પણ કોઈ ચીજ ત્યાં શોભતી નથી. ઉપરથી તે કદરૂપી લાગે છે અને મંદિરની સજાવટમાં દખલ કરે છે. તેનું શું કરવું તે સમજાતું નથી. મૂર્તિની જગ્યા તે લઈ શકે તેમ નથી. બીજે ક્યાંય ઍડજેસ્ટ થતી નથી અને બહાર કાઢી શકાય તેમ નથી. નવી સમસ્યા સર્જાય છે.
મનની શાંતિ માણસ પામવા પૈસા ભેગા કરવા માંડે છે. પૈસાથી શાંતિ તો મળતી જ નથી, સમસ્યા તો ટળતી જ નથી. ઉપરથી પૈસો સમસ્યાની નવી ફોજ લઈને આવે છે. પૈસો આવે છે, લોભ આવે છે, ભય આવે છે, સ્પર્ધા આવે છે, ઇર્ષા આવે છે, સંઘર્ષ આવે છે, અભિમાન આવે છે. પ્રિયપાત્ર પોતે જ સમસ્યામાં છે તે આપણી સમસ્યામાં શું સહાય કરશે ? ઉપરથી તેના સુખદુઃખ આપણા બની જાય છે. પદ અને પ્રતિષ્ઠા સાથે તો રાજકારણનો જનમોજનમનો નાનો છે.
કોઈ ચીજથી મનની જગ્યા ભરાતી નથી. કોઈ ચીજથી સમસ્યા ઉકેલાતી નથી. માણસ, જેનાથી સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે તે જ ચીજો નવી સમસ્યાઓ ખડી કરે છે. તે સમસ્યાઓ ઉકેલવામાં મૂળ સમસ્યા ભૂલાઈ જાય છે અને સમસ્યાઓનું આખું વિષચક્ર ચાલુ થઈ જાય છે.
માનવીના મનની ખાલી જગ્યા પૂરવાની તાકાત કોઈ સાંસારિક વસ્તુઓમાં નથી. એ ગલતફહેમી છે કે - સંસાર કે સાંસારિક પદાર્થો આપણને સંતોષથી ભરી શકશે. એક ગલત દૃષ્ટિકોણને કારણે જન્મેલી ભ્રાંતિ છે. સચ્ચાઈ નથી, આભાસ છે. સંસારમાં માનવીના મનોરથોને પૂર્ણ કરવાની ક્ષમતા હોત તો આજ સુધીમાં આપણે કયારનાય સંતુષ્ટ થઈ ચૂક્યા હોત. કોઈ અનાદિકાળચક્રથી આપણે ઘૂમ્યા કરીએ છીએ પણ તૃષ્ણા એની એ જ છે. કારણ આપણી દોટ સત્ય પાછળની નથી, સ્વપ્ન પાછળની છે.
સ્વપ્ન પાછળની દોટને કારણે આપણે ઘૂમીએ છીએ. પણ એ દોટમાં પ્રગતિ નથી. ઘાણીના બળદની જેમ અનંત કાળથી એકના એક
Page #7
--------------------------------------------------------------------------
________________
૫
વર્તુળમાં આપણે ચક્કર મારી રહ્યા છીએ. એ જ સવારે ઉઠવું, નહાવું, ધોવું, ખાવું, પીવું, કમાવું, ફરવું, રાત્રે એ જ પથારીમાં સૂઈ જવું આ આપણું જીવન છે. પ્રેમ કરીને દુશ્મનાવટ કરવી, દુશ્મનાવટ કરીને પ્રેમ કરવો, છેતરાવું, છેતરવું એ જ ક્રમ ચાલ્યા કરે છે. ઘાણીના બળદની જેમ. ઘાણીનો બળદ એકની એક જગ્યાએ કેમ ચાલી શકે છે ? ખુલ્લી આંખે બળદ ઘાણી ફેરવી જ ન શકે. ધાણી ફેરવવા તેની આંખે પટ્ટી બાંધવી જરૂરી છે. એ પટ્ટીમાંથી આજુબાજુનું દશ્ય દેખાતું નથી માત્ર સામેનું દૃશ્ય જ દેખાય છે. એટલે બળદને એમ જ લાગ્યા કરે કે હું સીધી લાઈનમાં ચાલું છું. આગળને આગળ ચાલું છું. પણ તેનું પરિભ્રમણ એક ધરીની આસપાસ જ થતું હોય છે.
ઘાણીના બળદની જેમ માનવીની આંખો પર પણ પટ્ટી બંધાયેલી છે. વાસનાની પટ્ટી...વાસનાની પટ્ટીમાંથી સંસારનું સાચું દશ્ય દેખાતું નથી પરિણામે એક જ વર્તુળમાં ગતિ ચાલ્યા કરે છે. ઘાણીના બળદની આંખો પર પટ્ટી ઘાંચી બાંધે છે. આપણી આંખો પર વાસનાની પટ્ટો ચઢાવનાર બીજું કોઈ નથી આપણે પોતે છીએ. હા...આપણે સ્વયં...આપણા સિવાય કોઈ આપણને વાસનાની પટ્ટી ચઢાવી નથી શકતું. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે આપણે જ આપણી જાતે વાસનાના ગુલામ બન્યા છીએ.
વાસના એટલે આવેશ પેદા કરનારી પદાર્થો પ્રત્યેની જબરદસ્ત આસક્તિ. આસક્તિ આવેશ પેદા કરે છે. આવેશમાં માનવી આંધળો બને
છે અને આવેશમાં અંધ બનેલા આદમીને સાચું દર્શન ક્યારેય થતું નથી. વાસનાથી હંમેશા આભાસ દેખાય છે. હરણને જેમ મૃગજળનો આભાસ થાય તેમ. વાસનાથી સત્ય દેખાતું નથી. વાસનાની નજરે દેખાતું દશ્ય સત્ય નથી પણ સ્વપ્ન છે. આપણા મનમાં જન્મોજનમથી વાસનાનો પ્રવાહ ચાલી રહ્યો છે એ વાસનાને કારણે જ સંસાર સત્ય લાગે છે. જેનું મન શુદ્ધ બની ગયું, જેનું મન વાસનારહિત બની ગયું છે તેને સંસાર સ્વપ્ન જેવો લાગે છે.
જે દિવસે આ સત્ય સમજાઈ જશે કે સંસાર સત્ય નથી પણ સ્વપ્ન છે, એ દિવસથી જ સમસ્યાઓ દૂર થઈ જશે. મનની ખાલી જગ્યા
૬
ભરાવાનો સાચો પ્રયત્ન શરૂ થશે. તે પહેલાના તમામ પ્રયત્નો વિફળ સાબિત થવાના છે. મનને ભરવું હોય, પરિપૂર્ણ બનવું હોય તો સહુથી પહેલો ઉપાય છે—ગલત દૃષ્ટિને ત્યાગો, મનને વાસનાની ગુલામીમાંથી બહાર કાઢો. સંસાર સ્વપ્ન છે, સત્ય નથી.
શ્રી ચિદાનંદજી મહારાજા પદમાં આ સંદેશ આપી રહ્યા છે. જગ સપનેં કી માયા, રે નર ! જગ સપને કી માયા.
પૂરો સંસાર સપનાંઓથી માયાવી સૃષ્ટિ છે. માયા એટલે વાસનાએ જન્માવેલું વિપરીત જ્ઞાન. વેદાંત દર્શનમાં માયાની બે શક્તિઓ માનવામાં આવી છે. આવરણ શક્તિ અને વિક્ષેપશક્તિ. જે છે તેને ઢાંકી દેવું તે આવરણ અને જે નથી તેનું સર્જન કરવું તે વિક્ષેપ. વાસના, સત્યને તિરોહિત કરે છે અને સ્વપ્નનું સર્જન કરે છે. ચિદાનંદજી મહારાજા જગને સપનાંઓની માયા કહે છે.
