________________
અટકી ત્યાં વિજળી બુઝાઈ જાય છે. માનવભવ વિજળીના ચમકાર જેવો છે કયારેક જ મળે અને હજી જોયો ન જોયો, હજી તો જમ્યા, હમણાં જ મોટા થયા કમાતા થયા, વૃદ્ધ થયા અને મરી ગયા. ક્ષણ બે ક્ષણમાં તો જીવન પસાર થઈ જાય છે. માનવભવની વાસ્તવિકતા આ છે. તેની પ્રાપ્તિ પણ દુર્લભ છે અને સ્થિતિ પણ દુર્લભ છે. એક તો મળવો મુશ્કેલ અને મળ્યા પછી નિર્વિઘ્ન ચાલે તો પણ ક્ષણ બે ક્ષણનું આયુષ્ય...બસ ! ૬૦-૭૦-૮૦ વરસમાં ખેલ ખતમ.
માનવભવને વિજળીની ઉપમા આપી છે તે ઘણી સાર્થક છે. વિજળી ભલે સહેલાઈથી જોવા ન મળે, ભલે ક્ષણભર રહે, ઝાઝું ટકે નહિ પણ એટલા સમય માટે પણ પ્રકાશ તો આપે જ; ચમકે તો ખરી જ. સૂરજ પણ જયારે ઢંકાઈ જાય ત્યારે વિજળી પ્રકાશ આપે છે. ભલે એક ક્ષણ માટે પણ પ્રકાશનું મહત્ત્વ છે અને એ વિજળીના પ્રકાશમાં જેને જોવાની કળા આવડી જાય તેનું કામ થઈ જાય.
પુરાણા કાળની કથા છે. એક ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા. પુરાણા કાળમાં આજની જેમ માત્ર પાંચ અભ્યાસ કલાક ભણીને ઘરે પાછા જતા રહેવાની પ્રથા ન હતી. પૂરો બ્રહ્મચર્યકાળ ગુરુકુળમાં જ વીતાવવાનો રહેતો અને ગુરુકુળમાં પ્રવેશ માટે યોગ્યતા સાબિત કરવી પડતી. તે માટે પરીક્ષાઓ પણ લેવાતી. ગુરુકુળના આચાર્ય વિદ્યાર્થીઓને કહ્યું, ‘આજે તમારી પરીક્ષા છે, તૈયાર રહેજો .’ આચાર્યે રાત્રે સહુ વિદ્યાર્થીઓને એકત્રિત કર્યા. ફાનસ લઈને ગામ બહાર અજાણી જગ્યાએ લઈ ગયા અને કહ્યું, ‘જુઓ ! ગુરુકુળની સીમા અહીં પૂરી થાય છે. અહીંથી જંગલ શરૂ થાય છે. વેરાન જંગલ છે. હિંસ પશુઓ છે. ઝેરી જાનવર છે. વાઘ-દીપડા-સાપ-વીંછી બધું જ છે. આ જંગલમાં તમારે જવાનું છે. તે પણ પ્રકાશ વગર, આ ફાનસ લઈને હું પાછો જવાનો છું. તમારે જંગલમાં લીમડાનું ઝાડ ગોતીને તેનું દાતણ લાવવાનું છે. એક જ લીમડો છે અને ધ્યાન રાખજો. આગળ ક્યાંક કૂવો છે. ઊંડો છે અને પાળ વગરનો છે. પડી ન જવાય જેનામાં હિંમત હોય તે જાય. ન હોય તે મારી સાથે પાછા આવી શકે છે.' આટલું કહીને આચાર્ય પાછું ફરીને ચાલવા માંડ્યું.
ચારે બાજુ અમાસની રાત્રિનો ઘોર અંધકાર, આકાશમાં ઘેરાયેલા વાદળા અંધકારને વધુ ઘોર બનાવે છે. પોતાનો હાથ પણ દેખાતો નથી તો લીમડાનું ઝાડ કેવી રીતે દેખાશે ? વળી ભય છે–હિંસ પશુઓ, ઝેરી જાનવર, વાઘ-દીપડા-સાંપ-વીંછી, હમણાં વરસાદ પડશે. વાદળાં છે, વિજળી ચમકે છે. પાછો કૂવો છે. આગળ ભય જ ભય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને ગયા જ નહિ. ત્યાંથી જ પાછા વળી ગયા. બે-ચાર જણ હિંમત કરીને ગયા પણ છ-સાત ડગલાં ચાલીને તે પણ પાછા વળી ગયા. માત્ર એક શિષ્ય ગયો. મોડી રાત્રે દાતણ લઈને પાછો આવ્યો. સવારે આચાર્યએ બધા શિષ્યોને એકત્રિત કર્યા અને કહ્યું, ‘આ હિંમતવર દાતણ લઈ આવ્યો છે.” બધાંને જિજ્ઞાસા થઈ ‘કેવી રીતે લાવ્યો ?' આચાર્યએ કહ્યું ‘નિવેદન કરો.”
શિષ્ય કહ્યું ‘ગુરુદેવ ! માત્ર આપની કૃપાથી. પહેલાં તો સહુની જેમ મને પણ ડર લાગ્યો કારણ ડગલે ને પગલે મૃત્યુનો ભય હતો. રસ્તો દેખાતો ન હતો પણ એક શ્રદ્ધા હતી કે આચાર્યશ્રીએ કહ્યું હશે તો કંઈક કારણ હશે. એક સાધારણ લીમડાના દાતણ માટે શિષ્યનો જાન જોખમમાં મૂકે તેવા નાદાન તો આચાર્ય ન જ હોય. છતાં આચાર્યશ્રીએ કહ્યું છે. એ દાતણમાં કંઈ વિશેષ હશે, વધુમાં વધુ શું થશે યા તો હિંન્ને પશુ હુમલો કરશે યા તો સાપવીંછી કરડશે યા તો કુવામાં પડી જવાશે એટલું જ ને ? તેથી શું ? હું મરી જઈશ એટલું જ ને ? બીજા માટે આ સંસારમાં ઘણી વાર મર્યો છું. એક વાર ગુરુના વચન માટે મરીશ તો મરવું પણ સાર્થક બનશે. આ વિચારણાએ મને ગજબની હિંમત આપી. ભય ટળી ગયો. ભય ટળ્યો એટલે આપોઆપ રસ્તો ખૂલી ગયો અને શું વાત કરું ? જયાં કંઈ જ દેખાતું ન હતું ત્યાં થોડું થોડું દેખાવા માંડ્યું. ચારે કોર અંધારું હતું. પ્રકાશનું એક જ સાધન હતું–આકાશની વિજળી. તેમાં આગળનો રસ્તો જોવાનો યત્ન કર્યો. શરૂમાં તો તકલીફ પડી. બહુ ઓછું દેખાતું. પણ થોડા જ અભ્યાસથી આખો રસ્તો ખૂલી ગયો. ન કૂવો, ન સાપ, ન વીંછી ન ભય...બસ ! આપની કૃપાદૃષ્ટિનું પરિણામ.'
આચાર્યે કહ્યું, ‘શિષ્યો ! દાતણનું કોઈ મૂલ્ય નથી. દાતણમાં કોઈ