મહાપુરુષો જ્યારે એમ કહે છે કે સંસાર સ્વપ્ન છે કે સંસાર ભ્રમ છે, ત્યારે તેનો અર્થ સમજવા જેવો છે. બાહ્ય સંસારની વાત તેઓ નથી કરતાં. એ સંસાર તો છે જ. જે દેખાય છે, અનુભવાય છે તેને સપનું કેવી રીતે કહેવાય ? આ સ્થૂલ સંસાર છે. સ્થૂલ સંસાર સાથે મહાપુરુષોને ઝાઝો સંબંધ નથી. મહાપુરુષો સંસારને સ્વપ્ન હોવાની વાત કરે છે તે સંસાર સૂક્ષ્મ સંસાર છે. ભીતરનો સંસાર.
દરેક માનવી બે સંસારમાં જીવે છે એક સંસાર છે જે બાહ્ય નજરોથી દેખાય છે તે અને બીજો છે તે બાહ્ય સંસારના આધારે કલ્પનાઓ કરીને માણસે જન્માવેલી એક નવી સૃષ્ટિ છે. બાહ્ય સંસાર બધા માટે એક સરખો છે પણ ભીતરનો સંસાર દરેકનો અલગ અલગ છે. દરેકની કલ્પનાઓ અલગ અલગ છે. દરેકની દિષ્ટ અલગ અલગ છે. વાસના, બાહ્ય સંસારના સહારે મનમાં હવા ભરવાનું કામ ચાલુ કરે છે અને અપેક્ષાઓની નવી સૃષ્ટિનું નિર્માણ થાય છે.
ચાર દિવાલ, બારી-બારણાં, છાપરું, ફર્નીચર, કિચન, બેડરૂમ,
Page #8
--------------------------------------------------------------------------
________________
ડ્રોઇંગરૂમ, બાથરૂમ, આ સુવિધા ધરાવતું આપણું ઘર એ બહારનો સંસાર છે અને ‘મારું ઘર આવું હોવું જોઈએ. એક હજાર દરવાજાનો મહેલ હોય. પગ મૂકીએ તો ખૂંપી જાય તેવી જાજમો હોય. અત્તરના ફુવારા ઉડતા હોય. બાથરૂમના નળ સોનાના હોય. પ્રકાશ આવે પણ ગરમી ન લાગવી જોઈએ. ઠંડી ન પડવી જોઈએ, આંખ મીંચતાં જ ઉંઘ આવી જાય તેવો પલંગ જોઈએ’....આ તમામ કલ્પનાઓ ભીતરી સંસાર છે. ‘મારા પિતા દશરથ જેવા હોવો જોઈએ, પુત્ર રામ જેવો હોય, ભાઈ ભરત જેવો હોય, ભાગીદાર હનુમાન જેવો હોય, પત્ની સીતા જેવી હોય.’ (અને હું ? હું, રામ છું કે રાવણ તેની મને જ ખબર નથી.) આ બધી ભીતરના સંસારની સ્વપ્નસૃષ્ટિ છે.
બહારના સંસાર કરતાં ભીતરનો સંસાર બહુ ખતરનાક છે. મનોવિજ્ઞાન કહે છે, ‘માણસ દુ:ખી કેમ છે ? તેની અપેક્ષાઓ વાસ્તવિકતાથી જુદી છે. તેની કલ્પનાઓ ગગનવિહારી છે અને પગ ધરતી પર છે. ધરતી પરનો સંસાર અને આકાશમાંનો સંસાર એક સાથે ચાલી શકતા નથી. તેને કારણે દ્વન્દ્વ સર્જાય છે.' દુઃખનું મૂળ આ છે - આપણી કલ્પનાઓ. ભીતરનો સંસાર.
શ્રી ચિદાનંદજી મહારાજ આ ભીતરી સંસારની વાત કરે છે કે - તે સત્ય નથી પણ સ્વપ્ન છે. અને વહેલી તકે આ સપનામાંથી બહાર આવો. ષ્ટિને ઉઘાડો.
રાજા જનકને રાત્રે સ્વપ્ન આવ્યું કે - તે ગરીબ થઈ ગયા છે. રાજ કાજ હારી ગયા છે. દેશ છોડીને ભાગી જવું પડ્યું છે અને ભીખ માંગીને જીવન ગુજારવું પડે છે. સપનાંએ રાજાને વિચારતા કરી મૂક્યા કે - મારું ક્યું જીવન સાચું ? બીજે દિવસે સવારે તેમણે વિદ્વાનોને બોલાવી ધર્મસભા ભરી અને પ્રશ્ન કર્યો ‘ગઈકાલે રાત્રે મેં સ્વપ્ન જોયું હું ભીખારી થઈ ગયો. તો મને સવાલ થાય છે કે - મારું ક્યું જીવન સાચું ? કઈ સૃષ્ટિ સાચી ? રાત્રે મેં સ્વપ્નમાં જોઈ તે કે અત્યારે હું જે રાજાપાઠમાં છું ને ? ઘણાં વિદ્વાનોએ જવાબ આપ્યો. પણ તેનાથી રાજાને સંતોષ ન થયો. આખરે ઋષિ અષ્ટાવક્રને બોલાવવામાં આવ્યા. તમને રાજાએ પૂછ્યું, ‘ઋષિવર !
મને સમજાતું નથી કે કઈ સૃષ્ટિ સાચી ? કાલે રાત્રે સ્વપ્નમાં જોઈ તે કે આજે સવારે સિંહાસન પર બેઠો છું તે ?' અષ્ટાવક્રે કહ્યું, ‘રાજન ! જે વ્યક્તિ પ્રશ્નનો આરંભ ખોટા છેડાથી કરે છે તેને ઉત્તર ખોટો મળે છે. તમારા પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવા પ્રશ્નનો સાચો છેડો પકડવો પડશે. રાજન્ ! સવાલ એ ન કર કે કઈ સૃષ્ટિ સાચી છે ? સવાલ એ કર કે કઈ દષ્ટિ સાચી છે ? જે દૃષ્ટિએ સ્વપ્ન જોયું તે કે જે દિષ્ટ આ જોઈ રહી છે તે ? સૃષ્ટિની પાછળ અટવાવાનું છોડી દૃષ્ટિનો વિચાર કર. દૃષ્ટિ ખોટી છે તો બન્નેય ખોટા છે. રાજન્ ! દિષ્ટિને સુધાર. જે દિવસે દિષ્ટ સાચી થઈ જશે સપનાં આવવાના બંદ થઈ જશે. સપનાં બંધ થશે, સત્ય આપમેળે પ્રગટશે, તું એમ માને છે કે ભિખારી હોવું એ સ્વપ્ન છે અને રાજા હોવું એ વાસ્તવિકતા છે તો તું ભૂલે છે. તું રાજા પણ છે તો સપનાંમાં છે. કારણ તારી દિષ્ટ સપનાંની છે. જ્યાં સુધી ષ્ટિ સાચી નથી ત્યાં સુધી આખો સંસાર સ્વપ્ન છે.'
જગ સપને કી માયા.
એક ચિંતકે કહ્યું છે—સપનાં બે પ્રકારના છે. એક ઉંઘમાં આવે તે સ્વપ્નો અને બે ઉંઘ પૂરી થયા પછી પણ આવે તેવા સ્વપ્નો. ઉંઘમાં આવનારા સ્વપ્નો ઉંધ સાથે કે પૂરા થઈ જાય છે પણ ઉંધ પૂરી થઈ ગયા પછી પણ જે સ્વપ્નો આવે છે તે ઉંધમાં પણ ચાલુ જ રહે છે. આવા સ્વપ્નોને દિવાસ્વપ્નો કહે છે. શેખચલ્લીના વિચારો દિવાસ્વપ્નો છે. દરેક માણસમાં વધતે ઓછે અંશે શેખચલ્લી વાસ કરતો હોય છે. રાત્રે સપનાં જોનાર આદમીની બાહરની આંખો બંધ હોય છે. દિવસે સપનાં જોનાર આદમીની અંતરની આંખો બંધ હોય છે. દિવાસ્વપ્નો જોનાર માનવીને શ્રીચિદાનંદજી મહારાજ કોમલ શિખામણ આપે છે.
રે નર ! જગ સપને કી માયા.
સપને રાજ પાય કોઉ રંક જ્યું, કરત કાજ મન ભાયા; ઉઘરત નયન હાથ લખ ખપ્પર, મન હી મન પછતાયા. ચાંક એક વાર્તા વાંચેલી જેમાં એક ભિખારીના સપનાંની વાત છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧0
મુંબઈની કોઈ ફૂટપાથ પર સૂતેલા ભિખારીને સપનું આવે છે તેને લોટરી લાગી રોડપતિમાંથી કરોડપતિ બની ગયો. ચારે બાજુ આશ્ચર્ય છે. સપનામાં તે શ્રીમંત બનેલો ભિખારી પોતાની જાતને ઉઠાડવા છેક મલબાર હિલથી કારમાં બેસીને આવે છે. કારમાંથી ઉતરીને પોતે જ પોતાને ઉઠાડે છે. તે ઉઠતો નથી એટલે જોરથી ઢંઢોળે છે ને ભિખારીનું સ્વપ્ન તૂટે છે. પોલીસ દંડો મારવાની તૈયારી કરતો હોય છે. ભિખારીના સુખદ સ્વપ્નનો કરુણ અંજામ આવે છે. તે મીઠાં સ્વપ્નને આંખમાં આંજીને ભિખારી ઊભો થાય છે. સપનાંને ખંખેરીને ભીખ માંગવાના કામમાં લાગી જાય છે. સપનાં જોવાથી પેટ નથી ભરાતું. શ્રીમંત થવાની વાત તો ઘણી દૂર છે.
ભિખારીની માનસિક્તા જેવી જ દરેકની માનસિકતા છે. વાર્તાના ભિખારીને સમજણ હતી કે શ્રીમંત બનવાના સ્વપ્ન જોવાથી શ્રીમંત થવાતું નથી. ઉપરથી એ સ્વપ્ન આપણા દુઃખમાં ઉમેરો કરે છે. સપનાંઓની શ્રીમંતાઈનો કેફ શ્રીમંત બનવા દેતો નથી અને રોજની રોટલી કડવી કરી મૂકે છે. એ સપનાંઓને ભૂલવાં જ સારાં...મનમાંથી દૂર કરવા જ સારાં....
સપને રાજ પાય કોઉ રંક ક્યું, કરત કાજ મન ભાયા; ઉઘરત નયન, હાથ લખ ખપ્પર...
રાત્રિસ્વપ્નો અને દિવાસ્વપ્નો વચ્ચે ફરક એટલો જ છે કે એકમાં આંખ ખુલ્લી હોય છે બીજામાં બંધ. તે સિવાય તેમનામાં કોઈ તફાવત નથી અસારતાની દષ્ટિએ, વ્યર્થતાની દૃષ્ટિએ બન્ને સરખાં છે. અને જયારે આપણે સેવેલા સપનાં પૂર્ણ થતાં નથી ત્યારે પારાવાર પસ્તાવો થાય છે અને એ પસ્તાવો કોઈને કહી શકાતો નથી. એને પ્રગટ કરવો આપણી મૂર્ખામીનું પ્રદર્શન છે. કોઈએ કહ્યું ન હતું કે સપના જોજો...તમે જોયા તમે પસ્તાઓ.
આપણાં સપનાં પૂર્ણ નથી થતાં તેમાં પરિસ્થિતિનો વાંક કાઢી શકવાની સ્થિતિમાં આપણે નથી, કારણ કોઈ પરિસ્થિતિ તમારા સપનાઓમાં ભાગીદાર નથી. તમે પથ્થરને ગળે વળગાડો કે એને મારો. પથ્થરને કોઈ ફરક પડતો નથી. પથ્થર હીરાનો હશે તો ગળે વળગાડશો તેથી પથ્થર ખુશ
નથી થવાનો કે પથ્થર વાગશે અને મારશો તો રડશે પણ નહિ. પથ્થરને મારવાથી ઉપરથી આપણને વાગશે.
આપણા સુખ-દુ:ખ માટે પરિસ્થિતિ જવાબદાર નથી. આપણા સપનાં જવાબદાર છે. તેની આપણને બરોબર ખબર છે એટલે જ કોઈને કહી શકતા નથી. પણ મનમાં ને મનમાં પસ્તાવો થાય છે. દુ:ખી છીએ પણ દુ:ખી હોવાની સ્વીકૃતિ નથી. સુખી નથી છતાં સુખી હોવાનો દેખાવ ચાલુ છે. આ દંભ છે. દંભી માણસ સતત સળગ્યા કરતો હોય છે. દંભના મૂળમાં જ અસફળતા છે. અસફળતાને છૂપાવવાના પ્રયત્નનું નામ ‘દંભ' છે. દંભ પણ લાંબો સમય ટકતો નથી. વાસ્તવિકતા દંભને ખુલ્લો પાડે જ છે. દંભ ખુલ્લો પડે છે મતલબ અસફળતા છતી થાય છે. અસફળતા માનવીની બહુ મોટી વેદના છે.
મન હી મન પછતાયા.
ભીતરની આંખો ઉઘડે છે...બધું જ વ્યર્થ જણાવા માંડે છે ત્યારે પસ્તાવો કે અસફળતાનો પ્રશ્ન ઉઠતો નથી. બધું જ વ્યર્થ છે તેથી પ્રાપ્તિની આકાંક્ષા નથી તેથી જ અપ્રાપ્તિનું દુઃખ નથી. મેળવવાનો પ્રયત્ન જ નથી. તેથી અસફળતાનો કે સફળતાનો સવાલ જ પેદા થતો નથી.
સંસારની વ્યર્થતાનો બોધ જાગૃતિનું પ્રથમ ચરણ છે. સપનાંના સંસારનું દૃશ્ય મનોરમ છે. સપનામાં દેખાતા પદાર્થો રૂડાં અને રૂપાળાં લાગે છે, સારાં અને પ્યારા લાગે છે. પણ તે વાસ્તવિક નથી. ઉધાડી આંખે સંસાર કેવો દેખાય છે ? તેની વાત શ્રી ચિદાનંદજી મહારાજ કરી રહ્યા છે.
ચપળા ચમકાર જિમ ચંચળ, નરભવ સૂત્ર બતાયા.
સૂત્રમાં = શાસ્ત્રમાં કહ્યું છે. આ મનુષ્યજન્મ વિજળીના ચમકારા જેવો છે, ચંચળ, વિજળીનો ચમકાર રોજ જોવા નથી મળતો. વર્ષાઋતુમાં, વરસાદના દિવસો નજીકમાં હોય ત્યારે જ વિજળી ચમકે. તેમાં પણ જ્યારે બે વાદળો અથડાય ત્યારે જ વિજળી ચમકી જાય ક્ષણ માટે. વાદળો બંધાય, વરસાદ પડે તે સહજ ઘટના છે. પણ વિજળી ચમકી જવી જરા દુર્લભ ઘટના છે. વિજળી ચમકી તે તરફ ગરદન ઊઠી ન ઊઠી, આંખો અટકી ન
Page #10
--------------------------------------------------------------------------
________________
અટકી ત્યાં વિજળી બુઝાઈ જાય છે. માનવભવ વિજળીના ચમકાર જેવો છે કયારેક જ મળે અને હજી જોયો ન જોયો, હજી તો જમ્યા, હમણાં જ મોટા થયા કમાતા થયા, વૃદ્ધ થયા અને મરી ગયા. ક્ષણ બે ક્ષણમાં તો જીવન પસાર થઈ જાય છે. માનવભવની વાસ્તવિકતા આ છે. તેની પ્રાપ્તિ પણ દુર્લભ છે અને સ્થિતિ પણ દુર્લભ છે. એક તો મળવો મુશ્કેલ અને મળ્યા પછી નિર્વિઘ્ન ચાલે તો પણ ક્ષણ બે ક્ષણનું આયુષ્ય...બસ ! ૬૦-૭૦-૮૦ વરસમાં ખેલ ખતમ.
માનવભવને વિજળીની ઉપમા આપી છે તે ઘણી સાર્થક છે. વિજળી ભલે સહેલાઈથી જોવા ન મળે, ભલે ક્ષણભર રહે, ઝાઝું ટકે નહિ પણ એટલા સમય માટે પણ પ્રકાશ તો આપે જ; ચમકે તો ખરી જ. સૂરજ પણ જયારે ઢંકાઈ જાય ત્યારે વિજળી પ્રકાશ આપે છે. ભલે એક ક્ષણ માટે પણ પ્રકાશનું મહત્ત્વ છે અને એ વિજળીના પ્રકાશમાં જેને જોવાની કળા આવડી જાય તેનું કામ થઈ જાય.
પુરાણા કાળની કથા છે. એક ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા. પુરાણા કાળમાં આજની જેમ માત્ર પાંચ અભ્યાસ કલાક ભણીને ઘરે પાછા જતા રહેવાની પ્રથા ન હતી. પૂરો બ્રહ્મચર્યકાળ ગુરુકુળમાં જ વીતાવવાનો રહેતો અને ગુરુકુળમાં પ્રવેશ માટે યોગ્યતા સાબિત કરવી પડતી. તે માટે પરીક્ષાઓ પણ લેવાતી. ગુરુકુળના આચાર્ય વિદ્યાર્થીઓને કહ્યું, ‘આજે તમારી પરીક્ષા છે, તૈયાર રહેજો .’ આચાર્યે રાત્રે સહુ વિદ્યાર્થીઓને એકત્રિત કર્યા. ફાનસ લઈને ગામ બહાર અજાણી જગ્યાએ લઈ ગયા અને કહ્યું, ‘જુઓ ! ગુરુકુળની સીમા અહીં પૂરી થાય છે. અહીંથી જંગલ શરૂ થાય છે. વેરાન જંગલ છે. હિંસ પશુઓ છે. ઝેરી જાનવર છે. વાઘ-દીપડા-સાપ-વીંછી બધું જ છે. આ જંગલમાં તમારે જવાનું છે. તે પણ પ્રકાશ વગર, આ ફાનસ લઈને હું પાછો જવાનો છું. તમારે જંગલમાં લીમડાનું ઝાડ ગોતીને તેનું દાતણ લાવવાનું છે. એક જ લીમડો છે અને ધ્યાન રાખજો. આગળ ક્યાંક કૂવો છે. ઊંડો છે અને પાળ વગરનો છે. પડી ન જવાય જેનામાં હિંમત હોય તે જાય. ન હોય તે મારી સાથે પાછા આવી શકે છે.' આટલું કહીને આચાર્ય પાછું ફરીને ચાલવા માંડ્યું.
ચારે બાજુ અમાસની રાત્રિનો ઘોર અંધકાર, આકાશમાં ઘેરાયેલા વાદળા અંધકારને વધુ ઘોર બનાવે છે. પોતાનો હાથ પણ દેખાતો નથી તો લીમડાનું ઝાડ કેવી રીતે દેખાશે ? વળી ભય છે–હિંસ પશુઓ, ઝેરી જાનવર, વાઘ-દીપડા-સાંપ-વીંછી, હમણાં વરસાદ પડશે. વાદળાં છે, વિજળી ચમકે છે. પાછો કૂવો છે. આગળ ભય જ ભય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને ગયા જ નહિ. ત્યાંથી જ પાછા વળી ગયા. બે-ચાર જણ હિંમત કરીને ગયા પણ છ-સાત ડગલાં ચાલીને તે પણ પાછા વળી ગયા. માત્ર એક શિષ્ય ગયો. મોડી રાત્રે દાતણ લઈને પાછો આવ્યો. સવારે આચાર્યએ બધા શિષ્યોને એકત્રિત કર્યા અને કહ્યું, ‘આ હિંમતવર દાતણ લઈ આવ્યો છે.” બધાંને જિજ્ઞાસા થઈ ‘કેવી રીતે લાવ્યો ?' આચાર્યએ કહ્યું ‘નિવેદન કરો.”
શિષ્ય કહ્યું ‘ગુરુદેવ ! માત્ર આપની કૃપાથી. પહેલાં તો સહુની જેમ મને પણ ડર લાગ્યો કારણ ડગલે ને પગલે મૃત્યુનો ભય હતો. રસ્તો દેખાતો ન હતો પણ એક શ્રદ્ધા હતી કે આચાર્યશ્રીએ કહ્યું હશે તો કંઈક કારણ હશે. એક સાધારણ લીમડાના દાતણ માટે શિષ્યનો જાન જોખમમાં મૂકે તેવા નાદાન તો આચાર્ય ન જ હોય. છતાં આચાર્યશ્રીએ કહ્યું છે. એ દાતણમાં કંઈ વિશેષ હશે, વધુમાં વધુ શું થશે યા તો હિંન્ને પશુ હુમલો કરશે યા તો સાપવીંછી કરડશે યા તો કુવામાં પડી જવાશે એટલું જ ને ? તેથી શું ? હું મરી જઈશ એટલું જ ને ? બીજા માટે આ સંસારમાં ઘણી વાર મર્યો છું. એક વાર ગુરુના વચન માટે મરીશ તો મરવું પણ સાર્થક બનશે. આ વિચારણાએ મને ગજબની હિંમત આપી. ભય ટળી ગયો. ભય ટળ્યો એટલે આપોઆપ રસ્તો ખૂલી ગયો અને શું વાત કરું ? જયાં કંઈ જ દેખાતું ન હતું ત્યાં થોડું થોડું દેખાવા માંડ્યું. ચારે કોર અંધારું હતું. પ્રકાશનું એક જ સાધન હતું–આકાશની વિજળી. તેમાં આગળનો રસ્તો જોવાનો યત્ન કર્યો. શરૂમાં તો તકલીફ પડી. બહુ ઓછું દેખાતું. પણ થોડા જ અભ્યાસથી આખો રસ્તો ખૂલી ગયો. ન કૂવો, ન સાપ, ન વીંછી ન ભય...બસ ! આપની કૃપાદૃષ્ટિનું પરિણામ.'
આચાર્યે કહ્યું, ‘શિષ્યો ! દાતણનું કોઈ મૂલ્ય નથી. દાતણમાં કોઈ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૪
વિશેષતા નથી. આ તમારી પરીક્ષા હતી. હિંમતની પરીક્ષા, સત્ત્વની પરીક્ષા. આ પહેલો પાઠ છે. આ સંસાર જંગલ જેવો છે. અહીંયા સદા માટે ઘોર રાત્રિ છે. સદા અંધારું છે. આફતો સદાની છે. ભય સદાનો છે અને તેમાંથી જ રસ્તો કરવાનો છે. દરેક જણને ફરજિયાત આ જંગલમાંથી પસાર થવું પડે છે. જે ડરી જાય છે તે અહીં જ રહી જાય છે. અને કોઈની સહાય કામ આવતી નથી. કોઈ પ્રકાશ મળવાનો નથી. વિજળીના પ્રકાશમાં જેને જોતાં આવડે તે જ આ જંગલ પાર કરી શકશે. વિજળીના અલ્પ અને ક્ષણિક પ્રકાશમાં જોઈ શકવાની ‘દષ્ટિ કેળવવી જોઈએ ‘દાતણ અગત્યનું નથી. ‘દષ્ટિ’ અગત્યની છે. આ પ્રથમ પાઠ છે.”
માનવજીવન ચંચળ છે. વિજળી જેવું. પણ તેમાં પ્રકાશ છે ભલે ન જેવો. એ પ્રકાશ જોવા માટે પૂરતો છે. સતત બીજા પ્રકાશના સહારે રહેનારા વિજળીના પ્રકાશનું મૂલ્ય નથી સમજી શકવાના. અલ્પતમ પ્રકાશમાં પણ જોવાની ‘દષ્ટિ એ માનવભવની અગત્યતા છે.
ચપલા ચમકાર જિમ ચંચળ, નરભવ સૂત્ર બતાયા; અંજલિ જલ સમ જગપતિ જિનવર, આયુ અથિર દરસાયા.
વિજળીના ચમકારા જેવું ક્ષણિક આપણું જીવન છે ૬૦-૭૦-૮૦ વરસનો સમય અનંતકાળની સામે આંખના એક પલકારા જેવો છે. ભૂતકાળમાં જેટલી યાત્રા આપણે કરી છે તેની તુલનામાં ૬૦ કે ૭૦ વરસનો કાળ સમુદ્રની સામે એક ટીપાં જેવો છે. સપનામાં માણસ થોડી ક્ષણોમાં કેટલાંય જીવન પસાર કરી દે છે. એવું જ આ જીવન છે. આપણને એ સમય દીર્ઘ લાગે છે પણ ૬૦-૭૦ વરસના કાળની વિશાળ અનંત કાળચક્રમાં કોઈ ગણના નથી.
જે દિવસથી જીવનનો પ્રારંભ થાય છે તે જ દિવસથી મરણનું કાઉંટ ડાઉન શરૂ થઈ જાય છે. જે દિવસે જન્મ થાય છે તે દિવસથી જ કબર ખોદવાની ચાલુ થઈ જાય છે. જીવનના રૂપે કોઈ નવી ક્ષણો નથી મળતી મળી ગયેલી ક્ષણોનો વિનાશ શરૂ થઈ ચૂક્યો છે. જેમ જેમ દિવસો વીતે છે માણસ મૃત્યુની નજીક સરકતો જાય છે.
હાથમાં રહેલો બરફનો ચોસલો પીગળતો જાય છે તેમાંથી પાણી બનતું જાય છે તેનું એક એક ટીપું જમીન પર પડતું જાય છે. એક ક્ષણ એવી આવે છે ચોસલો બરફ પૂરેપૂરો પીગળી જાય છે પાણી હાથમાંથી સરી જાય છે અને હાથ ખાલી રહી જાય છે. શ્રી આનંદઘનજી મહારાજાએ આ જ વાતને બીજી રીતે રજૂ કરી છે.
પાની બિચ પતાસા
પાણીમાં રહેલું પતાસું પીગળવાનું જ છે. ગરમીમાં પીગળતા બરફની ચોસલાની જેમ, પાણીમાં પીગળી રહેલા પતાસાની જેમ જીવનની બહુ મૂલ્ય ક્ષણો મોત તરફ ગતિ કરી રહી છે. એક તો બહુ થોડી ક્ષણો મળી છે. જે મળી છે તે પણ ઝડપથી મૃત્યુના ધરાતલ પર રેલાઈ રહી છે. તેમાં પણ માનવી લગભગ મોટાભાગની ક્ષણો ઉંઘમાં અને સપનામાં વીતાવે છે. પ્રકાશની ક્ષણો અંધકારમાં વીતે, જાગૃતિની ક્ષણો સપનામાં વીતે એ ઓછી કમનસીબી છે ?
યૌવન સંધ્યારાગરૂપ ફુનિ, મલમલિન અતિ કાયા; વિણસત જાસ વિલંબ ન પંચક, જિમ તરુવર કી છાયા.
મનોવિજ્ઞાન કહે છે–સપનાંઓ વિચારધારાની નીપજ છે. માણસ જે વાત નશામાં ઉચ્ચારે છે અને સપનામાં જુએ છે તે તેણે પહેલા વિચારેલી જ હોય છે. વિચારોની બાબતમાં સહુથી મોટું સત્ય એ છે કે વિચારો કચારેય સ્થિર નથી હોતા. વિચારો બુદ્ધિથી જન્મે છે અને બુદ્ધિને એકમાત્ર આંખ છે સ્વાર્થની, બુદ્ધિ કાણી છે. બુદ્ધિ પાસે પરાર્થની બીજી આંખ પણ નથી અને પરમાર્થની ત્રીજી આંખ પણ નથી. સ્વાર્થની આંખ ક્યારેય સાચું દર્શન નથી પામતી. સ્વાર્થની આંખો ખોટું જુએ છે, સપનાં જુએ છે. સપનાં એટલે અસફળ સ્વાર્થો....એટલે જ સપનાં પણ સ્થિર નથી હોતા. આંખોમાંથી સ્વાર્થ હટાવવાથી જ સત્યનું દર્શન કરી શકશે.
યૌવન સંધ્યારાગરૂપ ફુનિ (નિશ્ચય)
સંધ્યા સમયે સૂરજ વાદળ સાથે રમત રમે છે અને વાદળોને અવનવી રીતે સજાવે છે, જેમ જેમ સૂરજ આથમતો જાય છે પ્રકાશના કિરણો બદલાતા
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૫
જાય છે. રંગછટાઓમાં પરિવર્તન આવતું જાય છે. નવાં નવાં દશ્યો સરજાતા જાય છે. વાદળા અસ્થિર છે. સૂરજ પણ અસ્થિર છે તો એ બંનેને રમતથી સર્જાનારા રંગો ક્યાંથી સ્થિર હોવાના ? જે ક્ષણે રંગ ઊઠે છે, તેની બીજી ક્ષણે તેની જગ્યાએ નવો રંગ આવી જાય છે, યૌવન સુદ્ધાં આ રંગની જેમ પલકમાં વિલાઈ જાય છે. યૌવનની ઉંઘ ધેરી હોય છે. સપનાં મજબૂત હોય છે. તેમાં સમય ક્યાં વીતી ગયો તેની ખબર પડતી નથી.
યૌવન જઈ રહ્યું છે કે યૌવન જતું રહ્યું એ વાત બુદ્ધિ ક્યારેય નહિ સ્વીકારે. તેમાં બુદ્ધિનો સ્વાર્થ ઘવાશે. યૌવન કરમાય તેનો મતલબ કે નિવૃત્તિની તૈયારી થઈ. બુદ્ધિને નિવૃત્તિ જરા પણ ફાવતી નથી. એટલે માનવીને જાણી જોઈને ઊંધી દિશામાં ફેરવે છે. ૬૦ વરસની ઉંમરના માનવીને કોઈ ‘કાકા’ કહીને બોલાવે તો તેને ગમતું નથી, તરત કહેશે ‘સમી તો મેં નવાન હૂં' આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, સીધા ચાલી શકાતું નથી. જમીન પર બેસી શકાતું નથી. ખાવાનું પચતું નથી, દાંત તૂટી ગયા છે. મગજની બેટરી ડાઉન થઈ ગઈ છે ને ‘અભી તો મૈં નવાન હૂં. ૬૨ કે ૬૫ વરસના વૃદ્ધો પણ જવાનીના સપનાં જુએ છે. શરીરને જુવાનની જેમ સંભાળે છે. ચટાપટાવાળાં કપડાં પહેરે છે, માથે ડાઈ લગાવે છે. મોઢાંમાં ચોકઠું બેસાડે છે. શરીર થાકી જાય ત્યારે ન છૂટકે બદલાવું પડે છે, છતાં જુવાની ટકાવવાના કે જુવાન દેખાવાના પ્રયત્નો અટકતાં નથી.
મલ મલિન અતિ કાયા....
માણસને સહુથી વધુ ભ્રમ યૌવનનો છે અને સહુથી વધુ પ્રેમ શરીરનો છે. યૌવનને ટકાવવા અને શરીરને સજાવવા માણસ સહુથી વધુ મહેનત કરે છે. જે યૌવન ઝંઝવાતની ઝડપથી પસાર થઈ જાય છે; જે શરીર તમામ પ્રકારની ગંદકીની ઉત્પત્તિ ભૂમિ છે; તેની પૂજામાં આદમી નિરંતર રત રહે છે.
શરીરને સારું દેખાડવા તેને રોજ સાફ કરવું પડે છે. પરસેવો ન થાય માટે પાવડર લગાવવો પડે છે. છતાં ય પરસેવો તો થાય જ છે તેની દુર્ગંધ બીજા સુધી ન પહોંચે તે માટે ડીયોઽૉરન્ટ લગાવવું પડે છે. શરીરની
૧૬
સાથે રહેવાથી કપડામાં પણ દુર્ગંધ ઉઠે છે તેને અટકાવવા સૅન્ટ, પરફ્યુમ, લગાવવાના. મોઢાં પર ખાડાટેકરાં ન દેખાય માટે જાતજાતની ક્રીમો, માથામાં તેલ ન નાખો તો વાળ ધોળા થઈ જાય છે. અરે ! ટાલ પડવા માંડે છે. ખોરાક વગર નબળું પડી જાય છે. ખોરાક મળે તો તેનો કચરો થાય છે. આ બધાનો મતલબ એ જ છે કે - તે ગંદું છે. જ્યાં જુઓ ત્યાં મલિનતા છે. કાનમાં મેલ, આંખમાં મેલ, નાકમાં મેલ, મોઢામાં મેલ, નખમાં મેલ, બીજી કેટલીય જગ્યાએ મેલ, મેલ, ને મેલ. મલિનતા સિવાય આ શરીરમાં કંઈ નથી. છતાં બુદ્ધિને આ શરીરનું સૌંદર્ય જ દેખાય છે. શરીરની ભીતર અદશ્યપણે વહેતા ચેતનાના સ્રોતનો વિચાર નથી આવતો. ચેતનાના સૌંદર્ય સામે જગતનું તમામ સૌંદર્ય ફીક્કું છે. તે તરફ નજર જાય તો બુદ્ધિના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો થાય. કારણ કે ચેતનાના સૌંદર્યને આ શરીર સાથે સંબંધ નથી અને બુદ્ધિને તો શરીરનું સૌંદર્ય જ દેખાય છે. બુદ્ધિ શરીરની સહધર્મિણી છે. શરીર સાથે આવે છે શરીર સાથે જતી રહે છે.
વસ્તુતઃ બુદ્ધિ અને શરીર બન્નેની આધારશિલા ચેતના જ છે. ચેતના વિના બન્નેનું અસ્તિત્વ કલ્પવું મુશ્કેલ છે. ચેતનાની સહાય વિના શરીરનું સૌંદર્ય પણ અસંભવિત છે. ઉપરથી ચેતના વિના શરીર કદરૂપું બની જાય છે. ચેતનાના સહયોગ વિના શરીરનું સૌંદર્ય કેવું ? અને શરીરની ક્ષમતા પણ શું છે ? અમુક હદથી વધારે ઠંડી કે અમુક હદથી વધારે ગરમી શરીર સહન કરી શકશે નહીં તરત જ વિક્રિયાઓ ઉત્પન્ન થશે અને એક હદ એવી આવે છે કે તે નાશ પામે છે તેનો કોઈ ઉપાય નથી.
વાસનાની પ્રબળતાના કારણે જ અસ્થિર યૌવન સ્થિર લાગે છે અને મલિન કાયા રૂપાળી લાગે છે. વાસનાના આ અંધાપાને ટાળવાનું અનુપમ સૂત્ર શ્રી ચિદાનંદજી મહારાજ આપી રહ્યા છે - મૃત્યુનું ચિંતન કરો.’
મૃત્યુનું નામ સાંભળતા જ માણસ ગભરાય છે. જેનાથી માનવી ગભરાય છે તેના વિશે વિચારવાનું છોડી દે છે. મૃત્યુના ગભરાટને ટાળવાનો રસ્તો જ એ છે કે તેની સત્યતાને સ્વીકારી તેના પર વિચાર કરો. મૃત્યુનો વિચાર કરવાથી ભય ટળે છે. ભય અને વિચાર કદિ એક સાથે રહી શકતા નથી. મૃત્યુનો ભય જાય તે ક્ષણે જ સત્યના કિરણો પ્રગટવા માંડે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૭
વાસ્તવિકતાઓનો ખ્યાલ આવે છે અને તેથી આકર્ષણની સમાપ્ત થાય છે. આકર્ષણ સમાપ્તિ જાગૃતિની ક્ષણ છે.
આકર્ષણ તૂટે છે ત્યારે વાસનાઓ છૂટે છે. વાસનાઓની મુક્તિ સપનાંઓથી મુક્તિ છે. સપનાંઓથી મુક્તિ સત્યનું પ્રવેશદ્વાર છે.
વિલસત જાસ વિલંબ ન રંચક, જિમ તરુવરની છાયા.
ઝાડના છાંયડા નીચે વિરામ મળે પણ એ વિરામ શાશ્વત નથી હોતો. સૂરજ દિશા બદલે છે વૃક્ષ સ્થિર રહે છે તેને કારણે છાયાની દિશા બદલાયા કરે છે. વૃક્ષની છાયા ભલે પોતાની છે પણ છાયા પર વૃક્ષનો કાબૂ નથી. સૂરજ ધારે તે દિશામાં જ છાયા જાય છે અને છાયા સૂરજની વિરોધી દિશામાં જ હોય છે.
આ શરીર, આ યૌવન આપણને ભલે વિશ્રામરૂપ લાગે પણ તેની છાયા પર બીજાનો કંટ્રોલ છે. જે બીજાનું છે તે ક્યારેય શાશ્વત નથી. આ સંસારનું એક જ સત્ય છે - કાં તો છાયા પાછળ દોડતા રહો કાં તો તાપ સહન કરો. બન્ને બાજુ નુકસાન છે.
વિણસત જાસ વિલંબ ન રંચક, જિમ તરુવરની છાયા.
સરિતા વેગ સમાન જ્યં સંપતિ
સંસ્કૃત ભાષામાં નદી માટે એક શબ્દ છે - ‘નિમ્નગા’, જે નીચેની તરફ ગતિ કરે છે. નદી હંમેશા ગતિ કરે છે અને તે ગતિ નીચાણવાળા ભાગ તરફ હોય છે. સ્થિરતા નદીને ફાવતી નથી. સંપત્તિ નદીના પ્રવાહ જેવી છે સતત ગતિશીલ અને નિમ્નગા...નદીની જેમ જ સંપત્તિને પણ સ્થિરતા માફક નથી આવતી. બન્નેને ઝડપ અને વેગ ગમે છે. બીજાના હાથમાંથી છટકી જવું તેમનો સ્વભાવ છે. ઝડપના સહારે છટકી જ્યું, સમસમીને ઊભી રહેલી વ્યક્તિઓને જોઈને ખુશ થવું ગમે છે. આવતા પહેલા સંતાપ, આવ્યા પછી અસંતોષ અને ગયા પછી પીડા આપવી લક્ષ્મીનો કુળધર્મ છે. લક્ષ્મી આવતી હોય ત્યારે સારી લાગે જતી હોય ત્યારે નહિ. લક્ષ્મી આવે તો સુખ થાય છે જાય તો દુઃખ.
૧૮
બીજી વાત, માનવીએ સહુથી મોટામાં મોટી ભૂલ એ કરી છે કે પૈસા સાથે સુખનો સંબંધ જોડી દીધો છે. પૈસાનો સંબંધ સુવિધાઓ સાથે છે, સુખ સાથે નથી. સુવિધાઓ જડ જગત સાથે સંકળાયેલી છે. સુખ આંતર જગત સાથે સંકળાયેલું છે. પૈસાથી સુવિધાઓ ખરીદી શકાય છે. સુખ મેળવી શકાતું નથી. સુખ ખરીદી શકાતું નથી. સુખ ખરીદીની ચીજ નથી. પૈસા દ્વારા મીઠાઈ મેળવી શકાય. તેનો સ્વાદ કરી શકાય તેવી અનુકૂળતા મળી શકે. પણ જો ડાયાબીટીસ હોય તો તે અનુકૂળતાઓ જ ઝેર સાબિત થવાની છે. પૈસાથી સુખનાં સાધનો મળી શકે, સુખ ન મળી શકે.
‘જેમ જેમ સાધનો વધારે તેમ તેમ સુખ વધારે. સુખી થવા સાધનો વધારો અને સાધનો વધારવા પૈસા વધારો.' આ સમીકરણ ખોટું છે. શ્રીમંત હોવું અને સુખી હોવું એ જુદી જુદી વસ્તુઓ છે. શ્રીમંત માણસ સુખી જ હોય એ ભ્રમમાં રહેવા જેવું નથી તે પણ દુ:ખી જ હોય છે. ગરીબ માણસોના દુ:ખ ગરીબ હોય છે અને શ્રીમંત માણસોના દુ:ખ શ્રીમંત હોય છે. આટલો જ ફરક છે. માત્રામાં ફરક છે, દુઃખમાં નહિ. પૈસા દ્વારા સુખ મળતું નથી ઉપરથી પૈસા સાથે આવતા દુઃખો ઉમેરાય છે.
પૈસા વિષે બીજું સત્ય એ છે કે - પૈસાનું મૂલ્ય કુદરતી નથી. પૈસાનું મૂલ્ય માનવીએ નક્કી કર્યું છે. કુદરતમાં પૈસાનું મૂલ્ય કંઈ જ નથી કુદરતમાં પ્રાણનું મહત્ત્વ છે, ચેતનાનું મહત્ત્વ છે. કુદરતમાં પથ્થર અને હીરાનું મૂલ્ય સરખું છે. સોનું અને માટી બન્નેનું મૂલ્ય સરખું છે. મોતી અને છીપનું મૂલ્ય એક છે. હીરાની-સોનાની-મોતીની મૂલ્યવત્તા માણસે નિર્ધારિત કરી છે. કુદરતે ફૂલોને-વૃક્ષોને સુગંધને અને સહુથી વધારે ચેતનાને મૂલ્યવત્તા અર્પી છે. પૈસાની મૂલ્યવત્તા શૂન્ય છે. એક કવિએ આ વાત સરસ રીતે રજૂ કરી છે.
જેમ જેમ
પૈસા વધતા જાય છે
તેમ તેમ
શૂન્યતા
Page #14
--------------------------------------------------------------------------
________________
વધતી જાય છે જુઓ ૧૦૦૦, ૧૦,૦૦૦, ૧,૦૦,૦૦૦, ૧,૦૦,૦૦,૦૦,
ચેતનાની સામે પૈસાની મૂલ્યવત્તા (વેલ્યુએશન) શૂન્ય છે અને શૂન્યને વધારવાથી કોઈ ફાયદો નથી. વરસોથી માનવી શુન્યને વધારવાના પ્રયત્નો કરે છે. શૂન્ય વધી જાય તો પણ કિંમત તો વધતી નથી. શ્રી ચિદાનંદજી મહારાજાએ સાવ સાચું કહ્યું છે. આખું જગત સ્વપ્નમાં છે.
સરિતા વેગ સમાન સંપતિ, સ્વારથ સુત મિત જાયા; આમિષ લુબ્ધ મીન જિમ તિન સંગ, મોહજાળ બંધાયા.
મનની રિક્તતાને પૂરવાનો ઉપાય માનવી સર્વપ્રથમ પ્રિયપાત્રમાં શોધે છે. પૈસા તો બહુ પાછળથી આવે છે અને તમામ પ્રિયપાત્રો કરોળિયા, જેવા છો. તે લોકોએ વરસોથી સંબંધોના જાળા બિછાવેલા છે. એ જાળાઓના ગુંચળા એટલા બધાં ગાઢ છે કે ક્યું જાળું કોનું છે ? તે શોધી ન શકાય. કરોળિયાને જાળમાં પોતાની સુરક્ષા જણાય છે પણ એ જાળ જ એની જિંદગીભરની કેદ બની જાય છે. પોતે જ ઊભાં કરેલા સ્વાર્થના એ જાળામાં કરોળિયો પોતે જ શિકાર બની જાય છે. નવો આવેલો કરોળિયો મુક્ત ન બની બેસે એ માટે જૂનાં કરોળિયાઓ તેની આસપાસ પણ જાળ વીંટી દે છે. તેને પણ જાળ બનાવતા શીખવી દે છે.
કરોળિયાની જેમ જ માનવી જાળમાં ફસાયેલો છે. સંબંધોની જાળ, પ્રિયપાત્રની જાળ. અને તમામ સંબંધો, તમામ પ્રિયતા સ્વાર્થના પાયા પર જ ઊભાં રહે છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સંબંધ પણ પૂરા થાય છે. છતાં માનવીને એક આશ્વાસન રહ્યા કરે છે કે - મારા મનની રિક્તતા આ પ્રિયપાત્રો જરૂર દૂર કરશે. માતા દૂર કરશે કે પિતા દૂર કરશે. ભાઈ કે બહેન દૂર કરશે. વરસો સુધી રાહ જોવા છતાં કોઈ કંઈ જ કરી શકતું નથી. ત્યારે પરાયા તરફ નજર દોડે છે. માણસ પત્નીમાં રિક્તતા દૂર કરવાનો ઉપાય શોધે છે, મળતો નથી. મિત્રોમાં શોધે છે, નિષ્ફળતા મળે છે. કોઈ આપણી રિક્તતાને દૂર કરી શકવાનું નથી કેમકે તેઓ જ ખાલી છે. રિક્તતા
દૂર કરવા માણસ પૈસા પાછળ દોડે છે. પદ કે પ્રતિષ્ઠા પાછળ દોડે છે. એ જ નિષ્ફળતા મળે છે. અંતે પુત્ર કે પુત્રી તરફથી અપેક્ષા રાખે છે તે પણ પૂર્ણ થતી નથી અને જીવન પૂર્ણ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ વિના ભીતરની તરસ એવી જ રહે છે. મન ભરાતું નથી છતાં પોતાની જાળને ખોટી માનવા એ તૈયાર નથી. મન વિચારે છે કે હજી પણ કોઈ રિક્તતાને પૂરી કરી આપે...આ આશામાં જ આદમી બંધાયેલો રહે છે.
આમીષ લુબ્ધ મીન જિમ તિન સંગ,
‘કાંટામાં ફસાયેલો માંસનો ટૂકડો મને મળી જશે. કાંટો અડે પણ નહિ તે રીતે હું માંસ કાઢી લઈશ. જાળમાં સપડાઈશ નહિ” આ બાલિશ વિચાર માછલીને જાળમાં ફસાવે છે. માછલીને કોણ ફસાવે છે. જાળ ? નહિ. માછલીને પોતાનો વિચાર ફસાવે છે. લોભ-લાલચને કારણે આવેલો અંધાપો ફસાવે છે..
આગમોમાં બોધકથા છે. એક સરોવરમાં ત્રણ માછલી હતી. આમ તો ઘણી માછલીઓ હતી પણ આ ત્રણ માછલીઓ હોંશિયાર હતી. તે મનુષ્યની ભાષા સમજી શકતી. મનુષ્યની જેમ વિચારી શકતી. એક વાર એ સરોવર પાસેથી માછીમારો નીકળ્યા. સરોવરમાં ઘણી માછલીઓ જોઈને જાળ નાંખવાનું વિચાર્યું. પણ મોડું થતું હોવાથી બીજે દિવસે આવવાનો નિર્ણય કરી માછીમારો જતા રહ્યા. ત્રણ માછલીઓમાંની એક માછલીએ આ વાત સાંભળી લીધી અને પોતાની બે મિત્ર માછલીઓને કહ્યું, “કાલે આ જાળ અહીં પડશે. આપણે ફસાઈ જઈશું આજે જ આપણી વ્યવસ્થા કરી લઈએ.” બીજી માછલી જરા વધારે બુદ્ધિશાળી હતી. તેણે કહ્યું ‘તને વાતવાતમાં ભય ઊભો કરવાની ટેવ પડી ગઈ છે. કોણે જોયો છે માછીમાર ? માછીમાર હશે તો એ કાલે અહીં આવશે જ એ વાત નક્કી છે? આવશે તો જાળ નાખશે જ એ નક્કી નથી. જાળ નાખશે તો આખા સરોવરમાં નાખશે ? કોઈ એક ખૂણામાં નાખશે. વચ્ચે તો નહિ જ નાંખે. જાળ પડશે તો આપણી ઉપર પડશે એ નક્કી નથી અને પડે તો પણ ફાયદો જ છે. મફતમાં માંસના ટુકડાં ખાવા મળશે. કાંટામાં તારાવેલું માંસ ખાઈને છટકી જવાનું. ભાગવાની શી જરૂર છે. તે પલાયનવાદી છે તને મરવાના
Page #15
--------------------------------------------------------------------------
________________ 22 જ વિચાર આવે છે. મરવાના વિચાર કરી તે ચોવીસ કલાક દુ:ખી રહેવાની છે. આવતીકાલ સુધારવા આજ બગાડવાની મૂર્ખામી મને જરાપણ પસંદ નથી. કાલની વાત કાલે. આજે મોજ કરી લો.” આટલું કહીને તે તો નીકળી ગઈ. બે માછલી રહી ગઈ. જે સમાચાર લાવી હતી તે માછલીએ બીજી માછલીને કહ્યું, ‘જતી રહી. આજકાલ મીઠું જરા વધારે ખાતી લાગે છે. હું તો આજે જવાની છું. તારો શું વિચાર છે ?' બીજી માછલીની માનસિક સ્થિતિ ડામાડોળ હતી. તેને બન્નેની વાત સાચી લાગે છે. પહેલી માછલીની વાત સાંભળી ભાગી જવાનું મન પણ છે. અને બીજી માછલીની વાત સાંભળી મજા કરવાનું પણ મન છે. આજની મોજનું આકર્ષણ છે અને કાલના મૃત્યુનો ભય પણ છે. મોજનું આકર્ષણ વધારે છે. કેમ કે તે તાત્કાલિક છે. પેલી માછલીએ કહ્યું, ‘તારું મન આવવા માટે તૈયાર લાગતું નથી. પણ મારી વાત તું સાંભળે એવી છે તેથી કહું છું. કાલનું ભવિષ્ય મને દેખાય છે. અહીં રહેનારી બધી માછલીઓ સપડાવાની છે. માછીમાર કાંટાવાળી જાળ નાંખશે તેમાં માંસના ટૂકડાં હશે તે ટૂકડાં ખાવા જતાં ગળામાં કાંટો ભરાઈ જશે. અને જાળ તો છે જ. તે માછીમારો તમને પાણીની બહાર કાઢશે. પાણી વિના તમે જીવશો કેવી રીતે ? પકડાવાનું નક્કી જ છે છતાં એક ઉપાય કહું છું. જો તું જાળમાં ફસાઈ જાય તો મરી જવાનો ઢોંગ કરજે. મરેલી માછલીને તેઓ નથી પકડતા. તે લોકો ચાલ્યા જાય પછી પાછી આવતી રહે છે. ચાલ ત્યારે આવજે.' આટલું કહીને પહેલી માછલી નીકળી ગઈ. બીજે દિવસે જે થવાનું હતું તે જ થયું. બધી માછલીઓ પકડાઈ ગઈ. મરી જવાનો ઢોંગ કરીને એક માછલી બચી ગઈ. પાછી સરોવરમાં ગઈ. તેણે ઘણી શોધ કરી પણ સાચી સલાહ આપનારી માછલી તેને મળી, નહિ. સપનાંની સૃષ્ટિના ભયાનક પરિણામોથી બચવાનો ઉપાય છે - યા તો તેને છોડી દો યા તો તેને માટે નકામા બની જાઓ. પોતાની સ્વાર્થપૂર્તિમાં જે નકામા છે તેને સંસાર જ ફેંકી દે છે. જે લાલચમાં રહે છે તેને ફસાવાનું નક્કી જ છે. એ સંસાર અસાર સાર પિણ, તેહમેં ઇતના પાયા; ચિદાનંદ પ્રભુ સુમિરન સેતિ, ધરીયે નેહ સવાયા. સંસારની તમામ કાલ્પનિક સમસ્યાઓનો ઉકેલ એક જ છે - સંસારને સત્ય માનવાનું છોડી દો. સ્વપ્ન માનવાનું ચાલુ કરી દો.” સ્વપ્નને છોડો સત્યને પકડો, જાગવાનો આ એક માત્ર ઉપાય છે. સતત એ વાતનું સ્મરણ કરી - ‘રે નર ! જગ સપને કી માયા” ‘હું સપનાંઓના નહિ પણ સત્યના માર્ગનો મુસાફર છું.’ ‘હું વાસનાનો નહિ પણ ઉપાસનાની કેડીએ ચાલનારો યાત્રી છું' આ વાતનું સ્મરણ જાગૃતિનો ઉપાય છે. આ સ્મરણ જ પરમાત્મપદ સુધી લઈ જાય છે. આપણી સુષુપ્ત અવસ્થા આપણો શત્રુ છે, જાગૃત અવસ્થા આપણી મિત્ર છે અને મુક્ત અવસ્થા આપણું લક્ષ્ય છે. સંસારનું વિસ્મરણ અને સત્યનું સ્મરણ મુક્તિનું પ્રથમ સોપાન છે. સત્યનું સ્મરણ એ જ પ્રભુનું સ્મરણ છે. જે ઘડીએ સ્વપ્નનું વિસ્મરણ થાય છે તે ઘડી સાક્ષાત્કારની ઘડી છે. ઉપલબ્ધિની ક્ષણ છે, પ્રકાશનું આગમન છે. તે જ પ્રાપ્ય છે, તે જ ઉપાસ્ય છે. ચિદાનંદ પ્રભુ સુમિરન સેતિ, ધરિયે નેહ સવાયા.